પાકિસ્તાનનું ભવિષ્ય ગધેડાઓના હાથમાં

10 March, 2019 10:22 AM IST  |  | રુચિતા શાહ

પાકિસ્તાનનું ભવિષ્ય ગધેડાઓના હાથમાં

ગધેડો

દુનિયામાં સૌથી વધુ ગધેડાઓની વસ્તી ધરાવતા દેશોમાં પાકિસ્તાન ત્રીજા નંબરે છે. અત્યારે પાકિસ્તાનમાં લગભગ પચાસ લાખ કરતાં વધારે ગધેડાઓ છે. પાકિસ્તાનના વહીવટી વિસ્તાર ખૈબર પખ્તુંખ્વાના લાઇવ સ્ટૉક વિભાગના આંકડા મુજબ એકલા લાહોરમાં જ ૪૧ હજાર કરતાં વધારે ગધેડાઓ છે. માનવજાત અને ગધેડાઓનો નાતો આમ તો સદીઓ પુરાણો છે. જોકે પાકિસ્તાનમાં ગધેડાનો વેપાર કરનારા વેપારીઓ ગધેડાને સોનાની લગડીની જેમ ટ્રીટ કરતા હોય છે. ગધેડાનો વેપાર કરતા વેપારીઓ ૩૫ હજારથી લઈને ૫૫ હજાર રૂપિયા સુધીની કિંમતમાં ગધેડાઓ વેચતા હોય છે. એ ઉપરાંત રોજની મજૂરી કરીને ગધેડાદીઠ માલિકને લગભગ ૧૦૦૦ રૂપિયાનો નફો થતો હોય છે. ગધેડાઓની સંખ્યાની દૃષ્ટિએ ચીન અત્યારે પહેલા નંબરે અને ઇથિયોપિયા બીજા નંબર પર આવે છે.

ચીનમાં ગધેડાઓનું મહત્વ જોરદાર છે. ખાસ કરીને ગધેડાઓની ખાલને ચીનાઓ ચાઇનીઝ દવા બનાવવા માટે ઉપયોગમાં લે છે. ગધેડાની ચામડીમાંથી બનાવેલા જિલેટિનની આવરદા લાંબી હોય છે. પરંપરાગત ચાઇનીઝ માન્યતા એવી પણ છે કે ગધેડાઓની ખાલમાં વિશેષ પ્રકારની મેડિસિનલ પ્રૉપર્ટીઝ હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને લોહીની ગુણવત્તા સુધારવામાં ઉપયોગી છે. પાકિસ્તાનના લાઇવ સ્ટૉક વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ તો ત્યાં સુધી પણ કહ્યું છે કે પાકિસ્તાનમાં ગધેડાઓનું ફાર્મિંગ કરવા માટે ચીન લગભગ ત્રણ અબજ અમેરિકન ડૉલર ઇન્વેસ્ટ કરવા પણ તૈયાર છે. એ દૃષ્ટિએ એક્સપોર્ટ વધારવા માટે પાકિસ્તાન ડૉન્કી ફાર્મ પણ ઊભું કરશે.

સ્ટેટ બૅન્ક ઑફ પાકિસ્તાનના છેલ્લા રિપોર્ટ પ્રમાણે અત્યારે પાકિસ્તાન પર લગભગ ૩૩.૩ ટ્રિલ્યન અમેરિકન ડૉલરનું દેવું છે. છેલ્લા છ મહિનામાં લગભગ ૩ ટ્રિલ્યન કરજનો ઉમેરો થયો છે. એ દષ્ટિએ અત્યારે પ્રત્યેક પાકિસ્તાની પર ૧,૦૨,૨૯૨ દેવું તેમની કરન્સી મુજબ છે. પ્રત્યેક સેકન્ડે પાકિસ્તાની પર ૬૪,૬૭૪ રૂપિયાનું વ્યાજ ચડી રહ્યું છે. એ દૃષ્ટિએ આ દેશ ખરા અર્થમાં આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે. ફૉરેન એક્સચેન્જથી દેશની આવક વધે તો આવનારા સમયમાં આર્થિક સંકડાશને કંઈક રાહત મળે એવી દેશની અપેક્ષા છે, જેમાં ચીનના વલણે આશાનું કિરણ જગાવ્યું છે. ખાલી ડૉન્કી ડેવલપમેન્ટ પ્રોગ્રામ જ નહીં, પણ ચીન અને પાકિસ્તાન વચ્ચે આકાર પામી રહેલા ચાઇના-પાકિસ્તાન ઇકોનૉમિક કૉરિડોર અંતર્ગત પણ લગભગ ૫૦ બિલ્યન અમેરિકન ડૉલરનું ધિરાણ ચીન કરશે એવાં ઇન્ટિમેશન ફેબ્રુઆરીના પ્રારંભમાં આવ્યાં હતાં. આગળ કહ્યું એમ જેમાંથી ત્રણ બિલ્યન ગધેડાઓના બ્રીડિંગ માટે ઇન્વેસ્ટ કરવા ચીનના ઇન્વેસ્ટરો તલપાપડ છે. દેખીતું છે કે પાકિસ્તાનને કબજે લેવાનું હોય એમ ચીન બધી રીતે પોતાના હાથપગ આ દેશમાં પ્રસરાવવાની ફિરાકમાં છે ત્યારે ચીનની ગધેડાઓની માગને પૂરી કરવા માટે પાકિસ્તાન પણ કમર કસે જ. પાકિસ્તાન સરકાર પોતાની પ્રજાને ગધેડાઓનું સંવર્ધન કરવાની પૂરેપૂરી સગવડ આપી રહી છે. થોડાક સમય પહેલાં લાહોરમાં માત્ર ગધેડાઓના ઇલાજ માટે એક વેટરનિટી હૉસ્પિટલ શરૂ કરવામાં આવી, જેમાં ગધેડાઓનો નિ:શુલ્ક ઇલાજ કરવામાં આવશે. પાકિસ્તાનના ડેરા ઇસ્માઇલ અને મનશેરા ડિસ્ટ્રિક્ટમાં ફૉરેન પાર્ટનરશિપ અંતર્ગત બે ડોન્કી ફાર્મ પણ શરૂ કરવામાં આવ્યાં છે. પાકિસ્તાની સરકારના અત્યારના પ્લાન મુજબ વર્ષે એંશી હજાર જીવતા ગધેડા દર વર્ષે ચીનમાં મોકલવાની ગણતરી છે. આ પ્રોજેક્ટથી ગધેડા પર ગુજરાન ચલાવતા લોકો પણ આર્થિક રીતે સધ્ધર બનશે અને પાકિસ્તાની ગધેડાઓની ગુણવત્તામાં પણ વધારો થશે. ડૉન્કી એક્સપોર્ટનો મુદ્દો પાકિસ્તાની સરકાર માટે એટલો મહત્વપૂર્ણ છે કે તેઓ કોઈ પણ ભોગે તેનું પ્રાઇવેટાઇઝેશન ઇચ્છતી નથી. પાકિસ્તાની સરકાર અંતર્ગત ચાલતા ડૉન્કી ફાર્મમાંથી જ નિકાસ થાય અને ઇન્વેસ્ટરો સાથે થતા કૉન્ટ્રૅક્ટમાં પણ આ વાત પર ભાર મૂકવાની તેમની ગણતરી છે.

‘ખૈબર-પુખ્તુંખ્વા-ચાઇના સસ્ટેઇનેબલ ડૉન્કી ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ અંતર્ગત વર્ષે એક અબજનું વિદેશી નાણું પાકિસ્તાનમાં લાવવાની ગણતરી ત્યાંની સરકાર સેવી રહી છે. પાકિસ્તાનના ખાલી ખૈબર-પુખ્તુંખ્વા ઇલાકામાં લગભગ ૭૦ હજાર લોકો પોતાના દૈનિક વપરાશમાં ગધેડાઓનો ઉપયોગ કરે છે. ઘણા મોટા અંશે ગેરકાયદે ગધેડાની ખાલને વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે એ પણ આ સરકારના ધ્યાનમાં આવ્યું છે. ચીનની પાકિસ્તાન પર કરવામાં આવી રહેલી મહેરબાનીઓ જગજાહેર છે. જે પ્રમાણમાં પાકિસ્તાન ચીન પાસેથી લોન લઈ રહ્યું છે એ વિશે આંતરાષ્ટ્રીય સંસ્થા ઇન્ટરનૅશનલ મોનિટરી ફંડે પાકિસ્તાનને ચીન પાસેથી અધધધ લોન લેવા બદ્દલ વૉર્નિંગ પણ આપી દીધી છે. પાકિસ્તાની ઇકોનૉમિક સર્વેના લેટેસ્ટ આંકડા મુજબ આ દેશમાં ગધેડાની સંખ્યા એક લાખથી લગભગ ૫૩ લાખ પર પહોંચી છે. પાકિસ્તાનમાં લગભગ ૮૦ લાખ લોકો પશુધન અને જનાવરોના ઉછેરમાંથી પોતાની ૩૫ ટકા આવક રળે છે. પાકિસ્તાનની પ્રજાની ગરીબી ઓછી થશે જો આ પશુઓની ઊંચી કિંમતો આપીને ચીન એને ખરીદી લેશે એવાં સોનેરી સપનાંઓ આ દેશની સરકાર જોઈ રહી છે. મજાની વાત એ છે કે ગધેડાઓની જ સંખ્યા વધી છે, એ સિવાય ઘોડાઓ અને ઊંટની સંખ્યા સ્ટેબલ છે. અત્યારે પાકિસ્તાનમાં લગભગ ચાર લાખ ઘોડા, ૧૧ લાખ ઊંટ અને લગભગ સાડાસાત કરોડની આસપાસ બકરીઓ છે.

એ રીતે ગધેડા અને બકરીઓની બહુમતી સાથે આ દેશ પોતાના આર્થિક ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની દિશામાં હવાતિયાં મારી રહ્યો છે.

આ પણ વાંચો : મળો મુંબઈ પોલીસના દબંગ ડૉગ્સને

ગધેડાઓનું શું થશે?

આજે પણ વિકાસશીલ દેશોનાં ગામડાંઓમાં ગધેડાઓનો રોલ મહત્વનો છે. ખાસ કરીને પહાડી વિસ્તારમાં રહેતા ગરીબો માટે ગધેડાઓનો ટ્રાન્સપોર્ટેશન માટે ઉપયોગ થતો હોય છે. જોકે એ સિવાય ગધેડાનું દૂધ, એની ખાલ, એનું માસ વગેરેની વિશ્વભરમાં ડિમાન્ડ વધી રહી છે. ગધેડાની ખાલમાંથી એક ખાસ પ્રકારનું જેલી જેવું મેડિસિનલ જિલેટિન મળે છે, જેને ચીનાઓ ઇજિયો તરીકે ઓળખે છે. આ એક પ્રકારની કઠણ જેલ જેવો પદાર્થ હોય છે, જે ગરમ પાણીમાં કે અન્ય પ્રવાહીમાં સરળતાથી ઓગળી જાય છે. આ ઇજિયોનો ઉપયોગ ખાણી-પીણીથી લઈને બ્યુટી પ્રોડ્ક્ટમાં પણ થાય છે, જે શરીરનું રક્તપરિભ્રમણ સુધારે, લોહીની શુદ્ધિ કરે અને પ્રજનનતંત્રને લગતી ખામીઓ પણ દૂર કરે. આ જિલેટિન માટે ચીને છેલ્લાં વીસ વર્ષમાં પોતાને ત્યાં રહેલા ૯૦ લાખ ગધેડામાંથી લગભગ ૫૦ લાખ ગધેડાઓનો ખાત્મો બોલાવી દીધો છે, જેણે ચીન સિવાય આફ્રિકાના દેશોમાં ગધેડાઓની સંખ્યા ઘટાડી છે, જેમ કે આફ્રિકન દેશ કેન્યામાં છેલ્લાં દસ વર્ષમાં ગધેડાની સંખ્યા ઘટીને અડધી થઈ ગઈ છે. ચીને સૌથી પહેલાં આફ્રિકન દેશોમાંથી પોતાના દેશની ગધેડાની ડિમાન્ડને પહોંચી વળવા માટે મોટા પ્રમાણમાં નિકાસ શરૂ કરી હતી. હવે એ નજર પાકિસ્તાન તરફ વળી છે. ચીનનાં ગધેડાઓ માટેનાં આ હવાતિયાંએ વૈશ્વિક સ્તરે ગધેડાઓની કિંમતમાં ૩૨૫ ટકાનો વધારો કર્યો છે. આફ્રિકન દેશોમાં ૬૦ ટકા ગધેડાઓની સંખ્યા ઘટી છે. ચીનાઓ ગધેડાની ખાલમાંથી બનતા જિલેટિનને એટલું સ્વાસ્થયવર્ધક માને છે કે કેટલીક કંપનીઓએ બીજાં પશુઓની ખાલમાંથી બનતા જિલેટિનને ગધેડાની છાલમાંથી બનેલા જિલેટિન તરીકે વેચવાનું શરૂ કર્યું હતું. જોકે શુદ્ધતા સાથે થઈ રહેલી આ ભેળસેળને અટકાવવા માટે હવે ત્યાંની કંપનીઓએ ડીએનએ ટેસ્ટિંગ શરૂ કર્યું, જેથી ગધેડાની જગ્યા હવે કોઈ લઈ નહીં શકે. લંડનની એક ગધેડાઓના વેલ્ફેર માટે કામ કરતી સંસ્થા ડૉન્કી સૅન્ક્ચુરીના આંકડા મુજબ અત્યારે વિશ્વમાં વર્ષે લગભગ એક કરોડ ગધેડાઓની ડિમાન્ડ છે, પણ સામે સપ્લાય માત્ર ૧૮ લાખ છે એટલે દેખીતી રીતે જ ડિમાન્ડને પહોંચી વળવા મોમાગ્યા દામ અપાવાના જ. અફકોર્સ, એમાં ચીન પહેલા નંબરે છે. જોકે ગધેડાઓમાંથી મળતી વિવિધ પ્રોડક્ટની વધતી માગને કારણે ગધેડાઓની સંખ્યામાં નોંધનીય ઘટાડો શરૂ થઈ ગયો છે. બની શકે છે કે આવનારા સમયમાં આજે લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓ માટે જેમ સેવ ટાઇગર અને સેવ સ્પેરોનાં કેમ્પેન ચલાવાય છે એમ એક દિવસ સેવ ડૉન્કી પણ કહેવું પડે.

pakistan columnists weekend guide