લૉકડાઉનમાં પણ રૂબરૂ મળ્યાની ખુશી આપે છે વિડિયો ગેધરિંગ

02 April, 2020 07:42 PM IST  |  Mumbai | Divyasha Doshi

લૉકડાઉનમાં પણ રૂબરૂ મળ્યાની ખુશી આપે છે વિડિયો ગેધરિંગ

પન્ના રાજાની વીડિયો ગેધરિંગ

કોઈને મળવા જવાનું નહીં, કોઈ મળવા આવે નહીં, ક્યાંય બહાર જવાનું નહીં, બારીમાં ડોકિયું કાઢો તોય ખાસ લોકો જોવા મળે નહીં. આવામાં સોશ્યલ ગેધરિંગના રસિયાઓને તો બહુ તકલીફ પડે. જોકે  ટેક્નૉલૉજીએ એનો પણ તોડ કાઢી લીધો છે. જે ઑનલાઇન પ્લૅટફૉર્મ પર પહેલાં માત્ર પ્રોફેશનલ અને ફૉર્મલ મીટિંગો જ થતી હતી એની પર હવે લોકો ફૅમિલી અને ફ્રેન્ડ્સના મેળાવડા કરવા લાગ્યા છે. ઑનલાઇન માધ્યમથી પણ ટુગેધરનેસની ફીલિંગ ઘણી શાતા આપનારી હોય છે.

ઘરમાં ભરાઈ રહેવાનું એટલું જ નહીં, બહાર ચાલવા પણ ન જઈ શકાય કે મિત્રોને કે સ્વજનોને મળવાનું શક્ય ન બને ત્યારે વહારે આવે છે ટેક્નૉલૉજી. કલ્પના કરો કે વીસેક વરસ પહેલાં આવું લૉકડાઉન થયું હોત તો? ના બાબા ના, આવી કલ્પનાય કરવાનું ન કહો એવું મને અનેક લોકોએ કહ્યું. લૉકડાઉનમાં સમય પસાર કેવી રીતે કરવો એના નુસ્ખાઓ અને રમતગમતનાં સલાહસૂચનો પણ સોશ્યલ મીડિયા દ્વારા મળતાં રહે છે, પરંતુ માણસ આખરે સામાજિક પ્રાણી છે. એને ફિઝિકલી મળવાનું નહીં ફાવે તો ચાલશે, પણ મિત્રો કે સ્વજનો સાથે ગપ્પાં માર્યા સિવાય નહીં ચાલે. લોકોએ એનો પણ ઉપાય શોધી કાઢ્યો. એવી કેટલીય ઍપ્સ છે જે તમને દુનિયામાં કોઈ પણ ખૂણે રહેતી વ્યક્તિ સાથે રૂબરૂ મુલાકાત કરાવી આપી શકે છે. ક્યારેય વિચાર્યું ન હોય એવો ઉપયોગ લોકો આજે કરી રહ્યા છે આ વિડિયો ઍપ્સનો. ટેલિવિઝનમાં ન્યુઝ ચૅનલો વિડિયો ઍપ દ્વારા પહેલાંય અનેક લોકોના ઇન્ટરવ્યુ લેતા હતા, પણ હાલમાં ઘરમાં બેઠેલા ફિલ્મસ્ટારો સાથે વાતચીત કરતી વખતે ફિલ્મસ્ટારોને વગર મેકઅપે ઘરના માહોલમાં પોતે કઈ રીતે સમય વિતાવે છે એ કહેતાં જોઈ શકાય છે. મૂળ સુરતના પણ હાલ વડોદરામાં કમ્પ્યુટર સાયન્સના અસિસ્ટન્ટ પ્રોફેસર તેમ જ ગૂગલ સર્ટિફાઇડ સોશ્યલ મીડિયા મૅનેજમેન્ટનું કન્સલ્ટ કરતા બસર પટેલ કહે છે, ‘વિડિયો ચૅટનો લોકો કમર્શિયલ ઉપયોગ તો કરતા જ આવ્યા છે, પણ હવે ઝૂમ મીટિંગ ક્લાઉડ પર સામાન્ય લોકો પણ મળવાનો આનંદ લે છે. એમ તો અનેક ઍપ છે જેમાં વિડિયો કૉલ દ્વારા વાતચીત થઈ શકે છે. પણ જે ઍપ વાપરવામાં સરળ હોય એનો લોકો વધુ ઉપયોગ કરે એ સ્વાભાવિક છે. બીજું કે યુવાનો સરળતાથી દરેક નવી ઍપ શીખી લેતા હોય છે પણ ચાલીસ વર્ષની ઉપરની વ્યક્તિઓને નવું શીખવામાં થોડી તકલીફ પડે છે. પણ એક વાર વાપર્યા બાદ તેઓ પોતાને ઉપયોગી કમાન્ડ શીખી જ જાય છે. વળી સૌથી વધુ તો પોતાને જે વ્યક્તિ સાથે રૂબરૂ મળવું ગમતું હોય તેને ન મળી શકાતું હોય કોઈ પણ કારણસર તો વિડિયો કૉલ દ્વારા મળવાનો આનંદ લઈ શકાય છે એટલે પણ વિડિયો કૉલ આ લૉકડાઉન પિરિયડમાં વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. બાકી આમાંની મોટા ભાગની ઍપ પહેલાં પણ હતી જ. વૉટ્સઍપ સરળતાથી ચારેક જણ સાથે જોડી આપે છે. તો ગૂગલ ડ્યુઓ દ્વારા પણ દસેક વ્યક્તિઓ જોડાઈ શકે છે. ફેસબુકમાં પણ હવે ગ્રુપ વિડિયો કૉલ થાય છે. પણ ઝૂમ ઍપમાં ચાલીસ મિનિટ ફ્રી વિડિયો કૉલ થઈ શકે છે અને એમાં કૉલની ગુણવત્તા સારી હોવાથી અને ઍડ્વાન્સમાં પ્લાન કરીને લોકો એમાં જોડાઈ શકે છે. એટલે એ હાલ લૉકડાઉનમાં વધુ લોકો વાપરી રહ્યા છે. સ્કાઇપ પર પણ લોકો મળે છે. આમ જોઈએ તો સ્કાઇપ સૌથી પહેલી વિડિયો કૉલિંગ ઍપ હતી એટલે આજે પણ વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય છે. એ સિવાય વાઇબર, લાઇન, હાઉસપાર્ટી, સ્નૅપ ચૅટ, હૅન્ગઆઉટ અનેક ઍપ છે જે દ્વારા લોકો એકબીજાની સાથે વિડિયો કૉલિંગ કરી શકે છે. પણ ભારતમાં હાલ વૉટ્સઍપ, સ્કાઇપ, ઝૂમ, હાઉસપાર્ટી વધુ પ્રચલિત છે.’  

આમ તો પહેલાં સ્કાઇપ દ્વારા કમ્પ્યુટરના માધ્યમથી વિડિયો ચૅટ થતી પણ મોબાઇલ આવી ગયા બાદ મોટા ભાગની વિડિયો કૉલિંગ ઍપ મોબાઇલ, કમ્પ્યુટર અને આઇપૅડ દ્વારા પણ વાપરી શકાય છે. મોબાઇલ હાથવગો હોવાને કારણે મોટા ભાગની વ્યક્તિઓ મોબાઇલ દ્વારા જ વિડિયો કૉલ કરતી હોય છે. 

હમણાં જ એક ન્યુઝ જોયા કે અમેરિકાના વૉશિંગ્ટન શહેરમાં મિશેલ બેનેટે ફેસટાઇમ દ્વારા કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામી રહેલી પોતાની માતાને છેલ્લા શ્વાસ લેતાં જોઈ. ખેર, આવો વખત કોઈનો ન આવે. આપણે અહીં કેટલાક એવા લોકોની વાત જાણીએ કે જેઓ લૉકડાઉનમાં પણ સતત મિત્રોની સાથે રહ્યા છે.

ગુજરાત, મુંબઈ અને વિદેશના દોસ્તો સાથે વિડિયો ગેધરિંગ થવા લાગ્યું: વિવેક ટેલર

સુરત રહેતા ડૉક્ટર, કવિ અને ફોટોગ્રાફર વિવેક તો રોજ જ સવારના આઠથી સાડાઆઠ મિત્રોને મળે છે. વિવેક કહે છે, ‘આમ તો અમે પાંચેક મિત્રો દરરોજ ક્લબમાં મળતા હતા, પણ લૉકડાઉન દરમિયાન એ બંધ થઈ ગયું. દરરોજ અમે સાતથી આઠ કસરત કરતા અને આઠથી સાડાઆઠ ચા પીતાં વાતો કરતા. એટલે અમે રોજ વિડિયો કૉલ દ્વારા મળવા લાગ્યા. એમાં અમારા અમેરિકા રહેતા બીજા ચાર મિત્રો પણ જોડાય છે. એમાં કેટલાક ડૉક્ટર છે તો કમ્પ્યુટર એન્જિનિયર પણ છે. ડૉ. નીરવ શાહ સુરત, મિતેશ શાહ કમ્પ્યુટર એન્જિનિયર સૅન ફ્રાન્સિસકો, ડૉ. સુનીલ માટીવાલા શિકાગો, કેદાર એન્જિનિયર સુરત, ઉમેશ એન્જિનિયર હ્યુસ્ટન, ડૉ. કલ્પેન પટેલ સુરત, ડૉ. ધવલ ઍટ્લાન્ટા, ડૉ. તીર્થેશ મહેતા સુરત, ચંદ્રેશ દેસાઈ ન્યુ યૉર્ક છે. વધુ સમય વાત નહીં કરવાની પણ દરરોજ મળવાનું એ નક્કી.’

વિદેશોમાં રહેતા મિત્રો સાથે પણ હાઉસપાર્ટી કરીએ: યામિની પટેલ

પાર્લા-ઈસ્ટમાં રહેતી યામિની નાટ્યલેખિકા અને બિઝનેસ વુમન છે. તે વૉટ્સઍપ વિડિયો કૉલ તેમ જ ઝૂમ તો વાપરે જ છે પણ સાથે હાઉસપાર્ટી ઍપ દ્વારા પણ મિત્રોના સંપર્કમાં રહે છે. તે કહે છે, ‘હાઉસપાર્ટીમાં અમે મિરર ઇમેજ દ્વારા ટીવીના મોટા પડદા પર એકબીજાને જોઈએ. અમારા એટલે કે મારા અને પતિના મિત્રો દેશ-વિદેશમાં છે. તેમની સાથે હાઉસપાર્ટીમાં વાત કરીએ. એવું લાગે કે જાણે લિવિંગરૂમમાં બધા ભેગા થયા છે. અમે અમારું ખાવાનું અને ડ્રિન્ક લઈને બેસીએ એ લોકો તેમનું. અને બસ, પાર્ટી ઑન. લૉકડાઉનમાં પણ પાર્ટીનો આનંદ ગુમાવવો નથી પડતો. ઊલટાનું વિદેશના મિત્રો, સ્વજનો સાથેય મળવાનું બને છે; કારણ કે દરેક જગ્યાએ બધા ઘરમાં જ છે.’

વાતચીત કરતાં ઘરની બનાવેલી કૉફી પીવાનો આનંદ લઈ લઉં છું: મીના છેડા

ગોરેગામમાં રહેતાં મીના છેડા લેખિકા અને ગૃહિણી છે. તેમનો દીકરો અને વહુ ચીનમાં રહે છે. તેમની સાથે તો વી ચૅટ વિડિયો કૉલ દ્વારા વાતચીત કરે જ છે, પણ તેમની પાંચ બહેનપણીઓનું એક ગ્રુપ છે હમ પાંચ. તેમની સાથે વૉટ્સઍપ પર કે ઝૂમ પર નિયમિત મળે છે. મીના કહે છે, ‘મુંબઈ જેવા મોટા શહેરમાં જ્યારે બહેનપણીઓ જુદા-જુદા છેડે રહેતી હોય તો રૂબરૂ મળવું હંમેશાં શક્ય ન બને એટલે અમે જ્યારથી વિડિયો કૉલ શરૂ થયો છે ત્યારથી વિડિયો દ્વારા ચોક્કસ સમયે મળીએ છીએ. મળતી સમયે અમે બધાં કૉફીનો કપ લઈને બેસીએ. કૉફી પીવી અમને સૌને ગમે છે. તેમાંથી એક અંજની સાયન રહે છે. મનીષા દાદર, શિલ્પા થાણે, સંગીતા વરલી અને હું ગોરેગામ રહું છું. આમ અમે ચારે એકબીજાથી ખૂબ દૂર હોવાને કારણે આ ટેક્નૉલૉજી ઉપકારક બની રહે છે. વળી મને દરરોજ સાંજે બહાર જઈને કોઈ ને કોઈ મિત્ર સાથે કૉફી પીવા જોઈએ. લૉકડાઉન થયા બાદ બહાર નથી જવાતું એટલે આ રીતે મિત્રો અને સ્વજનો સાથે વાતચીત કરતાં ઘરની બનાવેલી કૉફી પીવાનો આનંદ લઈ લઉં છું. એ સિવાય મારા પિતા જે ૮૫ વરસના છે તે અને ભાઈ-બહેનો અહીં મુંબઈમાં જ રહે છે પણ મળવા તો જઈ ન શકાય એટલે તેમની સાથેય વિડિયો ચૅટ કરવાથી આટલા દિવસમાં મળી ન શકાયાનો અફસોસ નથી રહેતો. એ સિવાય મારું એક હિન્દી લેખકોનું ગ્રુપ છે અને અન્ય બહેનપણીઓ સાથે પણ મોબાઇલ દ્વારા વિડિયો ચૅટ કરું છું. આમ લૉકડાઉનમાં ઘરમાં રહીનેય એકલતા નથી લાગતી.’

અમારું નુક્કડ નામનું બહેનપણીઓનું ગ્રુપ ઑનલાઇન ગેધરિંગ કરીએ છીએ: પન્ના રાજા

કાંદિવલીમાં રહેતી પન્ના રાજા ગૃહિણી છે, પણ તેણે શોખ અનેક રાખ્યા છે. સમાજસેવા સાથે શાકભાજી અને ફ્રૂટ કાર્વિંગ તેનો ગમતો શોખ છે. પન્ના કહે છે, ‘આ લૉકડાઉનનો મોટો ફાયદો એ થયો કે મને ટેક્નૉલૉજી વાપરતાં હવે ડર નથી લાગતો. આમ તો હું લોકોને મળવાનો જ આનંદ લઉં છું પણ હવે મને વિડિયો ચૅટ કરવાનો પણ આનંદ આવે છે. હું રોજ ચાલવા જતી ત્યાં વૉકર્સ ગ્રુપ બન્યું છે. તેમની સાથે હું વૉટ્સઍપ દ્વારા વિડિયો ચૅટ કરું છું તેમ જ નુક્કડ નામનું અમારું બહેનપણીઓનું ગ્રુપ છે તેમાં અમે પહેલી વાર સ્કાઇપ પર વાત કરવાનો પ્રયત્ન કર્યો અને બીજી વાર ઝૂમ પર વાત કરવાનો પ્રયત્ન કર્યો. થાય એવું કે મીટિંગ પૂરી થાય ત્યાં સુધી હું લૉગ ઇન કરી જ ન શકું. પણ પછી ધીમે-ધીમે શીખી ગઈ તો મારા પરિવારની મીટિંગ માટે જ્યારે અમદાવાદ રહેતા મારા ભાઈએ કહ્યું કે ઝૂમ ડાઉનલોડ કર તો મને આવડતું જ હતું તો તેનેય નવાઈ લાગી અને મારા પતિનેય નવાઈ લાગી. મિત્રોએ મને ટેક્નૉલૉજી શીખવાડી એવું કહી શકાય. એટલે જ રાજકોટ રહેતાં મારાં માતાપિતા, ભાઈ અને અમદાવાદ રહેતો મારો બીજો ભાઈ વિડિયો દ્વારા મળી શક્યાં.’

divyasha doshi columnists