કાળા ડુંગરના ચુંબકીય ખેંચાણનું અર્ધસત્ય શું?

09 February, 2021 02:01 PM IST  |  Mumbai | Mavji Maheshwari

કાળા ડુંગરના ચુંબકીય ખેંચાણનું અર્ધસત્ય શું?

કાળા ડુંગરના ચુંબકીય ખેંચાણનું અર્ધસત્ય શું?

કચ્છનો સૌથી ઊંચો અને વધુ વિસ્તારમાં ફેલાયેલો કાળો ડુંગર લાંબા સમય સુધી ગુજરાતના પ્રવાસીઓથી અજાણ્યો રહ્યો. કાળો ડુંગર મોટા રણને અડીને આવેલો છે. ભુજથી ખાવડા સુધીનો પાકો માર્ગ બન્યો, ઉપરાંત ડુંગર ઉપર પહોંચવાની પાકી સડક બની પછી કાળા ડુંગરની હકીકતો સામે આવવા લાગી. સીમાના સંત્રી જેવો કાળો ડુંગર ભૂસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ અગત્યનો અને રહસ્યમય છે. છેલ્લા બે દાયકામાં રણોત્સવના કારણે આ ડુંગર પ્રવાસીઓ અને સંશોધકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ખાસ તો આ ડુંગર ઉપર ચોક્કસ વિસ્તારમાં વિરુદ્ધ ગુરુત્વાકર્ષણનો અનુભવ થાય છે. એ ઘટના પ્રકાશમાં આવી ત્યારથી લોકોને આ ડુંગરની મોહિની લાગી છે. જોકે મન મોહી લે એવું આ ડુંગરનું વાતાવરણ છે, પરંતુ આ ડુંગર ઉપર થતા ચુંબકીય અનુભવની વાતને વૈજ્ઞાનિકો સમર્થન આપતા નથી.

કચ્છના પાંચ મહત્ત્વના ડુંગર કાળો, ધીણોધર, લીલવો, ભુજિયો અને નનામો પૈકી કાળા ડુંગરની હકીકતો અને વિશેષતાઓ છેલ્લા બે દાયકામાં બહાર આવી છે. ભૂસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ અતિ પ્રાચીન ખડકરચના ધરાવતો કાળો ડુંગર એવી જગ્યાએ આવેલો છે કે વર્ષો સુધી કચ્છીઓ પણ આ ડુંગરની વિશેષતાઓથી સાવ અજાણ્યા હતા. કાળો ડુંગર ભુજથી ૯૭ કિલોમીટર પાકિસ્તાન સીમાની નજીક આવેલો છે. તળેટીમાં વસેલા ધ્રોબાણા ગામથી તેના શીખર સુધી પહોંચવા માટેની ૭ કિલોમીટરની પાકી સડક છે. સમુદ્રની સપાટીથી દત્ત શીખરની ઊંચાઈ ૪૫૮ મીટરની છે. જોકે ઉપર જવાનો સડકમાર્ગ વાહનચાલકની કસોટી કરી લે એવો છે. માર્ગમાં આવતા તીવ્ર વળાંકો અને ભેખડો પ્રવાસીઓને હિમાલય પ્રવાસનો અનુભવ કરાવે છે. જ્યાંથી પાકિસ્તાનની સીમા માત્ર ૮૮ કિલોમીટર દૂર છે એવા કાળા ડુંગરનું દત્ત શીખર કચ્છની એકમાત્ર એવી જગ્યા છે, જ્યાંથી કચ્છને ૩૬૦ ડિગ્રીએ જોઈ શકાય છે. જ્યારથી ડુંગર ઉપર જવાનો પાકો માર્ગ બન્યો છે ત્યારથી આ ડુંગર વિશેની જાત-જાતની બાબતો બહાર આવવા માંડી છે. એમાંની એક રોચક અને ઉત્તેજના જગાવતી વાત છે ચુંબકીય ખેંચાણની. કાળા ડુંગર પર ગયેલા અનેક વાહનચાલકો કહે છે કે ‘આ ડુંગર ચડવાના માર્ગમાં ચોક્કસ વિસ્તારમાં વાહન ખેંચાતું હોય એવું લાગે છે. ઊતરતાં વાહનોને વધારે બળ કરવું પડે છે અને ચઢતાં વાહનો અચાનક ગતિ પકડી લે છે. સામાન્ય રીતે આવું બનવું એ વિજ્ઞાનના નિયમોથી વિરુદ્ધ છે. કેટલાક લોકોનું કહેવું છે કે ચુંબકીય ખેંચાણની આ ઘટના રોજ બનતી નથી, પણ ચોક્કસ તિથિએ બને છે. આ વિશે કેટલાક જાણકારો સાવ જુદો જ મત આપે છે. તેઓનું કહેવું છે કે કાળા ડુંગર ઉપર અમુક જગ્યાએ દૃષ્ટિભ્રમ (Optical illusion) પેદા થાય એવાં ચઢાણ છે. વાહનચાલકને એવું લાગે છે કે વાહન ઉપર ચડી રહ્યું છે, વાસ્તવમાં વાહન નીચે ઊતરી રહ્યું હોય છે. ભૌતિકશાસ્ત્રના કેટલાક વિદ્યાર્થીઓએ પણ આ દાવાને સમર્થન આપ્યું છે. જોકે હજી સુધી કાળા ડુંગરના ચુંબકીય ખેંચાણનું કોઈ આંતરરાષ્ટ્રીય સંશોધન થયું નથી, પરંતુ રાજ્યોની સ્થાનિક સંસ્થાઓએ કરેલાં સંશોધનો આ ઘટનાનું જુદું જ કારણ આપે છે. કાળા ડુંગરની ચુંબકીય ખેંચાણની બાબતો પ્રસાર માધ્યમોમાં આવી એ પછી કેટલાક સંશોધકોએ ચુંબકીય ખેંચાણની બાબતને નકારી છે. તેઓનું કહેવું છે કે તીવ્ર ઢાળ અને ડુંગરની રચનાને કારણે વાહનો એકાએક ગતિ પકડે છે. વાસ્તવમાં ચુંબકીય ખેંચાણ નથી થતું. જોકે અનેક પ્રવાસીઓએ આના વિડિયો ઉતારેલા છે, જેમાં પાણીની બૉટલ કે વાહનો પોતાની મેળે ચઢાણ ચઢતાં હોવાનું બતાવાયું છે, પરંતુ આ તમામ બાબતોને વૈજ્ઞાનિક સમર્થન મળ્યું નથી. રાજ્ય પરિવહનની બસ ચલાવતા કેટલાય ચાલકો ચુંબકીય ખેંચાણની બાબત વિશે અજાણ છે. તેઓનું કહેવું છે તેમને ક્યારેય આવો કોઈ અનુભવ થયો નથી. તેમ છતાં, કાળા ડુંગર ઉપર ચડતી સડકની ધારે ચુંબકીય ક્ષેત્ર દર્શાવતું એક પાટિયું મારેલું છે. આને કારણે પણ પ્રવાસીઓ જ્યારે એ પાટિયા નજીક આવે છે ત્યારે તેઓ મનોમન રોમાંચ અનુભવે છે. ગુજરાત સ્ટેટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી (GSDMA), ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલૉજી રીસર્ચ, ગાંધીનગર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી, કાનપુરના સભ્યોએ આ ઘટના વિશે સંશોધન કર્યું છે. તેમણે તારણ કાઢ્યું કે તીવ્ર ઢાળને કારણે વાહનો વધુ ઝડપ મેળવે છે, છતાં આસપાસના રહેવાસીઓ આ ખેંચાણને ભગવાન દત્તાત્રેયનો ચમત્કાર માને છે.
કાળો ડુંગર જે સ્થળે આવેલો છે એ વિસ્તારને કચ્છમાં પચ્છમ કહેવાય છે. કચ્છીભાષામાં પચ્છમનો અર્થ પશ્ચિમ એવો થાય છે. કાળા ડુંગરના સૌથી ઊંચા શીખર ઉપર દત્તાત્રેયનું મંદિર છે. ત્યાંનાં આસપાસનાં ગામડાંઓના રહેવાસીઓ દત્તાત્રેયને પચ્છમાઈ કહે છે. આમીર ખાને બનાવેલી બહુ ચર્ચિત ફિલ્મ ‘લગાન’નું ફિલ્માંકન કાળા ડુંગરની તળેટીમાં વસેલા કુરન ગામમાં થયેલું હતું. આ ડુંગરનું એક બીજું રહસ્ય પણ બહુ ચર્ચિત અને આશ્ચર્ય ઊપજાવે એવું છે. એ છે શિયાળે માણસના હાથે રાંધેલો પ્રસાદ ખાવો. શિયાળ માંસાહારી પ્રાણી છે. એ રાંધેલું અનાજ ખાતું નથી, પરંતુ કાળા ડુંગર પર આવેલા દત્તાત્રેયના મંદિરે બપોરે અને સાંજે લાપસીનો પ્રસાદ ખાવા શિયાળવા આવે છે, જેને અનેક લોકોએ નજરોનજર જોયા છે. આ રોજની સામાન્ય ઘટના છે. કાળા ડુંગર ઉપર દત્ત મંદિરનો વહીવટ સંભાળતા લોકો શિયાળને ‘લોંગ’ કહે છે. એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય આ ડુંગરના શીખર ઉપર આવેલા અને કેટલાક દિવસો તપ કર્યું હતું. તેમની તપસ્યા દરમિયાન ડુંગરમાં વસતાં વન્ય પ્રાણીઓ આસપાસ ફરતાં રહેતાં. એક દિવસ ભગવાન દત્તાત્રેયે શિયાળને પ્રસાદ આપ્યો અને શિયાળે એ ખાધો. ત્યારથી બપોર અને સાંજે શિયાળને લાપસીનો પ્રસાદ અપાય છે. આરતી થઈ ગયા પછી પૂજારી પ્રસાદનો થાળ લઈ જોરથી લોંગ-લોંગ બોલે ત્યારે આસપાસની બખોલો અને ઝાડીઓમાં બેઠેલા શિયાળ દોડી આવે છે અને પૂજારીએ નાખેલો પ્રસાદ ખાય છે. આ બાબતની નોંધ વિદેશી સંશોધકોએ પણ લીધી છે. અહીં અન્ન ક્ષેત્ર ચાલે છે અને શિયાળને પ્રસાદ ધરાવ્યા બાદ જ મુસાફરો અને ભક્તોને અન્ન ક્ષેત્રનું જમણ અપાય છે. જોકે કાળા ડુંગર ઉપર કોઈ સમયે જૂજ માત્રામાં લોકો જતા. વળી સડક ન હોવાથી લોકોને પગે ચાલીને જવું પડતું. લોકો શીખર ઉપર રાત રોકાતા નહીં. વીજળીની પણ વ્યયસ્થા ન હતી, પરંતુ રાત રોકાવાની સગવડ અને પાકી સડક બની જવાથી રોજનાં સંખ્યાબંધ વાહનો શિખર સુધી જાય છે. શીખર ઉપર માણસની સતત આવનજાવન અને વાહનોના અવાજને કારણે હવે પ્રસાદ ખાવા માટે એકલદોકલ શિયાળ જ આવે છે. પાકિસ્તાન સીમા સાવ નજીવા અંતરે હોવાથી ડુંગરની ઉપર દત્ત શીખરની નજીક જ સીમા સુરક્ષા બળનું એક થાણું છે, એથી બારેમાસ વાહનોની અવરજવર રહેતી હોય છે. માણસની પ્રવૃત્તિઓને કારણે હવે આ ડુંગરમાં વસતા વન્યજીવો શીખરથી દૂર ચાલ્યા ગયા છે.
કચ્છના સફેદ રણમાં યોજાતા રણોત્સવ પછી કાળા ડુંગરનું મહત્ત્વ ખૂબ વધ્યું છે. રણોત્સવના નિયત થતાં જુદાં-જુદાં પૅકેજમાં રણમાં રોકાતા પ્રવાસીઓને જુદાં-જુદાં સ્થળે ફરવા લઈ જવાય છે, જેમાં કાળા ડુંગરનો સમાવેશ પણ થાય છે. કાળા ડુંગરનું મહત્ત્વ એની જગ્યાને કારણે પણ છે. જો વાતાવરણ ચોખ્ખું હોય તો આ ડુંગર ઉપરથી ૩૬૦ ડિગ્રીમાં કચ્છની ભૂમિ સહિત પાકિસ્તાનની ભૂમિ પણ જોઈ શકાય છે. ચોમાસામાં કુદરતી સૌંદર્ય અદ્ભુત બની જાય છે. સફેદ રણમાં ભરાયેલું પાણી કોઈ સમુદ્રનો આભાસ કરાવે છે તો અહીંની રાતનો અનુભવ વિશિષ્ઠ હોય છે. અહીં રાત વિતાવનારને નિરવતા અને ગાઢ અંધકાર શબ્દોનો ખરો અનુભવ થાય છે. આ ડુંગર પરથી રાતે ચારે તરફ ફેલાયેલા કચ્છની બત્તીઓ દેખાય છે. ઉપરાંત અંધારી રાતે તારાઓ ભરેલું આકાશ આખીય પૃથ્વીને ઢાંકી દેતું હોય એવું લાગે છે. રાતે આ ડુંગર જુદા ગ્રહ પર આવી ગયાની અનુભૂતિ કરાવે છે.

bhuj kutch mavji maheshwari columnists