ફોટોગ્રાફર બનેલાં વહીદા રહેમાન કહે છે, ‘તો શું થયું?’ ઉંમરની આશા

25 January, 2020 04:22 PM IST  |  Mumbai | Raj Goswami

ફોટોગ્રાફર બનેલાં વહીદા રહેમાન કહે છે, ‘તો શું થયું?’ ઉંમરની આશા

વહીદા રહેમાન

બ્લૉકબસ્ટર- ફિલ્મી દુનિયાના જાણીતા સર્જકો અને એમનાં સર્જનની ઓછી જાણીતી વાતો

‘હિટ ગર્લ’ નામની આત્મકથામાં ઍક્ટ્રેસ આશા પારેખ તેમની હતાશા અને ચિંતાની વાત કરે છે. તેઓ લખે છે, ‘મારી માતા ગયા પછી મારા પિતા સાવ ચૂપ થઈ ગયા હતા. યાદદાસ્ત પણ નહોતી રહી. ૨૦૦૩માં તેઓ પણ જતા રહ્યા. મને પહેલી વાર થયું કે મારે કોઈક ભાઈ-બહેન હોવાં જોઈતાં હતાં. ખાલી ઘર મને ખાવા દોડતું હતું. જીવનનો કોઈ અર્થ જ રહ્યો નહોતો. બીમાર વિચારો આવતા અને ગભરામણ થતી. મને થતું કે હું પાગલ થઈ રહી છું. એક દિવસ મને એટલોબધો ઉચાટ ઘેરી વળ્યો કે મેં વહીદા (રહેમાન)ને ફોન કરીને કહ્યું કે મને થાય છે કે ઘરની બાલ્કનીમાંથી નીચે કૂદી જાઉં. વહીદા ગભરાઈ ગઈ અને મને ધમકાવતાં કહ્યું, ‘બેકાર વાત ન કર. મને વચન આપ કે તું આવા વિચાર બંધ કરી દઈશ.’ બીજા દિવસે તે મારી પાસે આવી અને મને કહ્યું, ‘આશા, તું કસમ ખા કે તું એકલી છે એવું નહીં વિચારે.’ મને ક્યારેક વિચાર આવે છે કે હું એ દિવસે કૂદી ગઈ હોત તો?’

આશા પારેખ ૭૪ વર્ષનાં છે અને વહીદા રહેમાન ૮૧ વર્ષનાં છે. આશા પારેખ સિંગલ છે એટલે આ ઉંમરે પરિવારની ગેરહાજરી સાલે એ સ્વાભાવિક છે, પણ એમ તો બાળકો મોટાં થઈ જાય અને ખુદની દુનિયામાં જીવવા માંડે તો સપરિવાર વ્યક્તિને પણ મોટી ઉંમરે એકલતા સતાવે જ. એમાંય તમે સિનેમાની ચકાચૌંધમાં જીવ્યાં હો અને અચાનક તાળીઓનો ગડગડાટ બંધ થઈ જાય, કૅમેરાની ફ્લૅશ-લાઇટ અદૃશ્ય થઈ જાય, ટેલિફોન સૂના થઈ જાય, લોકોની ભીડ વિખેરાઈ જાય અને તમારી ઉપયોગિતા ખતમ થઈ જાય તો ભલભલા સ્ટારનું જીવન આકરું થઈ જાય. એટલા માટે જ આશા પારેખની સરખામણીમાં વહીદા રહેમાને તેમની ૮૧ વર્ષની ઉંમરે જે ‘નવું’ શરૂ કર્યું છે એ કોઈ પણ સિનિયર સિટિઝન માટે ઉદાહરણરૂપ છે.

એવું કહે છે કે શોખની કોઈ ઉંમર નથી હોતી. એમાંય મોટી ઉંમરમાં તો શોખ અને સ્વાસ્થ્ય વચ્ચે સીધો સંબંધ છે. કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના સાયકોલૉજી વિભાગના પ્રોફેસર ડૉ. રચેલ વોએ એક અભ્યાસમાં કહ્યું છે કે મોટી ઉંમરમાં નવો હુન્નર શીખવાથી ૬ જ સપ્તાહમાં તમારું મગજ ત્રણ દાયકા જેટલું યુવાન થઈ જાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે યાદદાસ્ત ઓછી થવી, નિર્ણયશક્તિ ધીમી થઈ જવી અને બોલવામાં મુશ્કેલી આવે છે એવી મોટી ઉંમરની અલ્ઝાઇમરની બીમારીમાં ફોટોગ્રાફી, સંગીત, પેઇન્ટિંગ કે લખવા જેવા શોખ મગજના પાવરને મજબૂત બનાવે છે.

વહીદા રહેમાને ખેંચેલી વાઇલ્ડ લાઇફની તસવીરો.

વરિષ્ઠ ઍક્ટ્રેસ વહીદા રહેમાન ૮૧ વર્ષની ઉંમરે આ જ તો કરે છે. આ લેખ સાથે તમે જે ફોટો જુઓ છો એ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર વહીદા રહેમાનનો છે અને એની સાથે તેમણે લીધેલા બે સુંદર ફોટો છે. એક કેન્યામાં આવેલા ‘મસાઈમારા’ના જંગલમાં લીધેલા જિરાફનો છે અને બીજો ફોટો તાન્ઝાનિયાની ડુટુ સફારીમાં અવળા ફરીને બેઠેલા બે ચિત્તાનો છે. હા, વહીદા રહેમાન છેલ્લાં ૬ વર્ષથી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરે છે અને તેમની સાથેના ૨૪ ફોટોગ્રાફરો (જેમાં સૌથી નાનો ઉંમરનો ફોટોગ્રાફર ૧૮ વર્ષનો અને સૌથી મોટી ઉંમરનાં વહીદા રહેમાન છે)નું એક પ્રદર્શન પણ મુંબઈમાં યોજાઈ ગયું છે.

વહીદા રહેમાનને કૅમેરાનો શોખ તો વર્ષોથી હતો, પરંતુ જંગલોમાં જઈને પ્રાકૃતિક જીવનની ફોટોગ્રાફી કરવાનું હમણાં જ શરૂ કર્યું છે. તેમની પાસે બહુ શરૂઆતના રોલેઇફ્લેસ્ક અને પેન્ટેક્સ સહિતના ૨૫ કૅમેરા છે. અત્યારે તેઓ ઑલિમ્પસ કૅમેરા વાપરે છે. વહીદા રહેમાન કહે છે, ‘હું અને મારા પતિ (સ્વર્ગસ્થ શશી રેખી) હનીમૂન માટે ન્યુ યૉર્કમાં હતાં ત્યારે તેઓ મારા માટે ગિફ્ટ ખરીદવાના હતા. મેં કહ્યું કે પેન્ટેક્સ ખરીદો તો તેઓ અચંબિત થઈ ગયા. મારે તેમને કહેવું પડ્યું કે છોકરીનો અસલી દોસ્ત ડાયમન્ડ નહીં, કૅમેરા હોય.’

વહીદા રહેમાન હિમાંશુ ચંદ્રકાન્ત શેઠ નામના એક ગુજરાતી વાઇલ્ડ લાઇફ અને લૅન્ડસ્કેપ ફોટોગ્રાફર પાસેથી ફોટોગ્રાફીની ટેક્નિક શીખ્યાં છે. તેઓ કહે છે, ‘મારી ફોટોગ્રાફીમાં બહુ ભલીવાર નથી. મને બહુ પહેલેથી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં રસ હતો. હિમાંશુ શેઠ મારા ગુરુ છે. છ-સાત વર્ષ પહેલાં હું તેમને મળી હતી. તેઓ મને સફારી પર લઈ જતા હતા, એમાંથી આ સિલસિલો શરૂ થયો. અમે આ તસવીરો માટે પૂરા ભારત, તાન્ઝાનિયા, નામિબિયા, કેન્યા, આસામ અને અરુણાચલ પ્રદેશમાં ભટક્યાં છીએ.’

હિમાંશુ શેઠ કહે છે, ‘ફોટોગ્રાફી શીખવાની વહીદાજીની બહુ જૂની ઇચ્છા હતી, પણ તેમને વિકસાવવાની સરખી તક મળતી નહોતી. હું તેમના દીકરા સોહેલ માટે એક નાનકડું શૂટ કરતો હતો. તેને ખબર પડી કે હું ફોટોગ્રાફી ટૂર કરું છું એટલે તેણે તરત મને કહ્યું કે ‘મારી માતાને ફોટો સફારી પર આવવાનું અને ફોટોગ્રાફી શીખવાનું ગમશે.’ એ વાતને છથી વધુ વર્ષ થઈ ગયાં. દરેક પ્રવાસમાં અમારું બંધન વધુ મજબૂત થાય છે.’

ઉંમરની વાતમાં વહીદાજી કહે છે, ‘ભારતમાં લોકોને ઉંમરને લઈને બહુ વાંધા હોય છે. આ ઉંમરે તેણે આવું બધું કરવાની શું જરૂર છે? એવું લોકો પૂછ-પૂછ કરે. આ માનસિકતા બદલવાની જરૂર છે. તમારામાં થનગનાટ હોય અને મન ખુલ્લું હોય તો તમે જે ચાહો એ શીખી શકો. શોખને ઉંમરનો બાધ ન હોવો જોઈએ. ઉંમર થાય એમ શોખનું મહત્વ વધી જાય. પૂરા લગાવથી કરો. એ ખર્ચાળ હોય એ જરૂરી નથી. મારી ૮૭ વર્ષની બહેન (શહીદા માલિક) ભરતકામની શોખીન છે. મને તંદુરસ્ત શરીરના આશીર્વાદ છે. હું રોજ ઘરે યોગ કરું છું, જે મને ચુસ્ત રાખે છે. વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી માટે આમ પણ મારે ટ્રાવેલિંગ કરવું પડે અને લાંબું ચાલવું પડે.’

ઇન ફૅક્ટ, મોટી ઉંમરે કેવી રીતે જિવાય એ વહીદા રહેમાન પાસે શીખવા જેવું છે. ‘પ્યાસા,’ ‘કાગજ કે ફૂલ,’ ‘સાહેબ, બીબી ઔર ગુલામ,’ ‘ગાઇડ’ અને ‘નીલ કમલ’ જેવી યાદગાર ફિલ્મોની સ્ટાર તેમની સમકાલીન ઍક્ટ્રેસ આશા પારેખ અને ૮૧ વર્ષનાં હેલન સાથે ખાસ બહેનપણાં છે અને ત્રણે અવારનવાર રખડવા ઊપડી જાય છે, સિનેમા જોવા જાય છે અને ખાવા-પીવા માટે ભેગાં થાય છે. વાસ્તવમાં આ ‘ચાર ચોટલા’ હતા, પણ સાધના અને નંદા એમાંથી ‘ખરી’ પડ્યાં.

આશા પારેખ કહે છે, ‘હું એકલી છું અને વહીદાને બે બાળકો છે, પરંતુ હેલન સાથે બન્ને એકબીજાના સંપર્કમાં રહીએ છીએ. અમે ત્રણ જણ જમવા માટે બહાર જઈએ અને હૉલિડે પર જઈએ છીએ.’

 થોડાં વર્ષો પહેલાં એક ઇન્ટરવ્યુમાં વહીદા રહેમાને કહ્યું હતું કે ‘હું આ બન્નેને કહેતી રહું છું કે જાતને વ્યસ્ત રાખવા માટે તમારે સતત કશુંક કરતાં રહેવું જોઈએ. કોઈક દિવસ આપણે ત્રણેએ એક નાટક કરવું જોઈએ, જેમાં આપણે આપણી જ ભૂમિકા કરીએ અને એમાં વાતો કરીએ, એકબીજાની ખિલ્લી ઉડાડીએ.’

હમણાં થોડા દિવસ પહેલાં ટ્વિન્કલ ખન્નાએ વહીદા રહેમાન સાથે એક નાનકડો ઇન્ટરવ્યુ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. એમાં ટ્વિન્કલે પૂછ્યું હતું, ‘હવે જીવનમાં શું કરવાનું બાકી રહ્યું છે?’ ત્યારે વહીદાજીએ આંખનું મટકું માર્યા વગર કહ્યું હતું, ‘સ્કૂબા ડાઇવિંગ.’

ટ્વિન્કલ સ્તબ્ધ થઈ ગઈ. તેણે પૂછ્યું, ‘૮૧ વર્ષની ઉંમરે સ્કૂબા ડાઇવિંગ કરવું છે?’

‘તો શું થયું?’ વહીદાજીએ વળતો સવાલ કર્યો, ‘હું તંદુરસ્ત હોઉં તો હું એ પણ કરી શકું.’

આ જે ‘તો શું થયું?’ સવાલ છે એમાં ઢળતી ઉંમરે કેવી રીતે વ્યસ્ત અને સકારાત્મક જિવાય એનો મંત્ર છુપાયેલો છે.

 

 

 

waheeda rehman columnists weekend guide raj goswami