વિસર્જન પહેલાં ગણેશજીના કાનમાં તમે શું માગવાના છો?

31 August, 2020 10:27 PM IST  |  Mumbai | Falguni Jadia Bhatt

વિસર્જન પહેલાં ગણેશજીના કાનમાં તમે શું માગવાના છો?

વિસર્જન પહેલાં ગણેશજીના કાનમાં તમે શું માગવાના છો?

આ વર્ષનો ગણેશોત્સવ હંમેશની સરખામણીમાં ઘણો ઠંડો રહ્યો. બહુ ઓછા લોકો પોતાના ઘરે ગણપતિ લાવી શક્યા. જેઓ લાવ્યા તેમણે પણ ફક્ત ઘરના લોકો સાથે જ આ ઉત્સવ મનાવ્યો. મિત્રો તો દૂર, સગાંસંબંધીઓને પણ બાપ્પાનાં દર્શન કરવા ઘરે આવવાનું આમંત્રણ આપ્યું નહીં. જાહેર મંડળોમાં પણ ગણપતિની મૂર્તિ પર ઊંચાઈની મર્યાદા મુકાઈ ગઈ, જેને પગલે લોકોના ઉત્સાહ પર ઠંડું પાણી ફરી વળ્યું. ન કોઈ ઢોલ-નગારાં વાગ્યાં, ન ક્યાંયથી ૧૦ દિવસ લાઉડ-સ્પીકર પર આરતીના સુરીલા સૂર સાંભળવા મળ્યા. અરે અનેક જાણીતાં મંડળોએ તો આ ઉત્સવની ઉજવણી જ રદ કરી નાખી. આ બધાની વચ્ચે ક્યાં આ તહેવાર આવ્યો અને ક્યાં પૂરો થઈ ગયો એનો કોઈ ખ્યાલ જ ન આવ્યો. હવે આવતી કાલે ગણેશ-વિસર્જન છે. આપણા સૌના લાડીલા ગણપતિબાપ્પા કાલે ફરી પાછા પોતાના ઘરે જતા રહેશે. એવી પણ એક માન્યતા છે કે ગણેશ-વિસર્જન કરતાં પહેલાં ગણપતિબાપ્પાના કાનમાં જે માગો એ મળે છે. તો તમે શું વિચાર્યું છે? તમે બાપ્પા પાસે શું માગવાના છો?
એક વાત તો નક્કી જ છે કે આ વર્ષ આપણા જીવનનાં અન્ય વર્ષો કરતાં ઘણું અલગ રહ્યું છે. આ પહેલાં આપણામાંથી કોઈએ ક્યારેય ન જોઈ હતી કે ન સાંભળી હતી એવી કોવિડ-19 નામની વિચિત્ર બીમારીએ આ વર્ષે આપણને સૌને ઘેરી લીધા છે. અત્યાર સુધીમાં આખી દુનિયામાં આ બીમારીને પગલે લાખો લોકો મૃત્યુ પામ્યા છે અને બીજા કંઈકેટલાય લાખો એની સામે ઝઝૂમી રહ્યા છે. હજારો લોકોના આખા ને આખા પરિવાર આ બીમારીમાં ખુવાર થઈ ગયા છે તો બીજા કંઈકેટલાય હજારો પોતપોતાનાં ઘરબાર છોડીને ક્યાંક બીજે રહેવા જતા રહ્યા છે. નોકરી-ધંધાને લગતા લગભગ પ્રત્યેક ક્ષેત્રમાં મંદીનું મોજું ફરી વળ્યું છે, જેને પગલે લાખો લોકોના રોજગાર છૂટી ગયા છે. છેલ્લા ૬ મહિનાથી આખી દુનિયા કંઈ અજીબ પ્રકારના ભયમાં જીવી રહી છે. બહાર જવાનું નહીં, કોઈને મળવાનું નહીં, કોઈ વ્યક્તિ કે વસ્તુને હાથ લગાડવાનો નહીં. આ અને આવા બીજા અનેક પ્રતિબંધોને પગલે જેમ કોઈ જાનવર પોતાના દરમાં ભરાઈ જાય એવી રીતે દુનિયાની અડધા ઉપરાંતની મનુષ્યજાતિ છેલ્લા ૬ મહિનાથી પોતપોતાના ઘરમાં પુરાઈને બેસી ગઈ છે. વિશ્વના પ્રખર વૈજ્ઞાનિકો હાલમાં આ બીમારી પર કામ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી એની કોઈ દવા કે વૅક્સિન શોધી શકાઈ નથી અને જ્યાં સુધી એ શોધાતી નથી ત્યાં સુધી આપણે બધાએ આ ભયનો સામનો કર્યે જ છૂટકો છે, પરંતુ હવે આપણે સૌ થાક્યા અને કંટાળ્યા છીએ. બધાને યેનકેન પ્રકારેણ કોવિડ-19 પહેલાંના પોતાના સામાન્ય જીવન તરફ પાછા વળવું છે, પણ કેવી રીતે? આ પ્રશ્નનો જવાબ હાલ આપણામાંથી કોઈની પાસે નથી.
કહેવાય છે કે જ્યાં દવા કામ ન લાગે ત્યાં દુઆ કામ લાગે છે, પણ એ દુઆ સાચા દિલની પ્રાર્થના હોવી જોઈએ, એમાં સચ્ચાઈનો રણકો હોવો જોઈએ. ફક્ત ઈશ્વરનાં ગુણગાન નહીં, પરંતુ તમારા વર્તમાન જીવનની હકીકતની ઝલક હોવી જોઈએ. દુનિયાના મોટા ભાગના ધર્મોની પ્રાર્થના પર એક નજર કરીએ તો સમજાય કે લગભગ એ સર્વેમાં ઈશ્વરનાં ગુણગાન ગાવામાં આવ્યાં છે અને કદાચ એમાં કશું ખોટું પણ નથી, પરંતુ જે સૌકોઈનો પિતા છે તેને ફક્ત નરી ચાપલૂસીમાં તો રસ ન જ હોઈ શકેને? તેને તો પોતાના સંતાનના હૃદયમાં શું છુપાયેલું છે એ જાણવામાં રસ છે. બધી જ ખબર હોવા છતાં સંતાનના મોઢે સાંભળવામાં રસ છે એથી ઈશ્વર પાસે માગવામાં કશું ખોટું નથી, પરંતુ એ માગવામાં ફક્ત નિજી સ્વાર્થ ન હોવો જોઈએ. એમાં પોતાના પરિવારજનોથી માંડીને પોતાના મિત્રો, સ્નેહી, સગાંસંબંધીઓથી લઈ સમગ્ર માનવજાતિના કલ્યાણની મંગળ ભાવના હોવી જોઈએ. આવું માગવું પણ માગવું નહીં, એક પ્રકારની સ્તુતિ જ છે.
તો ચાલો, આ વર્ષે ગણપતિબાપ્પાના કાનમાં માગવું જ હોય તો સૌથી પહેલાં તો આપણા બધા માટે માનસિક સ્વસ્થતા અને આશા માગીએ. હાલમાં આપણે બધા ભય અને તણાવથી ઘેરાયેલા છીએ, પરંતુ કોરોના જેવી બીમારીનો સામનો આપણે ભય અને તણાવ સાથે નહીં કરી શકીએ. આપણે આપણું માનસિક સંતુલન જાળવી રાખવું પડશે. જ્યાં સુધી એનો ઇલાજ શોધાતો નથી ત્યાં સુધી ફક્ત શરીરની જ નહીં, મનની સ્વસ્થતા પણ જાળવી રાખવી પડશે.
આ સાથે સારા અને નરસા વચ્ચેનો, ખરા અને ખોટા વચ્ચેનો ભેદ સમજવાની સદ્બુદ્ધિ માગીએ. જેટલો આ બીમારીનો વ્યાપ વધતો જાય છે એટલો એને લગતી અફવાઓ અને ગેરમાન્યતાઓનો ફેલાવો પણ વધતો જાય છે, પરંતુ આવી અફવાઓ અને ગેરમાન્યતાઓ આપણને ફક્ત ઈશ્વરથી, આશાથી દૂર લઈ જવાનું જ કામ કરે છે. એથી માગવું જ હોય તો ઈશ્વર પાસે સત્યનું માર્ગદર્શન માગીએ.
થોડાં અઠવાડિયાં પહેલાં અમેરિકાના ન્યુ યૉર્ક શહેરમાં બનેલી એક ઘટના વિશે જાણવા મળ્યું. એક ચાઇનીઝ વૃદ્ધ ન્યુ યૉર્કના એક સબવેમાં ટૅક્સીમાંથી ઊતર્યો. જેવો તે બહાર આવ્યો કે લોકોનું એક આખું ઝુંડ તેને ઘેરી વળ્યું અને સમગ્ર વિશ્વમાં કોરોના ફેલાવવા માટે તેના દેશને ગાળો આપવા માંડ્યું. કોરોના સૌથી પહેલાં ચીનમાં ફેલાયો એ વાત સાચી છે, પરંતુ એ ચીનને કારણે ફેલાયો કે નહીં એ સત્ય હજી સુધી વિજ્ઞાન પણ પુરવાર કરી શક્યું નથી, એથી દોષનો ટોપલો કોઈ એકના માથે ઢોળી દેવો યોગ્ય નથી. મહામારી અને વસ્તુઓના અભાવ જેવા આવા સમયમાં કોઈ એકને બલિનો બકરો બનાવવા કરતાં માગવું જ હોય તો ભગવાન પાસે તકલીફો વચ્ચે ટકી રહેવાની હિંમત, શક્તિ અને પ્રેરણા માગીએ.
આ બીમારીને પગલે આપણા બધાના જીવનમાંથી આ વર્ષે અનેક સુખ, સગવડ અને સુવિધાઓની બાદબાકી થઈ ગઈ છે એ ખરું; પણ પ્રેમ, લાગણી અને ઉષ્માની બાદબાકી થવી જોઈએ નહીં. આપણા ઓળખીતા-પાળખીતા, સ્નેહી અને સ્વજનોમાંથી અનેક આ બીમારીનો કદાચ ભોગ બન્યા હશે. કેટલાકનું નિધન પણ થયું હશે એથી આ જ તો સમય છે, જ્યારે આપણે આપણી અંદરની માનવતાને જગાવવાની જરૂરી છે. વૃદ્ધો, બાળકો, ગરીબો અને એકલાઅટૂલા પડી ગયેલા જીવોનું ધ્યાન રાખવાની જરૂર છે. આ માટે આવશ્યક હોય એ બધા જ પ્રકારની સાવચેતી લઈએ, બીમારી ફેલાવવાનું જોખમ ન ઉઠાવીએ, પણ સાથે જ માનવમાત્ર તરીકે જરૂરિયાતમંદોની મદદ કરવાની આપણી જે પ્રાથમિક ફરજ છે એ ચૂકી ન જવાય એની પણ ચોકસાઈ રાખવી જ જોઈએ. એથી માગવું જ હોય તો ઈશ્વર પાસે એટલી શારીરિક, માનસિક અને આર્થિક શક્તિ માગીએ જેના બળે આપણે પીડિતોની સેવા કરી શકીએ.
જે આપણો સર્જક છે, જેણે આ સમગ્ર બ્રહ્માંડનું સર્જન કર્યું છે તેને આપણી પ્રત્યેક ચિંતાઓ અને દુખોનો અહેસાસ છે. ફક્ત એટલા માટે જ નહીં કે તે દિવ્ય છે કે તેની પાસે ભૂત, વર્તમાન અને ભવિષ્યનું જ્ઞાન છે, પરંતુ એટલા માટે કે તેણે આ બધું જ ભોગવ્યું છે. તેણે પણ આ પૃથ્વી પર અવતાર લીધા છે અને તેણે પણ આ બધું સહન કર્યું છે એથી એ આપણી પીડાઓથી સુપેરે પરિચિત છે. એથી આવું શા માટે જેવા પ્રશ્નો કરવાને સ્થાને માગવું જ હોય તો જે થઈ રહ્યું છે એ તેની જ ઇચ્છાથી થઈ રહ્યું છે અને એમાંથી આગળ જે ઊપજી આવશે એ પણ તેની જ દૈવીય યોજનાનો હિસ્સો હશે એવો વિશ્વાસ માગીએ.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

falguni jadia bhatt columnists