ધન, ઘમંડ અને ઘેલછા : ચાણક્યએ કહેલી આ વાત જીવનમાં ક્યારેય ભૂલતા નહીં

14 March, 2023 03:40 PM IST  |  Mumbai | Manoj Joshi

વિકાસ અને તેજી વચ્ચે ક્યારેય ખર્ચા દેખાતા નથી કે પછી એની બીક નથી લાગતી, પણ જે સમયે વિકાસ અટકે કે પછી તેજી ફરીને મંદીની દિશામાં થાય એ સમયે તમામ પ્રકારના ખર્ચા હેસિયત યાદ દેવડાવી દેતા હોય છે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ચાણક્યએ ધન માટે પુષ્કળ વાતો કરી છે અને તેમના નીતિસૂત્રમાં તેમણે સ્પષ્ટતા સાથે કહ્યું પણ છે કે ઘનનું ઘમંડ ક્યારેય કરતા નહીં. પૈસો હાથનો મેલ છે એવું પણ જો જગતમાં સૌપ્રથમ કોઈએ કહ્યું હોય તો એ જગતમાં બીજું કોઈ નહીં, ચાણક્ય જ હતા, પણ ચાણક્યની પૈસા સાથે જોડાયેલી જો કોઈ એક વાત મને બહુ પસંદ હોય તો એ છે કે ધનનું ઘમંડ ક્યારેય મહેનતુ માણસને હોતું નથી. ધનનું ઘમંડ જગતમાં માત્ર બે જ વ્યક્તિ કરી શકે; એક, જેને વારસામાં ધન મળ્યું છે. અર્થાત્ જેણે પોતાનો પરસેવો પાડીને ધન કમાયું નથી અને સીધો જ ધનનો ભંડાર હાથમાં આવી ગયો છે તે. હવે વાત બીજા નંબરે આવતા લોકોની. ધનનું ઘમંડ તેમને હોય જેઓ અનીતિથી પૈસો કમાયા છે. વારસો કે પછી અનીતિથી કમાયેલો પૈસો જેની પાસે હોય તે જ ધન પર અભિમાન કરી શકે અને ધનનું ઘમંડ રાખી શકે.

ધનની ઘેલછા ક્યારેય ન કરતા. કારણ કે એ ઘેલછા પણ તમને આ બે પ્રકારના વ્યક્તિ સાથે જોડવાનું કામ કરશે અને જો તમે એ બે પ્રકારની વ્યક્તિમાં સામેલ થયા તો તમારું ધનોતપનોત નીકળી જશે એ પણ નક્કી છે. ધનનો નશો ક્યારેય કોઈએ કરવો નહીં અને એને માટે ક્યારેય વલખાં પણ મારવાં નહીં. ચાણક્યએ કહ્યું છે કે જરૂરિયાત કરતાં વધારે ખર્ચ કરનારો પોતાના દુઃખનો રસ્તો જાતે જ ચીતરી લેતો હોય છે. વાત જરા પણ ખોટી નથી અને જીવનમાં અમલમાં મૂકવા જેવી છે. જરા આજુબાજુમાં જોજો તમે. તમને દેખાશે કે કેટલી બિનજરૂરી ચીજવસ્તુઓથી તમે ઘેરાયેલા છો અને જ્યારે બિનજરૂરી ચીજવસ્તુઓનો આંકડો વધવા માંડે ત્યારે માનવું કે હવે તમે પાયમાલ થવાની દિશામાં છો. મોબાઇલ પર શૉપિંગ માટેની ઍપ્લિકેશન આવી ત્યારથી જ આ પરિસ્થિતિનું નિર્માણ થવાનું શરૂ થઈ ગયું હતું. વિકાસ અને તેજી વચ્ચે ક્યારેય ખર્ચા દેખાતા નથી કે પછી એની બીક નથી લાગતી, પણ જે સમયે વિકાસ અટકે કે પછી તેજી ફરીને મંદીની દિશામાં થાય એ સમયે તમામ પ્રકારના ખર્ચા હેસિયત યાદ દેવડાવી દેતા હોય છે. અત્યારે એવી જ પરિસ્થિતિ છે. માગો એ હપ્તા પર મળે છે અને આ જે ઇન્સ્ટૉલમેન્ટની સિસ્ટમ શરૂ થઈ છે એ જ દેખાડે છે કે હવે જિંદગી પણ હપ્તાઓ પર જીવાતી થઈ જશે.

આ પણ વાંચો: ગોલ્ડન વર્ડ્‍સ : સફળતા કરતાં પણ નિષ્ફળ થવું જીવન માટે અત્યંત મહત્ત્વનો તબક્કો છે

સંઘરેલો પૈસો જમવાનું નહીં માગે કે પછી સંઘરેલા પૈસાને સાચવવા માટે સેનાપતિ નીમવો નહીં પડે એ ક્યારેય ભૂલતા નહીં. લાખ રૂપિયાનો મોબાઇલ હાથમાં લઈને ફરવાનો અધિકાર તમને ત્યારે જ છે જ્યારે તમે પાંચ લાખ રૂપિયા કમાવાનું કૌવત મેળવી ચૂક્યા હો. પાંચ લાખ રૂપિયાની ગાડી વાપરવાની ઔકાત જો કેળવવી હોય તો એ પહેલાં બૅન્કમાં પચીસ લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ એકઠી કરવાની ક્ષમતા કેળવવી જોઈએ. અમેરિકન લાઇફસ્ટાઇલ જેવું જીવવું ગમે તો એમાં કાંઈ ખોટું નથી, પણ એવી લાઇફસ્ટાઇલ ત્યારે જ અપનાવવી જોઈએ જ્યારે અમેરિકનની જેમ ફુટપાથ પર રાત પસાર કરવાની હિંમત પણ મનમાં ભારોભાર ભરી હોય.

columnists manoj joshi