ઈશ્વરનું મૂલ્ય અને જીવનની કિંમત શું?

21 June, 2020 08:47 AM IST  |  Mumbai Desk | Sanjay Raval

ઈશ્વરનું મૂલ્ય અને જીવનની કિંમત શું?

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, યુપી અને ફૉરેનમાં એમ બધું મળીને મેં અત્યાર સુધીમાં અંદાજે ૭૦૦૦ જેટલા મોટિવેશનલ કાર્યક્રમો કર્યા હશે. વધારે હોઈ શકે, ઓછા જરાય નહીં. આ કાર્યક્રમનું નામ છે ‘ભયમુક્ત જીવન.’ હમણાં મને આ કાર્યક્રમનું નામ ચેન્જ કરવું હતું તો મને મારા ફૅન્સે જ રોક્યો. કહ્યું, ‘ના સર, એવું ન કરતા. અમને આ નામ વાંચીને જ મજા આવી જાય છે. ભયમુક્ત થઈ ગયા હોઈએ એવી લાગણી થાય છે.’
મિત્રો, આ જ વાત મારે તમને કરવી છે કે ડર મનમાં છે, એ જે ક્ષણે નીકળે એ ક્ષણે તમને એવું લાગવા માંડે કે તમે એક આઝાદ પંખી છો અને તમે આ પૃથ્વી પર લહેરવા, ઊડવા કે ફરવા આવ્યા છો. ડર ક્યારેય હોતો નથી, એ મનનો એક ભ્રમ છે અને એ ભ્રમ જ તમને મારી નાખે છે. સિંહ સામે આવીને ઊભો રહી જાય અને ચાલતો-ચાલતો સાવ બાજુમાં આવી જાય તો ૧૦માંથી ૮ જણનું હાર્ટ ફેલ થઈ જાય. ભાઈ, હજી એણે બટકું ભર્યું નથી ત્યાં જ મરી જવાનું. આ હાર્ટ ફેલ એ ડર છે, આ હાર્ટ ફેલ એ ભય છે અને આ ભયને કાઢવાનો છે. હું મારા કાર્યક્રમમાં કહેતો રહેતો હોઉં છું કે સિંહને એનું કામ કરવા દેજો, સિંહને એની ફરજ અદા કરવા દેજો. એટલા માયકાંગલા નહીં બનતા કે સિંહને જોઈને હાર્ટ ફેલ થઈ જાય. હું એવી ખોટી હોશિયારી પણ નથી શીખવવા કે કહેવા માગતો કે સિંહ સામે આવી જાય તો એના માથા પર એક જોરથી મુક્કો મારીને એને બ્રેઇન-હૅમરેજ કરી નાખજો. ના, એ બધું રજનીકાંત કરી શકે અને એ પણ સ્ક્રીન પર, આપણે એ કરી પણ ન શકીએ અને આપણને એ પોસાય પણ નહીં, પરંતુ આપણને શું પોસાય, આપણને સમયસૂચકતા વાપરીને સલામત સ્થળે પહોંચી જવાનું પોસાય. આજુબાજુમાં ઝાડ હોય તો એના પર ચડી જવાનું પોસાય, પાછળ મોટી દીવાલ હોય તો કૂદકો મારીને એ દીવાલ પર ચડીને ત્યાંથી નીકળી જવાનું પોસાય કે પછી આંખ બંધ કરીને, મુઠ્ઠીઓ વાળીને ત્યાંથી ભાગી જવાનું પોસાય, પણ એ કરવા માટે હિંમત જોઈએ અને એ હિંમત માત્ર અને માત્ર ભયમુક્ત જીવન જીવો તો જ આવે.
આ ભયમુક્ત જીવન મળે કેવી રીતે?
આ ખૂબ જ વાજબી પ્રશ્ન છે અને આ વાજબી પ્રશ્નનો જવાબ વાજબી રીતે સમજવાની પણ જરૂર છે. જો મુક્ત મને જીવી શકો તો તમને ભયમુક્ત જીવન મળે. જો જીવનને બોજ ગણવાનું બંધ કરો તો તમને ભયમુક્ત જીવન મળે અને જો તમે જીવનને ત્રાસની નજરથી જોવાનું બંધ કરો તો તમને ભયમુક્ત જીવન મળે. યાદ રાખજો કે તમારી આસપાસ જેકંઈ છે, જેકોઈ ઘટના ઘટે છે એ ઈશ્વરની ભેટ છે. તમને પ્રાપ્ત થતી તમામ તકો એ તમે કરેલાં કર્મોનું જમા ખાતું છે અને તમારા હાથમાંથી નીકળી જતી તમામ તક એ તમે કરેલાં ખોટાં કર્મોનું ઉધાર ખાતું છે. તમને વિચાર પણ આવે કે આવું શું કામ? ભગવાને તમને કોઈ તક આપવી જ નહોતી તો પછી એ દેખાડી જ શું કામ?
એટલા માટે કે તમને ખબર પડે કે તમારા નસીબમાં શું-શું લખી આપવામાં આવ્યું હતું અને એ લખાયેલી સારી તકો તમે કેવી રીતે ગુમાવી રહ્યા છો?
- અને આવું એટલા માટે તે કરે છે જેથી તમને એના ગણિત અને એના વિજ્ઞાન પર ભરોસો બેસે અને પૂરી શ્રદ્ધા સાથે તમે તમારા જીવનને સાચી દિશામાં જીવવાનું શરૂ કરો. હું તો ત્યાં સુધી કહીશ કે એ હજાર હાથવાળાએ કોઈના જીવનમાં દુઃખ લખ્યું જ નથી. ના, ક્યારેય નહીં. આપણા બધાનો જો એ માઇબાપ કહેવાતો હોય તો તમે જ કહો તે કેવી રીતે આપણા નસીબમાં દુઃખ લખી શકે. આપણાં માબાપ ક્યારેય એવું કરે ખરાં કે જેને લઈને આપણે દુખી થઈએ? ના, ન જ કરે. જો આ જ તમારો જવાબ હોય તો ભગવાન તો આપણાં માબાપનો પણ માબાપ છે, તે કેવી રીતે આપણા નસીબમાં દુઃખ લખે. તેણે તો ખાલી અને ખાલી સુખ જ લખ્યાં છે, પણ આ જીવનને સુખ અને દુઃખ ભરેલું આપણે બનાવીએ છીએ અને બનાવતા આવીએ છીએ. કવિઓ જે વિષાદની વાત કરે છે એ વિષાદ પણ આપણે ઊભો કર્યો છે અને પીડા, ગ્લાનિ જેવા જેકોઈ બીજા પર્યાય છે એ પણ આપણે જ ઊભા કર્યા છે. એક જ વાત સનાતન સત્ય છે કે આજનો દિવસ આપણો છે અને દરેક જગ્યાએથી શું મેળવવું એ આપણા હાથમાં છે. જો આપણે ધારણા મુજબનું મેળવીશું તો એ આપણને શાંતિ આપશે અને જો આપણે ધારણા મુજબનું નહીં મેળવીએ તો એ આપણને પેલા કવિવાળો વિષાદ આપશે.
મિત્રો, જીવનમાં સખત મહેનતનો બીજો કોઈ વિકલ્પ નથી. મારી તમામ પરિસ્થિતિ માટે હું જ જવાબદાર છું અને આ જ સચ્ચાઈ છે. આવું માનીને, આવું સ્વીકારીને જો દરેક પળે ઈશ્વરનો આભાર માનવામાં આવે તો જીવન બોજરૂપ નહીં લાગે, ઊલટું જીવનમાં મીઠાશ પણ ઉમેરાઈ જશે. જીવનની આ સમજણ આવી જાય તો આપણા જીવનમાં આવતી ૯૫ ટકા તકલીફો અને મુશ્કેલીઓ પણ આસાન અને સરળ લાગશે.
જીવન ખરેખર તહેવાર છે અને એ તહેવારમાં પ્રત્યેક દિવસ ઉત્સવ છે. આ જ રીતે તમે એને જુઓ. જો તમને મ્યુઝિક ગમતું હોય તો જીવનને સંગીત તરીકે જુઓ, મૅજિક ગમતું હોય તો તમારી લાઇફને મૅજિક તરીકે જ જુઓ અને માઉન્ટન પર જવાનું ગમતું હોય તો લાઇફને પર્વત પર ચડવાની સીડી સમજીને ચાલો, પણ પ્લીઝ, જીવનને ક્યારેય બોજ નહીં ગણો, સંઘર્ષ નહીં ગણો. ઈશ્વરે ખૂબ સરસમજાનું શરીર આપ્યું છે. આટલી મસ્તમજાની બુદ્ધિ આપી છે, તંદુરસ્તી આપી છે તો પછી એનો ખોટો અનાદર નહીં કરો. તમને જે મળ્યું છે એનો આનંદ લેતાં શીખો. તમે કોઈને પાંચ રૂપિયાની નોટ વાપરવા આપો અને એ ભિખારી પાંચ રૂપિયા હાથમાં લઈને મોઢું મચકોડે તો તમને કેવો ગુસ્સો આવે?
ભગવાનને પણ તમારા પર એવો જ અને એટલો જ ગુસ્સો આવે છે જ્યારે તમે તેના હાથમાંથી તમારું જીવન લઈ લીધું છે અને હવે તમે તેની સામે જોઈને મોઢું મચકોડવાનું કામ કરો છો. પેલા ભિખારીને જેવી થપ્પડ મૂકવાનું તમને મન થઈ આવે એવું જ મન પણ ઈશ્વરને તમને જોઈને થાય. જો તમારું ચાલે તો તમે પેલાના હાથમાંથી પાંચની નોટ પાછી પડાવી લેશો, પણ હવે જરા વિચારો, ભગવાન કેટલા મોટા મનનો છે. એ તો તમારા હાથમાં પોતે આપેલી લાઇફ પડાવી પણ શકે છે અને એ પછી પણ એ એવું નથી કરતો અને રહેમદિલી રાખે છે. દરેક પળને આ અંતિમ પળ છે એવું ધારીને જીવવાનું શરૂ કરશો તો તમને જીવનમાં જેકંઈ મળ્યું છે એ બધાનો આનંદ આવશે અને આમ પણ આ સાચું જ છે. જીવનનું ક્યાં કંઈ નક્કી હોય છે. આજે આ લેખ લખીએ છીએ અને આવતી કાલે ન્યુઝ બનીને અવસાન-નોંધની કૉલમમાં ન્યુઝ પણ બની જઈએ.
આજનો આ લેખ પૂરો કરતાં પહેલાં એક અંતિમ વાત કહેવી છે. આ આખો લેખ તમે વાંચ્યો અને હવે એ પૂરો થવાની તૈયારીમાં છે, પણ એ વાંચતાં-વાંચતાં તમારે વચ્ચે ક્યાંય જોવું પડ્યું, ચેક કરવું પડ્યું ખરું કે શ્વાસ બરાબર ચાલે છે કે નહીં?
નહોતું જોવું પડ્યુંને?
આ જીવન છે, આ ઈશ્વરની કૃપા છે અને આ જ બન્નેની કિંમત છે. જો ઈશ્વર આવો કૃપાળુ હોય અને જીવન આટલું સહજ હોય તો પછી ઈશ્વરની કૃપાનો અને સહજ બનીને સાથે રહેતાં જીવનનો અનાદર શું કામ કરવો જોઈએ!

Sanjay Raval columnists