નંબર 9નું મહત્ત્વ શું છે?

09 April, 2023 03:25 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

નવના આંકને મંગળ સાથે સીધો સંબંધ છે, તો મંગળ ધરતીપુત્ર ગણાય છે. આ જ કારણ છે કે જેને લીધે બિલ્ડર-ડેવલપર્સ પોતાની પ્રૉપર્ટીની રકમની કિંમત એ પ્રકારે રાખતા હોય છે જેનો સરવાળો ૯ થાય

પ્રતિકાત્મક તસવીર

આજકાલ ન્યુમરોલૉજીનો પ્રભાવ બહુ વધ્યો છે. ઘણા એવું માને છે કે ન્યુમરોલૉજી એ વિદેશી શાસ્ત્ર છે, પણ ના, એવું નથી. જો અંકશાસ્ત્રની શોધ હિન્દુસ્તાનમાં થઈ હોય તો કેવી રીતે ન્યુમરોલૉજીની શોધ વિદેશમાં થઈ શકે, પણ હા, વિદેશમાં જ્યોતિષશાસ્ત્રની પરખ અલગ રીતે થતી હોવાથી (અગાઉ કહ્યું છે એમ સૂર્ય રાશિ મુજબ) અન્ય સ્થાન પર જોવાની વાત બદલાઈ જતી હોવાથી લોકો ન્યુમરોલૉજીના સહજ રસ્તે આગળ વધવાનું પસંદ કરતા થયા છે. ન્યુમરોલૉજીમાં ૯ના આંકને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. ૯નો આંક અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તમે જોયું હશે કે મોટા ભાગના બિલ્ડર કે ડેવલપર પોતાની પ્રૉપર્ટીની પ્રાઇસ એવી રાખતા હોય છે જેનો સરવાળો ૯ થતો હોય. ઘણી સેલિબ્રિટી ફી એટલી રકમમાં લેતા હોય છે જેનો સરવાળો ૯ થતો હોય. ફિલ્મસ્ટાર ગોવિંદા આજે પણ ફીના છેલ્લા ત્રણ આંકડા ૯૯૯ જ રાખે છે.
જયોતિષશાસ્ત્રમાં ૯ ગ્રહો અને ૨૭ નક્ષત્રો હોય છે, આ નક્ષત્રોનો એટલે કે ૨૭નો સરવાળો કરો તો એ પણ ૯ થાય છે. આ ઉપરાંત નવખંડ, નવરાત્રિ, નવચંડી એમ બધે જ ૯નો મહિમા દર્શાવાયો છે. ૯ને જો જ્યોતિષશાસ્ત્ર સાથે કનેક્ટ કરીને જોવામાં આવે તો કુંડળીમાં નવમું સ્થાન છે એને ધર્મ કે ધાર્મિક યાત્રા, ભાગ્ય, તપ, યોગ, દાન, મંદિર સાથે સીધી લેણદેણ ગણાવી છે.
જેની જન્મતારીખ ૯ હોય | સીધી જ ૯ તારીખ કે પછી ૧૮ કે ૨૭ની જન્મતારીખ હોય તે જો નવરાત્રિ દરમ્યાન નવદુર્ગાનું ૯ દિવસનું અનુષ્ઠાન કરે તો તેનો જન્મતારીખનો આંક ૯ ફળદાયી બની જાય છે. જન્મતારીખ ૯ હોય અને નવમા મહિનામાં એટલે કે સપ્ટેમ્બરમાં જેમનો જન્મ થયો હોય તેને ૯ નંબરની ઉપાસના બમણો લાભ કરાવી જાય છે. જન્મતારીખમાં ૯ નંબર ધરાવતી વ્યક્તિ તપસ્વી બનવાને સમર્થ હોય છે. તે જોકે નિષ્ઠાવાન પણ એટલો જ હોય છે અને સાથોસાથ દાન કરી શકે એવો ધનવાન પણ બને છે. આ વ્યક્તિમાં એટલી ક્ષમતા હોય છે કે તે સમાજમાં દાનવીર તરીકે ઊભરી આવે. જો એ પ્રયાસ કરે તો ચૅરિટીનાં કામ અન્યો પાસે પણ શરૂ કરાવી શકે છે. 
આ પ્રકારની વ્યક્તિએ વર્ષમાં ઓછામાં ઓછી એક ધાર્મિક યાત્રા કરવી જોઈએ. 
વીરતા અને સાહસ પણ અથાગ | ૯ નંબર ધરાવતી વ્યક્તિને સીધો જ સંબંધ મંગળ ગ્રહ સાથે હોય છે અને અગાઉ આપણે વાત કરી છે એમ મંગળ શૌર્યવાન ગ્રહ છે. જન્મતારીખ જેની ૯ હોય કે પછી તારીખનો સરવાળો જેનો ૯ થતો હોય તેની જન્મકુંડળીમાં મહદંશે મંગળ પણ સારા સ્થાન પર હોય એવું જોવા મળે છે. જો આ બન્નેનો સમન્વય થતો હોય તો એવી વ્યક્તિએ સેના કે પોલીસ ફોર્સ જેવા પ્રોફેશનમાં જવું જોઈએ. અહીં એક આડવાત પણ કહેવાની, આવી વ્યક્તિએ ક્યારેય જુગાર કે સટ્ટો રમવાની નીતિ રાખવી નહીં. કારણ કે સાહસ અને દુઃસાહસ વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે, જે તેને હેરાન કરી શકે છે.
મંગળનો અર્થ જ કલ્યાણ છે, તો સાથોસાથ મંગળ ધરતીનો ગ્રહ છે. આજે મોટા ભાગના બિલ્ડર કે ડેવલપર એ નહીં જાણતા હોય કે આ જ કારણે પ્રોજેક્ટમાં ૯ નંબરની રકમ રાખવામાં આવે છે, જેથી એ રકમ મંગળકારી બને.
નવ અને મંગળનો સમન્વય |  જન્મતારીખ ૯ હોય કે પછી જેની જન્મતારીખનો સરવાળો ૯ થતો હોય તેણે પોતાના જીવનમાં ગુરુને સ્થાન આપવું જોઈએ, જેને માટે જરા પણ જરૂરી નથી કે તે ગુરુની શોધ બહાર કરે. માબાપ કે પોતાનાથી મોટી ઉંમરનાં ભાઈ-બહેનને પણ તે ગુરુ બનાવી શકે છે અને એ જ તેને માટે હિતાવહ છે. ઈશ્વરને પણ ગુરુના સન્માનનીય સ્થાન પર રાખી શકાય છે. મંગળકારી વ્યક્તિના જીવનમાં ગુરુ હોવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના પર સંયમ રહે છે અને તે દુઃસાહસથી અંતર રાખે છે.
જેની જન્મતારીખ ૯, ૧૮ કે ૨૭ હોય અથવા તો કુંડળીની દૃષ્ટિએ જે માંગલિક હોય એટલે કે જેની કુંડળીમાં ૧, ૪, ૭, ૮ અને ૧૨માં ભાવમાં મંગળ હોય તેને મંગળ પ્રધાન વ્યક્તિ કહે છે. મંગળ પ્રધાન વ્યક્તિ ક્યારેક ઉતાવળિયા નિર્ણય લેતા જોવા મળ્યા હોવાથી ગુરુને આજ્ઞાકારી રહેવું એ તેમના હિતમાં છે.

columnists sunday mid-day