જો તમે આત્મહત્યા કરી લેશો તો એવું શું છે જે અધૂરું રહી જશે?

17 August, 2025 04:37 PM IST  |  Mumbai | Dr. Nimit Oza

આ પ્રશ્ન પૂછીને વિખ્યાત સાઇકિયાટ્રિસ્ટ વિક્ટર ફેન્કલે પુરવાર કરી દેખાડ્યું છે કે જીવતા રહેવાનો ઉદ્દેશ હશે તો તમને કોઈ પરિસ્થિતિ હરાવી કે ઝુકાવી શકતી નથી

પ્રતીકાત્મક તસવીર

‘Why don’t you commit suicide?’ (તમે આત્મહત્યા કેમ નથી કરતા?)

આવો વિચિત્ર સવાલ વિખ્યાત સાઇકિયાટ્રિસ્ટ વિક્ટર ફેન્કલ પોતાના દરદીઓને પૂછતા. હમણાં હું પુસ્તક ‘Man’s search for Meaning’ વાંચતો હતો. એમાં તેમણે આ વાત લખી છે. વેલ, ઑબ્વિયસલી સાંભળવામાં થોડું વિચિત્ર લાગે કે કોઈ મનોચિકિત્સક પોતાની પાસે સારવાર માટે આવેલા ડિપ્રેસ્ડ, ઉદાસ કે હતાશ મનોરોગીઓને આત્મહત્યા ન કરવાનું કારણ શું કામ પૂછે? But honestly, માત્ર આ એક સવાલના જવાબ પરથી તેઓ દરદીઓની સારવાર કરતા.

‘જિંદગીમાં હવે કશું જ બાકી નથી રહ્યું’ એવી નિરાશા સાથે જે લોકો તેમની પાસે આવતા એ તમામ લોકોને પોતાના જીવનનો ઉદ્દેશ્ય કે જીવતા રહેવાનું નિમિત્ત શોધી કાઢવું એ વિક્ટર ફ્રેન્કલનું મુખ્ય કામ હતું. માત્ર પ્રશ્નોત્તરી દ્વારા તેઓ દરદીને એ વાસ્તવિક્તાનું ભાન કરાવતા કે જિંદગી હજીયે તેમની પાસેથી ઘણી ધી આશાઓ, જવાબદારીઓ કે અર્થસભર કાર્યોની અપેક્ષા રાખે છે.

આ જ ટેક્નિકનો ઉપયોગ કરીને તેમણે નાઝી કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં બે Would-be Suicidesને બચાવી લીધેલા. એ બન્ને કેદીઓએ વિક્ટર ફ્રેન્કલને પોતાના આત્મહત્યા કરવાના ઇરાદા અને પ્લાન્સ કહી રાખેલા. ફ્રેન્કલે તેમને સવાલ પૂછ્યો હતો.

‘જો તમે આત્મહત્યા કરી લેશો તો એવું શું છે જે અધૂરું રહી જશે? ધારો કે કોઈ સવારે તમને આ અત્યાચાર, જેલ અને ગુલામીમાંથી મુક્ત કરી દેવામાં આવે તો સૌથી પહેલાં તમે કયું કામ કરશો?’

પહેલી વ્યક્તિએ કહ્યું, ‘વિદેશમાં મારો દીકરો મારી રાહ જોઈ રહ્યો હશે. સૌથી પહેલા હું તેને મળીશ.’

બીજી વ્યક્તિ માટે જીવતા રહેવાનું કારણ કોઈ વ્યક્તિ નહોતી, વસ્તુ હતી. એ બીજી વ્યક્તિ એક વૈજ્ઞાનિક હતી. તેમણે અનેક પુસ્તકો લખેલાં પણ એ પુસ્તકો અધૂરાં હતાં. એ પુસ્તકોને સંપૂર્ણ કરી એને પબ્લિશ કરવાનું કામ હજી બાકી હતું. તેમણે કહ્યું,

‘હું બહાર નીકળીશ તો એ પુસ્તકો પબ્લિશ કરીશ.’

ધૅટ્સ ઇટ! ફ્રેન્કલે તેમને કન્વિન્સ કરી લીધા કે તેમનાં જે કામ બાકી રહ્યાં છે એ કામ તેમના સિવાય બીજું કોઈ નહીં કરી શકે. જો એ વૈજ્ઞાનિક આત્મહત્યા કરી લે તો તેમણે લખેલાં પુસ્તકો કાયમ અધૂરાં અને અપ્રકાશિત રહેશે અને જો એ પિતા આત્મહત્યા કરી લે તો તેમનો દીકરો ક્યારેય તેના પપ્પાને નહીં મળી શકે.

એ બન્ને વ્યક્તિ જીવિત રહીં એટલું જ નહીં, અત્યાચાર અને યાતનાઓની વચ્ચે પણ પોતાના ઉદ્દેશ્યને યાદ કરીને છેક સુધી અડીખમ રહી. બસ, આ જ હતી વિક્ટર ફ્રેન્કલની લોગોથેરપી. લેટિન ભાષામાં ‘LOGOS’નો અર્થ થાય ‘મીનિંગ’. જીવતા રહેવાનો ઉદ્દેશ્ય શોધી આપીને ફ્રેન્કલ તેમની ગાડી જિંદગીના પાટા પર પાછી લાવતા.

આપણી પાસે કોઈ વિક્ટર ફ્રેન્કલ નથી. આપણે તો આપણો ‘Why’ જાતે જ શોધવો પડશે, પણ એક વાત તો નક્કી છે. જે ક્ષણે આપણને સ્વજનો, સમાજ કે આ જિંદગી પ્રત્યેની જવાબદારીનું ભાન થાય છે એ જ ક્ષણથી આપણને જીવનનો ઉદ્દેશ્ય સમજાવા લાગે છે. It is not about us, it is always about others.

કોને ઉછેરવાના બાકી છે? કોનાં લગ્ન, કોની જવાબદારીઓ કે કોની દેખરેખ બાકી છે? કોણ આપણી રાહ જોતું હશે? એવું તો શું છે જે જગત સામે રજૂ કરીને આપણે એક નાનોએવો બદલાવ લાવી શકીએ? આપણી હાજરી કે કાર્યથી અન્યને શું ફાયદો થશે એવું જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે આપણે આપણા Meaningની નજીક પહોંચતા જઈએ છીએ.

ફ્રેન્કલ કહે છે કે જિંદગીનો ઉદ્દેશ્ય દરેક માટે અલગ હોય છે. દરેક ક્ષણે, દરેક અવસ્થામાં અલગ હોય છે. એ બદલાતો રહે છે પણ એ પર્પઝ, હેતુ, મીનિંગ કે ઉદ્દેશ્ય જ આપણને છેલ્લા શ્વાસ સુધી જિવાડે છે. જેમણે ‘LOGOTHERAPY’ની શરૂઆત કરી એવા વિક્ટર ફ્રેન્કલે આ વાત ફક્ત લખી જ નથી, જીવી બતાવી છે. કૉન્સન્ટ્રેશન કૅમ્પના અત્યાચાર, ગુલામી અને હિંસામાંથી હેમખેમ બહાર નીકળીને તેમણે સાબિત કરી આપ્યું છે કે જીવતા રહેવા માટે એક સ્ટ્રૉન્ગ પર્પઝ જરૂરી છે. એક એવું અડીખમ ધ્યેય જે કોઈ પહાડ ચડવા જેટલું જટિલ હોઈ શકે અથવા તો કોઈ પ્રિયજનને ચાહવા જેટલું સરળ. કશુંક મેળવી લેવા જેવું સ્વ-કેન્દ્રિત હોઈ શકે અથવા કશુંક આપતા રહેવા જેવું પરોપકારી. પણ ઉદ્દેશ્ય વગરનું જીવન હોકાયંત્ર વગરના વહાણ જેવું છે. એ કર્મ દ્વારા હોય કે અનુભૂતિ દ્વારા, ઉપલબ્ધિ દ્વારા હોય કે સેવા દ્વારા, જિંદગીની સૌથી મોટી મથામણ આ Meaning  શોધવાની હોય છે. જેમને જીવનનો હેતુ મળી જાય છે તેમને કશું જ નડતું કે કનડતું નથી. ફિલોસૉફર નિત્શેને ક્વોટ કરીને ફ્રેન્કલે પોતાના પુસ્તકમાં લખ્યું છે, ‘He who has a why to live for can bear almost any how.’

જેમની પાસે જીવતા રહેવાનો ઉદ્દેશ છે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં ટકી શકે છે.

columnists gujarati mid day mumbai suicide