લોકોને પટાવીને અને ઉધાર પૈસા લઈને અમે રાફડા નાટક બનાવેલું

23 April, 2020 06:59 PM IST  |  Mumbai Desk | Latesh Shah

લોકોને પટાવીને અને ઉધાર પૈસા લઈને અમે રાફડા નાટક બનાવેલું

'રાફડા' નાટકમાં સુજાતા મહેતા, તીરથ વિદ્યાર્થી, ગિરેશ દેસાઇ અને તરલા જોશી.

રસિક દવેએ મને કહ્યું, ‘લતેશ, ચાલ તને ફુલ લેન્ગ્થ નાટક અપાવું.’ તે મને નાયર હૉસ્પિટલમાં લઈ ગયો. અત્યાર સુધી એકાંકીઓ કરીને ઘડાઈ ગયો હતો. પુષ્કળ અવૉર્ડ્સ-રિવૉર્ડ્સ મળી ચૂક્યા હતા. મૌલિક અને પ્રયોગાત્મક એકાંકીઓ લખવામાં મારું નામ પંકાઈ ગયું હતું. સાત કૉલેજોમાં દર વર્ષે પાંચેક વર્ષથી હું એકાંકી નાટ્યસ્પર્ધાઓ અને કૉલેજ ડેઝ માટે નાટક કરતો હતો. આમ તો એમાંથી પૈસા ભેગા થતા એટલે હું પ્રયોગાત્મક ત્રિઅંકી ફુલ લેન્ગ્થ નાટકોમાં પૈસાનો ધુમાડો કરતો હતો. આઇએનટી સંસ્થા સાથે અમારો યંગસ્ટર્સનો વાંધો પડ્યો એટલે અમે આઇએનટીની વિરુદ્ધમાં એક ગ્રુપ બનાવ્યું. દિનકર જાની આઇએનટી માટે એક નાટક કરતા હતા ‘બૅકેટ’ નામનું. પ્રદીપ મર્ચન્ટ અને મહેશ ચંપકલાલને મુખ્ય ભૂમિકામાં લીધા હતા. હું અને મહેન્દ્ર જોષી એમાં ચીફ અસિસ્ટન્ટ હતા. આખું નાટક મહિનાઓના અથાક પરિશ્રમ પછી તૈયાર થયું અને અચાનક આઇએનટીના માંધાતાઓએ ‘બૅકેટ’ નાટક બંધ કરાવી દીધું. અમારા મનને ઝટકો લાગ્યો. અમને વિકૃત રમતની બૂ આવી. અમે બધા જાનીને સપોર્ટ કરવા આઇએનટીમાંથી નીકળી ગયા. હું, દિનકર જાની, શફી ઈનામદાર, પરેશ રાવલ, મહેન્દ્ર જોષી, સમીર ખખ્ખર, હોમી વાડિયા, તીરથ વિદ્યાર્થી, પ્રદીપ મર્ચન્ટ બધાએ એકસાથે આઇએનટીને તિલાંજલિ આપી દીધી. મેં જેહાદની લીડરશિપ લીધી અને આઇએનટીની રાજરમત વિરુદ્ધ એકાંકી નાટક લખ્યું, ‘ગેલેલિઓ’ જે ખૂબ ચર્ચાના ચકડોળે ચડ્યું. એના પરથી ત્રિઅંકી નાટક લખ્યું, બહુ વખણાયું. મંત્રાલય પાસે આવેલા ભુલાભાઇ ઑડિટોરિયમમાં એક જ શો થયો. એ એકાંકીનો એક શો ભવન્સના રસ્તા પર. આઇએનટી ઇન્ટર-કૉલેજિયેટ વન ઍક્ટ ડ્રામા કૉમ્પિટિશનના દિવસે મેં પરેશ રાવલ, મહેન્દ્ર જોષી, તીરથ વિદ્યાર્થી, રસિક દવેએ પર્ફોર્મ કર્યું ત્યારે રસ્તા પર નાટક જોવા કાંતિ મડિયા,  ભાઉસાહેબ ગિરેશ દેસાઈ અને એ વખતે તેમની આર્ટિસ્ટ સુજાતા મહેતા અને દેવયાની મહેતા આવ્યાં હતાં. ત્યારથી કાંતિભાઈએ મારું નામ ‘જેહાદી’ પાડ્યું હતું. 

 મારું બીજું ત્રિઅંકી નાટક ‘આપણું તો ભાઈ એવું’ જે મેં અને હોમી વાડિયાએ પ્રોડ્યુસ કર્યું હતું. પરેશ રાવલ અને તીરથ વિદ્યાર્થીએ અનુવાદ મનોહર કાટદરેના મરાઠી નાટક ‘આપલા બૂવા અસં આહે’ પરથી કર્યો. મેં ડાયરેક્ટ કર્યું. શફી ઈનામદાર, હોમી વાડિયા અને સત્યદેવ દુબેના હિન્દી નાટકમાંથી આવેલી યક્ષા ભટ્ટ એમાં ઍક્ટિંગ કરતાં હતાં. મહેન્દ્ર જોષી લાઇટિંગ કરતા અને સાયરસ દસ્તુર પ્રોડક્શન સંભાળતા હતા. સુભાષ આશરનો સેટ હતો. જયેશ પટેલની લાઇટ્સ હતી અને ભૌતેષ વ્યાસની પ્રકાશ-રચના હતી. હજી અમે બધા અમૅચ્યોર સ્ટેજકર્મીઓ હતા. જયંત સહસ્રબુધેનું સંગીત હતું. એ વખતે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક મોટા સ્પૂલવાળા રેકૉર્ડર પર વગાડાતું હતું. અમારી પાસે માંડ નાટક પૂરું થાય એટલા જ પૈસા હતા. નાટક રજૂ કરવાનાંય ફદિયાં નહોતાં. બધાને નાઇટ (પગાર) શોદીઠ મળતા ફક્ત ૩૦ રૂપિયા. એ પણ જો હાઉસફુલ આવ્યું તો, નહીં તો  રામરામ. ગમે તેમ મારીમચડીને અહીં-ત્યાંથી ઉધાર લઈને નાટક રિલીઝ તો કર્યું અને હળવે-હળવે નાટક ઊપડ્યું. લોકોને ગમવા લાગ્યું. એમાં ડેટ્સ, મૅનેજરોને ધાકધમકી આપી, ભાઈબાપા કરી, બચુભાઈને મસ્કો લગાવીને લાવતા હતા. લોકોને નાટક ગમવા લાગ્યું હતું. એમાં એક વાર મ્યુઝિક-ડિરેક્ટર કલ્યાણજી-આણંદજી નાટક જોવા આવ્યા. તેમને  નાટક ગમી ગયું તો તેમણે સસ્તા દરે સિદ્ધપુરની જાત્રા કરાવી એટલે અમને ઈસ્ટ આફ્રિકાની ટૂર કરાવી. ૧૪૦૦ રૂપિયામાં ૬ જણ. હું, શફી ઈનામદાર, હોમી વાડિયા, યક્ષા ભટ્ટ, પર્સીસ અને સાયરસ દસ્તુર આફ્રિકા ગયાં હતાં. ટૂર બહુ સરસ ગઈ. ૧૫ દિવસ માટે ગયાં હતાં અને ત્રણ મહિનાની ટૂર કરીને વિજેતાની જેમ પાછાં આવ્યાં હતાં. એ સમયમાં ફૉરેન ટૂર એટલે બહુ મોટી ઘટના ગણાતી. મને યાદ છે કે ટૂર નક્કી થઈ પછી મેં પાસપોર્ટ બનાવવા આપ્યો હતો. અરે પપ્પા-મમ્મીને ત્યારે ખબર પડી કે મેં નાટકનું નિર્માણ કર્યું છે અને મારે આફ્રિકા જવાનું છે. પહેલી વાર વિમાનમાં બેસવાનું અને એય છેક બીજે છેડે આફ્રિકા જવાનું. મારી મા તો બિચારી રડી પડી હતી. પપ્પાએ અઠવાડિયા સુધી તો હા જ ન પાડી. મેં કલ્યાણજીભાઈ દ્વારા મારા પપ્પાને ફોન કરાવ્યો ત્યારે મામલો થાળે પડ્યો. કલ્યાણજીભાઈ કચ્છી  સમાજના પહેલા મ્યુઝિક-ડિરેક્ટર અને તેમનું એ જમાનામાં અમારા સમાજમાં મોટું નામ હતું. હું ચાંપશીભાઈ નાગડા પછી બીજો જ કલાકાર હતો. કલ્યાણજીભાઈ કચ્છી હતા. હું કચ્છી ખરો પણ વાગડિયો કચ્છી. વાગડનો પહેલો જ નાટકનો કલાકાર એટલે નાટકમાં કામ કરવું તો અઘરું હતું. હું નાટકની ટ્રોફી જીતીને, ટ્રોફી લઈને, જો ભૂલેચૂકેય ઘરે લઈ જાઉં તો બિચારી ટ્રોફીનું તો આવી જ બને અને ઉપરથી મને ચાર-પાંચ દિવસની કોરોના-કેદ થઈ જાય. ‘મુગલે આઝમ’ના અકબર બાદશાહ પૃથ્વીરાજ કપૂર જેવા મારા પપ્પા કડક હતા. એ વાત પછી મારું સંપૂર્ણ ફૅમિલી મને ઍરપોર્ટ પર મૂકવા આવ્યું હતું. આજના જમાનામાં તો ફૉરેન જવું એટલે અમદાવાદ જવા જેવું સહેલું છે. ૧૬ વર્ષનો છોકરો એકલો આવ-જા કરી શકે એટલે મેં બીજું નાટક ‘આપણું તો ભાઈ એવું’ કર્યું. ત્રીજું નાટક ‘પગલા ઘોડા’ ફક્ત ડાયરેક્ટ કર્યું. એ નાટક શફીભાઈને નહોતું ફાવતું એટલે મને પધરાવી દીધું. બંગાળના પ્રખ્યાત નાટ્યલેખક બાદલ સરકાર લિખિત નાટકનો અનુવાદ લલિત શાહે કર્યો હતો.

એ નાટક ૭ દિવસમાં મેં ડાયરેક્ટ કરીને રજૂ કર્યું હતું. એમાં નૌશિલ મહેતા મારો અસિસ્ટન્ટ ડાયરેક્ટર હતો. કલાકારો સમીર ખખ્ખર, પરેશ રાવલ, ઉસ્માન મેમણ, તીરથ વિદ્યાર્થી અને અરૂંધતી રાવ હતાં. એક અગ્રણી નૅશનલ ન્યુઝ પેપરે મારા ડાયરેક્ટ કરેલા ‘પગલા ઘોડા’ને મરાઠી અને બંગાળીમાં થયેલા ‘પગલા ઘોડા’ કરતાં સારું કહીને મને સાતમા આસમાને બેસાડી દીધો. ૭ દિવસમાં તૈયાર થયેલા ખૂબ વખણાયેલા નાટકના ૭ જ શો થયા હતા. એનાથી ફ્રસ્ટ્રેટ થઈને હું ગિરનાર ભાગી ગયો હતો. નાનપણથી મને ડુંગરા ખૂંદવાનો બહુ શોખ હતો. મનમાં કુદરતનાં રહસ્યો જાણવાનો ભારે અભરખો હતો. સાધુ-સંતો, ઓલિયા-ફકીરોને મળું અને મારાં બધાં વિસ્મયોના તેમની પાસેથી જવાબ જાણું અને ઠન ઠન ગોપાલની  જેમ ઉદાસ, હતાશ, નિરાશ થઈને પાછો આવું, એ આશાએ કે એક દિવસ તો મારા સવાલના સાચા જવાબ મળશે જ. મેં મહારાષ્ટ્ર-ગુજરાતના લગભગ બધા પહાડોમાં ભટકી લીધું હતું, પણ મારા સવાલના સંતોષકારક જવાબ મળ્યા નહોતા એટલે આપણે જ્યાં હતા ત્યાં પાછા ગોઠવાઈ જતા. 

એ દિવસોમાં જાની અને શફીભાઈ સાથે ખાતા-પીતા અને દિવસ-રાત હું રખડતો હતો ત્યારે જ જાનીએ ‘વેરોનિકા’સ રૂમ’ની વાર્તા સંભળાવી. એમાં સુજાતા મહેતાને લેવાની વાત કરી. ત્યારે સુજાતા મહેતા પ્રત્યે કૂણી લાગણીઓની કુંપળો ફૂટી રહી હતી એટલે હું તૈયાર થઈ ગયો. પપ્પાને લીધે મારું નામ નિર્માતામાં નાખી શકું નહીં. પરેશ રાવલનું  નામ પ્રોડ્યુસરમાં નાખ્યું. સુજાતા  મહેતા, તીરથ વિદ્યાર્થી, તરલા જોષી અને ચંદ્રકાન્ત ઠક્કર મુખ્ય કલાકારો તરીકે સિલેક્ટ થયાં. ઉત્તમ ગડા રૂપાંતરકાર થયા અને દિનકર જાની દિગ્દર્શક બન્યા. એ સમયમાં પપ્પાએ મને દબાણ કરી તેમની મસ્જિદ બંદરની દુકાને બેસાડવાનું શરૂ કર્યું હતું એટલે સાંજ સુધી પેપરબૅગ અને પસ્તીની દુકાન ‘રમતારામ પેપરબૅગ કંપની’માં બેસતો અને બહાનાં બનાવીને સાંજે છટકી જતો. દુકાનમાં કામ કરતા લોકોને પટાવીને, ઉધાર પૈસા લઈને ‘વેરોનિકા’સ રૂમ’ પરથી ‘રાફડા’ નાટક બનાવ્યું. નાટકનાં અને કલાકારોનાં પુષ્કળ વખાણ થયાં, પણ ટિકિટબારી પર સદંતર ફ્લૉપ થયું. સુજાતા સાથે સરસ દોસ્તી બંધાઈ. એ નાટક બાદ બીજા બધા કલાકારોની જેમ તે પણ કે.સી. કૉલેજની કૅન્ટીનમાં આવતી થઈ. ત્યાં મારી, સુજાતાની અને રસિકની ત્રિપુટી બની. ત્રણે બધે સાથે રખડવા લાગ્યાં. એક દિવસ રસિકે એક વાત કહી અને હું ચોંકી ઊઠ્યો. હું માનવા તૈયાર નહોતો. શું કહ્યું એ જાણવા થોડી ધીરજ ધરો વાચકમિત્રો. આવતા ગુરુવારે પર્દાફાશ થશે.

latesh shah columnists