કચ્છી લોકગીતોની પશ્ચાદભૂ

10 December, 2019 11:41 AM IST  |  Kutch | Mavji Maheshwari

કચ્છી લોકગીતોની પશ્ચાદભૂ

પ્રતીકાત્મક તસવીર

લોકગીત એટલે શું? આ લોકગીત શબ્દ બે જુદા-જુદા શબ્દ વડે બનેલો છે જેમાં એક શબ્દ છે લોક અને બીજો છે ગીત. ગીત શબ્દનો અર્થ તો પાધરો છે, જે ગવાય એ ગીત. એ મંદિરમાં ગવાય તો પ્રાર્થના કે સ્તુતિ બની જાય. ચોરે ગવાય તો ભજન બની જાય. જો મરણ પ્રસંગે ગવાય તો એ મરશિયું બની જાય. આ લોકગીતનો એક અર્થ થયો. લોકગીતનો એક બીજો અર્થ છે લોકોનું ગીત જેના ઉપર કોઈ એક કે એક કરતાં વધારે માણસોનો અધિકાર ન હોય એ લોકગીત. એવું ગીત જે અનેકને મોઢે હોય, લોકો એને ઘરમાં, શેરીઓમાં, મેળાઓમાં, લગ્નોમાં, તહેવારોમાં ગાવા માંડે. એને શીખવવું ન પડે, એને યાદ રાખવું ન પડે એવાં ગીતોને લોકગીત કહેવાય. કચ્છનાં મૂળ લોકગીતો કચ્છી ભાષામાં છે, જે હવે પશ્ચિમ કચ્છ સિવાય બહુધા ગવાતાં નથી. વ્યાવસાયિક ગાનારાઓ મોટા ભાગે ગુજરાતી લોકગીતો ગાય છે.

આખાય ભારતના લોકસંગીતને તમે ધ્યાનથી સાંભળશો અને એને ગાનારાઓની ખાસિયત જોશો તો એટલું સમજાશે કે પંજાબ, રાજસ્થાન અને ગુજરાત આ ત્રણ ભૌગોલિક પ્રદેશોનું લોકસંગીત ભારતના અન્ય લોકસંગીત કરતાં જુદું પડે છે. આ ત્રણેય પ્રદેશોના લોકસંગીત સાથે વર્તુળ નૃત્ય એટલે કે રાસ અને ઢોલ જોડાયેલાં રહ્યાં છે. વળી આ પ્રદેશોના લોકસંગીતમાં મોટો સમૂહ જોડાય છે. તે સમૂહમાં ગાય છે અને રમે છે. હકીકત એ પણ છે કે ગુજરાતની મોટા ભાગની પ્રજા કોઈ કાળે માત્ર ખેતી અને પશુપાલન પર જ નભતી હતી. એટલે જ ગુજરાતના લોકસંગીતમાં જાત-જાતના લોકરાસની વિવિધતા જોવા મળે છે. શાસ્ત્રીય સંગીત ગુજરાતમાં ઉત્તર ભારતના પ્રમાણમાં ઘણું મોડું પ્રવેશ્યું છે. આજે પણ ગુજરાતના બહુ જ ઓછા શાસ્ત્રીય સંગીતના ગાયકો જોવા મળશે. મૂળે ગુજરાતીઓ લોકરાસનો વારસો ધરાવનાર પ્રજા છે.

કચ્છના પ્રદેશ વિશેષનાં લોકગીતોની ચર્ચા થતી હોય ત્યારે એક વાત એ પણ કહેવાનું મન થાય છે કે ગુજરાતી ભાષામાં લોક શબ્દનો અર્થ શ્રમજીવી, કસબી, કારીગર જેવા લોકોનો સમૂહ અથવા જ્ઞાતિ એવો પણ થાય છે. ગુજરાતમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં જ્ઞાતિઓ બે રીતે ઓળખાતી હતી જેને  મહાજન કોમ અને લોકવરણ કહેવાતી. આજે પણ કહેવાય છે. મહાજન કોમ એટલે ખાસ કરીને વેપારી જ્ઞાતિઓ. લોકવરણ એટલે કસબી, કારીગર, પશુપાલકો, ખેડૂતો, દલિતો વગેરે. હકીકત એ પણ છે કે લોકગીત ગાનારી અને ઢોલ પર રમનારી મોટા ભાગની કોમો લોકવરણની છે. લોકગીતના રચનારામાં પણ આ જ્ઞાતિઓનો જ મોટો ફાળો છે. એટલે લોકગીતનો અર્થ એ પણ થાય કે લોકવર્ણ કહેવાતી જ્ઞાતિઓએ જે ગાયાં અને રચ્યાં એ લોકગીત. લોકગીતને સાચવનાર અને પ્રચલિત કરનારો મોટો કોઈ વર્ગ હોય તો એ છે લોકવર્ણ. અહીં એક બીજો રસપ્રદ મુદ્દો એ પણ છે કે લોકગીતનો સીધો સંબંધ ઢોલ સાથે છે. ઢોલ ચામડાની વસ્તુ હોવાથી મહાજન કહેવાતો વર્ગ એ વાદ્યથી જરા છેટો રહ્યો છે. વળી ગુજરાતમાં ઢોલ વગાડવાના કામને હલકું ગણાતું રહ્યું છે એટલે એ વેપારી વર્ગમાં આવતી જ્ઞાતિઓએ ક્યારેય વ્યવસાય તરીકે ઢોલ વગાડવાનું પસંદ કર્યું નથી. વ્યવસાયિક સ્થિતિને બાદ કરતાં સામાન્ય રીતે કચ્છમાં આજે પણ ઢોલ વગાડવાનું કામ મોટા ભાગે ચોક્કસ જ્ઞાતિઓ જ કરે છે.

કચ્છ ભલે આમ ગુજરાતનો એક હિસ્સો હોય, પરંતુ ભૌગોલિક અને હવામાનની દૃષ્ટિએ કચ્છ ગુજરાતના અન્ય પ્રદેશોથી જુદો પડે છે. માણસનો સ્વભાવ, સમાજની રીત-રસમો ઘડનાર કોઈ પ્રાકૃતિક તત્ત્વ હોય તો એ છે એ પ્રદેશની ભૂગોળ. કચ્છની ભૂગોળ થોડી વિચિત્ર છે. એ આમ રણપ્રદેશ કહેવાય છે, પણ રેતીનું રણ કચ્છમાં ક્યાંય નથી. કચ્છ રાજસ્થાનના જેસલમેર જેવો વિસ્તાર નથી. કચ્છનું જે રણ કહેવાય છે એ વાસ્તવમાં નિર્જન ખારોપાટ છે, જ્યાં પાણી સૂકાઈ જવાથી મીઠું પથરાઈ જાય છે જે આજકાલ સફેદ રણ તરીકે દેશભરમાં જાણીતું બન્યું છે. કચ્છને સાડાચારસો કિલોમીટર જેટલો દરિયાકાંઠો પણ છે. એક તરફ દરિયો અને બીજી તરફ રણ. વચ્ચે જે સંસ્કૃતિ છે એ કચ્છની કચ્છિયત. અત્યારે સ્થિતિ એવી છે કે ઊંટ, આયર, રણ અને રબારી આ ચાર ચીજો બતાવી દો એટલે કચ્છ આવી ગયું. પણ ના, એવું નથી. કચ્છ સાંસ્કૃતિક રીતે રીતસર બે ભાગમાં વહેંચાયેલું છે. એક પૂર્વ કચ્છ અને બીજું પશ્ચિમ કચ્છ. પૂર્વ કચ્છ ગુજરાતીભાષી છે અને પશ્ચિમ કચ્છ કચ્છીભાષી છે. એટલે પ્રજાની તાસીર અને લોકવ્યવહારો પણ બે ભાગમાં વહેંચાયેલા છે. એવું પણ જોવા મળે છે કે પૂર્વ કચ્છના લોકજીવનમાં ઉત્તર ગુજરાત, રાજસ્થાન, ઝાલાવાડ, મચ્છુકાંઠાની અસર છે, જ્યારે પશ્ચિમ કચ્છ પર સિંધ, બલુચિસ્તાન અને અફઘાનિસ્તાનની અસર છે. જે પૂર્વ કચ્છમાં છે એ પશ્ચિમ કચ્છમાં નથી અને પશ્ચિમ કચ્છમાં છે એ પૂર્વ કચ્છમાં નથી. અહીં જે લોકગીતની વાત કરવાનો છું એ તળ કચ્છીભાષી વિસ્તાર એટલે કે પશ્ચિમ કચ્છમાં ગવાતાં લોકગીતોનો હશે. જે કચ્છી ભાષામાં ગવાય છે, પરંતુ કોઈ પ્રદેશમાં જ્યારે સત્તાવાર બોલાતી, ભણાવાતી ભાષાનો પ્રવેશ થાય એટલે એ પ્રદેશની મૂળ ભાષા પર એની અસર થાય છે. અહીં કચ્છી લોકગીતો પર ગુજરાતી ભાષાની ખાસ્સી અસર જોવા મળે છે. કેટલાંક મૂળ કચ્છી લોકગીતો ગુજરાતી મિશ્રિત કચ્છીમાં પણ ગવાય છે. પશ્ચિમ કચ્છમાં લગ્નોમાં ત્યારે જે ગીતો ગાવાંમાં આવે છે એ કચ્છીમાં હોય છે જેને રાસુડા કહેવાય છે. દલિત, મુસ્લિમ અને કોળી જ્ઞાતિમાં લગ્નની આગલી રાત શોની રાત કહેવાય છે. એ રાતે આખી રાત પ્રહર પ્રમાણે લોકગીતો ગાવાની પરંપરા આજે પણ બન્ની, અબડાસા અને લખપતનાં અમુક ગામડાંઓમાં ટકી રહી છે.

કચ્છી લોકગીતોમાં સામાજિક ઘટનાઓ, દુર્ઘટનાઓ, સામાજિક વ્યવહારો, રાજકીય બનાવો, કચ્છની વિષમ સ્થિતિ, કચ્છનું પ્રાકૃતિક સૌંદર્ય, હાસ્ય, વ્યંગ અને પ્રણયભાવનાં ગીતો મળે છે. કચ્છી ભાષામાં જેટલાં લોકગીતો ગવાય છે એ વર્ષો પહેલાં રચાયેલાં છે. કચ્છી લોકગીતો પર સિંધ પ્રદેશ અને સંસ્કૃતિની ખાસ્સી અસર છે. ગજિયો, કુંજલ ન માર, છલડો જેવાં ગીતો ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ પહોંચ્યાં છે. કચ્છમાં સત્તાવાર ગુજરાતી ભાષા આવ્યા પછી અને વિજળીક શ્રાવ્ય સાધનોના પ્રવેશ પછી કચ્છી લોકગીતોને ભયંકર ઘસારો લાગ્યો છે. કચ્છી લોકગીતો એટલે કે રાસુડા કોઈ સમયે રમતાં-રમતાં ગવાતાં જેમાં બે કે ત્રણ જણ ગાય અને બાકીના ઝીલે. ધ્વનિ વ્યવસ્થાઓના પ્રવેશ પછી આ સ્થિતિ સમૂળગી બદલાઈ ગઈ છે. હવે રમનારા ગાતા નથી. ગાનારાઓ પણ વ્યવસાયિક હોય છે જે મોટા ભાગે પ્રચલિત લોકપ્રિય ગુજરાતી ગીતો ગાય છે. આને પરિણામે કચ્છી રાસુડાઓના પારંપરિક તાલ અને એની રમતો ખોવાતી જાય છે. જ્યારે આધુનિક વિજાણું સાધનો નહોતાં એ સમયમાં ધનાબાઈ કારા, કમશ્રીબેન ગઢવી, અમીનાબેન જેવા કચ્છી ગાયકોએ લોકગીતોને સાચવી રાખવામાં યોગદાન આપ્યું છે. ડૉ. જોહરાબાનુ ઢોલિયા અને ડૉ. વિશન નાગડાએ એ સંશોધનની દિશામાં થોડું કામ કર્યું છે, પરંતુ લોકગીતો સાથે જોડાયેલી સાંસ્કૃતિક બાબતોનાં સંશોધનો થવાનાં હજી બાકી છે. કચ્છી લોકગીતો વિશે તલસ્પર્શી શાસ્ત્રીય અભ્યાસ થયેલો નથી.

આ પણ વાંચો : નાગડ! તારે નેસ, મનડે માળો બાંધીયો...

કચ્છી સાહિત્ય અકાદમીની રચના થયાને એક દાયકો વીતી ગયો છે છતાં હજી સુધી અકાદમીએ કચ્છી સંસ્કૃતિનાં સંશોધન બાબતે કશું નક્કર કામ કર્યું નથી. કચ્છી ભાષામાં જેટલું કાર્ય થઈ રહ્યું છે એ માત્ર કવિતાઓ અને વાર્તા જેવાં સાહિત્યિક સ્વરૂપો સુધી સીમિત રહી ગયું છે. જો આ દિશામાં નક્કર કાર્ય સત્વરે નહીં થાય તો એક મહત્ત્વનો વારસો કાળગર્તામાં વિલીન થઈ જવાનો ભય ઊભો છે.

kutch columnists