કપલ ચૅલેન્જ લિયા ક્યા?

08 October, 2020 02:34 PM IST  |  Mumbai | Bhakti Desai

કપલ ચૅલેન્જ લિયા ક્યા?

કોઈ પણ ચૅલે‍ન્જમાં ક્યારેય કોઈ લિન્ક પર ક્લિક કરી ત્યાં ફોટો અપલોડ ન કરવા જોઈએ.

મિત્રો અને સંબંધીઓ, સોશ્યલ મીડિયા પર કપલ ચૅલેન્જ સ્વીકારવા નોતરે તો ફોટો મૂકતાં પહેલાં એ કોઈ રીતે પડકારરૂપ ન બને એનું ધ્યાન રાખવું જરૂરી છે. આજે મળીએ અમુક કપલ ચૅલેન્જ સ્વીકારનાર યુગલોને અને સાઇબર અધિકારી પાસેથી જાણીએ આવી ચૅલેન્જ સ્વીકારતી વખતે શું ધ્યાન રાખવું એ...

કોરોના-સંક્રમણને કારણે થયેલા લૉકડાઉનમાં લોકો એકબીજાથી ભૌગોલિક રીતે જરૂર દૂર રહ્યા, પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી એકબીજા સાથે જોડાવાનું ચલણ વધી ગયું અને આ દરમ્યાન પોતાના, પોતાના પરિવારજનોના, પ્રસંગોના, બહાર ફરવા ગયા હોય એવાં સંસ્મરણોને તાજાં કરનાર ફોટો લોકો સોશ્યલ મીડિયા પર મોટી સંખ્યામાં મૂકવા લાગ્યા. માનસિક રીતે જોઈએ તો એકલતામાં પણ લોકોની સાથે હોવાનો સંતોષ મેળવવાનું એકમાત્ર માધ્યમ સોશ્યલ મીડિયા બની ગયું છે અને એથી આ બધી ચૅલેન્જમાં સહભાગી થવાનું મન થવું સ્વાભાવિક છે.
આ દરમ્યાન વૉટ્સઍપના સ્ટેટસ પર લોકોએ વિવિધ ચૅલેન્જ આપવાની એક નવી પ્રથા શરૂ કરી, એ પછી ફેસબુક અને સોશ્યલ મીડિયાનાં અન્ય માધ્યમો પર પણ ‘મધર-સન’, ‘ફાધર-ડૉટર’ અને કપલ ચૅલેન્જમાં ખૂબ લોકોએ પ્રતિસાદ આપ્યો અને હજી પણ આપી રહ્યા છે. કપલ ચૅલેન્જ અંતર્ગત વ્યક્તિ પોતાના પતિ કે પત્ની સાથેના કે પછી પ્રિયતમ કે પ્રિયતમાના ફોટો સોશ્યલ મીડિયા પર મૂકતા હોય છે. હાલમાં આ ચૅલેન્જ ટ્રેન્ડમાં છે અને આ બધું છેલ્લે તો વધુ લાઇક્સ મેળવવા જ થતું હોય છે. આપણને એવું લાગે છે કે કપલ ચૅલેન્જ આપનાર આપણા મિત્રો અને સંબંધીઓ જ છે અને પોતે અપલોડ કરેલા ફોટો ફક્ત મિત્રો અને સંબંધીઓ સુધી જ સીમિત રહે છે, કારણ કે સોશ્યલ મીડિયા પર આપણે કોઈ પણ પોસ્ટ કે ફોટો શૅર કરીએ તો એ કોણ જોઈ શકે એની તકેદારી પ્રાઇવસી સેટિંગના માધ્યમથી આપણે લેતા જ હોઈએ છીએ, છતાં આવા કૅમ્પેનની શરૂઆત કેમ અને ક્યાંથી થાય છે એનો અંદાજ પણ આપણને નથી હોતો. ગુજરાતમાં પોલીસે પણ આવી કપલ-ચૅલેન્જ ન સ્વીકારવી એવી અપીલ કરીને આવી ચૅલેન્જ સ્વીકારનારાઓના જીવ તાળવે ચોંટાડી દીધા છે. એમ છતાં સોશ્યલ-મીડિયા પ્રેમીઓની સંખ્યામાં કોઈ ઓટ નથી. ચાલો આજે કપલ ચૅલેન્જ સ્વીકારનારાં યુગલો પાસેથી જાણીએ આવી ચૅલેન્જ સ્વીકારવા પાછળનું તેમનું કારણ શું હોય છે. સાથે આ વિષય પર સાઇબર અધિકારી શું કહે છે એ પણ જાણીએ.

ફોટો શૅર કરવા એ નિર્મળ આનંદ મેળવવાની પ્રવૃત્તિ છે : ફોરમ ભટ્ટ
દહિસરમાં રહેતાં ફોરમ ભટ્ટ અહીં કહે છે, ‘અમારો પરિવાર અને મિત્રો બધા લૉકડાઉનથી સોશ્યલ મીડિયા પર વધુ ઘનિષ્ઠતા સાથે મળીએ છીએ અને એવું લાગે છે જાણે બધા એક ઘરમાં સાથે જ છીએ. આને કારણે આવી ચૅલેન્જમાં સહભાગી થવું અને ફોટો મૂકવા એ અમારે માટે એક સહજ અને નિર્મળ આનંદ મેળવવાની પ્રવૃત્તિ છે. સોશ્યલ મીડિયા પર આ બાબતમાં મારા પતિ કૃણાલ વધારે ઍક્ટિવ છે અને આમાં સમય તો પસાર થાય જ છે, પણ આપણને પણ એક અલગ ખુશી મળે છે.’

એકલતાના સમયમાં મગજને વાળવા મેં કપલ ચૅલેન્જ ઉપાડેલી : વિપુલ મોદી
કાંદિવલીના મહાવીરનગરમાં રહેતા વેપારી વિપુલ મોદી કહે છે, ‘સામાન્ય રીતે હું વેપારમાં વ્યસ્ત હોઉં છું એથી સોશ્યલ મીડિયા પર વિતાવવા એટલો સમય મળતો નથી, પણ હું કોવિડની બીમારીનો ભોગ બન્યો અને ૨૧ દિવસ આઇસીયુમાં રહ્યો, એથી મિત્રો અને સંબંધીઓ મારી તબિયતને લઈને ચિંતિત હતાં. તેઓની સાથે ફોન પર વાત કરવા કરતાં સોશ્યલ મીડિયાના માધ્યમથી જ હું સંપર્કમાં રહેતો હતો. એકલતાના સમયમાં મારા મગજને વાળવા અને એક નવી પ્રવૃત્તિનો આનંદ લેવા મેં મારા, મારી પત્ની કિન્નરી સાથેના ફોટો કપલ ચૅલેન્જમાં અપલોડ કર્યા. સોશ્યલ મીડિયા પર પ્રાઇવસીના દૃષ્ટિકોણથી ફિલ્ટર કરીને યુગલ તરીકેના બે ફોટો મેં મૂક્યા હોવાથી મારા સોશ્યલ મીડિયાના ફ્રેન્ડ્સ અને ફૅમિલી સિવાય કોઈ અજાણી વ્યક્તિ આને જોઈ નહીં શકે એનો મને વિશ્વાસ છે.’

ઘણા ઓળખીતાઓના ફોટો જોઈને મને પણ મન થયું : રાધા ઠક્કર


કલ્યાણમાં રહેતાં ગૃહિણી રાધા ઠક્કર કહે છે, ‘મેં વૉટ્સઍપ પર મારા મિત્રવર્તુળમાંથી આવેલી કપલ ચૅલેન્જ પર મારા, મારા પતિ સાગર સાથેના ફોટો મૂક્યા છે. હાલમાં જ થોડા સમય પહેલાં ફેસબુક પર પણ આ ચૅલેન્જ આવી હતી ત્યારે મેં મધર-સન ચૅલેન્જમાં મારા બે વર્ષના દીકરા મીત સાથે પડાવેલા ફોટો પણ મૂક્યા હતા અને કપલ ચૅલેન્જમાં સાગર અને મારો ફોટો ફેસબુકની કપલ ચૅલેન્જમાં શૅર કર્યો. મને આમ પણ ફોટો મૂકવાનું ગમે છે અને એમાંયે લૉકડાઉન હતું અને ઘણા ઓળખીતાઓના ફોટો જોઈને મને પણ મન થયું.’

અમે કપલ ચૅલેન્જ પર ફોટો મૂકવાનું ઓછું કર્યું છે : નીતા (પલક) વોરા
કાંદિવલીમાં રહેતાં અને સમાજના કાર્યમાં આગળ પડતો ભાગ ભજવનાર નીતા (પલક) વોરા કહે છે, ‘હું ટ્રસ્ટ સાથે સંકળાયેલી છું. વ્યક્તિગત રીતે અને સંસ્થાના માધ્યમથી અનેક સામાજિક કાર્ય પણ હું કરી રહી છું. આને કારણે મારું મિત્રવર્તુળ પણ મોટું છે. આવી ચૅલેન્જ મિત્રો સ્વીકારે છે અને તેઓની સાથે જોડાઈ રહેવા હું પણ સ્વીકારું છું. હું ભારતમાં કે વિદેશમાં ફરવા જાઉં ત્યારે મારા ઘણા ફોટો પડાવું છું. મારી પાસે ફોટોનો ભંડોળ છે, એથી હું ફોટો શૅર કરતી હોઉં છું. પણ હા, હાલમાં મારા પતિ ભાવેશે અને મેં પણ કપલ ચૅલેન્જ પર ફોટો મૂકવાનું ઓછું કર્યું છે, કારણ કે અમુક ફ્રૉડ કિસ્સાઓ અમારા સાંભળવામાં આવ્યા છે અને હું એનો ભોગ બનવા નથી માગતી.’

મારી ફ્રેન્ડે આપેલી ચૅલેન્જ માટે થઈને ફોટો શૅર કર્યા : પૂજા બારાઈ
શંકરબારી લેનમાં રહેતાં પૂજા બારાઈ કપલ ચૅલેન્જમાં સહભાગી થયાં છે. તેઓ કહે છે, ‘મેં પ્રથમ વાર જ મારી ફ્રેન્ડે આપેલી કપલ ચૅલેન્જમાં ફોટો શૅર કર્યા, કારણ કે મારી સોસાયટીમાં રહેતા ઘણા લોકો પણ આમાં ફોટો મૂકે છે. મારા પતિ આશિષ સોશ્યલ મીડિયા પર ખાસ ઍક્ટિવ નથી, પણ મારી દીકરી તેમને મદદ કરે અને પોસ્ટ કે ફોટો શૅર કરી આપે છે. મારા પરિવારના સભ્યનાં લગ્નમાં અમે ઘણા ફોટો પડાવ્યા હતા, જે મેં કપલ ચૅલેન્જમાં મૂક્યા અને હજી કોઈ વાર વૉટ્સઍપ સ્ટેટસ પર મૂકું છું.’

પછી પસ્તાવો કરવાને બદલે પહેલાં જ સાવચેતી વર્તવી જરૂરી છે : બાલસિંગ રાજપૂત

કપલ ચૅલેન્જમાં થતી છેતરપિંડી વિશે મહારાષ્ટ્ર સાઇબર સેલના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ બાલસિંગ રાજપૂત કહે છે, ‘આપણે સોશ્યલ મીડિયા પર જે ડેટા શૅર કરીએ છીએ એનો દુરુપયોગ ઘણા ગુનેગારો અથવા ગુનેગાર પ્રવૃત્તિઓ માટે થતો હોય છે. પોતાના ફોટો, વિડિયો અને અમુક સંવેદનશીલ કે ખાનગી માહિતી સોશ્યલ મીડિયાના મંચ પર પોસ્ટ કરતાં પહેલાં ગંભીરતાથી એનો વિચાર કરવો જોઈએ. આજના માહિતી યુગમાં ડેટા એક ચાવી સમાન છે; જેના માધ્યમથી ચોરી, ઇમેજ-મૉર્ફિંગ (જેમાં કોઈ વ્યક્તિના ચહેરા સાથે બીજા કોઈનું શરીર જોડી દેવું, જેનો ઉપયોગ ડેટિંગ અને પૉર્નોગ્રાફી વેબસાઇટ પર થઈ શકે છે), નકલી પ્રોફાઇલ્સ બનાવવા, વ્યક્તિનું ચારિત્ર્યખંડન વગેરે થઈ શકે છે. પછી પસ્તાવો કરતાં પહેલાં જ સાવચેતી વર્તવી જરૂરી છે. કપલ ચૅલેન્જ કે પછી અન્ય કોઈ પણ ચૅલેન્જનાં મૂળ કોઈ કંપની સાથે જોડાયેલાં હોઈ શકે છે, જેને આવા ડેટાની જરૂર હોય છે. આનાથી યુગલોના ફોટો સહેલાઈથી હાથ લાગી શકે છે. જેમ હેલ્થ હાઇજીન હોય છે તેમ જ સાઇબર હાઇજીનમાં શું શૅર કરવું, શું ન કરવું એની કાળજી લેવી જોઈએ. જો સાઇબરને લઈને કોઈ પણ ગુનો ધ્યાનમાં આવે તો એને નજીકના પોલીસ-સ્ટેશનમાં અથવા www.cybercrime.gov.in પર ઑનલાઇન નોંધાવી શકાય છે.’
અન્ય એક નિષ્ણાતના કહેવા મુજબ આવી કોઈ પણ ચૅલે‍ન્જમાં ક્યારેય કોઈ લિન્ક પર ક્લિક કરી ત્યાં ફોટો અપલોડ ન કરવા જોઈએ. વેબસાઇટનાં નામ કોઈ પણ હોય, એના દ્વારા ઘણી છેતરપિંડી થઈ શકે છે અને ફોન પણ હૅક થઈ શકે છે. સિક્કાની બે બાજુની જેમ ટેક્નૉલૉજીમાં જેટલા લાભ છે એટલા જ નુકસાન પણ છે, આનાથી બચવા સંપૂર્ણ રીતે સાવચેત રહેવું એ હવેના સમયની જરૂર છે.

bhakti desai columnists