ચામાં દૂધને બદલે છાશ નાખી દીધી હોય તો કઈ વરાઇટી બને?

15 January, 2020 05:12 PM IST  |  Mumbai | Rashmin Shah

ચામાં દૂધને બદલે છાશ નાખી દીધી હોય તો કઈ વરાઇટી બને?

કિચન-ક્વીન ઃ આત્મનિર્ભર હોવાનો અર્થ માત્ર આર્થિક આઝાદી પૂરતો જ સીમિત રાખવાને બદલે ફૂડની બાબતમાં પણ એને લઈ જવો જોઈએ એવું રાગિણી શાહનાં મમ્મી માનતાં અને હવે રાગિણીબહેન પણ દૃઢપણે માને છે.

રાંધો મારી સાથે

આ સવાલનો જવાબ આજે પણ ગુજરાતી રંગભૂમિ અને હિન્દી સિરિયલનાં ઍક્ટ્રેસ રાગિણી શાહ શોધે છે. નાનપણમાં કરેલો આ ગોટાળો જોઈને એ સમયે તો મમ્મી બહુ વઢ્યાં હતાં, પણ પછી બધાં સાથે બેસીને પેટ પકડીને હસ્યાં પણ હતાં. રાગિણીબહેનનાં મમ્મી કહેતાં કે આર્થિક રીતે પગભર થવું એ જ આત્મનિર્ભરતા નથી, જે ખાવું હોય એ ખાવાનું બનાવવાની ક્ષમતા કેળવવી એ પણ આત્મનિર્ભરતા છે. આવી તો અનેક કિચનની વાતો તેમણે રશ્મિન શાહ સાથે શૅર કરી છે જે તેમના જ શબ્દોમાં વાંચો

મને આજે મારી કુકિંગ કળાની વાત કરવાની તક મળી, થૅન્ક્સ ‘મિડ-ડે’. થૅન્ક્સ એટલા માટે કે મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે ઍક્ટ્રેસ હોઈએ એટલે આપણે ઘરમાં કામ ન કરીએ કે પછી રસોઈ ન બનાવીએ, પણ એવું નથી હોતું. ઍટ લીસ્ટ મારા કેસમાં તો એવું નથી જ નથી. નાટક કે સિરિયલના કામસર હું ઘરે ન હોઉં તો નૅચરલી રસોઈ બનાવી ન શકાય, પણ હું ઘરમાં હોઉં ત્યારે બધું કામ હું જ કરું અને મારી જાતે જ કરું. તમે માનશો નહીં પણ મારા ઘરમાં નિયમ છે, મારે રજા હોય એ દિવસે ઘરમાં મહારાજને પણ રજા હોય. એવું નહીં કે માંડ મહિનામાં એક દિવસ મળ્યો છે તો એ દિવસે હું આરામ કરું. ના, બિલકુલ નહીં. એ દિવસે ઘરમાં રસોઈથી માંડીને બધાં કામ હું કરું.

મને ગુજરાતી, પંજાબી અને મહારાષ્ટ્રિયન ફૂડની સાથોસાથ ચાઇનીઝ, થાઇ, લેબનીઝ અને કૉન્ટિનેન્ટલ ફૂડ બનાવતાં આવડે છે. જો મારી સ્પેશ્યલિટીની વાત કરું તો દરેક પ્રકારના બેક્ડ ફૂડમાં મારી માસ્ટરી છે. આ બધું મને આવડે છે એનું શ્રેય માત્ર ને માત્ર મારી મમ્મી પુષ્પાબહેન શાહને જાય છે. મમ્મી હંમેશાં કહેતાં કે આર્થિક રીતે પગભર થવું એ જ આત્મનિર્ભરતા નથી, જે ખાવું હોય એ ખાવાનું બનાવવાની ક્ષમતા કેળવવી એ પણ આત્મનિર્ભરતાની નિશાની છે. મમ્મીની આ વાત મને, મારી બહેનોને તો કામ લાગી જ પણ મારા ભાઈ સુધ્ધાંને બહુ કામ લાગી. તેણે પણ રસોઈ બનાવતાં શીખી અને આજે પણ તે બહુ સરસ રીતે કુકિંગ જાણે છે. હું કહીશ કે મમ્મીની આ વાત સૌકોઈએ સમજવી જોઈએ. આજના સમયમાં તો ખાસ, જ્યારે એજ્યુકેશન અને કરીઅર માટે પુરુષોએ પણ બહાર રહેવું પડતું હોય છે. કમ્પૅન્યનશિપની દૃષ્ટિએ પણ પુરુષોને કુકિંગ આવડતું હોય તો એની હકારાત્મક અસર રિલેશનશિપમાં દેખાયા વિના રહે નહીં.

મમ્મી પોતે ઍક્ટ્રેસ એટલે કામને કારણે તેમને બહાર રહેવાનું બને અને એવા સમયે અમારા બધાં માટે તે ઍક્ટિવિટી મૂકીને જાય કે જમવાનું બનાવતાં શીખવાનું. મોટે ભાગે એવું થતું કે મમ્મીની ગેરહાજરીમાં મારી મોટી બહેનને જ બનાવવાનું આવે, પણ મમ્મી એ વાતે પણ ખીજવાતી તો રસોઈ શીખવતી વખતે પણ મમ્મી વઢતી બહુ. મમ્મી વઢે એટલે રડવું પણ આવે અને મમ્મી કહે એ બધું કરવું પણ પડે, પણ એક વાત હું કહીશ કે જે કંઈ મમ્મીએ શીખવાડ્યું એ બધું આજે બહુ કામ આવે છે. નાની હતી ત્યારે મમ્મીએ એક વાર મને ભાત બનાવવાનું સોંપ્યું. ભાત મારાથી બળી ગયા એટલે પનિશમેન્ટમાં મારે એ બળી ગયેલા ભાત ખાવાના આવ્યા હતા. આવું મારી બીજી બહેનો સાથે પણ થયું છે. ચોખામાં કેટલું પાણી નાખવું કે ચોખાને કેટલો સમય ગરમ કરીને પાકવા દેવાના એ બધી ત્યારે ખબર નહોતી પડતી એટલે નૅચરલી ભૂલ થાય, પણ એ ભૂલ ક્યારેય ન થાય એનો રસ્તો મમ્મીએ આ રીતે કાઢી લીધો હતો. પણ આઇ મસ્ટ સે કે આજે મને બધી રસોઈ આવડે છે, જાતજાતનાં ક્વિઝીન્સ આવડે છે, ગુજરાતી ઉપરાંતનાં અમુક ફરસાણ અને મીઠાઈ પણ બનાવતાં આવડે છે અને એનું બધું શ્રેય માત્ર ને માત્ર મારી મમ્મીને જાય છે. મમ્મી પાસેથી શીખેલી પાકકલાને લીધે એવું પણ થાય કે બહાર જમવા માટે ગઈ હોઉં અને ત્યાંની કોઈ આઇટમ ભાવી જાય તો એ આઇટમની રેસિપી એના સ્વાદના આધારે જાતે નક્કી કરું અને આઇટમ ઘરે બનાવું અને સાચે જ બહુ પર્ફેક્ટ એ બને પણ ખરી.

નાનપણનો એક કિસ્સો મને યાદ આવે છે. એક વખત ઘરે મહેમાન આવ્યા અને મમ્મીએ મને ચા બનાવવાનું કહ્યું. હું તો રસોડામાં જઈને કામે લાગી ગઈ. દૂધ લીધું, ગરમ કર્યું, ખાંડ અને ચા નાખી દીધાં પણ ચા બને નહીં. થોડી વાર રાહ જોઈ પણ કંઈ બન્યું નહીં એટલે મેં એ જે મિશ્રણ હતું એ ઉતારી લીધું અને ફરીથી એ જ ઘટનાક્રમ આગળ વધારી ચા બનાવવાનું શરૂ કર્યું, પણ સેમ પ્રૉબ્લેમ. ચા બને જ નહીં. વાર લાગી એટલે મમ્મી રસોડામાં આવ્યાં, મને કહે કે ચા બનાવતાં આટલી વાર હોય?

જવાબ દેવાની તો ક્ષમતા હતી નહીં એટલે મમ્મીએ જાતે જ તપેલીમાં જોયું અને તપેલીમાં જોતાં જ તેમને એકઝાટકે સમજાઈ ગયું કે કેમ એટલી વાર લાગે છે. મારી સામે જોઈને મને કહે, ‘દૂધ ખલાસ થઈ ગયું છે કે છાશની ચા બનાવે છે?’

એ પછી મારું ધ્યાન ગયું કે દૂધ અને છાશનાં બન્ને વાસણ બાજુ-બાજુમાં હતાં અને હું ભૂલથી છાશ લઈ એની ચા બનાવતી હતી. છાશમાં જીરુંનો મસાલો પણ નાખ્યો હતો અને તો પણ ખ્યાલ ન આવ્યો કે એ દૂધ નથી, છાશ છે. એ દિવસે બધાં ખૂબ હસ્યાં અને મમ્મી વઢી પણ ખરી. આજે પણ આ કિસ્સો યાદ કરું છું તો હજી પણ હસવું આવે છે અને સાથોસાથ એ પણ સમજાય છે કે મમ્મીનો એક ઑર્ડર થાય કે તરત જ અમે કેવાં કામે લાગી જતાં. એ દિવસે મારા મનમાં એક પ્રશ્ન થયો હતો કે છાશમાંથી શું બન્યું હશે, પણ આ પૂછવાની મારી કોઈ હિંમત નહોતી ચાલી.

મમ્મી અમારી પાસે રોટલી બનાવડાવે અને મારી રોટલી ગોળ થાય નહીં એટલે મમ્મી બરાબરની વઢે. ગોળ રોટલી કેવી રીતે બનાવવી એનો રસ્તો અમને અમારાં નાની માલતીબહેન કાપડિયાએ શીખવ્યો હતો. નાની બહુ સ્માર્ટ્‍લી બધામાંથી રસ્તો કાઢવાનું અમને શીખવતાં. મને આજે પણ યાદ છે કે તે મમ્મીને રોકે કે ટોકે નહીં પણ અમને રસ્તો કાઢતાં શીખવે.

નાની સાયનમાં રહે, શનિ-રવિ અમે તેમને ત્યાં રોકાવા જઈએ. બાર-તેર વર્ષની ઉંમર હતી અને આગલા જ દિવસે મમ્મીએ ગોળ રોટલી માટે મને બરાબર વઢ આપી હતી. વાત-વાતમાં મેં નાનીને આ વાત કરી એટલે નાનીએ આઇડિયા આપ્યો કે રોટલી બનાવવાની. ગમે એ શેપની ભલે બને, પણ પહેલાં એ બનાવી લેવાની અને પછી થાળી કે મોટો વાટકો લઈને વણેલી રોટલી પર રાખીને એને ગોળ કરી લેવાની. આટલું કર્યા પછી કૉર્નર પર ફરીથી સહેજ વેલણ ફેરવી દેવાનું એટલે કોઈને ખબર નહીં પડે કે આ કોતરેલી રોટલી છે. સ્ટવથી દૂર રહીને કેવી રીતે કામ કરવાનું એ પણ નાનીએ શીખવ્યું હતું. હા, અમારા એ સમયમાં તો સ્ટવ હતા. પમ્પવાળો સ્ટવ અને કાં તો વાટવાળો સ્ટવ. મને આજે પણ એ સ્ટવ યાદ છે.

એમાં દાઝવાની બહુ બીક બહુ લાગતી અને એ ઉંમરે આવી બધી વાતોની બીક પણ વધારે રહેતી.

મમ્મી પાસેથી શીખેલી તમામ વરાઇટીઓ આજે બહુ કામ લાગે છે. તમને કહ્યું એમ, હવે ફ્રી દિવસ હોય એ દિવસે બધું કામ હું જ કરું. મમ્મીએ જ શીખવ્યું છે કે જે ડિસિપ્લિન લાઇફમાં હોય એ જ ડિસિપ્લિન કુકિંગમાં પણ હોવી જોઈએ. કયું શાક બનાવતી વખતે એના ટુકડા કઈ સાઇઝના કરવા એની પણ કળા હોય છે. રજાના દિવસે હું એ બધી કળાનો ઉપયોગ કરું અને મારા અને મારા હસબન્ડ દીપક ઘીવાલા માટે રસોઈ બનાવું. વેજ ક્લિયર સૂપથી લઈને ટમૅટો સૂપ, મશરૂમ સૂપ અને અલગ-અલગ ચાઇનીઝ સૂપથી અમારું ફૂડ શરૂ થાય. હું રસોઈ બનાવું એમાં શાકભાજીનો વધારે ઉપયોગ રાખું છું અને અને ખાસ તો ગ્રીન વેજિટેબલ્સ વધારે પ્રિફર કરું.

ઑલ ટાઇમ ફેવરિટ બેક્ડ ડિશ

બેક્ડ ડિશ મારી સ્પેશ્યલિટી અને ઑલટાઇમ ફેવરિટ પણ ખરી. વાઇટ સૉસ, બટર, કૉર્નફ્લોર, સૉલ્ટ, બ્લૅક પેપર, પેપરિકા, ઑરેગાનો, મિલ્ક અને ભાવતાં હોય એ મુજબનાં વેજિટેબલ્સ ઍડ કરવાનાં. ઑલિવ ઑઇલ અને ચીઝ ઉપરથી વાપરી શકાય. મને ચીઝ ભાવે એટલે હું બેક્ડ ડિશ પર થોડું ચીઝ ઍડ કરું. બેક્ડ ડિશ પસંદ કરવાનું એક કારણ એ પણ ખરું કે એમાં પ્રિપેરેશન ઓછામાં ઓછી હોય, જે હેલ્થ માટે સારું છે. વાઇટ સૉસ બહાર મળે છે, પણ જો તમારે ઘરે બનાવવો હોય તો એ પણ અઘરું નથી. બેક્ડ ડિશ ઓછામાં ઓછો સમય તૈયાર થવામાં લાગે એ પણ એનો પ્લસ પૉઇન્ટ છે. જો તમે કોઈ જાતના સૉસ ઍડ ન કરવા માગતા હો તો પણ વેજિટેબલ્સને બેક કરીને ઉપર તમારી જરૂરિયાત મુજબના મસાલાઓ નાખીને ખાઈ શકો. હેલ્ધી પણ છે અને સ્પીડી પણ છે એટલે એ રીતે પણ બનાવવાનું ગમે, ઘરમાં એકલાં હોઈએ તો બીજાં કામો પર પણ ધ્યાન આપી શકાય.

આજે મને બધી રસોઈ આવડે છે, જાતજાતનાં ક્વિઝીન્સ આવડે છે, ગુજરાતી ઉપરાંતનાં અમુક ફરસાણ અને મીઠાઈ પણ બનાવતાં આવડે છે અને એનું બધું શ્રેય માત્ર ને માત્ર મારી મમ્મીને જાય છે. મમ્મી પાસેથી શીખેલી પાકકલાને લીધે એવું પણ થાય કે બહાર જમવા માટે ગઈ હોઉં અને ત્યાંની કોઈ આઇટમ ભાવી જાય તો એ આઇટમની રેસિપી એના સ્વાદના આધારે જાતે નક્કી કરું અને આઇટમ ઘરે બનાવું અને સાચે જ બહુ પર્ફેક્ટ એ બને પણ ખરી

Rashmin Shah columnists Gujarati food