O P નય્યર અને કવિ પ્રદીપ વચ્ચે પહેલી મુલાકાતમાં કઈ બાબત માટે મતભેદ થયા?

31 May, 2020 11:22 PM IST  |  Mumbai Desk | Rajani Mehta

O P નય્યર અને કવિ પ્રદીપ વચ્ચે પહેલી મુલાકાતમાં કઈ બાબત માટે મતભેદ થયા?

કવિ પ્રદીપ અને ઓ. પી. નય્યર.

પ્રાણ અને પ્રકૃતિ (સ્વભાવ) જીવન નામના સિક્કાની બે બાજુ છે એટલે તો કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતિનો જીવન પર્યંતનો સાથ હોય છે. દરેક વ્યક્તિના સ્વભાવની અમુક ખાસિયત હોય છે જે તેનાં અહમ્ અને માન્યતાના આધારે બનતી હોય છે. આવું કેમ થતું હશે એ પ્રશ્નના જવાબમાં એટલું જ કહેવાનું કે દરેક વ્યક્તિમાં કશુંક ન સમજાય એવું હોય છે જેને જાણવાનો મિથ્યા પ્રયત્ન ન કરવો જોઈએ. કવિ પ્રદીપ અને ઓ. પી. નય્યરની પહેલી મુલાકાતમાં જેકાંઈ બન્યું એની વાત કરતાં પહેલાં આ બન્નેના સ્વભાવ વિશેની થોડી વાતો જાણવી જરૂરી છે.
કવિ પ્રદીપને વારસામાં કંઠ માતાજીનો આવ્યો જે સુરીલો હતો અને સ્વભાવ પિતાજીનો આવ્યો જે ગરમ અને જિદ્દી હતા. કવિ પ્રદીપ નાનપણથી પોતાના મનમાં આવ્યું એ જ કરે. એક દિવસ સ્કૂલમાં શિક્ષકે મુરગા બનવાની સજા કરી. મારી ભૂલ નથી એમ કહી તેમણે ના પાડી અને દફ્તર ઊંચકીને ઘેર આવી ગયા. બીજા દિવસથી સ્કૂલમાં જવાનું બંધ કર્યું. શિક્ષક ઘરે સમજાવવા આવ્યા તો પણ માન્યા નહીં. મા-બાપની વાતની તેમના પર કોઈ અસર ન થઈ. છેવટે શિક્ષકે માફી માગી ત્યારે બાળક રામચંદ્ર સ્કૂલે જવા તૈયાર થયા.
૧૦ વર્ષની ઉંમરે રતલામ મામાને ત્યાં આગળનું ભણવા ગયા. એક દિવસ મામીએ કઈ કહ્યું તો મામાનું ઘર છોડીને રેલવેલાઇનના પાટા પર ચાલીને ૩૫ કિલોમીટર દૂર પોતાના ગામ વડનગર પાછા આવ્યા. સ્વભાવે સ્વમાની અને ખુદ્દાર એટલે જીવનભર આવા પ્રસંગો બન્યા જ કરે. ફિલ્મીસ્તાનમાં ૧૫૦૦ રૂપિયાના પગારે નોકરી કરતા હતા. એક દિવસ માલિક રાયબહાદુર ચુનીલાલ (સંગીતકાર મદન મોહનના પિતા) સાથે સૈદ્ધાંતિક મતભેદ થયો. બન્યું એવું કે તેમને બહારની ફિલ્મો માટે ગીત લખવાની ઑફર મળતી હતી, પરંતુ કૉન્ટ્રૅક્ટ પ્રમાણે તે બીજા માટે ગીતો ન લખી શકે. પ્રદીપજીને આ મંજૂર નહોતું એટલે આવી કસદાર નોકરી છોડવી પડી. ભવિષ્યમાં શું થશે એની તેમને કોઈ દરકાર નહોતી.
લગ્ન કરવાની ઉંમરે મા-બાપ ચિંતામાં હતાં, કારણ કે જલદીથી તે કોઈ છોકરીને પસંદ કરે એવી શક્યતા નહોતી. પ્રદીપજીનાં પત્ની ભદ્રાબહેન એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘તે મને ગમતા અને મને પણ હતું કે તેમના મનમાં મારા માટે લાગણીઓ હતી, પરંતુ મને કહેતા ડર લાગતો હતો. મારી માતાએ મારા માટે તેમની સાથે વાત કરી. તો મને કહે, ‘મૈં આગ હૂં; પાની બનકર રહોગી તો મૈં શાદી કરુંગા.’ હું તો ડરી ગઈ અને હા પાડી દીધી.’
પ્રદીપજીનો એક બીજો શોખ હતો જેને તમે આદત કહી શકો. પોતે લખેલાં ગીતોની ધૂન તે બનાવતા અને સંગીતકારોને આગ્રહ કરતા કે તેમની ધૂન ઉત્તમ છે. મોટા ભાગના સંગીતકારો તેમનું માન રાખતા. એવું નહોતું કે એ ધૂન સારી નહોતી. સંગીતકારોને આ રીતે ફાયદો થતો કે તૈયાર ધૂન મળે એટલે મહેનત ઓછી કરવી પડે.
સંગીતકાર ઓ. પી. નય્યરના ખુદ્દાર અને સ્વમાની સ્વભાવના અનેક કિસ્સા આ પહેલાં ૨૦૧૪માં તેમની સિરીઝમાં વિગત વાર લખી ચૂક્યો છું. મોહમ્મદ રફી હોય કે રાજ કપૂર કે પછી ખુદ એસ. મુખરજી હોય; દરેકને તેમના સ્વભાવનો પરચો મળી ગયો હતો. સમયપાલનના પાક્કા આગ્રહી ઓ. પી. નય્યર ભલભલા મ્યુઝિશ્યન્સને મોડા આવવાને કારણે રેકૉર્ડિંગમાંથી પાછા મોકલતા. મોહમ્મદ રફી પણ આમાંથી બાકાત નહોતા. (જોકે પાછળથી પોતાની ભૂલનો એહસાસ થયો અને ‘કિસી કે સામને ન ઝૂક્નેવાલા નય્યર, મોહમ્મદ રફી કે સામને ઝૂક ગયા’ કહીને તેમની સાથે કામ શરૂ કર્યું.) શેખ મુખ્તારની ફિલ્મ ‘દો ઉસ્તાદ’ના હીરો રાજ કપૂરનો આગ્રહ હતો કે મોહમ્મદ રફીને બદલે મુકેશ તેમના માટે પ્લેબૅક આપે. ત્યારે તેમણે એટલો જ જવાબ આપ્યો કે એ નક્કી કરવાનું કામ હીરોનું નહીં, સંગીતકારનું છે. એસ. મુખરજીના નજીકના માણસો ફિલ્મ ‘એક મુસાફિર એક હસીના’ માટે ઓ. પી. નય્યરની કાબેલિયત વિશે ઘસાતું બોલ્યા ત્યારે તેમણે પ્રોડ્યુસરને એટલુ જ કહ્યું કે આમાંનો એક પણ ચહેરો જો નજર સામે આવશે તો ફિલ્મ છોડી દઈશ. આ જ કારણે કવિ પ્રદીપ અને ઓ. પી. નય્યર જેવા બે ‘ટેમ્પરામેન્ટલી સ્ટ્રોન્ગ’ કલાકારો સાથે કામ કરે ત્યારે બન્ને વચ્ચે તણખા ઝરવાની શક્યતા વધી જાય એમ માનનારા લોકો ખોટા નહોતા.
ફિલ્મ ‘સંબંધ’ માટે પહેલી વાર એકસાથે કામ કરતા આ ‘ઑડ કપલ’ની વાત જાણવા મેં ઓ. પી. નય્યરને પ્રશ્ન કર્યો કે કવિ પ્રદીપ સાથે તમારો કામ કરવાનો અનુભવ કેવો રહ્યો; એના જવાબમાં તેમણે એક મજેદાર કિસ્સો જણાવ્યો જે તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે.
‘પ્રથમ સીટિંગ્સમાં જ તેઓ એક ગીત લઈને આવ્યા અને મને કહે કે આ ગીત જુઓ, કેવું લખાયું છે અને ગાવાની શરૂઆત કરી. ‘ચલ અકેલા, ચલ અકેલા, તેરા મેલા પીછે છૂટા રાહી ચલ અકેલા.’ ગીત પૂરું કરીને કહે, ‘ઇસકો આપ થોડા સા સંવાર દીજીએ, ધૂન તો તૈયાર હૈ.’
‘હાર્મોનિયમ બંધ કરીને મેં કહ્યું કે તમારું કામ ગીત લખવાનું છે. ધૂન બનાવવાનું કામ મારા પર છોડો. તેમણે મને સમજાવવાની કોશિશ કરી કે આ ધૂન સારી છે અને એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. મેં એટલું જ કહ્યું કે હું મારી રીતે આ ગીતની ધૂન બનાવીશ. તેમણે દલીલ કરી કે સંગીતની બાબતમાં તેઓ પૂરતી જાણકારી ધરાવે છે અને બીજા સંગીતકારો તેમની ધૂનનાં વખાણ કરે છે. મેં કહ્યું કે બીજા શું કરે છે એની સાથે મારે નિસ્બત નથી. ઓ. પી. નય્યર દરેક ગીતની ધૂન પોતે જ બનાવે છે.’ અને અમે છૂટા પડ્યા.
‘બીજે દિવસે એસ. મુખરજી મારે ઘેર આવ્યા અને કહે, ‘મૈંને સૂના હૈ આપ પ્રદીપજી સે નારાઝ હૈં, ક્યા હુઆ?’ મેં કહ્યું, ‘આપ કે પાસ તો ગીતકાર ઔર સંગીતકાર દોનો હાઝીર હૈ. ફીર મેરી ક્યા ઝરૂરત હૈં?’ એસ. મુખરજીએ કહ્યું, ‘ઐસી કોઈ બાત નહીં. અગર આપ કહે તો કોઈ દૂસરા ગીતકાર ઢુંઢ લેતે હૈં.’ મેં કહ્યું, ‘મુઝે ઉનસે કોઈ ઇતરાઝ નહીં, મગર ગાને કી ધૂન તો મૈં હી બનાઉંગા.’
‘ઉસકે બાદ હમારી મુલાકાત હુઈ ઔર મૈંને જો ધૂન બનાઈ થી વો સુન કર વો બહુત ખુશ હુએ ઔર ઝિંદાદિલી દિખાકર બોલે કે આપ કી ધૂન બહેતર હૈં; મેરા ગાના ઔર સંવર ગયા.’ પ્રદીપજી બહુત ગુણી ઔર વિદ્વાન ગીતકાર થે. યે મેરા સૌભાગ્ય રહા કે ઉનકે સાથ કામ કરને કા મૌકા મિલા.’
એક સાચો કલાકાર બીજાની કાબેલિયતને સ્વીકારીને દિલથી દાદ આપે છે. બે કલાકાર વચ્ચે ‘ક્રીએટિવ ડિફરન્સ’ ન હોય તો જ નવાઈ લાગે અને આ મતભેદને કારણે જ અંતિમ પરિણામ સ્વરૂપ જે રચનાનું સર્જન થાય છે એ બહેતર બનીને આપણી સમક્ષ આવે છે. કલાના દરેક ક્ષેત્રમાં આવા અનેક દાખલાઓ જોવા મળે છે.
હિન્દી ફિલ્મ સંગીત સાથે સંકળાયેલા જાણકારો એક વાતની પુષ્ટિ કરે છે કે પ્રદીપજીને સંગીતની ઊંડી સમજ હતી. રેકૉર્ડિંગ્સ સમયે તે હાજર રહેતા. ગાયક કલાકારના સૂર પર તેમનું ધ્યાન રહેતું. જરા પણ સૂરમાં ગડબડ થતી તો તેમનો એક ઇશારો રેકૉર્ડિસ્ટ માટે પૂરતો હતો. પ્રદીપજી મોટે ભાગે તેમની કવિતામાં હિન્દી શબ્દોનો પ્રયોગ કરતા. તેમનો આગ્રહ રહેતો કે આ શબ્દોનું ઉચ્ચારણ યોગ્ય રીતે થવું જોઈએ. આ કારણે રેકૉર્ડિંગ્સમાં તેમની હાજરી અનિવાર્ય હતી.
થોડા દિવસ પહેલાં જ સંગીતકાર પ્યારેલાલે મારી સાથે કવિ પ્રદીપ સાથેની તેમની યાદો શેર કરતાં કહ્યું, ‘એક મ્યુઝિશ્યનની હેસિયતથી હું અને લક્ષ્મીકાંત ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા ત્યારથી અમારી તેમની સાથે ઓળખાણ હતી. અમે તેમનાથી વયમાં ખૂબ નાના એટલે અમને તુંકારે જ બોલાવે. ગીતના રેકૉર્ડિંગ સમયે તે હાજર હોય અને લંચ ટાઇમે તેમની સાથે વાતો થાય, એમાં જીવનલક્ષી અનેક વાતો કરે. જેમ-જેમ સમય જતો હતો તેમ-તેમ અમે આગળ વધતા ગયા અને એક દિવસ સંગીતકાર બન્યા. સંગીતકાર બન્યા પછી પણ લગભગ ૧૦ વર્ષ સુધી મ્યુઝિશ્યન અને અરેન્જર તરીકે અમે કામ કર્યું.
એક દિવસ અમને સવાર સવારમાં મળ્યા અને કહે, મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે. મારી વાત માનશો? અમને થયું એવી તે શું વાત હશે? અમે કહ્યું, ‘ચોક્કસ. તમે તો વડીલ છો. તમે જરૂર અમારા ભલા માટે જ કહેતા હશો.’ તે બોલ્યા, ‘તમે ઝડપથી સફળતા તરફ આગળ વધી રહ્યા છો. આ લાઇનમાં તમને અઢળક પૈસો મળશે. મારી એક સલાહ છે. તમે તમારી જરૂરિયાતથી વધુ ખર્ચો ન કરતા. જીવનમાં ત્રણ-ચાર બેડરૂમનો એક ફ્લૅટ, ગાડી, ઍરકન્ડિશન અને માફકસરની ખાધાખોરાકીથી વધુની જરૂરિયાત હોતી નથી. મેં જોયું છે જ્યારે નસીબ બદલાય છે ત્યારે ભલભલા રસ્તા પર આવી જાય છે. તમે એવી આદત ન પાડતા કે ન કરે નારાયણ અને સમય બદલાય તો ભારે પડે. હંમેશાં એવી જ લાઇફ સ્ટાઈલ રાખવી કે સમય ગમે એવો હોય એ બદલવી ન પડે. પૈસાની મૅનેજમેન્ટ એવી રીતે કરજો કે ક્યારેય કોઈની લાચારી ન ભોગવવી પડે.’
‘જીવનમાં આવી સોનેરી સલાહ કોણ આપે? તેમની વાત સો ટચના સોના જેવી હતી. અમે તેમનાં આશીર્વાદ લીધાં ને કહ્યું કે આ વાત કદી નહીં ભૂલીએ. તેમની કવિતામાં દેશપ્રેમની સાથે જીવનદર્શનની આવી અનેક વાતો જોવા મળતી. તે એક મહાન ગીતકાર હતા. તેમનો અનુભવ, તેમનું માર્ગદર્શન અમને અનેક વાર મળ્યું છે.’
સંગીતકાર પ્યારેલાલજીની સાથે વાત થતી હતી ત્યારે હું મનમાં વિચારતો હતો કે આજના આ સંકટકાળમાં આ સલાહની સાર્થકતા દરેકને સમજાતી હશે. કપરી પરિસ્થિતિમાંથી ઊગરવું હોય તો પહેલાં એનો સ્વીકાર કરીને એ શા માટે આવી એની જાણ હોવી જોઈએ. તમારા સદ્ભાગ્યે તમને આમાંથી કેવી રીતે ઊગરવું એની આગોતરી જાણ થઈ ગઈ હોય તો પછી આવી પરિસ્થિતિ જીરવવી આસાન બની જાય છે.
એક સંતની વાત યાદ આવે છે. ઈશ્વરની કઠોર કૃપા પણ હોય છે. એ કઠોર ભલે હોય પણ એ કૃપા છે. દુખમાંથી સુખ તરફ જવાનો એ રાજમાર્ગ છે.
પ્રદીપજી સાથે સંગીતકાર તરીકે કામ કરવાનો તમારો અનુભવ કેવો રહ્યો એ સવાલના જવાબમાં પ્યારેલાલજી કહે છે, ‘ફિલ્મ ‘હરિશ્ચંદ્ર તારામતી’ માટે તેઓ એક ગીત લઈને આવ્યા અને ગાઈને સંભળાવ્યું ‘જગત ભરકી રોશની કે લિયે.... સૂરજ દેવ જલતે રહેના’. આ ગીતની અમે ધૂન બનાવી. તેમની ઇચ્છા હતી કે આ ગીત પોતે ગાય, પરંતુ અમે કહ્યું, આ ગીતને હેમંત કુમાર વધુ સારો ન્યાય આપી શકશે. ખેલદિલીથી તેમણે અમારી વાત માની. હેમંત દા પણ ખુશ થયા. આ દરેક કલાકારો અમારાથી સિનિયર હોવા છતાં એક સંગીતકારને યોગ્ય માન આપતા. એ જ બતાવે છે કે તેઓ સાચા અર્થમાં મહાન હતા.
સંગીતકાર આણંદજીભાઈ કવિ પ્રદીપને યાદ કરતાં કહે છે, ‘તેમની સાથે કામ કરવાની મજા આવતી. ફિલ્મની વાર્તા ડિટેલમાં સમજી લે. ગીતની પૂરેપૂરી જવાબદારી પોતાના પર લઈ લે. ગીતના અનેક અંતરા લખીને આવે. ‘યે સૂનો, એક ઔર યે ભી સૂનો’ એમ કહેતાં દરેક અંતરા ગાઈને સંભળાવે. જ્યાં સુધી આપણે સંતુષ્ટ ન થઈએ ત્યાં સુધી મહેનત કરે. સજેશન આપતાં કહે કે દરેક અંતરા સારા જ છે, પરંતુ આ ત્રણ અંતરા ઉત્તમ રહેશે. તેમનાં ગીતોમાં ‘રે’ શબ્દનો પ્રયોગ બહુ થાય. જ્યારે અમે મળીએ ત્યારે જીવનની ફિલોસોફી અને દુનિયાદારીની અનેક વાતો થાય. હિન્દી ભાષાના ઉત્તમ ગીતકાર તરીકે તેમણે લાજવાબ કામ કર્યું છે.’
પ્રદીપજીના જીવનની વાતો ‘એ મેરે વતન કે લોગો’ વિના કેમ પૂરી થાય? એ આવતા રવિવારે.

weekend guide columnists rajani mehta