અંદર શું છે? (લાઇફ કા ફન્ડા)

30 March, 2020 07:47 AM IST  |  Mumbai Desk | Heta Bhushan

અંદર શું છે? (લાઇફ કા ફન્ડા)

એક દિવસ એક મનોવિજ્ઞાનના પ્રોફેસરે પોતાના વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો કે ‘હું તમારા હાથમાં એક મોસંબી આપું અને એને દબાવવાનું કહું તો એમાંથી શું નીકળે?’

વિદ્યાર્થીઓને સરનો પ્રશ્ન જરાક વિચિત્ર લાગ્યો. એક જણે જવાબ આપ્યો, ‘સર, મોસંબીને દબાવીએ તો એમાંથી મોસંબીનો રસ નીકળે.’
સર બોલ્યા, ‘બરાબર... હવે હું તમને મોસંબીની જગ્યાએ સફરજન આપું અને એની પર દબાણ આપવા કહું તો શું થાય?’
વિદ્યાર્થીઓ સમજી ગયા કે નક્કી સર, આ પ્રશ્નો પૂછી કંઈક સમજાવવા માગે છે. બીજા વિદ્યાર્થીએ થોડો વિચારીને જવાબ આપ્યો, ‘સર, મોસંબી કરતાં વધુ દબાણ આપવું પડે, પછી એમાંથી સફરજનનો રસ નીકળે.’
સર બોલ્યા, ‘બરાબર, ભલે દબાણ ઓછું કે વધારે આપવું પડે, મોસંબીમાંથી મોસંબીનો રસ અને સફરજનમાંથી સફરજનનો રસ નીકળે એ વાત નક્કી, કારણ શું?’
વિદ્યાર્થીઓમાંથી બે-ત્રણ જણ એકસાથે બોલી ઊઠ્યા, ‘સર, એમાં કારણ શું, ફળની અંદર જે હોય એ જ બહાર નીકળે. બીજું કઈ થોડું નીકળે?’
સર હસ્યા અને હવે મૂળ વાત પર આવતાં બોલ્યા, ‘સાવ સાચી વાત છે, અંદર જે હોય એ બહાર આવે. તો પછી વિચારો કે મોસંબી કે સફરજનના સ્થાને તમે છો અને જ્યારે જિંદગીમાં અમુક પરિસ્થિતિ, સંજોગો, વ્યક્તિઓ આપણી પર કોઈ કારણસર સાચું-ખોટું, ઓછું કે વધારે દબાણ કરે છે તો આપણામાંથી ગુસ્સો, નફરત, ચીડ, કડવાહટ, ડર જ કેમ બહાર આવે છે, શું આપણી અંદર માત્ર ગુસ્સો, નફરત, ચીડ, કડવાહટ, ડર જ ભરેલાં છે?’

આ પ્રશ્ન સાંભળી વિદ્યાર્થીઓ કઈ ન બોલ્યા. એકધ્યાને આગળ સર શું સમજાવે છે એ સાંભળવા તત્પર બન્યા. સર બોલ્યા, ‘આ તમારા જીવનનો સૌથી મહત્ત્વનો પાઠ છે કે જે તમારી અંદર હોય એ જ બહાર આવે છે જ્યારે જિંદગી તમને અજમાવે છે. કોઈ તમારા વિશે ખરાબ બોલે છે, કોઈ તમને ન ગમતું કરે છે અથવા તમને ન ગમતા સંજોગો સર્જાય છે ત્યારે તમારામાંથી ગુસ્સો, નફરત, ચીડ, કડવાહટ, ડર બહાર આવે છે, કારણ કે એ જ તમારી અંદર છે. વિપરીત પરિસ્થિતિમાં તમારામાંથી જે અંદર હોય એ બહાર આવે છે, પરંતુ તમારી અંદર શું રાખવું એ તમારા હાથમાં છે, તમારી પસંદ છે. જો તમારી અંદર પ્રેમ જ પ્રેમ ભરેલો હશે તો જ્યારે કોઈ દબાણ આપશે ત્યારે પ્રેમ જ બહાર આવશે અને જ્યારે તમે તમારી અંદરથી બધી જ નકારાત્મક, નુકસાનકારક લાગણીઓ બહાર કાઢીને એની જગ્યાને પ્રેમથી ભરી દેશો તો જીવન આપોઆપ ખુશમય બની જશે.’

heta bhushan columnists