સિદ્ધાર્થ રાંદેરિયા અને કરો કંકુનાને શો સંબંધ?

08 September, 2020 01:56 PM IST  |  Mumbai | Sanjay Goradia

સિદ્ધાર્થ રાંદેરિયા અને કરો કંકુનાને શો સંબંધ?

સિદ્ધાર્થ રાંદેરિયા

સંજય ગોરડિયા પ્રોડક્શન્સ. આપણે મારી કંપનીના નામની વાત કરી અને આવું નામ રાખ્યા પછી વિવાદ થયો એની વાત હવે આપણે કરવાના હતા, પણ એ વાત કરતાં પહેલાં મારે ગયા વીકની એક સરતચૂક વિશે સ્પષ્ટતા કરવી છે. નવા નાટકની મારી તૈયારીઓ ચાલતી હતી ત્યારે હું ‘ભાઈ’ નાટકમાં ઍક્ટિંગ કરતો હતો. ‘ભાઈ’ નાટક માટે ગયા વીકમાં તમને કહ્યું એમ એ નાટકનું દિગ્દર્શન સિદ્ધાર્થ રાંદેરિયાનું હતું, પણ એ નાટકના લેખક પ્રવીણ સોલંકી હતા. ગયા વીકમાં લેખક તરીકે નામ સિદ્ધાર્થનું જ આપી દેવામાં આવ્યું હતું, પણ આ મારી ભૂલ છે, એટલે સાચી માહિતીની નોંધ લેવી. હવે વાત કરીએ મારા પ્રોડક્શન-હાઉસના નામની. સંજય ગોરડિયા પ્રોડક્શન્સ.
અગાઉ ‘બા રિટાયર થાય છે’ નાટક અમે શફીભાઈની કંપની ‘હમ’માં કર્યું હતું તો એ પહેલાં ‘હૅન્ડ્ઝ અપ’ અને ‘આભાસ’ નાટક મેં શરૂ કરેલા બૅનર ‘સ્વાગતમ્’ના નેજા હેઠળ થયાં હતાં, પણ મારે આ ‘સ્વાગતમ્’ નામ રાખવું નહોતું એટલે નામ માટેની મથામણ શરૂ થઈ. લાંબી મથામણ પછી મેં બૅનરનું એટલે કે કંપનીનું નામ સંજય ગોરડિયા પ્રોડક્શન્સ નક્કી કર્યું. આવું નામ રાખવા પાછળ ક્યાંક મારું બ્રૅન્ડિંગ કરવાનો વિચાર કારણભૂત બન્યો હશે અને માટે જ નક્કી કર્યું કે હવે નવું નાટક ‘સંજય ગોરડિયા પ્રોડક્શન્સ’ હેઠળ જ બનશે.
મિત્રો, શેક્સપિયરે કહ્યું છે કે નામમાં શું દાટ્યું છે. અંતે તો કામ જ બોલતું હોય છે, પણ આ વાત દરેક સમયે લાગુ નથી પડતી. મેં મારી કંપનીનું નામ મારા નામ પરથી રાખ્યું એ પછી મુંબઈની થિયેટર-ઇન્ડસ્ટ્રી પાસેથી મને કેવો પ્રતિસાદ મળ્યો એ જાણવા જેવું છે.
મારી ટીકા બહુ થઈ. સંજય ગોરડિયા કોણ છે, પોતાની જાતને શું માને છે, આવું તે કંઈ નામ હોતું હશે, આવું તે કંઈ નામ રખાતું હશે? પરેશ રાવલથી લઈને અરવિંદ જોષી કે શૈલેશ દવે કે પછી શફી ઈનામદાર પણ પોતાના નામથી બૅનર ચાલુ નથી કરતા તો આ સંજય ગોરડિયો વળી કઈ વાડીને મૂળો!
મારી પાસે આ પ્રશ્નો આમ જ આવતા. કેટલાક પ્રશ્નો વાયા મીડિયા આવતા તો કેટલાક વળી ડાયરેક્ટ પૂછી લેતા. મને થતું કે હશે, માન્યું કે આજે સંજય ગોરડિયાનું કોઈ નામ નથી, પણ આવતી કાલે આ જ નામ બહુ મોટું થશે અને એવું થશે ત્યારે મને એનો ચોખ્ખો લાભ થશે. આમ હું એ સમયનું જ નહોતો જોતો, હું આગળનું પણ જોતો હતો અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને જ મેં મારી કંપનીનું નામ સંજય ગોરડિયા પ્રોડક્શન્સ ફાઇનલ કર્યું હતું. મિત્રો, મારા પછી તો ઘણા લોકોએ પોતાના નામ પરથી પ્રોડક્શન-હાઉસ શરૂ કર્યાં. તમે નાટકોની ઍડ જોશો તો તમને એ બધાં નામ દેખાશે પણ ખરાં. ઍની વેઝ, આ રીતે નવા નાટક માટે મારા નવા બૅનરની શરૂઆત થઈ અને એમાં મેં ‘ફતેહચંદનું ફુલેકું’ નાટક કરવાનું નક્કી કર્યું. તમને જાણીને નવાઈ લાગશે કે એ નાટક કરવાનું નક્કી કર્યું ત્યારે જ મેં ફાઇનલ કરી લીધું હતું કે નાટક હું એ જૂના નામે એટલે કે ‘ફતેહચંદનું ફુલેકું’ના નામે નથી કરવાનો એટલે મનોમન નવા નામની મથામણ પણ શરૂ થઈ ગઈ હતી તો કૌસ્તુભ ત્રિવેદી સાથે પાર્ટનરશિપમાં કામ કરવાનું નક્કી કર્યું એટલે તેઓ પણ પોતાની રીતે નામ શોધતા થઈ ગયા હતા.
કહ્યું હતું એમ, એ દિવસોમાં નવા નાટકની િસ્ક્રપ્ટ પર કામ ચાલી રહ્યું હતું અને પ્રકાશ કાપડિયાએ પહેલો અંક લખી નાખ્યો હતો. એ પહેલાં અંકની સ્ક્રિપ્ટ લઈને હું સિદ્ધાર્થના ઘરે ગયો. એ વખતે સિદ્ધાર્થ જ્યાં પૃથ્વી થિયેટર આવ્યું છે એ જાનકી કુિટરમાં રહેતા હતા. મેં તેમને આખો પહેલો અંક વાંચી સંભળાવ્યો. તેમણે કહ્યું કે બહુ સરસ છે, પણ લાંબું છે, આને કાપ. મને પાક્કું યાદ છે કે ‘ભાઈ’નો શો ઘાટકોપરમાં હતો. ત્યાં સિદ્ધાર્થ સાથે એમ જ ટાઇટલ બાબતે વાત ચાલતી હતી અને એ વાતચીતમાં સિદ્ધાર્થ બોલ્યા ઃ ‘કરો કંકુના.’
...અને મેં એ ટાઇટલ પકડી લીધું.
‘કરો કંકુના.’
અદ્ભુત ટાઇટલ.
આમ મારા પ્રોડક્શનનાં પહેલા નાટકનું નામ પાડીને એનાં ફઈબા બનવાનો જશ મળ્યો સિદ્ધાર્થ રાંદેરિયાને. આમ જોઈએ તો આ યોગાનુયોગ માત્ર નહોતો.
અમારા આ નાટકનાં ઘણાં લોકાલ્સ હતાં એટલે સેટ-ડિઝાઇન માટે અમે સુભાષ આશરને જવાબદારી આપી, ઓરિજિનલ નાટકમાં સેટ કુમાર વૈદ્યએ તૈયાર કર્યો હતો. કુમાર બહુ સારો પેઇન્ટર અને એનું વિઝ્‍યુઅલાઇઝેશન ખૂબ સરસ પણ અમે વિચાર્યું કે કોઈ રંગમંચના પ્રોફેશનલ સેટ-ડિઝાઇનરની હેલ્પ લેવામાં આવે તો વધારે સારું કામ થશે. આ જ કારણે અમે કુમારને બદલે સુભાષ આશરને લાવ્યા અને સુભાષે ખૂબ સરસ સેટ બનાવ્યો. કુમાર વૈદ્ય આ કારણથી મારાથી ખૂબ નારાજ થયા અને કેટલાંય વર્ષો સુધી મારી સાથે તેમણે વાત નહોતી કરી.
નાટકના સેટની જેમ જ અમારી ટીમ પણ બહુ મોટી હતી. નાટકમાં લીડ કૅરૅક્ટર હું કરતો હતો, જ્યારે મારા મામાના રોલમાં રાજેશ મહેતાને લેવામાં આવ્યા હતા. મહેતા બહુ સારા કૉમેડિયન. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ચંપકકાકા યાદ છેને તમને? યસ, ઍક્ટર અમિત ભટ્ટ. અમિત ભટ્ટનું આ પહેલું નાટક. તેમણે આ નાટકથી કરીઅરની શરૂઆત કરી હતી. મહેતા અને અમિત ઉપરાંત નાટકમાં દિનુ ત્રિવેદી અને નારાયણ રાજગોર પણ ખરા. આ બન્ને ઍક્ટરો ગુજરાતી નાટક અને ફિલ્મોના બહુ સારા કલાકાર. ચહેરો જોઈને લોકો તેમને ઓળખી જાય. આ સિવાય, નાટકમાં તુષાર ત્રિવેદી પણ હતા, તો તરુણ નામનો એક છોકરો પણ હતો. તરુણ એ પછી ક્યારેય નાટકલાઇનમાં જોવા નથી મળ્યો. તરુણે નાટકમાં એક સ્ત્રીપાત્ર ભજવ્યું હતું. એ સિવાય રાજેશ સોલંકી, રજની પારેખ અને કોશા મુનશી પણ હતાં, તો મુકેશ રાવલની દીકરી વિપ્રા રાવલનું પણ આ પહેલું નાટક હતું. સમય જતાં તેણે અઢળક નાટકો કર્યાં અને એ પછી તે ટીવી-સિરિયલ તરફ ડાઇવર્ટ થઈ ગઈ. અનિલ ઉપાધ્યાય પણ હતા. આ અનિલે આમિર ખાનની ‘સરફરોશ’માં ખબરીની ભૂમિકા ભજવી હતી એનાં ખૂબ વખાણ થયાં હતાં. અનિલ અત્યારે હયાત નથી. એ સિવાય પણ નાટકમાં બીજા ઘણા નવોદિત કલાકારો હતા. ટૂંકમાં કહું તો નાટકમાં મેં મોટો શંભુમેળો ઊભો કર્યો હતો.
૧૯૯૪ની ૧૬ જાન્યુઆરીએ નાટક ઓપન કરવાનું અમે નક્કી કર્યું.
એ સમયે હું લોખંડવાલાના અમારા નવા ઘરે શિફ્ટ થઈ ગયો હતો અને નાટકનાં રિહર્સલ્સ ચાલે બિરલા ક્રીડા કેન્દ્રમાં. એ સમયે મોટા ભાગનાં નાટકનાં રિહર્સલ્સ ટાઉનમાં ‘સી’ અને ‘ડી’ વૉર્ડમાં જ થતાં. અમારો દિગ્દર્શક રાજુ જોષી સીએની ફર્મમાં જૉબ કરે. નરીમાન પૉઇન્ટ પર તેની ઑફિસ. તે ત્યાંથી છૂટીને સાંજે સાડાછ વાગ્યે બિરલા ક્રીડા કેન્દ્ર આવે અને પછી રિહર્સલ્સ શરૂ થાય, જે દસ વાગ્યા સુધી ચાલે. ૧૦ વાગ્યે રિહર્સલ્સ પૂરાં કરીને હું મારા કાઇનૅટિક પર ભાઈદાસ પહોંચું. એ સમયે ભાઈદાસ ગુજરાતી રંગભૂમિનો મહત્ત્વનો અડ્ડો બની ગયું હતું.
દરેક કલાકાર એ વખતે રાતે ભાઈદાસ આવે, આવે, આવે અને આવે જ. ભાઈદાસના કમ્પાઉન્ડમાં બધા વાતો કરતા હોય. ભાઈદાસના મૅનેજર વિનય પરબને મળે અને સોશ્યલ નેટવર્કિંગ કરે. ભાઈદાસમાં કોઈ ને કોઈ ખૂણામાં કે કૅબિનમાં નાની-મોટી નિર્માતા-કલાકારોની મીટિંગ ચાલતી જ હોય.
એક દિવસ એવું થયું કે હું ભાઈદાસ પહોંચ્યો. ત્યાં શરદ સ્માર્તને એક કૅબિનમાં મળ્યો. તેમની સાથે હાય-હેલો કરીને હું બહાર નીકળતો હતો ત્યાં શરદભાઈએ મને પાછો બોલાવ્યો. મને કહે, ‘સંજય તારી બે આંખમાંથી એક જ આંખ કેમ બ્લિન્ક થઈ, બીજી આંખ કેમ ફરકી નહીં?’
મને પણ આ ઍબ્નૉર્મલ લાગ્યું. મેં તેમને કહ્યું પણ ખરું કે આજે સવારથી એવું થાય છે. બન્યું એમાં એવું કે સવારે હું કોગળા કરતો હતો ત્યારે પાણી મોઢાની એક બાજુએથી એની મેળે નીકળી ગયું.
શરદભાઈએ વાત સાંભળીને મને કહ્યુંઃ ‘સંજય, તું તાત્કાલિક ડૉક્ટરને દેખાડ...’
(સાવ નાની લાગતી વાતને લીધે મારું બ્લડપ્રેશર કેવું વધ્યું અને એ પછી શું થયું એની ચર્ચા આપણે કરીશું આવતા મંગળવારે, પણ ત્યાં સુધી, કોરોનાને લડત આપો અને સુરક્ષિત રહો.)

લક્કી મેસ્કૉટઃ સિદ્ધાર્થ રાંદેરિયાના ‘ભાઈ’ નાટકની ઍક્ટિંગ જોઈને મને ફાઇનૅન્સર મળ્યો અને એ જ સિદ્ધાર્થે મારા નવા નાટકનું નામકરણ પણ કર્યું.

Sanjay Goradia columnists