એન્ટરટેઇન્મેન્ટની અનલિમિટેડ મજા વેબ-સિરીઝ

25 September, 2020 12:06 PM IST  |  Mumbai | Bhakti Desai

એન્ટરટેઇન્મેન્ટની અનલિમિટેડ મજા વેબ-સિરીઝ

એવું તો શું છે આ વેબ-સિરીઝમાં જે તેમને કલાકો સુધી જકડી રાખે છે

આજનો યુવા વર્ગ બે કલાક સળંગ સિરિયલો કે ફિલ્મ જોવા એકધારો બેસી નથી શકતો, પણ વેબ-સિરીઝની આખી સીઝન એક જ બેઠકમાં જોઈ લે છે. આવો જાણીએ યંગસ્ટર્સ પાસેથી એવું તો શું છે આ વેબ-સિરીઝમાં જે તેમને કલાકો સુધી જકડી રાખે છે...

છેલ્લા અમુક સમયથી ૧૮થી ૨૫ વર્ષના વયજૂથમાં વેબ-સિરીઝ જોવાની આદત ખૂબ વધારે પ્રમાણમાં જોવામાં આવી રહી છે. આખા વિશ્વમાં યુવાનિયાઓ વેબ-સિરીઝ જોવાના આદી થઈ ગયા છે. લૉકડાઉન બાદ તો માત્ર યુવાનો જ નહીં, મિડલ-એજ અને મોટી વયના લોકોમાં પણ વેબ-સિરીઝ એક ટાઇમપાસનું ઉત્તમ માધ્યમ બની ગયું છે. ઓવર-ધ-ટૉપ મીડિયા સર્વિસિસ (OTT) પ્લૅટફૉર્મનો કદી ન થયો હોય એટલો ગ્રોથ આ દિવસોમાં થયો છે અને હવે કોઈ પણ દેશના શો અને સિરીઝ જોવાનું સરળ થઈ ગયું છે.
જમાનો કોઈ પણ હોય, યુવાનિયાઓ એવા માહોલની શોધમાં હોય છે જ્યાં તેઓ પર કોઈ બંધન લાદવામાં ન આવતું હોય અને આમાં વાતચીતની ઢબનું પણ ખૂબ મહત્ત્વ છે; કારણ કે તેઓ પોતાના મિત્રવર્તુળમાં જુદી જ રીતે સંવાદ સાધતા હોય છે. યુવા વર્ગની આ માનસિકતા તેમના મનોરંજનના માધ્યમની પસંદગી એટલે કે વેબ-સિરીઝ પરથી પણ તારવી શકાય છે.
આજના યુવાઓની વેબ-સિરીઝ જોવાની જે રીત છે એના માટે અંગ્રેજી શબ્દ બિન્જ-વૉચ પણ વપરાય છે. મતલબ કે યુવાનો દિવસના લગભગ ત્રણ-ચાર-પાંચ કલાકો સળંગ ડિજિટલ સ્ટ્રીમિંગના માધ્યમથી કોઈ પણ સિરીઝના દરેક ભાગને લાગલગાટ જોયા જ કરે છે. આજની ફાસ્ટ લાઇફ સાથે કદમથી કદમ મેળવીને ચાલનારા યુવાઓ ટીવી-સિરિયલો કે ઇવન ફિલ્મો કરતાં પણ વધુ વેબ-સિરીઝ જોવાનું પસંદ કરે છે. શા માટે યુવાનો વધુ ગતિવાળા મનોરંજન તરીકે નવીનવેલી વેબ-સિરીઝ પર પસંદગીનો કળશ ઢોળે છે? એવી કઈ બાબતો છે જેને કારણે એન્ટરટેઇન્મેન્ટ માટે યંગસ્ટર્સ વેબ-સિરીઝને જ પસંદ કરી રહ્યા છે એ જાણીએ આજની યંગ પેઢી પાસેથી.

વેબ-સિરીઝની ભાષા, શબ્દો, પાત્રોનો વાર્તાલાપ બધું અમારી જિંદગી જેવું જ હોય છે : સલોની દેસાઈ
ડૉ. ભાનુબેન નાણાવટી કૉલેજમાં બી. ફાર્મ.ના છેલ્લા વર્ષમાં ભણતી સલોની દેસાઈ કહે છે, ‘મને ટેલિવિઝન પર કોઈ સિરિયલ જોવા કરતાં વેબ-સિરીઝ જોવી વધારે ગમે છે. આનું કારણ છે કે આમાં એક જ સિરીઝના એકસાથે બધા જ ભાગ જોઈ શકાય છે. આમાં તેઓ જે માહોલ બતાવે છે એને જોઈને એવું લાગે છે કે આ બધું આપણી આસપાસ થઈ રહ્યું છે અને એની ભાષા, શબ્દો, એનાં પાત્રોનો એકબીજા સાથેનો વાર્તાલાપ આ બધું અમારી જિંદગી જેવું જ હોય છે. એવું જણાય છે કે જાણે અમે અમારા મિત્રવર્તુળમાં બેઠાં છીએ અને વાત કરીએ છીએ. મારી રુચિ સાયન્સ, મેડિકલ, રોમૅન્ટિક, થ્રિલર અને હૉરર પ્રકારની વેબ-સિરીઝમાં છે. એવું નથી કે વેબ-સિરીઝ ફક્ત સમય પસાર કરવાનું જ એક માધ્યમ છે, પણ એમાંથી ઘણુંબધું શીખી શકાય છે. ઉદાહરણ માટે મને બાયોલૉજીમાં ખૂબ રસ છે અને મારે મેડિકલ સાયન્સમાં જવું હતું, જે ન થઈ શક્યું તેથી હું ગ્રે’ઝ ઍનૅટમી (Grey’s Anatomy) અમેરિકન મેડિકલ ડ્રામા હાલમાં જોઈ રહી છું. આમાં સર્જરી દેખાડી છે. આ સિરીઝના ઘણા એપિસોડ્સના કેન્દ્રમાં ડૉક્ટરની વ્યાવસાયિક અને નિજી દૈનિક જિંદગી દર્શાવી છે. વેબ-સિરીઝમાં ઘણા પ્રકાર છે અને આનું વિશ્વ ખૂબ મોટું છે. પોતાની પસંદ અને સમયની અનુકૂળતા પ્રમાણે જોવા માટે આ એક ઉત્તમ મનોરંજનનું સાધન છે.’

કોઈ પણ વિચિત્ર વિષય પણ વેબ-સિરીઝમાં ખૂબ જ રસપ્રદ બની રહે છે : રાજ પટેલ
બોરીવલીમાં રહેતા રાજ પટેલ બોરીવલીની એક ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ટીરિયર ડિઝાઇનિંગના બીજા વર્ષમાં છે. તેઓ વેબ-સિરીઝની વિશેષતાઓ સમજાવતાં કહે છે, ‘કોઈ પણ ફિલ્મની તુલનામાં વેબ-સિરીઝ તેના દર્શકોને પકડી રાખે છે, કારણ કે વેબ-સિરીઝમાં જે કન્ટિન્યુઇટી એટલે કે અખંડતા મળે છે એ ફિલ્મોમાં નથી મળતી. હાલના યુવા વર્ગની પસંદ સિરીઝ પર ઊતરી રહી છે, કારણ કે ફિલ્મ તમે બે વારથી વધારે ન જોઈ શકો, પણ વેબ-સિરીઝની વિવિધ સીઝનના અનેક એપિસોડ્સ એક જ દિવસમાં રિલીઝ થઈ જાય છે તેથી દરેક એપિસોડમાં નવું જોવાની ઉત્સુકતા બની રહે છે. સૌથી મોટો ફાયદો એ છે કે ટીવીમાં એપિસોડ્સ વચ્ચે ખૂબ રાહ જોવી પડે છે, જ્યારે અહીં બધું જ એક દિવસે જોવા મળી જાય છે. હવેનો જમાનો ખૂબ ફાસ્ટ છે તેથી રાહ જોવાની અમને આદત જ નથી. કોઈ પણ વિચિત્ર કે અદ્ભુત વિષય પણ જો વેબ-સિરીઝમાં લેવામાં આવે છે તો પણ એ ખૂબ જ રસપ્રદ બની રહે છે. જેમ કે જર્મન વેબ-સિરીઝ ‘ધ ડાર્ક’. આમાં જે દર્શાવ્યું છે એ વાસ્તવમાં અશક્ય છે, પણ એને રજૂ કરવાની તેમની કળાથી આ સિરીઝ આટલી પ્રખ્યાત થઈ છે એવું મને લાગે છે. વેબ-સિરીઝમાં શોનું નામ એક જ હોય છે અને એના એપિસોડનાં વિવિધ નામ હોય છે. અમે લોકો વિદેશી ભાષા અને અંગ્રેજીમાં પણ જોઈએ છીએ અને અમારા ઘરના મોટા સભ્યો હિન્દીમાં જુએ છે. સાચું કહીએ તો આનાથી કલ્પનાશક્તિનો વિકાસ થાય છે.’


વેબ-સિરીઝ એટલે ગુણવત્તાવાળી કૉન્ટેન્ટથી ભરપૂર મનોરંજન : પૂજા પટેલ
મીઠીબાઈ કૉલેજમાં એસવાયજેસી, કૉમર્સમાં ભણતી બોરીવલીની પૂજા પટેલ કહે છે, ‘વેબ-સિરીઝ એટલે ગુણવત્તાવાળી કૉન્ટેન્ટથી ભરપૂર મનોરંજન. તેઓ એક જ દિવસમાં બધા એપિસોડ્સ રિલીઝ કરે છે, જે જોવાની મજા બની રહે છે અને બીજા એપિસોડની કલાકો સુધી રાહ નથી જોવી પડતી. આમાં સૌથી મોટો ફાયદો છે કે ટીવી-સિરિયલની જેમ કોઈ એક નક્કી કરેલો સમય નથી. મને દિવસે સમય નથી હોતો તો હું મારી અનુકૂળતાએ રાત્રે મારા ફ્રેન્ડ્સ સાથે આખી રાત બેસીને આની મજા માણી શકું છું. વેબ-સિરીઝમાં એક સરપ્રાઇઝ અને સસ્પેન્સ એલિમેન્ટ પણ હોય છે, જે મેં હમણાં જ ‘ધ ડાર્ક’ સિરીઝમાં જોયું. વેબ-સિરીઝ બનાવનારાઓ દર્શકની માનસિકતાને બખૂબી જાણે છે તેથી દર્શકની આશા પ્રમાણેનું મનોરંજન મળી રહે છે અને એમાં એકાકાર થઈ જવાય છે. અમુક સિરીઝ દ્વારા જે દેશની વેબ-સિરીઝ હોય છે એ દેશમાં રહેતા ૧૮ વર્ષથી નીચેની ઉંમરના વિદ્યાર્થીઓને પોતાની આજીવિકા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે એ પણ સમજાય છે. તેમની સમસ્યા, તેઓ કેટલા આત્મનિર્ભર છે એનું પણ જ્ઞાન મળે છે. આ મનોરંજનના માધ્યમથી વૈશ્વિક સ્તરે કેવી પરિસ્થિતિ છે એનાથી પણ આપણે અવગત થઈ શકીએ છીએ.’
પહેલાંના લોકોની જેમ એક એપિસોડના અઠવાડિયા પછી બીજો એપિસોડ જોવાની ધીરજ આજના યુવાઓમાં નથી. હવે તો ટીવી-સિરિયલ્સ પણ દરરોજ આવવા લાગી છે છતાં સિરિયલના બે ભાગમાં ચોવીસ કલાકનો પ્રતીક્ષા સમય પણ ખૂબ લાંબો જણાય છે. તેથી માત્ર આ યુવાનિયાઓ જ નહીં, પણ તેમનાં માતા-પિતા સુધ્ધાં હવે વેબ-સિરીઝને પસંદ કરતાં થઈ ગયાં છે. આગળના એપિસોડમાં શું હશે એ ઝડપથી અને વિનાવિલંબ જાણવાની દર્શકની જિજ્ઞાસાની પૂર્તિ કરવા આગળ જતાં વેબ-સિરીઝ દરેક વયજૂથ માટે એક ઉત્તમ મનોરંજનનું સાધન બની રહેશે એવું પ્રતીત થઈ રહ્યું છે.

બે કલાકની ફિલ્મ કરતાં વેબ-સિરીઝમાં ઘણુંબધું જોવા મળે છે : હિરલ પાંધી

બોરીવલીમાં રહેતી ફૅશન-ડિઝાઇનિંગની વિદ્યાર્થિની અને પોતાની ક્લોધિંગ બ્રૅન્ડ ધરાવનાર હિરલ પાંધી અહીં કહે છે, ‘ટીવી-સિરિયલમાં એપિસોડ્સ ઘણા ધીમે ચાલે છે અને આપણે એમાં મશગૂલ નથી થઈ શકતા, જ્યારે વેબ-સિરીઝના બધા એપિસોડ્સ પતે નહીં ત્યાં સુધી એને બંધ કરવાનું મન નથી થતું. બે કલાકની ફિલ્મ કરતાં બેથી અઢી કલાકમાં વેબ-સિરીઝમાં ઘણુંબધું જોવા મળે છે. લૉકડાઉનમાં તો મેં વધુમાં વધુ સમય વેબ-સિરીઝ જોવામાં જ પસાર કર્યો છે. ઘણીબધી સિરીઝ આ દરમ્યાન જોઈ લીધી અને એની મજા પણ ખૂબ આવી. હવે કામ કરતી વખતે જોયેલી સિરીઝના અમુક ગમતા એપિસોડ્સ હું જોઉં છું. ૧૯૯૦માં રિલીઝ થયેલી ‘ફ્રેન્ડ્સ’ જોવાની મને આજે પણ મજા આવે છે. મેં એ પંદર વાર જોઈ છે. મને કૉમેડી, રોમૅન્ટિક અને હૅપી એન્ડિંગવાળી જ સિરીઝ ગમે છે. અમેરિકન ટીન ડ્રામા ગૉસિપ ગર્લ, કૉમેડી વેબ-સિરીઝ ફ્રેન્ડ્સ ફ્રૉમ કૉલેજ અને ગર્લ બૉસ પણ મને ખૂબ ગમે છે. આમાં ઘણુંબધું જાણવા જેવું પણ મળી રહે છે. કયા દેશમાં શું ચાલે છે, ત્યાંની સામાજિક પરિસ્થિતિ, વિચારો, સંસ્કૃતિ, પહેરવેશ આ બધું સિરીઝમાં ક્યાંક ને ક્યાંક સમજાતું હોય છે. આ મનોરંજન છે, પણ વિવિધતાથી સભર છે.’

bhakti desai columnists