ભૂતકાળની સ્મૃતિમાં સ્ટૅચ્યુ ન થવાય

28 October, 2020 12:39 PM IST  |  Mumbai | Sejal Ponda

ભૂતકાળની સ્મૃતિમાં સ્ટૅચ્યુ ન થવાય

ભૂતકાળમાં જઈને એ સમયે કરેલી શરૂઆત બદલી નથી શકાતી, પણ અત્યારે તમે જ્યાં છો ત્યાંથી નવી શરૂઆત કરી પરિણામ સુધી ચોક્કસ પહોંચી શકાય છે. દરેક કાળમાં માણસની પરિસ્થિતિ એકસરખી નથી હોતી. કાળ પ્રમાણે સંજોગો, માણસનું વર્તન, માણસની જિંદગી બદલાતાં રહે છે. અને બદલાતા કાળ પ્રમાણે માણસે પણ બદલાવું પડે છે.
વીતી ગયેલો કાળ ઘણી વાર માણસની સ્મૃતિમાં ભીના કપડાની જેમ ચોંટેલો રહે છે. ન તો એ કાળમાં જઈને કંઈ બદલી શકાય છે ન તો એની સ્મૃતિને ભૂંસી શકાય છે.
વીતેલો દરેક સમય માણસ માટે કોરી પાટી જેવો થઈ જવો જોઈએ. કોરી પાટી પર કંઈક લખીએ અને ભૂંસી નાખીએ તો એ પાટી ફરી કોરી બની જાય છે. એના પર ફરી નવા શબ્દો, નવી ગણતરી માંડી શકાય છે. કંઈ નવું કરવા માટે જૂની સ્મૃતિને ભૂંસી નાખવી પડે. હા, સારી અને અનુભવી યાદોને સાથે લઈ ચાલીએ ત્યાં સુધી ઠીક છે, પણ ડંખે એવી યાદો જો સાથે ચાલીએ તો જીવન ઝેર બની જાય છે.
કોઈએ આપણી સાથે ખરાબ કર્યું હોય તો એમાં યાદ રાખવા જેવું એ જ છે કે એ માણસથી ચેતીને રહેવું. અને ભૂલી જવા જેવું એ છે કે એનો ડંખ આપણને સતત ડંખતો ન રહે. એવી જ રીતે કોઈકે આપણું ભલું કર્યું હોય તો યાદ રાખવા જેવું તેનું ઋણ છે. એ ઋણ ભૂલી સ્વાર્થી ન બની જઈએ એ જાતને યાદ અપાવતા રહેવું જોઈએ.
આંખ બંધ કરીને નાનપણથી લઈ આજ સુધી જિવાયેલી જિંદગીને યાદ કરી જુઓ. એક પછી એક સારીનરસી અનેક ઘટનાઓ, વ્યક્તિઓ ફટફટ આંખ સામેથી પસાર થતી જશે. જાણે કોઈ ફિલ્મ પસાર થતી હોય એમ. જે જિવાઈ ગયું છે એને આમ જ પસાર કરી દેવાનું છે. એ સ્મૃતિમાં થંભી નથી જવાનું.
સ્મૃતિની ગાંઠને ક્યારેય જોઈ છે ખરી? જવાબ ના જ હશે, કારણ કે પરોક્ષ રીતે એ ગાંઠ ક્યારેય આપણને દેખાતી નથી. પણ ભૂતકાળની કોઈ એક સ્મૃતિ આંખ સામે અવતરે અને જો આપણે એમાં જ સ્ટૅચ્યુ થઈ જઈએ તો એ સ્મૃતિની ગાંઠ વળતી જાય. એ પછી દરેક વખતે ભૂતકાળની સ્મૃતિમાં સ્ટૅચ્યુ થઈ જવાની આદત પડતી જાય છે.
ભૂતકાળ બદલવાનું આપણા હાથમાં નથી. કોઈ ખરાબ ઘટના યાદ કરીએ તો એવું નથી થઈ શકતું કે ભૂતકાળમાં જઈ એ ઘટનાને બદલી શકાય. જો કંઈ બદલવું હોય તો એ છે આજની ક્ષણ. આજની ક્ષણે ભૂતકાળની ખરાબ સ્મૃતિમાં પડ્યા રહીએ તો આજની ક્ષણ વ્યર્થ થઈ ગઈ ગણાય. ભૂતકાળમાં જે-જે ઘડાયું એમાંથી માણસ પડ્યો, આખડ્યો, ઘડાયો. જુદા-જુદા ઇમોશન્સ સાથે જીવ્યો. પણ એ ઇમોશન્સનું અત્યારે શું છે? ભૂતકાળમાં જાન્યુઆરી મહિનાની ૨૬મી તારીખે જો તમે રડ્યા હોય તો એ યાદ કરીને આજે રડવાની કોઈ જરૂર ખરી? ભૂતકાળમાં થયેલી વ્યક્તિની વિદાયને આજે યાદ કરીને આંખો જરૂર ભરાઈ આવે, પણ શું સતત રડવાથી એ વ્યક્તિ પાછી આવી જવાની છે? ના. તમે કાળને અને કાળમાં ઘટેલી ઘટનાને બદલી જ નથી શકતા એ સત્ય સાથે જ આજની ક્ષણમાં જીવવાનું હોય છે.
શરીર પર ભીનાં કપડાં વધુ સમય ચોંટેલાં રહે તો ખંજવાળ આવવા લાગે. બસ, ભૂતકાળની સ્મૃતિનું પણ એવું જ છે. ભૂતકાળની યાદો આજની ક્ષણમાં પ્રવેશી તો કરડવાનો ભય જરૂર રહેશે. દરેક ફૂલ ખીલ્યા પછી ખરી પડે છે. ફૂલ ભગવાનને ચડ્યાં હોય તો એ પછી કરમાઈ જાય છે. ખરી પડવું, કરમાવું એ જ ફૂલની નિયતિ છે. મનુષ્ય માટે પણ અમુક દુઃખ નિર્ધારિત જ હોય છે. એ ભોગવીને આગળ વધવું જ પડે છે. લાઇફમાં મૂવઑન થવા જેવું સુખ બીજું શું હોઈ શકે? સાધુ માટે એવું કહેવાય છે કે સાધુ ચલતા ભલા. સાધુ ક્યાંય એકધારું નથી રોકાતો. અને એટલે જ સુખી હોય છે. જ્યાં આપણે રોકાઈએ છીએ ત્યાં આપણા ઇમોશન્સ જોડાવા લાગે છે. ભૂતકાળની સ્મૃતિને પણ વર્તનામાં રોકાણ કરાવવું નહીં. જો રોકાણ કરાવી દીધું તો થશે એવું કે એ સ્મૃતિ જવાનું નામ નહીં લે.
ઘરમાં મહેમાન પધારે અને અમુક મહિના સુધી જવાનું નામ લે તો અકળામણ થવી સ્વાભાવિક છે. મહેમાનને સાચવવા જતાં આપણી જિંદગીમાં કરેલા ફેરફાર આપણને ખૂંચવા લાગે છે. અને પછી મહેમાનને આડકતરી રીતે પ્રસ્થાન કરવાનો સંકેત આપવો પડે છે. ભૂતકાળમાંથી વર્તમાનમાં ચડી આવેલી સ્મૃતિને મહેમાનની જેમ બહુ પંપાળાય નહીં, પણ એને રવાના જ કરી દેવાની હોય જેથી આપણી વર્તમાન જિંદગીમાં શાંતિ જળવાઈ રહે.
આપણને વરસાદ ગમતો હોય અને ગઈ કાલે પડેલા વરસાદને આપણે આઠ દિવસ સુધી યાદ કરી વાગોળ-વાગોળ કરીએ તો એનો અર્થ એ છે કે અત્યારે જે મોસમ છે એને આપણે માણી નથી શકતા. ગમતી ક્ષણોને પણ તમે કેટલી વાગોળી શકો! એ પસાર થઈ જાય પછી આવનારી ક્ષણમાં જ જીવવાનું હોય છે.
પુસ્તકો, સિરિયલ અને ફિલ્મોમાં ફ્લૅશબૅકનો મહિમા છે, પણ એ બ્લૅક ઍન્ડ વાઇટ મેમરી સાથે માણસે સતત જીવવાનું નથી હોતું; માત્ર એમાંથી પસાર થવાનું હોય છે. યાદ રાખો, ભૂતકાળમાંથી માત્ર પસાર થવાનું હોય છે. એનો કબજો વર્તમાનમાં ન કરાવાય. પાછલી ક્ષણોને આપણે માત્ર યાદ કરી શકીએ, પણ અત્યારની ક્ષણોને જીવી શકીએ છીએ; માણી શકીએ છીએ.
ભૂતકાળમાં જે-જે ઘડાયું એમાંથી માણસ પડ્યો, આખડ્યો, ઘડાયો. જુદા-જુદા ઇમોશન્સ સાથે જીવ્યો, પણ એ ઇમોશન્સનું અત્યારે શું છે? ભૂતકાળમાં જાન્યુઆરી મહિનાની ૨૬મી તારીખે જો તમે રડ્યા હોય તો એ યાદ કરીને આજે રડવાની કોઈ જરૂર ખરી? ભૂતકાળમાં થયેલી વ્યક્તિની વિદાયને આજે યાદ કરીને આંખો જરૂર ભરાઈ આવે, પણ શું સતત રડવાથી એ વ્યક્તિ પાછી આવી જવાની છે? ના. તમે કાળને અને કાળમાં ઘટેલી ઘટનાને બદલી જ નથી શકતા એ સત્ય સાથે જ આજની ક્ષણમાં જીવવાનું હોય છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Sejal Ponda columnists