અબ દેશ દેખિયે, ખેતોં મેં બિલ્ડર ઔર સડકોં પર કિસાન ખડે હૈં

01 March, 2021 10:54 AM IST  |  Mumbai | Manoj Joshi

અબ દેશ દેખિયે, ખેતોં મેં બિલ્ડર ઔર સડકોં પર કિસાન ખડે હૈં

અબ દેશ દેખિયે, ખેતોં મેં બિલ્ડર ઔર સડકોં પર કિસાન ખડે હૈં

એક બાજુ કોરોના ફરી વકરી રહ્યો છે તો બીજી બાજુ કિસાન આંદોલનનો કોઈ અંત ક્યારે, કેમ ને કઈ રીતે આવશે એ રામ કે મોદીજી જાણે! ત્રીજી બાજુ દર બે-ચાર દિવસે સરહદ પર બે-ચાર જવાનો શહીદ થવાના સમાચાર આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો ક્યારેક ચલકચલાણું રમે છે, ક્યારેક હુતુતુતુ રમે છે અને છેલ્લે ખોખો રમીને સમસ્યાને ‘ખો’ આપી દે છે.
કોરોનાની સમસ્યાનો ઉકેલ આપણા હાથ કરતાં કુદરતના હાથમાં છે એ કબૂલ, પરંતુ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આપણા હાથમાં હોવા છતાં કેમ નથી આવતો? મોદી કહે છે કે મને એક ફોન કરો, હું હાજર, પણ ખેડૂતો પાસે કદાચ મોદીનો નંબર નહીં હોય એટલે કર્યો નથી કે કદાચ વારંવાર લગાડ્યા છતાં એન્ગેજ જ આવતો હશે (મોદીજી પાસે કંઈ ખેડૂતોની જ સમસ્યા થોડી છે? દુનિયાઆખીના પ્રશ્નો તેમને માથે છે). ખેડૂતોને કદાચ એક જ મધુર અવાજ સંભળાતો હશે, ‘કૃપયા ધીરજ રખ્ખેં, આપ કતાર મેં હૈં.’
‘ખેડૂત જગતનો તાત છે’ એવું આપણને બાળપણથી શીખવાડવામાં-સંભળાવવામાં આવ્યું છે. દેશ આઝાદ થયો ત્યારે દેશનો મોટો વર્ગ ખેતી સાથે સંકળાયેલો હતો. દેશ ખેતીપ્રધાન હતો અને ખેડૂતો અન્નદાતા તરીકે ઓળખાતા. આજે પરિસ્થિતિ ઘણીબધી બદલાઈ ગઈ છે. આજે ઉદ્યોગોનું પણ પ્રાધાન્ય છે. લોકોના વિચારોમાં પણ પરિવર્તન આવ્યું છે. કેટલાકે વ્યક્ત કરતાં કહ્યું પણ છે કે ખેડૂતોને અન્નદાતા કહેવું ભૂલભર્યું છે. તેઓ અન્નનું દાન નથી કરતા, અન્નનું ઉત્પાદન કરે છે. એ ઉત્પાદન બજારમાં વેચે છે અને લોકો પૈસા ખર્ચીને ખરીદે છે. લોકો પાસે ખર્ચવાના પૈસા ક્યાંથી આવે છે? ઉદ્યોગપતિઓ, વેપારીઓ, વ્યવસાયીઓ લોકોને રોજગાર પૂરો પાડે છે અને પગાર ચૂકવે છે. જો અન્ન ન ખરીદાય તો કદાચ ખેડૂતોને ભૂખે મરવાનો વારો આવે. બોલો, હવે અન્નદાતા કોણ?
મજૂર મજૂરી કરે છે, કુંભાર ચાકડો ફેરવે છે, ઘાંચી તેલની ઘાણી ફેરવે છે, ધોબી કપડાં ધૂએ છે, દરજી કપડાં સીવે છે, ખાણિયો ખાણમાં કામ કરે છે, વાળંદ વાળ કાપે છે, કંસારો ઘાટ ઘડે છે, રંગારો રંગકામ કરે છે; સુથાર, કડિયા, મોચી પણ મહેનત કરે છે. આ લોકોની પણ મોટી જમાત છે. પહેલાં નાની હતી, આજે વિશાળ થઈ છે. ખેડૂતોના પ્રમાણમાં કદાચ નાની હશે, પણ મોંઘવારી તો બધાને એકસરખી જ નડે છે. તો ખેડૂતોને પ્રાધાન્ય શું કામ? શરૂઆતથી જ રાજકીય પક્ષોએ ચૂંટણીમાં મત મેળવવા માટે ખેડૂતોની આળપંપાળ કરી એટલે આજે હવે લોકો કહેતા થઈ ગયા છે, ‘કિસાનોં કા ખૂન ખૂન, ઔરોં કા ખૂન પાની? કિસાનોં કા ગમ ગમ, ઔરોં કા ગમ કહાની? જો ખેડૂતો અન્નદાતા હોય તો સરહદ પર લડતો જવાન જીવનદાતા છે. એક ખેડૂત આત્મહત્યા કરે તો ‘હેડલાઇન’ બની જાય અને કોઈ એક ગરીબ આત્મહત્યા કરે તો એની નોંધ પણ નથી લેવાતી!
ખેર, આ બહુ અઘરો, અટપટો ને ચર્ચાસ્પદ વિષય છે. લોકશાહીમાં સૌને પોતપોતાની રીતે વિચારવાનો હક છે. રાજકારણીઓ પોતાની ખુરસીને ધ્યાનમાં રાખીને વિચારે છે. જનતા પોતાની લાચારી વ્યક્ત કરે છે. બધા પોતપોતાની રીતે સાચા હોવાનો દાવો કરે છે, પરંતુ ઉકેલ માટેનો સાચો રસ્તો શોધવાના પ્રયત્ન થતા નથી એ હકીકત જ શેષ રહી છે.
આપણે રાજકારણમાં પડવું નથી. મને તો ખેડૂત-આંદોલન સંદર્ભે લોકસાહિત્યની એક વાત યાદ આવી એ અહીં પ્રસ્તુત કરવાનું મન થયું છે...
રાજા દેપાળ દેની આ વાત છે. દેપાળદેની ખ્યાતિ ચોમેર ફેલાઈ હતી. તેઓ ન્યાયી, દયાળુ, પરદુઃખભંજક હતા. એક વાર તેમને મનમાં વિચાર આવ્યો કે મારી પ્રજા અત્યંત સુખી છે એવું મારા દરબારીઓ મને અવારનવાર જણાવે છે, પરંતુ આ બાબત મારે જાતે પોતે તપાસવી જોઈએ. શુભ વિચારને મુહૂર્ત કેવાં? સત્વર તેઓ પ્રજાનાં સુખ-દુઃખ જાણવા ઘોડે પલાણ્યા.
હજી માંડ અડધો કલાકની સફર થઈ હશે ત્યાં રાજાએ એક ખેતર પાસે પોતાનો ઘોડો થંભાવી દીધો. એક દૃશ્ય જોઈને તેઓ દુખી-દુખી થઈ ગયા. એક ખેડૂત હળ હાંકે છે, પરંતુ હળની એક બાજુ બળદ છે તો બીજી બાજુ તેણે પોતાની પત્નીને જોતરી છે. ખેડૂત બન્નેને લાકડી મારતો-મારતો હળ હાંક્યે જાય છે. પત્નીના બરડામાં લાકડીઓનાં ચાઠાં પડી ગયાં હતાં છતાં મૂંગે મોઢે હળ હંકારતી રહે છે. શરીરમાં પીડા છે, પણ મોઢેથી ઉચ્ચારતી નથી. ભીતર આંસુ છે, પણ એ આંખની બહાર ન લાવીને પતિની ઇજ્જત ઢાંકી રહી છે. રાજા દેપાળદે ઘોડા પરથી ઊતરીને ખેડૂત પાસે આવી બોલ્યા, ‘અરે બાપ, જરા દયા કર. થોડો પોરો તો ખા.’
‘મને શિખામણ દેનારો તું કોણ? વાવણી મોડી થાય તો ઊગે શું, તારું કપાળ? વાવણી ને ઘીની તાવણી મડુ ઢાંકીને કરવી પડે... હમજ્યો?’
‘બધું હાચું, પણ બાયડીને હળે કાં જોતરી?’
‘મારી બૈરી છે, તારે શી પંચાત?’
‘બૈરી છે એટલે હળે જોતરવાની?’
‘તો શું કરું? કઠણાઈનો માર્યો છું, એક ઢાંઢો (બળદ) મરી ગ્યો છે. નવો લેવાના પૈસા નથી. ચોમાસું માથે છે. વાવણી કરું નંઈ તો આખું વરસ ખાઉં શું? તું મારું પેટ ભરવા આવવાનો છે?’
‘હું તને નવો બળદ લાવી આપું, પણ આ બહેનને છોડ. મારાથી એ જોયું નથી જાતું.’
‘પહેલાં બળદ મગાવી આપ, પછી હું તેને છોડીશ, કોણ જાણે બળદ ક્યારે આવે? વખત ગુમાવવો મને પાલવે એમ નથી.’ ખેડૂત જડભરત હતો. રાજાએ સિપાઈને બળદ લાવવાનો હુકમ કર્યો. ખેડૂતે હળ હાંકવાનું ચાલુ જ રાખ્યું. બાઈ હવે હાંફી રહી હતી. રાજાથી રહેવાયું નહીં એટલે કહ્યું, ‘અરે મારા બાપ, ઘડી બે ઘડીમાં
શું ખાટુંમોળું થઈ જાવાનું છે? જરાક તો માણસાઈ રાખ.’
‘માણસાઈ રાખું ને ઈ ન આવ્યો તો? મારે તો બાવાનાં બેઉ બગડેને? અને તને તારી બહેનનું બહુ લાગી આવતું હોય તો બળદ આવે એટલી વાર તું હળે જોડાઈ જા.’
રાજા જાણે આ ઘડીની જ રાહ જોતા હોય એમ હળે જોડાઈ ગયા. ખેડૂત તો તેના જ તાનમાં ડચકારા કરતો લાકડી ફટકારતો હળ હાંકવા લાગ્યો. રાજાએ ખેતરનો એક ચોક્કસ ભાગ ખેડી નાખ્યો. ખેડૂતની પત્નીથી રાજાની આ હાલત જોવાઈ નહીં. તે રડી પડી. રડતાં-રડતાં બોલી, ‘આવો દયાળુ માણસ રાજા દેપાળદે સિવાય બીજું કોઈ હોઈ જ ન શકે.’ રાજા દેપાળદેનું નામ સાંભળીને તો ખેડૂતનું રૂંવાડુંય ફરક્યું નહીં. ઈ તો નિર્લજ્જ થઈને હળ હાંકતો જ રહ્યો.
થોડી વારમાં સિપાઈ નવો બળદ લઈને આવી ગયો. રાજા છૂટા થયા. બાઈ તેને પગે પડીને બોલી, ‘ખમ્મા મારા વીરા, ખમ્મા મારા બાપ, તમારા રાજપાટ તપતાં રહે, તમારા ભંડાર સદાય ભરેલા રહે.’ દેપાળદેએ મલકતા હૈયે ત્યાંથી વિદાય લીધી.
ચોમાસું પૂરું થયું. ખેતરમાં ઊંચા-ઊંચા છોડવા ઊગ્યા, ભરચક દાણાવાળા. ખેડૂતના હરખનો પાર ન રહ્યો, પણ બીજી જ ક્ષણે તેનું મોઢું વિલાઈ ગયું. ખેતરના એક ભાગમાં ડૂંડાં ફળેલાં જ નહીં. અચાનક તેને યાદ આવ્યું કે આ એ જ ભાગ છે જે રાજાએ હળ સાથે જોડાઈને ખેડ્યો હતો. ખેડૂતે પત્નીને ટકોર કરતાં કહ્યું, ‘જો તારા રાજાનાં પગલાંનો પ્રતાપ જો, પાપિયો, બૂંદિયાળ!! કેવા મેલા મનનો માનવી?’
પત્ની એ સ્થળે ગઈ. જોયું તો સાચેસાચ ડૂંડાં ફળ્યાં નહોતાં, પણ પત્નીને વિશ્વાસ હતો કે આવું ન જ બને. તેણે હળવે-હળવે છોડ નમાવ્યો. હળવે હાથે ડૂંડા પરથી લીલું પડ ખસેડ્યું અને નાચી ઊઠી!! આ શું? દાણા નહીં, સાચાં મોતીડાં હતાં. અઢળક મોતીડાં, મબલક મોતીડાં.
ખેડૂતની આંખો ફાટી ગઈ. તેને પશ્ચાત્તાપ થયો, ‘ફટ ભૂંડા, મેં આવા દેવ જેવા રાજાને પાપિયો કીધો?’ તેણે બધાં મોતી ઉતાર્યાં, ફાટ બાંધીને સીધેસીધો રાજદરબારમાં પહોંચ્યો અને રાજાના ચરણમાં મોતીની ફાટ ખુલ્લી
મૂકી દીધી. દરબારમાં અજવાળાં-અજવાળાં પથરાઈ ગયાં.
ખેડૂતે રાજાને બધી વાત કરી. રાજાએ હસીને કહ્યું, ‘બાપ, મોતી કંઈ મારા પુણ્યે નથી ઊગ્યાં, તારી પત્નીના પુણ્યે ઊગ્યાં છે અને વળી આ મોતી તારા ખેતરમાં ઊગ્યાં છે માટે તારાં જ ગણાય. તું લઈ જા.’
‘ના, બાપ, આ તમારી મોટાઈ છે. બાકી મોતી તમારા પ્રતાપે જ ઊગ્યાં છે.’
‘ના, ભાઈ ના. તારી પત્નીના પુણ્ય પ્રતાપે જ ઊગ્યાં છે. તે સંતાપી હતી, એમાંથી તે મુક્ત થતાં ખુશ થઈને તને તેણે આશિષ આપ્યા એનું આ પરિણામ છે.’
બન્ને વચ્ચે ખૂબ રકઝક થઈ. આખરે દેપાળદેએ તોડ કાઢ્યો. ઢગલામાંથી એક મોતી લઈને કહ્યું, ‘ભાઈ, પ્રસાદીરૂપે એક મોતી લઉં છું, બસ. હવે જો તું આગળ બોલ્યો છે તો તને મારા સમ છે.’
ખેડૂત રાજાને પગે લાગીને હરખનાં આંસુ સાથે નીકળી ગયો.
અને છેલ્લે : કિસાન-આંદોલન અને સરકારના સંઘર્ષને કારણે ઝવેરચંદ મેઘાણીની આ વાત મને યાદ આવી ગઈ એ ખરું, પણ વાતના અંતે ખેડૂતે જે દુહો લલકાર્યો એ મને શબ્દશઃ યાદ રહ્યો છે...
‘જાણ્યો હત જડધાર, નવળંગ મોતી નીપજે તો વાવરત વડ વાર, દી આખો, દેપાળદે!’
હે દેપાળદે રાજા, જો મેં પહેલેથી જ એમ જાણ્યું હોત કે તું શંકરનો અવતાર છે, જો મને પહેલેથી જ ખબર પડી હોત કે તારા પગલે-પગલે તો નવલખાં મોતી નીપજે છે, તો તને એ દિવસે હળમાંથી છોડત જ શા માટે? આખો દિવસ તારી પાસે જ હળ ખેંચાવતને!

Pravin Solanki columnists