સમય સમય બલવાન હૈ

15 November, 2020 02:04 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

સમય સમય બલવાન હૈ

સમય સમય બલવાન હૈ

આજે દિવાળી છે. વર્ષોવર્ષ દિવાળી આવે છે. દિવાળી એટલે શું એવું કોઈ પૂછે તો પ્રશ્નકર્તા સામે જોઈને આપણે હસીએ. ભલા માણસ, દિવાળી એટલે દિવાળી! ૩૬૫ દિવસનું વર્ષ અને વર્ષ પૂરું થાય અને ૩૬૫મો દિવસ એટલે દિવાળી. વિક્રમ સંવત ૨૦૭૬ની દિવાળી.
વર્ષ એટલે શું?
દિવાળી એટલે ૩૬૫મો દિવસ, પણ આ ૩૬૫ દિવસના એકમ કોણે અને કઈ રીતે પાડ્યા? ઉપરવાળાએ તો કોઈ એકમ નિર્માણ કર્યા નથી. તેણે તો આપણને સમય આપ્યો છે. આ સમય એટલે કશું આવે નહીં, કશું જાય નહીં. સમય એટલે સમય - એ અકબંધ પડ્યો હોય તો પછી આ વર્ષ અને દિવાળી ક્યાંથી આવ્યાં? આજે ૨૦૭૬ વિ. સં.ની દિવાળી છે. વિક્રમ એટલે આપણા ઇતિહાસમાં એક રાજાનું નામ આપણે ઠરાવી દીધું છે. આ વિક્રમરાજા કોણ અને ક્યારે થયા એ‌ના વિશે તો અનુમાન જ કરવાનું રહે. ઇતિહાસમાં ઘણા વિક્રમ છે. દરેક પરાક્રમી રાજા એટલે કે પોતાને પરાક્રમી માનતો રાજા પોતાના માટે વિક્રમ નામ લઈને શિલાલેખ કોતરાવી કાઢતા અને પછી આ શિલાલેખો કોના છે, ક્યારે લખાયા એ બધી શોધખોળ સંશોધક કર્યા જ કરે... કર્યા જ કરે.
બ્રહ્માંડની આરપાર
વિક્રમ નામના રાજાને આપણે સંવત બનાવ્યો અને પછી આ અપાર બ્રહ્માંડના એક ખૂણે ઊભા રહીને એક બિંદુ પર હાથ ટેકવીને કહ્યું, ‘આ મારો સંવત. આજથી અમારો આ પહેલો દિવસ.’ મહાકાળ ત્યારેય હસ્યો હશે. ભલા માણસ, આ અપાર, અફાટ અનંત મહાકાળને તે કોઈ ટુકડા હોય. તેં આને પહેલો દિવસ કહ્યો અને હવે ૩૬૫મા દિવસને વર્ષ કહીશ. આ તો તારી સગવડ થઈ. બ્રહ્માંડને એથી શું લાગેવળગે. વિક્રમની વાત સાંભળતાવેંત સેંકડો પંખીઓએ પાંખ ફફડાવી. યુધિષ્ઠિર સંવત, પારસી સંવત, ઝોરાસ્ટ્રિયન, ઈસવી સન સાથે જીઝસ પણ હાજર તો મહમ્મદ પયગંબર પણ ક્યાં દૂર છે? શકે સંવત આપણું રાષ્ટ્રીય કૅલેન્ડર. આમ બ્રહ્માંડ પાસે ઊભા રહીને મહાકાળને માપવાની અને માપણીને પોતાના નામ સાથે સાંકળવાની બાલિશ રમત આપણે વર્ષોથી રમતા આવ્યા છીએ.
સમય સળંગ છે, એના ટુકડા ન થાય
મને ૬૦ વર્ષ થયાં એમ જ્યારે હું કહું છું ત્યારે હું તો એનો એ જ છું. માત્ર સમયના શિલાખંડ પાસેથી પસાર થઈ રહ્યો છું. સમય ક્યાંયથી આવતો નથી. સમય ક્યાંય જતો નથી. સમય માત્ર સમય હોય છે અને માત્ર આપણે જ એની પાસેથી પસાર થઈએ છીએ અને પછી અણસમજથી કહીએ છીએ કે મને ૬૦ વર્ષ થયાં કે ૭૦ વર્ષ થયાં. સમયને કંઈ થતું નથી, આપણને પણ કંઈ થતું નથી. સમયના શિલાખંડને આપણી સાથે સાંકળી લેવા માટે ૬૦ને સમય સાથે જોડી દઈએ છીએ.
સમયનું વિભાજન વ્યાવહારિક રીતે નાનામાં નાનું ૨૫ સેકન્ડ છે. મોટામાં મોટું રૂપ વર્ષ છે, પણ કોઈક ખગોળશાસ્ત્રીને પૂછી જોજો, જેને આપણે સેકન્ડ કહીએ છીએ એ આંખનો પલકારો છે, પણ સેકન્ડનાં સેંકડો વિભાજનો ખગોળશાસ્ત્રીઓએ કર્યાં જ છે. વર્ષના ભલે ૩૬૫ દિવસ ગણીએ, પણ ઇતિહાસને ઓળખવો હોય ત્યારે આ ૩૬૫ દિવસથી ચાલતું નથી.
નવું વર્ષઃ આપણને શું જોઈએ છે?
જૂનું વર્ષ એટલે કે વિક્રમ સંવત ૨૦૭૬ આજે પૂરું થાય છે. ગયા વર્ષે એટલે કે આ વીતેલા વર્ષે આપણે શું કર્યું એનો હિસાબ-કિતાબ ક્યારેય મનોમન કર્યો છે ખરો? ૩૧ માર્ચ હોય કે આસો વદ અમાસ હોય, રૂપિયા-પૈસાની ગણતરી તો બહુ ધ્યાનથી કરીએ છીએ. કેટલા કમાયા, કેટલા ગુમાવ્યા, કેટલા વધુ કમાઈ શક્યા હોત, હજી વધુ ક્યાં-ક્યાં કમાવાની તક છે. આ બધાના આંકડા આપણે સંભાળપૂર્વક માંડીએ છીએ. શ્રી લાભ સવાયા હજો. મહાલક્ષ્મી માતાની પ્રસન્નતા હજો. રત્નાકર મહારાજની મહેર હજો. આવું બધું પાનું ભરીને લખીએ છીએ, પણ સવાયો લાભ શુભ હોય તો જ આવકાર્ય અને લાભ પણ એટલે કે નફો સવાયાથી વધારે થવો જોઈએ નહીં.
દિવાળીના દિવસે પાછું વળીને જોઈએ તો બેસતું વર્ષ નથી દેખાતું. બેસતું વર્ષ તો આગળ હોય છે. બેસતા વર્ષમાં શું કરવું છે એનો સંકલ્પ કરવાની સ્પર્ધા ચાલે છે. એકેય સંકલ્પ પૂરો કર્યા વિના નવા સંકલ્પો કરીએ છીએ.
જય જિનેન્દ્ર યાદ આવે છે? દર વર્ષે એક વાર મિચ્છા મિ દુક્કડં કહીએ છીએ (ખરેખર આ શબ્દો મિથ્યા મે દુષ્કૃતમ છે – મારાં દુષ્કર્મો એટલે કે ગયા વર્ષે તમારી સાથેના વ્યવહારમાં મેં જેકંઈ ખોટું કર્યું હોય એને નષ્ટ ગણજો. મિથ્યા ગણજો). બીજા જ દિવસથી એ જ વ્યક્તિ સાથે એ જ દુષ્કૃત્યોનો વ્યવહાર શરૂ કરીએ છીએ. નવા વર્ષના સંકલ્પોનું પણ આવું જ થાય છે. આજે સંકલ્પ કરીએ કે આ વર્ષના સંકલ્પમાં આવું ન થાય.

dinkar joshi columnists weekend guide