પ્રેમના પાઠો તું પરવાનાથી શીખ

16 February, 2020 02:52 PM IST  |  Mumbai | Hiten Anandpara

પ્રેમના પાઠો તું પરવાનાથી શીખ

વૅલેન્ટાઇન્સ ડેનો પાછોતરો કેફ હજી હવામાં ઘોળાઈ રહ્યો છે. ગુલાબની પાંખડીઓ ચિમળાઈ છે, પણ મુરઝાઈ નથી. કોઈની યાદ હજી પણ હૈયાને તરબતર કરતી હશે. પ્રેમનું વિશ્વ અજાયબ હોય છે. એનો સમાવેશ અજાયબીઓમાં નથી થતો છતાં એ ખરેખર તો અજાયબીઓથી પર છે. એ સહજ છે છતાં ગહન છે. એને પામવો પહેલી નજરે સહેલો લાગે, પણ જેમ-જેમ એનાં પડળો ખૂલતાં જાય એમ-એમ ખ્યાલ આવે કે આનાં ઊંડાણ અતાગ છે. પ્રેમને એક દાયરામાં સીમિત ન કરી શકાય. પ્રિયતમાથી પરમાત્મા સુધીનો એનો વ્યાપ છે જેમાં વહાલનું આખું વૈકુંઠ રચાઈ જાય. જયેન્દ્ર મહેતાના મુક્તકથી શાતાસભર શરૂઆત કરીએ...

નથી આવ્યો અકારણે એક કારણ લઈને આવ્યો છું

હૃદયની સૌ કુશંકાનું નિવારણ લઈને આવ્યો છું

જીવન છે ને જીવન સાથે હજારો આફતો પણ છે

તમારા પ્રેમનું એક હૈયાધારણ લઈને આવ્યો છું

પ્રેમનો પથ વિકટ હોવાનો. એમાં હંમેશાં વિઘ્નો આવતાં રહેવાનાં. પ્રેમી પંખીડાંને લગ્નગ્રંથિથી જોડાવું હોય તો ઘણી વાર સ્વજનોની સંમતિનો સાગર પાર કરવો પડે. ગામડાંઓમાં જ્યાં પંચાયત રાજનું જોર છે ત્યાં નાતબહાર કે ઊંચનીચના ભેદભાવોને આધારે પ્રેમીઓને સજા ફરમાવવામાં આવે છે. છાશવારે આવા અનેક કિસ્સાઓ છપાતા રહે છે. બે જણ વચ્ચેના પ્રેમમાં સ્વજન અને સમાજની સંમતિ જરૂરી બને ત્યારે અનેક ઘર્ષણો જન્મ લે. ઘણી વાર પરિવાર તરફની પ્રતિબદ્ધતા વફાઈને બેવફાઈમાં પલટાવી નાખે. શાયર હયરત એને તાદૃશ્ય કરે છે...  

પ્રણયની દિવ્યતા દુનિયાની બાબત થઈ નથી શકતી

અહીં સમજી-વિચારીને મહોબત થઈ નથી શકતી

અમારો પણ હશે હિસ્સો તમારી બેવફાઈમાં

મહોબતમાં કોઈ પણ વાત અંગત થઈ નથી શકતી

પ્રેમ પહેલી નજરે પણ થઈ જાય. એમાં કોઈ ઋણાનુબંધ ભાગ ભજવતો હશે. કોઈ અકળ કારણોસર કોઈ વ્યક્તિ સામે આવી જાય અને વાર્તાની શરૂઆત થાય. પહેલા પ્રકરણની પહેલી લાઇન જ એટલી નક્કર મંડાઈ હોય કે આગળના નિરૂપણમાં એ ઉપકારક નીવડે. ઘણી વાર સહાધ્યાયી સાથે પણ મનમેળ થઈ જાય. મેડિકલ અને કૉર્પોરેટ જગતમાં આવા કિસ્સાઓ બનતા જ હોય છે. સાબિર આ સહજતાની વાત છેડે છે...

પ્રેમની હું યાચના કરતો નથી

રૂપની આરાધના કરતો નથી

એ જ આવી જાય છે એ સિદ્ધ છે

હું તો એની સાધના કરતો નથી

પ્રેમમાં રૂપની આરાધના જરૂરી બને છે. ઉછીની તો ઉછીની લઈને પણ શાયરીઓનો ખપ અભિવ્યક્તિને પોએટિક બનાવે છે. સામાન્ય રીતે લોકો કવિતાથી ડરતા હોય છે પણ વૉટ્સઍપમાં બે-બે લાઇનમાં વ્યક્ત થતી ઉમદા લાગણીઓની ધૂમ લેવાલી અને ધૂમ ફૉર્વર્ડ જોવા મળે છે. આપણી ભીતરના નાજુક સંવેદન સાથે એનો તાર મળવો જોઈએ. ઝંકૃતિ આપોઆપ થશે. મીડિયાનાં વૈવિધ્યસભર માધ્યમોથી હવે દૂરી કઠતી નથી અને પળવારમાં પ્રિયજનનો ચહેરો કે એનો સંદેશ સ્ક્રીનને રંગીન ને સંગીન બનાવી દે. પરદેશમાં સારોએવો સમય ગાળનાર શેખાદમ આબુવાલા પ્રેમની સીમાને સરહદપાર વિસ્તારે છે...

હુંય કેવો છું ખુશનસીબ જુઓ

મારી કલ્પિત કથાને સાર મળ્યો

સાત સમંદરને પાર વસનારી

એક સોનાર પરીનો પ્યાર મળ્યો

ચાઇનીઝ છોકરા સાથે આપણો ગુજરાતી છોકરો કે અમેરિકન છોકરી સાથે આપણો કલાકાર પરણે એ વાત હવે સહજ બની છે. વિદેશોમાં ભણવા જતો કોઈ વિદ્યાર્થી ત્યાં જ રહેવાનું નક્કી કરે અને ત્યાંની યુવતીના સંપર્કમાં આવતાં તેને જીવનસંગિની બનાવી લે. વિદેશી યુવતીઓમાં ભારત આવી પારંપરિક વિધિથી પરણવાની એક ઉત્સુકતા દૃશ્યમાન થઈ છે. તેમને આપણી પરંપરા અને સંસ્કૃતિ આકર્ષે છે. એક ગંભીરતા અને શાસ્ત્રોક્ત પીઠબળની અનુભૂતિ તેમને થાય છે. ઇસ્માઇલ પંજુ ‘સહર’નું મુક્તક એની અખિલાઈને આવરે છે...

પ્રેમના પાઠો તું પરવાનાથી શીખ

કોઈ શાણા કોઈ દીવાનાથી શીખ

છે અખિલ બ્રહ્માંડ પુસ્તક પ્રેમનું

શીખવું છે? કોઈ પણ પાનાથી શીખ

પ્રેમ એક એવું શિક્ષણ છે જે જન્મજાત છે છતાં ઘણી વાર એ પલ્લે નથી પડતું. અચાનક મુલાકાત થવી, વાત થવી અને નવા પ્રભાતની શરૂઆત થવાની પ્રક્રિયા રોચક અને રોમાંચક હોય છે. પ્રેમમાં ત્રિરાશ‌િ નથી મંડાતી. પ્રેમને કોઈ રાશિ નથી હોતી. એ કુંડળીનાં બાર ખાનાંની મર્યાદામાં નથી સમાતો. એની હજાર વ્યાખ્યા આપ્યા પછી પણ એમ થાય કે હજી ઘણુંબધું કહેવાનું રહી ગયું. મુસાફિર પાલનપુરી આ અગમ્યપણાને આકારે છે...

કશુંક પ્રાણ સુધી જાય ને ખબર ન પડે

ગજબનું ઘેન ચડી જાય ને ખબર ન પડે

કદાચ એ જ દશાને કહે છે પ્રેમ બધા

હૃદયને કોઈ ગમી જાય ને ખબર ન પડે

ક્યા બાત હૈ

પાણી સમો બનીને સઘળે વહી શકું છું

હો કૂપ કે સમંદર સૌમાં રહી શકું છું

 

ચાહત કદી અમારી ઓછી નથી થવાની

ના હોય પ્રેમ તમને તો પણ ચાહી શકું છું

 

સાકી, ઘડીક બેસો સામે નજર મિલાવી

પીધા વગર નશામાં કાયમ રહી શકું છું

 

તારા બધાય લેખો ભૂંસ્યા નથી વિધાતા

જ્યારે કર્યો સુધારો ત્યારે સહી શકું છું

 

સમજ્યા વિના જ તમ પર વારી ગયો હશે એ

એ ‘સાજ’ છે દીવાનો તેથી કહી શકું છું

- ડૉ. પુરુષોત્તમ મેવાડા ‘સાજ’

weekend guide columnists