શુકન સવા રૂપિયો ફ્લૉપ થવાનું કારણ શું?

23 February, 2021 01:03 PM IST  |  Mumbai | Sanjay radia

શુકન સવા રૂપિયો ફ્લૉપ થવાનું કારણ શું?

શુકન સવા રૂપિયો ફ્લૉપ થવાનું કારણ શું?

‘શારદા’ અમેરિકા ગયું એટલે અમે નવા નાટકની તૈયારીમાં લાગ્યા. નવા નાટક માટે આજની જાણીતી ટીવી-સિરિયલની રાઇટર હર્ષા જગદીશ સત્યઘટના પર આધારિત એક વાર્તા લઈને અમારી પાસે આવી. રાજકોટનો છોકરો અને મુંબઈની છોકરી. બન્નેની સગાઈ થાય છે. સગાઈ પછી છોકરો મુંબઈ રોકાવા આવે છે અને રાજકોટ પાછો જઈને તે સુસાઇડ કરી લે છે. માબાપનો એકનો એક દીકરો, સુસાઇડનું કારણ ક્યારેય બહાર આવ્યું નહીં. એક ખૂબ જાણીતા ગુજરાતી મૅગેઝિનની આ કવર-સ્ટોરી હતી. હર્ષા અને શાહરુખ સદરી બન્ને મને વાર્તા સંભળાવવા આવ્યાં. વાર્તા સાંભળીને મને થયું કે આના પરથી તો નાટક બનાવવું જ જોઈએ અને અમે અમારા નાટકના શ્રીગણેશ કર્યા.
આ નાટકનું ટાઇટલ રાખ્યું ‘શુકન સવા રૂપિયો.’ છોકરાએ આપઘાત શું કામ કર્યો એ વાત મહત્ત્વની હતી. આપઘાતનું કારણ એ હતું કે છોકરો ગે હતો, તેને માત્ર સજાતીય સંબંધોમાં જ રસ હતો. છોકરાને કોઈ પ્રકારનું વિજાતીય આકર્ષણ નહોતું. તે પોતાના મનની આ વાત માબાપને સમજાવી શક્યો નહીં અને માબાપનાં લગ્નના દબાણને­­­ વશ થઈને તેણે સગાઈની હા પાડી દીધી હતી. આ અમારી કાલ્પનિક વાર્તા હતી. રાજકોટના પેલા છોકરાની સાથે આ વાત લાગુ નહોતી પડતી એની હું સ્પષ્ટતા કરું છું. આ ચોખવટનું કારણ પણ સમય આવ્યે હું તમારી સામે મૂકીશ.
હર્ષા જગદીશની વાર્તા અમને ગમી એટલે મારા ‍જૂના મિત્ર પ્રદીપ રાણેની વાઇફ મુનીરા રાણે પાસે અમે નાટક લખાવવાનું શરૂ કર્યું. મુનીરા નાટક હિન્દીમાં લખે અને એનું ગુજરાતી રૂપાંતર હું કરું. છોકરીની મુખ્ય ભૂમિકામાં અમે મીનલ પડિયારની પસંદગી કરી તો છોકરીની માની ભૂમિકામાં અમે મીનલ પટેલ ફાઇનલ કરી. છોકરીના પપ્પાની ભૂમિકા માટે મેં કાન્તિ મડિયાને પૂછ્યું. મડિયાસાહેબની ગ્રેટનેસ જુઓ, તેમણે મને હા પાડી. મેં સ્પષ્ટતા કરતાં કહ્યું કે નાટકનું દિગ્દર્શન શાહરુખ સદરી કરશે તો પણ તેમણે કોઈ આનાકાની કર્યા વિના મને હા પાડી દીધી. અત્યારે તમને સૌને આ વાત કરતાં મને મારી નાદાની અને મૂર્ખતા પર બહુ હસવું આવે છે કે હું શું કરતો હતો અને કોની પાસે જઈને નાટકની ઑફર મૂકતો હતો, પણ મિત્રો, એ વખતે મને એવું લાગ્યું નહોતું અને એટલે જ મેં મીનલ પટેલ અને કાન્તિ મડિયાને કાસ્ટ કર્યાં હતાં.
છોકરાનાં માબાપ તરીકે શરદ શર્મા અને અમિતા રાજડાને અમે કાસ્ટ કર્યાં અને છોકરીના પ્રેમીની ભૂમિકામાં હેમંત કેવાનીનું કાસ્ટિંગ કર્યું. હેમંત અત્યારે જાણીતી ટીવી પ્રોડક્શન કંપનીમાં ક્રીએટિવ હેડ છે અને તેણે અનેક સિરિયલોને પોતાનું માર્ગદર્શન આપીને સુપરહિટ બનાવી છે. અમે નાટકનું મુહૂર્ત કર્યું અને મુહૂર્તમાં અમારો દિગ્દર્શક શાહરુખ સદરી આવ્યો જ નહીં. મને બહુ ગુસ્સો આવ્યો કે મુહૂર્તમાં ન આવે એ કેમ ચાલે. હું તેને મળવા ગયો. મળીને મેં તેને મુહૂર્તમાં ન આવવાનું કારણ પૂછ્યું તો તેણે જે જવાબ આપ્યો એ સાંભળીને હું રીતસર મુંઝાઈ ગયો. શાહરુખે મને કહ્યું કે તેં નાટકમાં કાન્તિ મડિયા અને મીનલ પટેલ જેવાં મોટાં અને દિગ્ગજ કલાકારોને કાસ્ટ કર્યાં, હું એ બધાને કેવી રીતે ડિરેક્શન આપી શકું, મારાથી ડિરેક્શન નહીં થાય. મને બીક લાગે છે, મારાથી નહીં થાય કામ.
‘ખરો માણસ છે તું, મેં તને પ્રૉમિસ કર્યું હતું કે તું વાર્તા લઈ આવશે તો દિગ્દર્શન તને સોંપીશ અને શાહરુખ, આમ પણ તેં અગાઉ મારા પારસી નાટકનું દિગ્દર્શન કર્યું જ છે. હવે તું ના પાડે એ કેમ ચાલે. છેલ્લી ઘડીએ હું ડિરેક્ટરને ક્યાં શોધવા જાઉં.’
મેં દલીલ કરી અને ભાર દઈને સમજાવ્યો ખરો, પણ તે ન જ માન્યો અને નાછૂટકે મારે દિગ્દર્શક ચેન્જ કરવો પડ્યો. લાસ્ટ મોમેન્ટ પર કોઈની પાસે જવું પણ શક્ય નહોતું એટલે છેવટે દિગ્દર્શન મેં કરવાનું નક્કી કર્યું. નાટકમાં મારો પણ એક મહત્ત્વનો રોલ હતો, જેમાં મારે ૭ અલગ-અલગ કૅરૅક્ટર કરવાનાં હતાં. આ રોલ જ્યારે નક્કી કર્યો ત્યારે નાટક હું ડિરેક્ટ નહોતો કરવાનો. એ કૅરૅક્ટરો વાર્તામાં બરાબર ગૂંથાઈ ગયાં હતાં એટલે એમાં ચેન્જ થાય એમ નહોતું અને અધૂરામાં પૂરું, દિગ્દર્શનની જવાબદારી પણ મારા પર આવી. હવે સિનારિયો એવો થયો કે નાટકનો હું પ્રોડ્યુસર, હું જ નાટકનો ડિરેક્ટર, નાટકનું ગુજરાતી રૂપાંતર પણ મારે જ કરવાનું અને વાર્તા કેવી રીતે આગળ વધારવી એની જવાબદારી પણ મારે હર્ષા સાથે બેસીને પૂરી કરવાની. આ બધી જવાબદારી એકસાથે મારા પર આવી ગઈ એની બહુ મોટી અસર મારી કામગીરી પર થઈ.
‘શુકન સવા રૂપિયો’ સારું બન્યું હતું. નાટક સારું હતું કે નહીં અને હું સાચું બોલું છું કે નહીં એ તમે પણ નક્કી કરી શકો છો. ‘શુકન સવા રૂપિયો’ યુટ્યુબ પર અવેલેબલ છે. હું ઇચ્છીશ કે તમે એ જુઓ. આ મારું ડિરેક્ટર તરીકેનું પહેલું નાટક. રૂપાંતર કર્યું હોય એવું પણ મારું પહેલું નાટક. મને એ નાટક ખૂબ ગમ્યું હતું, પણ વિધિની વક્રતા કંઈક જુદું કહેતી હતી. રિલીઝ થયું ત્યારે નાટક ચાલ્યું નહીં, નાટક ફ્લૉપ ગયું. ચૅરિટી શો શરૂ થઈ ગયા હતા. ઑર્ગેનાઇઝરોએ એ નાટક લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેમની દલીલ હતી કે તમારા નાટકમાં સજાતીય સંબંધોની વાત છે, અમારું ઑડિયન્સ આવી વાર્તા પચાવી ન શકે.
‘શુકન સવા રૂપિયો’ અમે ૧૯૯૮ની ૨૯ નવેમ્બરે ઓપન કર્યું હતું. નાટકના માંડ ૨પ-૨૬ શો થયા, પણ નસીબજોગે નાટક અમે ત્રણ કૅમેરાથી શૂટ કરીને ફાઉન્ટન નામની નાટકના ડિજિટલ રાઇટ્સ ખરીદતી કંપનીને વેચ્યું એટલે એ સચવાયેલું છે. કાન્તિ મડિયાનું આ એકમાત્ર નાટક છે, જે ત્રણ કૅમેરાથી શૂટ થઈને યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળે છે. જોજો એક વાર, તમને સાચે મજા આવશે.

ફૂડ ટિપ્સ : આજે લિજ્જત ભૂજનાં મરચાપાઉંની

મિત્રો, આપણે હજી કચ્છમાં જ છીએ. શૉર્ટ ફિલ્મના શૂટિંગ માટે કચ્છ ગયો અને ત્યાં બપોરે બચુમાલીના કચ્છી સમોસાં ખાઈને એવો તો ધરાઈ ગયો કે વાત ન પૂછો. એ જ રાતે મારે મુંબઈ આવવાનું હતું.
શૂટિંગ દરમ્યાન ભુજના સ્થાનિક કલાકાર પંકજ સોની સાથે ઓળખાણ થઈ હતી. પંકજભાઈ મારા નાટકના ચાહક પણ નીકળ્યા અને કલાકાર પણ ખરા એટલે ઘરોબો જલદી થઈ ગયો. મેં તેમને પૂછ્યું કે રાતે ભુજ છોડું એ પહેલાં અહીંની ફેમસ વરાઇટીનો ટેસ્ટ કરવો છે તો પંકજભાઈ સાથે જોડાવા તૈયાર થયા. અમે બન્ને ૭ વાગ્યે પહોંચ્યા ભુજ બસ-સ્ટૅન્ડની સામે. ભુજના બસ-સ્ટૅન્ડ સામે શંકર વડાપાઉં છે. ભુજ જઈને વડાપાઉં ખાવાનાં! પણ મિત્રો ખરેખર મજા પડી જાય એવી રીતે ખાધાં. એકદમ સરસ અને મોટું ટેસ્ટી વડું, સરસમજાની ચટણી પણ સરપ્રાઇઝ. તેમણે મને મરચાપાઉં ખાવાની ઑફર કરી. મિત્રો, આ મરચાપાઉં સમજાવું તમને. આપણા જે ભોપલાં લાંબા અને મોટાં મરચાં હોય જે બહુ તીખાં ન હોય, એને વચ્ચેથી ચીરીને બી કાઢીને એમાં ચણાના લોટનું તીખું અને ગળ્યું પૂરણ ભરે. આ મરચાને વડાની જેમ ચણાના લોટમાં ઝબોળીને ફ્રાય કરે અને પાઉં સાથે આપે. આ છે મરચાપાઉં. મિત્રો, આટલા સરસ મરચાપાઉં મેં ક્યારેય ખાધાં નથી. મુંબઈમાં મરચાનાં ભજિયાંમાં અંદર પૂરણ નથી હોતું અને એ મરચાં તીખાં પણ હોય છે. જ્યારે આ અલગ પ્રકારનાં જ મરચાપાઉં છે. એ કચ્છમાં અને રાજકોટ એમ બે જ જગ્યાએ મળે છે. રાજકોટનાં મેં ટેસ્ટ નથી કર્યાં એટલે કચ્છનાં મરચાપાઉં ટેસ્ટ કરવાનું તમને કહીશ.

Sanjay radia columnists