મહેન્દ્ર કપૂરના ગીતોને આપણે ધ્યાન દઈને કે કાન દઈને સાંભળ્યા જ નથી

22 November, 2020 08:44 PM IST  |  Mumbai | Rajani Mehta

મહેન્દ્ર કપૂરના ગીતોને આપણે ધ્યાન દઈને કે કાન દઈને સાંભળ્યા જ નથી

મહેન્દ્ર કપૂરના ગીતોને આપણે ધ્યાન દઈને કે કાન દઈને સાંભળ્યા જ નથી

થોડા દિવસ પહેલાં સંગીતકાર નદીમ–શ્રવણની જોડીવાળા શ્રવણ સાથે મારી વાત થઈ. મિત્ર રૂપકુમાર રાઠોડના મોટા ભાઈ શ્રવણ સાથે વર્ષોથી ઘરોબો છે. તેમની શરૂઆતની સ્ટ્રગલ અને ત્યાર બાદની સફળ સંગીત-યાત્રાનો હું સાક્ષી છું. મેં કહ્યું, ‘મારે આજે એક કન્ફેશન કરવું છે. અમારા જેવા સંગીતપ્રેમીઓએ તમને અન્યાય કર્યો છે. આ લૉકડાઉનના સમયમાં પહેલી વાર મેં તમારા સમયનું સંગીત ધ્યાનથી સાંભળ્યું. નદીમ-શ્રવણ, જતીન–લલિત, આનંદ-મિલિંદ અને બીજા સંગીતકારોનાં ગીતોની મેલડી અમે આજ સુધી ગુમાવી, કારણ કે અમે પહેલાંનાં ગીતોના જાદુમાંથી બહાર જ નહોતા આવ્યા. લૉકડાઉનમાં જે ભરપૂર સમય મળ્યો એમાં તમારાં ગીતોએ એક અલગ માહોલ ઊભો કર્યો, એ બદલ તમારો આભાર માનું છું.’
ખેલદિલીથી હસતાં-હસતાં જવાબ આપતાં તેઓ કહે છે, ‘રજનીભાઈ, એમાં તમારો વાંક જ નથી. એ ગીતોની મોહિની જ એવી છે કે એમાંથી છૂટવું શક્ય જ નથી. અમે પણ એ સંગીતના કાયલ છીએ. એવું સંગીત બીજી વાર કોઈ આપી જ ન શકે. તેમની સરખામણી કોઈ સાથે થઈ ન શકે. તમારા જેવા જાણકાર વ્યક્તિએ નિખાલસતાથી આવી કબૂલાત કરીને અમારા સંગીતની સરાહના કરી એને હું મારું અહોભાગ્ય ગણું છું.’
જાણ્યે-અજાણ્યે આપણે આવી જ ભૂલ મહેન્દ્ર કપૂર સાથે કરી હોય એવું લાગે છે. ધ્યાન દઈને, કાન દઈને આપણે તેમનાં ગીતો સાંભળ્યાં નથી એમ કહું તો એ વાત સત્યની ઘણી નજીક કહેવાશે. ફિલ્મસંગીતના સુવર્ણ યુગના અનેક સંગીતકારો સાથે તેમણે રેકૉર્ડ કરેલાં ગીતોની યાદી ભલે બહુ લાંબી ન હોય, પરંતુ નજરઅંદાજ કરવા જેવી નથી. તેમની સાથેની મારી મુલાકાતોમાં તેમણે આ સંગીતકારો સાથેની મજેદાર વાતો કરી હતી. તેમાંના એક શંકર-જયકિશનને યાદ કરતાં તેઓ કહે છે...
‘શંકર–જયકિશનનાં ગીતો મને ખૂબ ગમતાં. તેમની કામ કરવાની સ્ટાઇલ અલગ હતી. મોટા ભાગે જયકિશનજી હસરત જયપુરી સાથે કામ કરતા અને શંકરજીનું શૈલેન્દ્ર સાથે સારું ટ્યુનિંગ હતું. આમ કરવાનું કારણ એટલું જ કે કામ વહેંચાઈ જાય અને ઝડપી થાય. હસરત જયપુરી શબ્દોના ઉચ્ચારણ બાબત બહુ જ પર્ટિક્યુલર હતા. ફિલ્મ ‘હરિયાલી ઔર રાસ્તા’નું એક ગીત છે ‘ખો ગયા હૈ મેરા પ્યાર, ઢૂંઢતા હૂં મૈં મેરા પ્યાર’. આ ગીતના રિહર્સલ વખતે જયકિશન મને ‘ઢૂંઢતા’ શબ્દને જે રીતે ગાઈને સમજાવતા એ જોઈને હું હસરત જયપુરી સામે જોઉં. મને એમ કે તેઓ સાચો ઉચ્ચાર સમજાવશે, પણ તેઓ તો ચૂપ જ બેઠા હતા.’
‘આમ જ અમારું રિહર્સલ ચાલતું રહ્યું. થોડી વાર પછી જયકિશન કોઈક કામ માટે બહાર ગયા. મેં હસરતને પૂછ્યું કે તમે કેમ કાંઈ બોલતા નથી. જો હું આ રીતે ‘ઢૂંઢતા હૂં’ ગાઈશ તો લોકો મને બદનામ કરશે કે સિંગરને એટલી ખબર નથી કે સાચો ઉચ્ચાર શું છે? તો તેઓ બોલ્યા, ‘પઠ્ઠે, જૈસે બોલતા હૈ વૈસે હી ગા. ફિર ભી એક બાર ઉસે પૂછ તો લે.’ જયકિશન આવ્યા એટલે મેં પૂછ્યું કે આ બરાબર છે કે એમાં કોઈ ફેરફાર કરવો છે?’ તો જવાબ મળ્યો, ‘યાર, ઐસા હૈ કિ યે કિરદાર હૈ વો અનપઢ નાવ ચલાનેવાલા હૈ. વો કહાં સહી તરીકે સે ગાયેગા. તો યહી ચલતે રહેને દો. ક્યોં હસરત, સહી હૈ ના?’ તેમણે પણ હામાં હા ભેળવી અને આમ જ આ ગીત રેકૉર્ડ થયું.’
‘કભી કભી લોગ ગલત બાતેં ફૈલાતે હૈં. પતા નહીં મીડિયા મેં ઐસી બાત ક્યોં આઇ થી કિ ‘યે મેરા પ્રેમપત્ર પઢ કર કે તુમ નારાઝ ના હોના’ પહેલે મૈં ગાનેવાલા થા, બાદ મેં રફીસા’બને ગાયા. એ લોકોએ એમ લખ્યું, ‘યે મહેન્દ્ર કપૂર કે સાથ અન્યાય હુઆ.’ આવી કોઈ વાત જ નથી. આ ગીત રફીસા’બ જ ગાવાના હતા. સંગમમાં ‘હર દિલ જો પ્યાર કરેગા, વો ગાના ગાએગા’ મેં ગાયું એટલે લોકોને લાગ્યું હશે કે બીજું ગીત પણ મારા અવાજમાં રેકૉર્ડ થશે. સંગીતકારનો એ અધિકાર છે કે કયું ગીત કોની સાથે, કેવી રીતે રેકૉર્ડ કરવું. ફિલ્મ ‘આદમી’માં એક ગીત છે ‘ના આદમી કા કોઈ ભરોસા, ના દોસ્તી કા કોઈ ઠિકાના.’ નૌશાદસા’બ મને કહે, આની પહેલાંની ટ્યુન મને ગમતી નહોતી એટલે એ ગીત ફરીથી રેકૉર્ડ કર્યું, જે અત્યારે આપણે સાંભળીએ છીએ.’
મહેન્દ્ર કપૂરની આ વાત સાંભળીને ફિલ્મ ‘આદમી’નું એક ગીત ‘કૈસી હસીન આજ બહારોં કી રાત હૈ, એક ચાંદ આસમાં પે હૈ એક મેરે સાથ હૈ’ યાદ આવે છે . દિલીપકુમાર અને મનોજકુમાર પર પિક્ચરાઇઝ થનારું આ ગીત મોહમ્મદ રફી અને તલત મેહમૂદના સ્વરમાં રેકૉર્ડ થયું હતું. એ દિવસો હતા જ્યારે મનોજકુમારનો સૂરજ મધ્યાહ્‍ને હતો અને સંગીતકાર નૌશાદની કારકિર્દીનો સૂરજ ઢળતો હતો. મનોજકુમાર અને ડિસ્ટ્રિબ્યુટર્સનો આગ્રહ હતો કે મનોજકુમારને રેગ્યુલર પ્લેબૅક આપતા મહેન્દ્ર કપૂર આ ગીતમાં મોહમ્મદ રફી સાથે ગાય. સમય અને સંજોગ જોઈને કમને નૌશાદે આ વાત માનવી પડી. આમ મોહમ્મદ રફી અને મહેન્દ્ર કપૂરના સ્વરમાં ફરી વાર આ ગીત રેકૉર્ડ કરવું પડ્યું. કહેવાય છે કે ‘સમય બડા બલવાન હૈ, નહીં મનુજ બલવાન’. આ વાતનો રંજ નૌશાદ કરતાં તલત મેહમૂદને વધુ હતો (આ બન્ને ગીત યુટ્યુબ પર સાંભળીને તમે નક્કી કરી લેજો કે શેમાં વધુ મજા આવી).
ઓ. પી. નૈયરના સંગીતમાં મહેન્દ્ર કપૂરની એન્ટ્રી ‘બાય ડિફૉલ્ટ’ થઈ એ વાત ગયા રવિવારે તમારી સાથે શૅર કરી. થોડા સંગીતપ્રેમીઓને એની પાછળની પૂર્વભૂમિકા જાણવામાં રસ હતો એટલે એ કિસ્સો ટૂંકમાં પ્રસ્તુત કરું છું. કોઈ પણ ફીલ્ડમાં કૉમ્પિટિશન અને એને કારણે ઉત્પન્ન થતી માનવસહજ ઈર્ષ્યા સામાન્ય છે. એ દિવસોમાં શંકર-જયકિશન અને ઓ. પી. નૈયર વચ્ચે નંબર-વન કોણ એની સ્પર્ધા ચાલતી. જે દિવસે ઓ. પી. નય્યરનું રેકૉર્ડિંગ હતું એની આગલી રાતે મોહમ્મદ રફીને મેસેજ આવ્યો કે કાલે શંકર-જયકિશનના એક ગીતનું પૅચવર્ક કરવા તમે સ્ટુડિયો પર આવો તો સારું. રફીસા’બે જવાબ આપ્યો કે કાલે મારે નૈયરના ગીત માટે જવાનું છે. ત્યાં મારે સમયસર જવું પડશે એટલે હું ન આવી શકું. પ્રોડ્યુસરે વિનંતી કરી કે કેવળ ૧૫ મિનિટનું કામ છે. તમે વહેલા આવી શકો તો કામ પતાવીને સમયસર બીજા રેકૉર્ડિંગમાં પહોંચી જવાશે. આ સાંભળી રફીસા’બે હા પાડી.
બન્યું એવું કે શંકર–જયકિશનના રેકૉર્ડિંગમાં ૧૫ મિનિટને બદલે વધુ સમય લાગ્યો. રફીસા’બ તેમના સ્વભાવ મુજબ કાંઈ કહી ન શકે. છેવટે એ કામ પતાવીને જ્યારે નૈયરના રેકૉર્ડિંગમાં પહોંચ્યા ત્યારે મોડું થઈ ગયું હતું. સમયની બાબતમાં ભલભલા સાથે બાંધછોડ ન કરનાર ઓ. પી. નૈયરે એ દિવસે રેકૉર્ડિંગ કૅન્સલ કરીને મહેન્દ્ર કપૂર પાસે ગીત રેકૉર્ડ કરાવ્યું. આ આખી ઘટનામાં મોહમ્મદ રફીનો કોઈ વાંક નહોતો. ‘પાડાને વાંકે પખાલીને ડામ’ જેવી આ વાત હતી. એ દિવસોમાં એવી અફવા ઊડી હતી કે શંકર–જયકિશને જાણીજોઈને રફીસા’બને રોકી રાખ્યા હતા, જેથી ઓ. પી. નૈયરનું શિડ્યુલ ખોરવાઈ જાય. બીજું, શંકર-જયકિશનની ફિલ્મ ‘લવ મૅરેજ’નું ગીત ‘ટીન કનસ્તર પીટ પીટ કર ગલા ફાડ કર ચિલ્લાના, યાર મેરે મત બુરા માન યે ગાના હૈ ના બજાના હૈ’ ખાસ ઓ. પી. નૈયરની સંગીત-સ્ટાઇલને વખોડવા માટે લખવામાં આવ્યું હતું. અંગત રીતે હું આ વાત માનતો નથી. એ દિવસોમાં હરીફો વચ્ચે ભલે સ્પર્ધા હતી, પરંતુ એકમેક માટે સન્માન પણ એટલું જ હતું. ઓ. પી. નૈયર આ સંદર્ભમાં મને કહે છે, ‘એક દિન મુઝે (સંગીતકાર) શંકર કા ફોન આયા. બોલે, ‘નૈયરસા’બ ‘ફિર વોહી દિલ લાયા હૂં’ કે ગાને સૂનકર દિલ ખુશ હો ગયા. ક્યા લાજવાબ કમ્પોઝિશન્સ કિયા હૈ. કાશ યે ગાને હમને બનાએ હોતે.’ હમારે બીચ કૉમ્પિટિશન થી તો બસ ઇસ કી કૌન બઢિયા ગાને બનાતા હૈ. શંકર-જયકિશનને ભી એક સે એક લાજવાબ ગાને બનાએ થે ઉસમેં કોઈ શક નહીં.’
હિન્દી ફિલ્મસંગીતમાં અનેક કિસ્સા છે જ્યાં દિગ્ગજ સંગીતકારોએ એકમેકના કામને દાદ આપી છે. એકમેકના રેકૉર્ડિંગમાં સલાહ-સૂચનો આપ્યાં છે, એકમેકનાં રેકૉર્ડિંગમાં એક મ્યુઝિશ્યન્સની હેસિયતથી કામ કર્યું છે એ પણ કોઈ જાતની ક્રેડિટ લીધા વિના. એ કિસ્સા ફરી કોઈ વાર. અત્યારે મહેન્દ્ર કપૂરના ઓ. પી. નૈયર સાથેનાં સંસ્મરણો તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે...
ઓ. પી. નૈયર શબ્દોના ‘થ્રો’ પર ખૂબ જ ધ્યાન આપતા. તેઓ કહેતા કે રિધમ અને શબ્દોના ‘થ્રો’નું કૉમ્બિનેશન બરાબર હોય તો જ એની અસર થાય. એ ઉપરાંત ‘એક્સપ્રેશન’ માટે તેઓ ચોક્કસ હતા. ‘ઓ તેરા ક્યા કહેના’માં જે રીતે ‘ઓ’ બોલાય છે એની જ ઇમ્પૅક્ટ પડે છે. તેમની સાથે મારું પહેલું ગીત રેકૉર્ડ થયું એ હતું ‘મેરા પ્યાર વો હૈ કિ મર કર ભી તુમકો જુદા અપની બાહોં સે હોને ન દેગા’ (યે રાત ફિર ન આયેગી) રેકૉર્ડિંગ બાદ તેઓ ખૂબ ખુશ હતા. મને યાદ છે ‘લાખોં હૈ યહાં દિલવાલે, ઔર પ્યાર નહીં મિલતા, આંખોં મેં કિસી કી વફા કા ઇકરાર નહીં મિલતા’ (કિસ્મત)નું રેકૉર્ડિંગ પૂરું થયું ત્યારે બધાની વચ્ચે મને ભેટી પડ્યા અને મારી પીઠ થપથપાવીને કહે, ‘વાહ મહિન્દર, તુને કમાલ કર દિયા.’
‘તેઓ ઝિંદાદિલ અને કદરદાન સંગીતકાર હતા. રેકૉર્ડિંગમાં કોઈ મ્યુઝિશ્યન પર ખુશ થઈ જાય તો પોતાનું નોટો ભરેલું પાકીટ આપી દે (મને વિખ્યાત મ્યુઝિશ્યન કેરસી લૉર્ડ સાથેની મારી મુલાકાત યાદ આવે છે. તેમણે એક કિસ્સો શૅર કરતાં કહ્યું હતું, ‘નૈયરસા’બ, એકદમ સ્ટાઇલિશ હતા. તેમને નવી-નવી ઘડિયાળ પહેરવાનો શોખ હતો. એક દિવસ તેમના હાથ પરની ઘડિયાળ જોઈને મેં કહ્યું, ‘આપકી ઘડી બહુત અચ્છી હૈ. કિધર સે લી.’ તો તરત હાથમાંથી કાઢીને મને કહે, ‘તો ફિર યે તેરી હૈ.’ મેં કહ્યું કે હું તો વખાણ કરતો હતો, પરંતુ તેઓ માને જ નહીં. મને પરાણે હાથમાં એ ઘડિયાળ પહેરાવી દીધી). તેઓ વધારે રીટેક ન કરાવે. ઘણી વાર તો પહેલા જ ટેકમાં ગીત ઓકે થઈ જાય. તેઓ કહેતા કે ‘જો ફ્રેશનેસ પહેલે ટેક મેં હોતી હૈ વૈસી બાદ મેં નહીં હોતી.’
મને અમેરિકાનો એક શો યાદ આવે છે. હું જ્યારે ગાતો હોઉં ત્યારે એક માણસ સ્ટેજ આગળ આવવાનો પ્રયત્ન કરે, પરંતુ સિક્યૉરિટીવાળા તેને પાછો ધકેલી દે. લગભગ બે કલાક આમ ચાલ્યું. હું જોયા કરું. મને લાગ્યું કે તે મને કંઈક કહેવા માગે છે એટલે મેં અનાઉન્સ કર્યું કે પ્લીઝ આ જેન્ટલમૅનને મારી પાસે આવવા દો. તે પાસે આવ્યો અને મને કહે, બેટા, બસ મને એક ગીત સંભળાવી દે. ‘બદલ જાએ અગર માલી, ચમન હોતા નહીં ખાલી, બહારેં ફિર ભી આતી હૈ, બહારેં ફિર ભી આયેગી’ હું આ ગીત સાંભળવા તરસું છું. પ્રૉમિસ આપું છું કે એના પછી હું કોઈને હેરાન નહીં કરું.’ મારું એ ગીત સાંભળી તેઓ ભાવવિભોર થઈ ગયા. તેમની આંખોમાં છુપાયેલી નિરાશા અને આશાની ચમક હું જોઈ શકતો હતો. આ ગીતના શબ્દો અને મેલડી અદ્ભુત છે.’
‘કલ્યાણજી-આણંદજી સાથે કામ કરવાની ખૂબ મજા આવતી. તેમની સાથે હસતાં-રમતાં કામ કરતાં સમય ક્યાં વીતી જાય એની ખબર જ ન પડે. દરેકને હસાવે. પ્રોડ્યુસર, ડિરેક્ટર, સિંગર, મ્યુઝિશ્યન્સ, કોઈ પણ હોય, તેમની મજાક-મસ્તી ચાલતી જ રહે. તેમની હ્યુમરની તો એક આખી મોટી બુક નીકળી શકે. ‘ઉપકાર’નું ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરા મોતી’ ખૂબ જ લોકપ્રિય થયું. એક દિવસ મેં તેમને ઘરે જમવા માટે બોલાવ્યા. મારા પરિવાર સાથે ઓળખાણ કરાવી. તરત બન્ને ભાઈ કચ્છીમાં વાત કરવા લાગ્યા. થોડી ક્ષણો બાદ કલ્યાણજીભાઈએ મારી પત્નીને કહ્યું, ‘ભાભી, કલ હમને આપ કે લિયે એક સાડી ભેજી થી, વો મિલ ગઈ?’ હું વિચાર કરું કે કઈ સાડીની વાત કરે છે એટલામાં તેઓ બોલ્યા, ‘કલ મહિન્દર કે હાથ એક સાડી ભેજી થી. લગતા હૈ આપકો નહીં મિલી હૈ.’ મારાં વાઇફ સમજી ગયાં. ‘હા, હા, મિલ ગઈ. યે જો ફૂટ ડાલને કી કોશિશ કર રહે હો ના, યે પંજાબીયોં કે ઘર નહીં ચલેગી.’
‘તેમના સીટિંગરૂમ પર બેઠા હોઈએ ત્યારે અનેક લોકો મળવા આવે. એક દિવસ એક ભાઈ પ્લેબૅક સિંગર બનવાનું સપનું લઈને આવ્યા. તેમની એક ખાસિયત હતી, કોઈને સીધેસીધી ના ન પાડે. મને કહે, મહિન્દર, યે અચ્છા ગાતા હૈ, ઉસકો થોડા શિખાઓ. ઔર હાં, ઉનકે પાસ ફીઝ મત લેના.’ આમ કહીને વાતને ટાળી દે. તેમના મ્યુઝિકરૂમમાં દિલીપકુમાર, અમિતાભ બચ્ચન અને બીજા અનેક કલાકારો આવે. દરેક સાથે તેમનો આવો જ મજાક-મસ્તીનો દોર ચાલતો હોય.

rajani mehta columnists weekend guide