ઈશ્વર શું ચીજ છે?

31 May, 2020 10:10 PM IST  |  Mumbai Desk | Kana Bantwa

ઈશ્વર શું ચીજ છે?

પ્રતીકાત્મક તસવીર

કોરોના ફાટી નીકળ્યા પછી ધર્મસ્થાનકો, ધર્મપુરુષો, પંથો, સંપ્રદાયો, ધર્મગુરુઓ અને ખુદ પરમાત્મા સામે સવાલ ઊઠવા માંડ્યા છે. આસ્તિકો શંકાશીલ થઈ ઊઠ્યા છે અને નાસ્તિકો બેફામ બની ગયા છે. જે પંથપંડિતોના આશરે પૃથકજન જઈને બાપડો સાંત્વના લેતો હતો તેઓ કોરોના સામે લાચાર થઈને ઊભા રહ્યા પછી અનેકના ભ્રમનિરસન થઈ ગયા. ઈશ્વરના વચેટિયાઓના વાંકે ઈશ્વર સામે પણ આંગળીઓ ઉઠાવવાની હિંમત થવા માંડી. માટીપગા દલાલોને કારણે સર્વશક્તિમાન પરમેશ્વર સામે સોશ્યલ મીડિયામાં નાસ્તિક લોકો પ્રશ્નો ઉઠાવવા માંડ્યા છે. ધર્મના નામે ઈશ્વરની દલાલી કરનારાઓને બદલે ડૉક્ટરો અને નર્સો, હૉસ્પિટલો અને વેન્ટિલેટર જેવાં સાધનો લોકોના જીવ બચાવવા માંડ્યાં. લોકો કહેવા માંડ્યા કે કરોડોનાં દાન પથ્થરોમાં નાખીને નૉન-પ્રોડક્ટિવ પરોપજીવીઓની ફોજ ઊભી કરવા કરતાં જો હૉસ્પિટલો અને દવાખાનાં ઊભાં કર્યાં હોત તો આજે વધુ લોકો બચી ગયા હોત. ટીકા સાચી છે, પણ એની આંચ ઈશ્વરને વગર કારણે લાગી જાય છે. પાડાના વાંકે પખાલીને ડામની જેમ પૂજારીના વાંકે પરમાત્માની ટીકા થવા માંડી. જે ઈશ્વરને ધર્મ સાથે કંઈ લાગતુંવળગતું નથી, જે સૌથી વધુ ધર્મમુક્ત છે, જેને મંદિર કે મૂર્તિ કે પૂજારી કે ધર્મગુરુ કે મૌલવી કે મસ્જિદ કે ધજા કે પરચમ કે દુંદુભિ કે નગારાં કે ઝાલર સાથે કશી લેવા-દેવા નથી અથવા ધૂળ કે કચરા કે કાદવ કે પાંદડાં કે હિમાલય કે પહાડ કે રાખ કે ઉકરડા કે રેતી કે રત્ન કે રજ સાથે જેટલી લેવાદેવા છે એટલી જ ઉપર કહેલી ધાર્મિક ગણાતી ચીજો સાથે છે એ પરમાત્મા શું ચીજ છે? આપણે ધારીએ છીએ એવો હશે ઈશ્વર? કલ્યાણ કરનાર, આશીર્વાદ આપનાર, પાપનો દંડ આપનાર, પુણ્યનું ફળ આપનાર, પ્રાર્થનાથી ખુશ થઈ જનાર, ખરાબ બોલનારનું ધનોતપનોત કાઢી નાખનાર, સોનાના સિંહાસન પર બિરાજમાન, ઉપર આકાશમાં રહેનાર, ઉપર બેસીને માણસોનાં લેખાં લેનાર, હિસાબ રાખનાર, નસીબ લખનાર, કોઈને કશું આપનાર અને કોઈ પાસેથી કશું લઈ લેનાર, પાપનો નાશ કરનાર, પુણ્યનો ઉદય કરાવનાર આવો હશે ઈશ્વર? માણસે પોતાના જેવો કલ્પી લીધો છે ભગવાનને. દુનિયાના તમામ ધર્મોએ ઈશ્વરને પોતાના જેવો જ ધારી લીધો છે. આપણે રાજાઓને, સરદારોને, શાસકોને જોઈને ઈશ્વરને એવો જ બનાવી દીધો છે આપણી કલ્પનામાં. રાજા જેવો શાસક દંડ પણ આપે અને કૃપા પણ કરે. નિયમ ચલાવે. હિસાબ રાખે. ન્યાય કરે. અન્યાયનો બદલો આપે. સારા માણસોને સધિયારો આપે. દુર્જનોને સજા કરે. પ્રાર્થનાથી ખુશ થઈ જાય, રાજા. રાજાને બધું માફ. તે ભૂલ કરે તો પણ સમરથ કો નહીં દોષ ગુંસાઈ. તે સર્વશક્તિમાન. તે ઐશ્વર્યવાન. તે લડાઈમાં લાખોની હત્યા કરી શકે. તેને પાપ ન લાગે. રાજા ન્યાયના નામે કોઈનો વધ કરે એ પણ ધર્મ અનુસાર કહેવાય. રાજાનાં આ બધાં લક્ષણો માણસે ઈશ્વર માટે પણ ધારી લીધાં. સર્વશક્તિમાન ઈશ્વરને તો જોયો નથી માનવીએ, પણ પૃથ્વી પરના ઓલામાઇટી રાજાને જોયો છે. રાજા જેવું સિંહાસન ને રાજા જેવા ચામર. રાજા જેવી પાલખીઓ અને રાજા જેવાં ભોજનિયાં. રાજા જેવાં શસ્ત્રો અને અસ્ત્રો પણ ધારી લીધાં. ધર્મગ્રંથોમાં લખી પણ નાખવામાં આવ્યાં લક્ષણો, જાણે ઈશ્વરને સાક્ષાત્ જોઈ આવ્યા હોય એટલા અધિકારથી લખી નાખ્યાં. જે ધર્મોએ ઈશ્વરને નિરાકાર ધાર્યો એણે પણ એનું વર્ણન કર્યું જ. એમણે પણ બંદગી માટે મસ્જિદો બનાવી. એમણે પણ કાબાની પ્રતિષ્ઠા કરી. એમણે ઈશ્વરની ધારણા અમૂર્ત કરી છતાં મૂર્ત કરી. માત્ર આકાર ન કલ્પ્યો. બાકીનાં બધાં લક્ષણો તો સમાન જ. જગતના લગભગ તમામ ધર્મ, જે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારે છે એ બધાનાં ઈશ્વરનાં લક્ષણો મોટા ભાગે મળતાં આવે છે. ઈશ્વરને નહીં માનનાર નાસ્તિક ધર્મે પણ તેના આદિ પુરુષોને ભગવાન જ બનાવી દીધા. ખરેખર ઈશ્વર આ બધા ધર્મો કહે છે અને મનુષ્યો માને છે એવો હશે?
 આકારની વાત જવા દો, આકારનું કોઈ મહત્ત્વ જ નથી. નિરાકાર હોય કે સાકાર હોય, ઈશ્વરના ઈશ્વરત્વને કોઈ ફરક નથી પડતો. મહત્ત્વ ઈશ્વરના ગુણોનું છે. શું ઈશ્વર દયાળુ જ છે? હશે? શું ઈશ્વર પરમકૃપાળુ જ છે? શું ઈશ્વર ન્યાયનાં ત્રાજવાં લઈને બેઠો હશે? શું ઈશ્વર ભક્તો પ્રત્યે પ્રેમ અને વિરોધીઓ પ્રત્યે દ્વેષ રાખનાર હશે? શું ઈશ્વર દંડ દેનાર હશે? શું ઈશ્વર ધર્મસ્થાનોમાં રહેતો હશે? શું ઈશ્વરે ધર્મગ્રંથો વાંચ્યા હશે? શું ઈશ્વરને ભાષા હશે? શું ઈશ્વર પ્રાર્થના જ સાંભળતો હશે? શું ઈશ્વર સ્વર્ગ કે વૈકુંઠ કે જન્નત કે અફલાક કે ફિરદૌસના છાપરાથી પણ ઉપર કે બ્રહ્મલોક કે ગોલોકમાં રહેતો હશે? શું ઈશ્વર પ્રેમાળ હશે? માનવજાત પ્રત્યે પ્રેમ રાખતો હશે? માત્ર પ્રેમ જ રાખતો હશે, દ્વેષ નહીં રાખતો હોય? ઈશ્વર માટે પણ પાપ અને પુણ્ય હશે કે એનાથી પર હશે? પાપ અને પુણ્ય ઈશ્વરે નક્કી કર્યાં હશે? ઈશ્વર વિધ્વંશ કરતો હશે? પ્રલય લાવતો હશે?
માણસે ઈશ્વરનું નિરૂપણ પોતાની ધારણા પ્રમાણે કર્યું છે અને એમાં ગોથાં ખાઈ ગયો છે. સાકાર-નિરાકારમાં અટવાઈ ગયો છે. મૂર્ત અને અમૂર્તમાં, દ્વૈત અને અદ્વૈતમાં ગૂંચવાઈ ગયો છે. એક જ ઈશ્વર કે અનેક એમાં ગોટે ચડી ગયો છે. ઈશ્વર ન કલ્યાણકારી હોઈ શકે કે ન તે દંડ આપનાર હોઈ શકે. તેને માટે કલ્યાણ અને વિધ્વંશ બન્ને સમાન હોય. તેને માટે પાપી અને પુણ્યાત્મા સમાન જ હશે, પણ તે પાપીને તેનાં પાપનાં ફળ ભોગવતાં બચાવશે નહીં અને પુણ્યાત્માને એક્સ્ટ્રા ફેવર નહીં કરે. ઈશ્વર કાંઈ માણસ નથી કે ભેદ કરે. ઈશ્વરને કોઈ અપેક્ષા નથી. તે જો માણસ હોય તો હિસાબ રાખે અને એ પ્રમાણે ફળ આપે. ઈશ્વર માણસ જેવો નથી. એવો થઈ પણ શકે નહીં. તે તો સર્વથી પર છે. તેને કોઈ મારું કે તારું નથી. કોઈ પોતાનું કે પારકું નથી. તે સર્જન પણ કરે છે અને સંહાર પણ કરે છે. સર્જનમાં તેને આનંદ નથી આવતો કે દુ:ખ નથી થતું. એ જ રીતે સંહારમાં તેને દુ:ખ નથી થતું કે આનંદ નથી આવતો. શ્રીમદ ભગવદ્ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ‘કાલોસ્મિ લોકક્ષયકૃત્પ્રવૃદ્ધો લોકાન્સમાહર્તુમિહ પ્રવૃત્ત:’ એટલે કે ‘હું કાળ છું, લોકોનો નાશ કરવા માટે વૃદ્ધિ પામેલો. લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત છું.’ તે સર્જન પણ કશી જ આકાંક્ષા વગર કરે છે અને એટલી જ વિરક્તિથી સંહાર પણ. તે ક્યારેય કશાથી લિપ્ત થતો નથી એટલે તેને દ્વેષ કે પ્રીતિ ન હોઈ શકે. ઈશ્વરનો કોઈ ધર્મ ન હોય. બધા ધર્મો ઈશ્વરના હોય, બધા ધર્મો ઈશ્વરમાં સમાયેલા હોય એટલે ધર્મસ્થાનો ઈશ્વરની પ્રાર્થના કરવા માટેનાં સ્થળો છે, ઈશ્વરનાં ઘર નથી. ઈશ્વરને ભજવા માટે કોઈ ભાષાની કે શાસ્ત્રની જરૂર નથી. ઈશ્વર ભાષાથી પર છે. ઈશ્વરને ભાષાની આવશ્યકતા નથી. તેની સાથેનો સંવાદ શબ્દોથી પર હોય છે એટલે શાસ્ત્રો ઈશ્વરને સમજવામાં મદદ કરે છે, પણ ધર્મગ્રંથો એટલે ઈશ્વરની ઓળખ નથી. ઈશ્વરે ક્યારેય ધર્મગ્રંથો વાંચ્યા નહીં હોય, જો વાંચે તો માણસની સમજ પર ઈશ્વર પેટ પકડીને હસે. તે સ્વર્ગમાં કે જન્નતમાં કે પૅરેડાઇઝમાં કે એનાથી ઉપરના કોઈ લોકમાં વસતો નથી અને છતાં બધે જ વસે છે. કણ કણમાં વસે છે. એક સુંદર વાર્તા છે. વાર્તા જ છે, પણ સાચી લાગે એવી છે. ‘ઈશ્વર પહેલાં દૃશ્યમાન હતો. બધા તેને જોઈ શકતા એટલે માણસો નાની એવી વાતે ઈશ્વરને પરેશાન કરતા રહેતા. રોજેરોજના માણસોના ત્રાસથી કંટાળીને ઈશ્વરે માણસથી છુપાઈ જવાનું નક્કી કર્યું. તેણે આસપાસના અનુચરોને પૂછ્યું કે માણસથી છુપાવું ક્યાં જઈને? મેં કરેલું આ માનવ નામનું સર્જન એવું અજબ છે કે મને સાતમા પાતાળમાંથી પણ શોધી કાઢશે. બહુ ચર્ચા પછી એક ડાહ્યા અનુચરે યુક્તિ બતાવી કે ઈશ્વરને માણસના હૃદયમાં છુપાઈ જવું જોઈએ. માણસ બધે શોધશે, પણ પોતાની અંદર ખોજ નહીં કરે. ઈશ્વરને આ આઇડિયા પસંદ પડી ગયો અને માણસના દિલમાં છુપાઈ ગયો.
ઈશ્વર એક કોયડો છે. એવો કોયડો જેની ચાવી જ ન હોય, જેનો ઉકેલ જ ન હોય. એનિગ્મા. જેનો કોઈ તોડ ન હોય. તુમ એક ગોરખધંધા હો. ગોરખધંધા એટલે એવું તાળું જેને ખોલવું સંભવ ન હોય. જેની ચાવી બની જ ન હોય. ઈશ્વર આવો કોયડો છે. તે દૃશ્ય પણ છે અને અદૃશ્ય પણ. તે સરળ પણ છે અને ગૂઢ પણ. તે પ્રાપ્ય પણ છે અને અપ્રાપ્ય પણ છે. તે સાકાર પણ છે અને નિરાકાર પણ છે. તે આ બધું જ છે અને આ બધું જ નથી પણ. ઈશ્વર એકસાથે જ આ બધું હોઈ શકે અને ન હોઈ શકે. ઈશ્વર એક જ સમયે અનેક વિરોધાભાસરૂપે હોઈ શકે, કારણ કે હોવું કે ન હોવું એ પર છે. હોવું કહેવું એ જ નાશવંતનો સંકેત આપે છે. ઈશ્વર છે એમ કહો ત્યાં જ ઈશ્વરત્વનો ભંગ થઈ જાય છે. સમયથી તે પર છે, તે પોતે જ સમય છે. કાલોસ્મિ. તે પરિણામોથી પર છે. તે અવ્યક્ત છે એટલે તેને વર્ણવવા માટે એક શબ્દ પણ બોલતાની સાથે બોલનાર મિથ્યા સાબિત થઈ જાય છે, કારણ કે અવ્યક્ત એ જ છે જે વ્યક્ત ન થઈ શકે. તેને વર્ણવતાં જ નિરાકાર સાકાર બની જાય. ઈશ્વરનું વર્ણન એવી વાત છે જેવું જેણે જીવનમાં ક્યારેય કોઈ ગળ્યો પદાર્થ ખાધો જ ન હોય તેની સામે સાકરના સ્વાદનું વર્ણન કરવું. સાકરના સ્વાદના વર્ણનમાં એક વ્યક્તિએ તો તેનો અનુભવ લીધો હોય છે, ઈશ્વરના કિસ્સામાં તો કહેનાર અને સાંભળનાર બન્ને સંપૂર્ણપણે બિનઅનુભવી હોય છે. અંધ અંધ અંધારે મળ્યા, અખો કહી ગયો છે. આંધળાઓએ પોતાના ક્ષુલ્લક-ક્ષુદ્ર-તુચ્છ અનુભવના આધારે વર્ણનો કરી દીધાં, ગ્રંથો લખી નાખ્યા. ધર્મસ્થળો બનાવીને એમાં ઈશ્વરને બેસાડી દીધા. પૂજા શરૂ કરી દીધી. પંથો અને સંપ્રદાયો ચલાવ્યા. ઈશ્વરના દલાલોની પરંપરા પૂરી દુનિયામાં ચાલી. એ બધાના પાપે ઈશ્વર સામે આંગળી ચીંધવાની હિંમત થઈ છે. ઈશ્વર નિર્દોષ છે. નિર્દોષ, તટસ્થ, નિર્દય, દયાવાન, નિર્મળ, કૃપાળુ, સંહારક, સર્જક... તમને આવડે એટલાં વિશેષણો અહીં મૂકી જુઓ. એ બધાંને એકસાથે, એક સમયે, એક સમાન ધારણ કરી શકે એ ઈશ્વર. તે પરમાત્મા, તે ત્રણે લોકને ચલાવનાર. તે બ્રહ્માંડના ઉત્પત્તિ અને લયનું સ્થાન, કારણ. તે જ તું, તે જ તું.

weekend guide columnists kana bantwa