19 June, 2026 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
આજનો દિવસ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી દુનિયામાં પ્રવર્તી રહેલી એક ભયંકર પરિસ્થિતિનો અંત લાવનાર વિશિષ્ટ દિવસ બનશે? પાંચ દિવસ પહેલાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામના કરાર પર સ્વિટ્ઝરલૅન્ડમાં આજે સહીસિક્કા થવાની વાત છે, પરંતુ અમેરિકી પ્રમુખની ફિતરતથી પરિચિત તમામ વ્યક્તિઓના દિમાગમાં આ સવાલો મહાકાય પહાડો જેવા બનીને ઝળૂંબી રહ્યા છે. આટલા વિરાટ, આટલા શક્તિશાળી અને આવી જીવંત લોકશાહીના પ્રમુખપદે રહેલી કોઈ વ્યક્તિ પોતાના વાણી, વર્તન અને વ્યવહારમાં કેટલી બેફામ અને બેજવાબદાર બની શકે એનું જીવતું-જાગતું ઉદાહરણ આ માણસે પૂરું પાડ્યું છે. એટલે જ દુનિયા આજે અધ્ધરજીવે પશ્ચિમ એશિયામાં ૩ મહિનાથી પણ વધુ સમયથી સળગી રહેલી પરિસ્થિતિ પર ગઈ કાલે સવારે જ પૂર્ણવિરામ મુકાયું. બન્ને દેશો વચ્ચે ગઈ કાલે વહેલી સવારે પીસ ડીલ સાઇન થઈ છે ત્યારે યુદ્ધના દિવસો પર એક વળતી નજર કરીએ.
આટલા બધા દિવસો સુધી ચાલેલા આ યુદ્ધે વાતાવરણમાં ઝોંકેલા વિસ્ફોટકોએ ફેલાવેલા ઝેરી ધુમાડાના ગોટેગોટા જ્યારે-જ્યારે જોતી ત્યારે ત્યાં વસતા માનવીઓની લાચારી મનને વિહ્વળ બનાવી દેતી. ધ્વસ્ત થતી ઇમારતો કે ભડભડ બળતા તેલજથ્થાઓ - કોઈ પણ વિચારશીલ માનવીને અસ્વસ્થ બનાવી મૂકે એવાં એ દૃશ્યો જોઈને મને અચૂક એક વિચાર આવતો કે આ બધો વ્યય અને નુકસાન શું માત્ર યુદ્ધમાં સંડોવાયેલા દેશો પૂરતાં સીમિત રહેવાનાં છે? વાતાવરણમાં ઠલવાતા આ પ્રદૂષણની અસર તો પૂરી દુનિયાને થઈ રહી છે. આ યુદ્ધના પરિણામે તેલ, ગૅસ અને જીવનજરૂરિયાતની અન્ય ચીજોની હેરફેર પર મુકાઈ ગયેલાં નિયંત્રણોએ દુનિયાના તમામ દેશો અને એના લોકોનાં જીવન-બજેટને ખોરવી નાખ્યાં છે. અનેક નિર્દોષોની જિંદગી હોમાઈ ગઈ છે અને અનેક પરિવારો તૂટી ગયા છે. સમગ્ર માનવજીવન, પૃથ્વી, પર્યાવરણ અને કુદરતી સંસાધનોનો આટલો ભયંકર વિનાશ કરવા માટે વિશ્વ આ યુદ્ધનો આરંભ કરનાર દેશ કે દેશોને કેમ જવાબદાર ન ઠેરવી શકે? ખુદ અમેરિકામાં અને દુનિયાના અનેક દેશોમાં અમેરિકા અને ઇઝરાયલે ઈરાન સાથે શરૂ કરેલા આ યુદ્ધનો વિરોધ થયો છે. આંતરરાષ્ટ્રીય બાબતોના અનેક અભ્યાસીઓ અને નિષ્ણાતોએ પણ કહ્યું છે કે આ અનાવશ્યક યુદ્ધ બિલકુલ અનિવાર્ય નહોતું. ખુદ અમેરિકામાં અને દુનિયામાં પણ આ અકારણ આફતને કારણે ભોગવવાં પડેલાં પરિણામો વિશે તીવ્ર અસંતોષ વર્તી રહ્યો છે. એક-બે માથાફરેલ માંધાતાઓની જીદનો ભોગ જગત બન્યું છે અને બની રહ્યું છે. આમ છતાં વિરોધનો સ્વર બુલંદીથી ક્યાંય નથી સંભળાયો.
એક તો રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પણ વર્ષોથી ચાલી રહ્યું છે અને બન્ને દેશોએ પૃથ્વીના પર્યાવરણને તહસ-નહસ કરી નાખવામાં કંઈ બાકી રાખ્યું નથી. સેંકડો જિંદગીઓ હોમાઈ ગઈ છે અને ભયંકર હાનિ બન્ને પક્ષે થઈ રહી છે. છતાં બેમાંથી એકેય પક્ષ વિનાશના માર્ગેથી પાછો વળવા તૈયાર નથી! આ સ્થિતિ હતી એમાં ભળ્યો અમેરિકા-ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધે વેરેલો વિનાશ. કોઈ પર્યાવરણલક્ષી સંસ્થા આ બધાં યુદ્ધોએ દુનિયાના પર્યાવરણને અને પરિણામે એની જીવસૃષ્ટિને અને એનાં સંસાધનોને કેટલું નુકસાન પહોંચાડ્યું એનો અભ્યાસ કરે તો ચોક્કસ એનાં તારણો ચોંકાવી દેનારાં હોવાનાં. ઉપરાંત આર્થિક વેડફાટ અને સ્રોતોનો વ્યય થયો એનો પણ કોઈ હિસાબ કરે તો આ માનવસર્જિત વિનાશે દુનિયાને વિકાસના માર્ગમાં કેટલાં વર્ષ પાછળ ધકેલી દીધી એનો ખ્યાલ આવશે. હમણાં અકબરનું જીવનચરિત્ર નામનું એક પુસ્તક વાંચતી હતી. મહિપતરામ રૂપરામ નીલકંઠ લિખિત એ પુસ્તક વાંચતાં પંદરમી-સોળમી સદીથી હિન્દુસ્તાન પર થયેલા વિદેશી આક્રમણખોરોના હુમલા અને પછી સામ્રાજ્યભૂખના રઘવાટને પરિણામે સતત એકબીજા સાથે લડતા રહેતા કાફલાઓનું ચિત્રણ જોવા મળ્યું. આજે પાંચસો-છસ્સો વર્ષ પછી વીસમી સદીમાં પણ સત્તાની એ જ ભૂખ અને સામ્રાજ્યની એ જ એંટ જોવા મળે છે!
પાંચ સદીમાં દુનિયાએ કેટકેટલો વિકાસ સાધ્યો છે, પણ જબરાને પાંચશેરી ભારી વાળો ન્યાય હજી એનો એ જ છે. એક સમૃદ્ધ અને સશક્ત દેશને પોતાના એ સામર્થ્યના જોરે અન્ય દેશોએ શું કરવું અને શું નહીં, તેમણે પોતાના દેશમાં કેમ રહેવું, કેમ શાસન કરવું, પોતાનાં કુદરતી સંસાધનોનો ઉપયોગ કેમ કરવો કે કોની સાથે એ વહેંચવાં એ બધું નક્કી કરવાનો હક મળી જાય? પોતાને મોટાભા સમજતા આ દેશોની દાદાગીરી દુનિયા શા માટે સહન કરે? આવો સવાલ છેલ્લાં થોડાં વર્ષોથી અનેક દેશોને થઈ રહ્યો છે. હાલના યુદ્ધે તો અમેરિકાને મિલિટરી બેઝ કે અન્ય સેવાઓ ઊભી કરવા માટે પોતાના દેશના વિસ્તારોમાં જગ્યાઓ ફાળવનારા દેશોને ચેતવવાનું કામ કર્યું છે. વિદ્વાનો કહે છે કે દરેક મુસીબત નવું શીખવાની તક લઈને આવે છે. આ યુદ્ધે પણ દુનિયાના દેશોને આત્મનિર્ભરતાની અગત્ય સમજાવી છે. ફૂડ, ક્રૂડ, ફ્યુઅલ કે બીજું કંઈ પણ – દરેક બાબતે આત્મનિર્ભર બનવાથી મોટું કોઈ સુખ નથી અને બીજાઓ પર નિર્ભર થવું જ પડે તો એકથી વધારે દેશો પર મદાર રાખવો એ સોનાની શીખ પણ આ યુદ્ધ પાસેથી જ મળી છે. ભારતે તો આ શીખ ચોક્કસ ગાંઠે બાંધી લીધી હોય એમ જણાય છે.
છેલ્લે, આ યુદ્ધ શા માટે શરૂ કર્યું હતું એવો સવાલ થાય તેમના માટે એક ફ્લૅશબૅક : ૨૦૦૩માં આ જ મોટાભાએ ઇરાક સામે યુદ્ધ કર્યું હતું. કારણ આપ્યું હતું સદ્દામ હુસૈનના શાસન હેઠળ ઇરાકે વેપન્સ ઑફ માસ ડિસ્ટ્રક્શન (સામૂહિક વિનાશનાં શસ્ત્રો) વિકસાવ્યાં છે અને એની પાસેથી એ લઈ જ લેવાં જોઈએ. બાય ધ વે, પર્યાવરણનું અને બીજું બેફામ નુકસાન કરનારું એ યુદ્ધ પૂરું થયા પછી સમાચાર આવેલા કે પેલાં શસ્ત્રો–બસ્ત્રો જેવું કંઈ ઇરાક પાસેથી મળ્યું જ નહોતું!