વૉટ્સઍપના ઑપ્શન તરીકે યુવાપેઢીને સિગ્નલ-ટેલિગ્રામમાં શું સારું લાગ્યું?

22 January, 2021 05:36 PM IST  |  Mumbai | Varsha Chitalia

વૉટ્સઍપના ઑપ્શન તરીકે યુવાપેઢીને સિગ્નલ-ટેલિગ્રામમાં શું સારું લાગ્યું?

વૉટ્સઍપના ઑપ્શન તરીકે યુવા પેઢીને સિગ્નલ અને ટેલિગ્રામમાં શું સારું લાગ્યું?

વૉટ્સઍપ મેસેજિંગ પ્લૅટફૉર્મની નવી પ્રાઇવસી પૉલિસીનો વિરોધ થતાં અનેક લોકો સિગ્નલ અને ટેલિગ્રામ જેવા ઑલ્ટરનેટિવ પ્લૅટફૉર્મ પર ડાઇવર્ટ થવાનું વિચારી રહ્યા છે. મિડલ એજ ગ્રુપના લોકો અને વડીલો હજી શિફ્ટ થવું જોઈએ કે નહીં એ નક્કી નથી કરી શકતા, જ્યારે યંગ જનરેશને તો ડાઇવર્ટ થવાનું શરૂ પણ કરી દીધું છે. અગાઉ પણ અનેક વાર યુવા પેઢીએ જુદા-જુદા પ્લૅટફૉર્મ પર ઝંપલાવ્યું છે. પરિવર્તનને સરળતાથી સ્વીકારી લેતી આ પેઢી સિગ્નલ અને ટેલિગ્રામ વિશે શું કહે છે એ જાણીએ

ટેલિગ્રામમાં પિક્ચર શૅરિંગ ક્વૉલિટી બેટર છે - ધરતી ટિલિયા, ઘાટકોપર

લગભગ એક વર્ષથી ટેલિગ્રામનો ઉપયોગ કરું છું. પિક્ચર ક્વૉલિટીના ઍન્ગલથી જોઈએ તો ટેલિગ્રામ બેસ્ટ ઍપ્લિકેશન છે. ઇન્સ્ટાગ્રામ ફોટો જેટલી જ ક્લૅરિટી અહીં જોવા મળે છે. અમારી જનરેશનને આ ખાસિયત અટ્રૅક્ટ કરે છે એવો મત વ્યક્ત કરતાં સેકન્ડ યર એમબીએની સ્ટુડન્ટ ધરતી ટિલિયા કહે છે, ‘અમારી કૉલેજના સોશ્યલ મીડિયા માર્કેટિંગ માટે કેટલાંક ક્રીએટિવ પિક્ચર્સ શૅર કરવાના હતા ત્યારે દસ-દસ સ્ટુડન્ટ્સના ગ્રુપે ટેલિગ્રામ જૉઇન કર્યું હતું. કૉલેજને રેપ્રેઝન્ટ કરતી વખતે જે ફોટો શૅર કરો છો એની ક્વૉલિટી સુપર્બ હોવી જોઈએ. ક્રીએટિવ ફીલ્ડમાં ઇન્ટરેસ્ટ ધરાવતા લોકોએ આ પ્લૅટફૉર્મ ખરેખર વાપરવા જેવું છે. અમારી જનરેશને આ વાત નોટિસ કરી છે અને અંગત અનુભવથી કહીએ છીએ. વેબ-સિરીઝ જોવા માટે કેટલાંક પૉપ્યુલર ઓટીટી પ્લૅટફૉર્મ સબસ્ક્રાઇબ કર્યાં છે પણ બધાં તો ન હોય. ટેલિગ્રામનો બીજો ફાયદો એ કે તમને નવી રજૂ થયેલી વેબ-સિરિઝ ફ્રીમાં જોવા મળી જાય છે. અહીં ડેટા ચોરીનો ડર નથી. મને લાગે છે કે ટેલિગ્રામ બધી રીતે સલામત ઍપ છે. સિગ્નલ વાપરવાનો વધુ અનુભવ નથી. વૉટ્સઍપની નવી નીતિના ડરથી નહીં પણ જુદી-જુદી ઍપ્લિકેશન ટ્રાય કરવામાં ઇન્ટરેસ્ટ હોવાથી સિગ્નલ ડાઉનલોડ કરી છે. સિગ્નલ પર ફ્રેન્ડ્સ સાથે પસર્નલ ચૅટિંગ કરી જોયું છે. મોટા ભાગનાં ફીચર્સ સેમ જ છે. જોકે હજી અમે વૉટ્સઍપ પર ઍક્ટિવ છીએ તેથી ગ્રુપ ચૅટિંગ સ્ટાર્ટ નથી કર્યું. તાજેતરમાં સ્ટેટસના માધ્યમથી પ્રાઇવસીને આંચ નહીં આવે એવું વૉટ્સઍપે જાહેર કરી દીધું છે, પરંતુ ભવિષ્યમાં પ્રાઇવસી પૉલિસીના કારણે કદાચ ડાઇવર્ટ થવાની જરૂર પડશે તો અન્ય પ્લૅટફૉર્મ પર સેટલ થતાં અમને વધીને પાંચ દિવસ લાગશે. ઑલ્ટરનેટિવને સ્વીકારવા અમે સજ્જ છીએ.’

નવી ઍપ્લિકેશનનાં ફીચર્સ યુવા પેઢીને આકર્ષે છે - વિધિ મવાણી, બોરીવલી

નજીકના ભવિષ્યમાં પ્રાઇવસી છીનવાઈ જવાની શક્યતા દેખાતાં સિગ્નલ ડાઉનલોડ કરી રાખી છે અને ડાઇવર્ટ થવા માટે એક્સાઇટેડ છીએ એવું ઉત્સાહભેર જણાવતાં ફર્સ્ટ યર જુનિયર કૉલેજની સ્ટુડન્ટ વિધિ મવાણી કહે છે, ‘વૉટ્સઍપ હવે જૂના જમાનાનું અને બોરિંગ લાગે છે. યુવા પેઢીને વર્ષો સુધી એકની એક વસ્તુ વાપરવી ગમતી નથી. ડિજિટલ વર્લ્ડ એટલું વાસ્ટ છે કે ચેન્જિસને સ્વીકારો તો જ નવું શીખી શકો. નવી ઍપ્લિકેશન્સનાં ફીચર્સ એટલાં ઍડ્વાન્સ્ડ છે કે યુવા પેઢી આકર્ષિત થઈ છે. સિગ્નલ હજી એટલી લોકપ્રિય બની નથી, પરંતુ કોઈ પણ એજના લોકો માટે વાપરવી એકદમ સહેલી છે અને ડેટા લીક થતા નથી એટલે સેફ પણ છે. આ પ્લૅટફૉર્મ વૉટ્સઍપ મેસેજિંગ જેવું જ છે, ફક્ત લોગો અને નામ જુદાં છે. વૉટ્સઍપની સરખામણીએ વિડિયો કૉલિંગની ક્લૅરિટી સારી લાગે છે. સિગ્નલ કરતાં ટેલિગ્રામ થોડું જુદું છે. ટેલિગ્રામ તો ઘણા વખતથી વાપરું છું. લૉકડાઉનમાં વેબ-સિરીઝ જોવાના હેતુથી ઇન્સ્ટૉલ કરી હતી. અમારું પ્રાઇવેટ ક્લાસિસનું ગ્રુપ અહીં ઍક્ટિવ હોય છે. જોકે આ ઍપ ચૅટિંગ માટે નથી. સ્ટડીઝના પર્પઝથી બધા વાપરે છે. વૉઇસ અને પિક્ચર ક્લૅરિટી સારી હોવાથી પ્રોફેસર દ્વારા એક કલાકનું ઑનલાઇન લેક્ચર અને નોટ્સ ટેલિગ્રામ પર શૅર કરવામાં આવે છે. બિઝનેસ પ્રમોશન માટે ઘણા લોકો વાપરવા લાગ્યા છે. આ બન્ને ઍપની વિશિષ્ટતા એ છે કે અજાણી વ્યક્તિ તમને મેસેજ નથી મોકલી શકતી, જ્યારે વૉ્ટસઍપ પર ઘણી વાર અજાણ્યા નંબર પરથી મેસેજ આવે છે. બધી રીતે સલામત હોવાથી મારા મોસ્ટ ઑફ ફ્રેન્ડ્સ ડાઇવર્ટ થઈ ગયા છે. મિડલ એજ ગ્રુપમાં વૉટ્સઍપ વધુ લોકપ્રિય હોવાથી તેમને ડાઇવર્ટ થવામાં સમય લાગશે.’

ટેલિગ્રામના કારણે વેબ-સિરીઝ જોવાનો ખર્ચ બચી જાય છે - પુરવ ઘાટલિયા, સાયન

લૉકડાઉન દરમિયાન વેબ-સિરીઝ જોવાનો ક્રેઝ વધી ગયો હતો. ટાઇમપાસ માટે બીજો ઑપ્શન પણ નહોતો. આ પ્લૅટફૉર્મ એટલું વાસ્ટ છે કે બધી સિરીઝ જુદા-જુદા ઓટીટી પ્લૅટફૉર્મ પર રજૂ થતી હોય છે. એવામાં તમારે ઘણીબધી ચૅનલ્સ સબસ્ક્રાઇબ કરવી પડે અને ખર્ચો વધી જાય. ફ્રેન્ડ્સ પાસેથી જાણવા મળ્યું કે ટેલિગ્રામ પર ફ્રીમાં સિરીઝ જોઈ શકાય છે એટલે ઍપ ડાઉનલોડ કરી લીધી. આગળ વાત કરતાં એફવાય બીકૉમનો સ્ટુડન્ટ પુરવ ઘાટલિયા કહે છે, ‘ટેલિગ્રામ હોય તો ઓટીટી પ્લૅટફૉર્મ સબસ્ક્રાઇબ કરવાની જરૂર નથી. અહીંથી ફ્રીમાં વેબ-સિરીઝ ડાઉનલોડ કરી સ્માર્ટ ટીવી પર જુઓ તો ઓટીટી પ્લૅટફૉર્મ પર જોતાં હો એવી ફીલિંગ આવે છે. ટેલિગ્રામ પર ચેટિંગ કરવાનો ઑપ્શન છે, પરંતુ મોટા ભાગના લોકો અહીં વેબ-સિરીઝ ડાઉનલોડ કરવાના હેતુથી જોડાય છે. પ્રાઇવસીને લગતી વૉટ્સઍપની નવી પૉલિસી જાહેર થઈ ત્યારે પહેલી વાર સિગ્નલ વિશે સાંભળ્યું. હવે તો જોકે વૉટ્સઍપે પૉલિસી બાબત ક્લૅરિટી આપી દીધી છે પણ એ પહેલાં જ અમારું ગ્રુપ સિગ્નલ પર શિફ્ટ થઈ ગયું છે. ૧૦ ફ્રેન્ડ્સના ગ્રુપમાંથી ૭ જણ શિફ્ટ થાય એટલે ઑટોમૅટિકલી બાકીના ત્રણ જવાના છે. હું એ રીતે ડાઇવર્ટ થયો છું. અત્યારે સ્ટડી અને એક્ઝામ્સને લગતા મેસેજ પૂરતું વૉટ્સઍપ રાખવું પડ્યું છે. એક વાર કૉલેજનું ગ્રુપ શિફ્ટ થઈ ગયું તો વૉટ્સઍપ પર કંઈ કામ નથી. બન્ને મેસેજિંગ પ્લૅટફૉર્મ પર ચૅટિંગ બૅકઅપ સિવાયનાં બધાં ફીચર્સ સરખાં છે અને અમને અહીં મજા આવે છે. જોકે વર્ષોથી વાપરીએ છીએ, હજી સુધી તકલીફ આવી નથી તો શા માટે બીજે જવું છે એવું થિન્કિંગ ધરાવતા ફોર્ટી પ્લસ એજ ગ્રુપના લોકો સિગ્નલ પર શિફ્ટ થાય એવું મને નથી લાગતું.’

નવી ઍપ્લિકેશનના ઇમોજિસ ઇન્ટરેસ્ટિંગ લાગે છે - ધ્વનિલ શાહ, ગોરેગામ

મારી પાસે ત્રણ વર્ષથી મોબાઇલ છે. વૉટ્સઍપ વાપરીને કંટાળ્યા છીએ, પરંતુ ઑનલાઇન સ્ટડીઝ અને ઑલ્ટરનેટિવ્સ નહોતાં એટલે વાપરતા હતા. નવી પ્રાઇવસી પૉલિસીની વાત આવતાં હવે કદાચ આ બોરિંગ પ્લૅટફૉર્મ પરથી જલદી ડાઇવર્ટ થવાનો ચાન્સ મળી શકે છે. સ્ટુડન્ટ્સને જોકે ઇન્ફર્મેશન લીક થવાનો ભય નથી સતાવતો પણ ચૅટિંગ લીક થાય એ કોઈને ન ગમે. પ્રાઇવસી નહીં રહે તો આવનારા સમયમાં ટીચર્સ દ્વારા ગ્રુપને બીજા પ્લૅટફૉર્મ પર શિફ્ટ કરવામાં આવે એવું શક્ય છે. તેમની માહિતી અગત્યની છે. અમારા ગ્રુપમાં મોટા ભાગના સ્ટુડન્ટ્સે બન્ને ઍપ ડાઉનલોડ કરીને રાખી છે અને એક્સાઇટમેન્ટ પણ છે. નવી ઍપ્લિકેશન સાથેના અનુભવ શૅર કરતાં ટેન્થનો સ્ટુડન્ટ ધ્વનિલ શાહ કહે છે, ‘હાલમાં સિગ્નલ અને ટેલિગ્રામનો ઉપયોગ ઓછો છે, કારણ કે સ્ટડી રિલેટેડ બધા મેસેજ વૉટ્સઍપ પર આવે છે. કેટલાક ફ્રેન્ડ્સ સાથે પર્સનલ ચૅટિંગ ટ્રાય કર્યું છે. ટેક્સ્ટ મેસેજ અને ફોટો શૅરિંગ કરવાની રીત સરખી છે, પરંતુ ઇમોજિસ આઇફોન જેવા છે. યુથને એક્સપ્લોર કરવા જોઈએ છે એટલે નવી ઍપ વાપરવાની મજા આવે છે. અમારી જનરેશનને કંઈક જુદું વાપરવા મળે તો ઇન્ટરેસ્ટિંગ લાગે. બન્ને પ્લૅટફૉર્મ પરના ઇમોજિસ અટ્રૅક્ટિવ છે. બધા કહે છે કે ટેલિગ્રામ પર વેબ-સિરીઝ અને મૂવી ફ્રીમાં જોઈ શકાય છે. જોકે આ વર્ષે મારું ટેન્થ હોવાથી વધારે ખણખોદ કરીને નથી જોયું. એક્ઝામ પછી સર્ચ કરીશ. પેરન્ટ્સની એજના લોકો ડાયવર્ટ થવા નથી ઇચ્છતા પણ તમે જેમની સાથે વાતો કરો છો એ લોકો નહીં હોય તો એકલા શું કરશો? ડિજિટલ પ્લૅટફૉર્મ પર એક્સપ્લોર કરવા માટે ઘણુંબધું છે. સમય પ્રમાણે પરિવર્તનને સ્વીકારવું જોઈએ.’

technology news tech news whatsapp columnists Varsha Chitaliya