નવા વર્ષે શું કરવું એનું લિસ્ટ બહુ બનાવ્યું, હવે બનાવીએ શું-શું ન કરવું એનું લિસ્ટ

07 January, 2025 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાંજે ‘મરીઝ’ની ગઝલોનું પુસ્તક એક હાથમાં રાખી ગુલાબના ઠંડા શરબતના ઘૂંટથી નશો કરી તો જોઈ

પ્રતીકાત્મક તસવીર

વર્ષનું પહેલું અઠવાડિયું ‘ન્યુ યર રેઝોલ્યુશન્સ’ને નામે આપણે લખી આપીએ છીએ. પોતાની જાત વિશેના, કુટુંબ, ધંધા-વ્યવસાય બાબતના જાતજાતના નિર્ણયો લઈએ છીએ. શું-શું કરવું એના નિર્ણયો લઈએ છીએ. પણ શું-શું ન કરવું એના પણ નિર્ણયો લઈ શકાય. બહુ બધું વિચારીને શું-શું કરવું એનું લિસ્ટ બનાવીએ છીએ એને બદલે શું-શું ન કરવું એનું લિસ્ટ કેમ ન બનાવી શકાય? લક્ષ્ય તો એ જ છે. કારણ કે સ્વાભાવિક રીતે દરેકને સુખ, સ્વાસ્થ્ય, સંપત્તિની અપેક્ષા હોય જ છે. સુંદરતા કોને નથી ગમતી? સન્માનની અપેક્ષા કોને નથી હોતી? ધાર્યું પરિણામ આવે કે ન આવે, આત્મસંતોષ તો મળે જ છે.

તો એક પ્રયોગ તરીકે કંઈક નવું કરીએ. ચાલો, આ વર્ષે શું-શું ન કરવું એનું લિસ્ટ બનાવીએ. શક્ય છે કે આપણે ન ધાર્યો હોય એવો નિખાર જિંદગીમાં આવી જાય. ઉદાહરણ તરીકે એક આખો મહિનો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નહીં કરું એવો નિર્ણય લઈએ અને પછીના મહિને સાંજે આઠ પછી મોબાઇલ નહીં વાપરું એવો નિર્ણય લઈએ. આમ દર મહિને જાતને કેળવતા જઈએ. કોઈ એક બાબત નહીં કરવાનો નિર્ણય કોઈ બીજી વધુ સારી બાબત કરવા માટે સમય આપશે, શક્તિ બચાવશે અને કદાચ પૈસા પણ બચાવશે. નકારાત્મકતા દૂર થતાં સકારાત્મકતા આપોઆપ ઊભરી આવશે. મોબાઇલનો ઉપયોગ ચાર-પાંચ કલાક ઓછો થવાથી શક્ય છે કે ટેબલ પર લાંબા સમયથી પડેલી બુકનાં પાનાં ફરવા માંડે. જે આંગળીઓ સ્ક્રીન સ્વાઇપ કરતી હતી એ આંગળીઓને પુસ્તકનાં પાનાંઓનો સ્પર્શ કદાચ ગમવા લાગે. ટીવી ન જોવાથી બચેલો સમય ઘરની વ્યક્તિઓ સાથે વાતો કરવામાં વધુ આનંદ આપશે. ક્રેડિટ કાર્ડ પર કાબૂ રાખી બચાવેલા પૈસાથી શક્ય છે કે બાલ્કનીમાં નાનકડો બગીચો બની જાય. પીત્ઝા-પાસ્તા મહિનોભર ન ખાવાથી ઘરના હાંડવાની સુગંધ ગમવા લાગશે. સૂપના વિકલ્પે રાબ શું ચીજ છે એની ખબર પડશે. એક સાંજ ક્લબમાં નહીં, પણ પત્ની સાથે પત્તાં રમી તો જુઓ. એક રવિવારે સંતાનો સાથે ટેબલ-ટેનિસ રમી તો જુઓ.

કોઈ ઢળતી સાંજે ‘મરીઝ’ની ગઝલોનું પુસ્તક એક હાથમાં રાખી ગુલાબના ઠંડા શરબતના ઘૂંટથી નશો કરી તો જોઈએ. કોઈક દિવસે કોઈક લાઇબ્રેરીમાં જાત સાથે પણ મહેફિલ માણી જોઈએ. મૂવી કે મૉલને ના પાડશો તો આર્ટ ગૅલરીના દરવાજા ખૂલી જશે. કેટલીક ‘ના’ના નિર્ણયો અણદીઠા આકાશને ઉઘાડી આપશે.

- યોગેશ શાહ

columnists gujarati mid-day exclusive