કચ્છના ભૂકંપ પછીના બે દાયકામાં શું-શું થયું?

21 January, 2020 02:09 PM IST  |  Kutch | Mavji Maheshwari

કચ્છના ભૂકંપ પછીના બે દાયકામાં શું-શું થયું?

વિકાસની ત્રણ નિશાની છે જમીનના વધતા ભાવ, ગુનાખોરી અને ખરીદશક્તિ. આ ત્રણેય કચ્છમાં છેલ્લા બે દાયકામાં સ્પષ્ટ દેખાય છે. કચ્છમાં આવેલા આર્થિક પલટા પછી મહિલા મિલકતધારકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સ્ત્રીઓ મિલકત હક બાબતે સજાગ પણ બની છે. કચ્છ આમ સમરસતાનો વારસો ધરાવતો પ્રદેશ છે, પરંતુ આર્થિક અસમાનતાએ પારિવારિક ખટરાગો પેદા કર્યા છે. હવે જ્ઞાતિ કરતાં વ્યવસાયિક સંબંધોનું મહત્ત્વ પણ વધવા માંડ્યું છે. અચાનક આવેલાં નાણાંએ પ્રજાની મનોવૃત્તિ પર અવળી અસર કરી છે. જમીનોના વધેલા ભાવોએ અનેકોને તારી દીધા છે સાથે સમાજમાં ન દેખાય એવો તનાવ પણ પેદા કર્યો છે. છેલ્લા દાયકામાં કચ્છમાં સમાચારપત્રોની સંખ્યા વધી છે જેણે જાગૃતિની સાથે પ્રસિદ્ધિ મોહ પણ વધાર્યો છે. વૃદ્ધો સમાજમાં થઈ રહેલી ઊથલપાથલથી વ્યથિત છે. આ બધું હોવા છતાં કચ્છ હતું એ કરતાં અનેકગણું સુખી અને સંપન્ન છે.

જમીનોના ભાવોએ સમીકરણો બદલી નાખ્યાં. આમ તો કચ્છમાં ઉદ્યોગોનાં પગરણ ૧૯૯૮થી શરૂ થયાં. એની શરૂઆત મુન્દ્રાથી થઈ હતી, પરંતુ ભૂકંપ પછી કચ્છ ટૅક્સ હોલીડે જાહેર થતાં આજે કચ્છ એક રિયલ એસ્ટેટ હબ બની ગયું છે. કચ્છમાં ૨૦૦૧થી ૨૦૧૨ વચ્ચે જમીનોના ભાવ આસમાને ગયા. આખાય કચ્છમાં જમીન વેચવાનો અને ખરીદવાનો રીતસર પવન ફૂંકાયો જેની અસર બીજાં અનેક ક્ષેત્રો પર પડી. કોઈ સમયે કચ્છનો કંઠીપટ હરિયાળી વાડીઓથી શોભતો હતો. આજે માંડવી અને મુન્દ્રાને જોડતા પટ્ટામાંથી ખેતી ગાયબ થઈ ગઈ છે. તો જમીનના કારોબારમાં કમાયેલા લોકોએ કચ્છના અન્ય વિસ્તારોમાં બાગાયતી ખેતી શરૂ કરી. અંજાર અને ભુજને જોડતા ઉત્તરીય ભાગમાં હજી બે દાયકા પહેલાં વરસાદી ખેતી થતી. આજે એ વિસ્તારની હજારો એકર જમીન વિવિધ ફળાઉ વૃક્ષો અને શાકભાજીથી લચી પડે છે. કચ્છમાં કૉર્પોરેટ ફાર્મિંગનો ઉદય ભૂકંપ પછી જ થયો છે. જમીનની તેજીમાં ચકાચોંધ બની ગયેલી આંખોને આજની મંદીનું કારણ સમજાતું નથી. તો એ વેગવાન વાયરાને ન સમજી શકેલા હજીય ઝોલા ખાય છે. જમીન લે-વેચ આધારિત અન્ય ધંધાઓ સાથે જોડાયેલા અમુક લોકો અત્યારે બેકારીનો સામનો કરી રહ્યા છે. વિતેલા ગાળાએ કેટલાંક એવાં વમળો સર્જ્યાં છે જેની અસર હજી ચાલે છે, ચાલવાની પણ છે.

જમીનના વધેલા ભાવોએ પારિવારિક ઝઘડાઓને જન્મ આપ્યો છે. અનેક કિસ્સામાં મોટી ઉંમરની પરીણિત સ્ત્રીઓએ ભાઈઓ પાસે હક માગતાં ન ધારેલા કૌટુંબિક ખટરાગો પેદા થયા. અચાનક શાહુકાર બનેલા પરિવારોમાં સામાજિક વિખવાદો પેદા થયા છે. આર્થિક સમૃદ્ધિએ લગ્નેતર સંબંધો તેમ જ વ્યસનોને જન્મ આપ્યો છે. પરિણામે અનેક પરિવારોનાં સુખ છિનવાયાં છે. ઉપરાંત આધુનિક દેખાવાની હોડમાં લોકજીવનની રસમો તૂટી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત પોશાકો તેમ જ ઘરેણાંઓનું ચલણ ઘટવાં માંડ્યું છે. શહેરો અને શહેરોની નજીકનાં ગામડાંઓમાં મોંઘી હોટેલમાં ખાવાનું ચલણ વધવા માંડ્યું છે. ખેતી અને પશુપાલન સાથે જોડાયેલી પ્રજાની ભણેલી પેઢી શારીરિક શ્રમથી દૂર જઈ રહી છે. પરિણામે જિલ્લા બહારનો શ્રમજીવી વર્ગ જિલ્લામાં કાયમી વસવાટ કરવા માંડ્યો છે. જમીનમાં રોકાણો કરી બેઠેલા અનેક વેપારીઓ મંદીને કારણે માથે હાથ દઈ બેઠા છે. જે રોકાણ કર્યું છે એટલું પણ આવે એમ નથી. આવા વેપારીઓની સ્થિતિ ન કહેવા જેવી, ન સહેવા જેવી છે. આર્થિક સમૃદ્ધિને કારણે લોકોમાં સત્તા મેળવવાની ઇચ્છા જાગી છે. ખાસ કરીને ગ્રામ્ય સ્તરની ચૂંટણીઓમાં લોકો રસ લેવા માંડ્યા છે. આ ચૂંટણીઓ વિખવાદ અને વેરઝેરનાં બી વેરતી જાય છે. ભૂકંપ પછી કચ્છમાં રીતસર નાણું ઠલવાયું એમ કહી શકાય. પરિણામે નાણાંનો પ્રભાવ પાડવાની માનવ સહજવૃત્તિ જાગૃત થઈ છે. આના કારણે સામાજિક પ્રસંગો અને વિવિધ ખરીદીમાં દેખાડાવૃત્તિ વધી રહી છે. કચ્છના લોકોનું જીવનધોરણ ઊંચું ગયું છે એમાં કોઈ શંકા નથી, પરંતુ જે લોકો નાણાકીય તકનું યોગ્ય રોકાણ કરી શક્યાં નથી તેમનાં વળતાં પાણી તેમને અનેક મુશ્કેલીઓની ભેટ ધરી જશે એમાં પણ કોઈ શંકા નથી.

સામાજિક બદલાવ અને પરિણામો - કચ્છમાં આર્થિક વિકાસને કારણે સમાજજીવનમાં આંતર-બાહ્ય ફેરફારો આવ્યા છે. એમાં હકારાત્મક અને નકારાત્મક બેય ફેરફારો છે. કચ્છમાં આજે પણ વિવિધ જ્ઞાતિઓ વચ્ચેની ભાવાત્મક એકતા સચવાઈ રહી છે, પરંતુ જ્ઞાતિઓની અંદર-અંદર જૂથવાદ પેદા થઈ રહ્યો છે. આવા વાતાવરણમાં મૂલ્યનિષ્ઠ વ્યક્તિઓ દૂર થઈ રહી છે. તેમ છતાં, વિતેલા દોઢ દાયકાએ કચ્છની તમામ જ્ઞાતિઓને સ્વમાન આપ્યું છે એ નકારી શકાય એમ નથી. તળિયે રહેલી જ્ઞાતિઓએ પણ આર્થિક અને સામાજિક સ્થાન મેળવ્યું છે. દરેક જ્ઞાતિનો અવાજ સંભળાતો થયો છે. એક સમય એવો પણ હતો કે લગ્નો તેમ જ અન્ય સામાજિક પ્રસંગોમાં જે-તે જ્ઞાતિની વ્યક્તિઓ જ સામેલ થતી. હવે એ બાબત ભૂતકાળ બની ગઈ છે. હવે સામાજિક પ્રસંગોમાં જે-તે જ્ઞાતિ ઉપરાંત અન્ય જ્ઞાતિના લોકોની સંખ્યા વધી રહી છે. પરિણામે વિવિધ જ્ઞાતિઓ પરસ્પર જોડાઈ રહી છે. આ એક બહુ જ સારી નિશાની છે. છેલ્લા બે દાયકાથી શિક્ષણમાં જેન્ડર શબ્દ વપરાતો થયો છે. આ દિશામાં કચ્છ જિલ્લો હકારાત્મક દિશામાં જઈ રહ્યો છે. શિક્ષણ, ટેક્નૉલૉજીનો વિકાસ તથા સ્ત્રીઓ માટે જાહેર કરાયેલી રાજકીય અનામતને કારણે સ્ત્રીઓની રચનાત્મક શક્તિ અને વૈચારિક અભિગમને મેદાન મળ્યું હોય એવું જણાઈ રહ્યું છે. કચ્છમાં શહેરી તેમ જ ગ્રામીણ કક્ષાએ સ્ત્રીઓની જાગૃતિ દેખાઈ આવે છે. જાહેર કાર્યક્રમો, રાજકીય અને સામાજિક રૅલીઓ, સભાઓ વગેરેમાં જોવા મળતી સ્ત્રીઓની નોંધપાત્ર સંખ્યા મહિલાજાગૃતિની નીશાની છે. સ્ત્રીઓમાંથી લઘુતા ગ્રંથી દૂર થઈ રહી છે અને પુરુષ વર્ગ મહિલાશક્તિ અને નેતૃત્વને સ્વીકારવા માંડ્યો છે.

સમાચારપત્રોની ભરમાર - કચ્છમાં ઝડપભેર આવેલા આર્થિક ફેરફાર તથા ઔદ્યોગિક વિકાસને કારણે સમાચાર માધ્યમોનો વિસ્તાર અને વિકાસ થયો છે. લોકો પણ સમાચાર માધ્યમોનું મહત્ત્વ સમજવા લાગ્યા છે. હાલમાં કચ્છમાં સાતેક જેટલાં પૂર્ણ કદનાં વર્તમાનપત્રો પ્રસિદ્ધ થાય છે જેના કારણે કચ્છના ખૂણામાં બનતા બનાવોની જાણ થાય છે. સમાચારપત્રોએ લોકજાગૃતિ ફેલાવવાનું કામ પણ કર્યું છે. પરિણામે પત્રકારજગતનું મહત્ત્વ વધ્યું છે. પરિણામે સરકારી તંત્ર સતર્ક રહેવા લાગ્યું છે, પરંતુ કચ્છની વસ્તીના પ્રમાણમાં જેટલાં વર્તમાનપત્રો અને સામાયિકો નીકળે છે એથી ‘સમાચાર’ની વ્યાખ્યામાં ન આવે એવી ઘટનાઓ પણ છપાતી રહે છે જે સમાજમાં ચર્ચાનો વિષય બની જાય છે. જોકે સમાચારપત્રો તેમ જ સામાયિકોએ કચ્છના બુદ્ધિજીવી સર્જકવર્ગને વિચારો મૂકવાની અને યુવાનોને કારકિર્દી ઘડવાની એક મોટી તક પૂરી પાડી છે સાથે-સાથે સમાજમાં છવાઈ જવાની ઘેલછાને પણ જન્મ આપ્યો છે.

વૃદ્ધોની વિમાસણ - જેઓ એક ચોક્કસ જીવનશૈલીમાં મોટા થયા છે તેમને નવી પેઢીનાં વર્તન અને વ્યવહારો મૂંઝવે છે. શહેરોમાં રહેતા વૃદ્ધોની સ્થિતિ વિચિત્ર છે. વાહનો અને માનવભીડથી ઊભરાતા રસ્તાઓ, ઘોંઘાટ, આધુનિક જીવનશૈલી વૃદ્ધોને અકળાવે છે. જોકે આજની તારીખે પણ ભારતીય કુટુંબવ્યવસ્થા જળવાઈ રહી છે એથી સ્થિતિ વણસી નથી. તેમ છતાં, સપાટી પર જેટલું સારું દેખાઈ રહ્યું છે એટલું સારું પણ નથી. સરકારે સિનિયર સિટિઝન્સ માટે વિશેષ સુવિધાઓ જાહેર કરી છે, એની અમલવારી પણ થાય છે એ છતાં સ્નેહ અને સ્પર્શ તો પરિવાર જ આપી શકે, સરકાર નહીં.

બે દાયકામાં કચ્છની અર્થિક જ નહીં, કચ્છની માનસિકતા સમૂળગી બદલી ગઈ છે જેમાં મૂલ્યહાસના પ્રશ્નો બહુ જટિલ છે. આર્થિક સધ્ધરતાને કારણે પૈસાથી નીતિમતા ખરીદી લેવાની અને વેચાઈ જવાની વૃત્તિ પણ જન્મી છે જેના પરિણામે વહીવટ સામે વારંવાર શંકાની સોય તકાય છે. તેમ છતાં, ભૂકંપ થકી જ કચ્છની પ્રગતિનાં દ્વાર ખૂલ્યાં એ હકીકત છે.

kutch columnists