દુનિયાની નજરમાં એ મૉન્સ્ટર, પણ મારી નજરમાં આજે પણ ભગવાન

17 May, 2023 02:33 PM IST  |  Mumbai | Rashmin Shah

વિક્ટોરિયા એસ્કોબાર કહે છે, ‘પાબ્લો જેવું વ્યક્તિત્વ અને તેના જેવી દિલેરી મેં લાઇફમાં ક્યારેય કોઈની જોઈ નથી અને કદાચ જોવા મળશે પણ નહીં’

‘મિસિસ એસ્કોબાર : માય લાઇફ વિથ પાબ્લો અને વિક્ટોરિયા એસ્કોબાર

‘મિસિસ એસ્કોબાર : માય લાઇફ વિથ પાબ્લો’માં દુનિયાના સૌથી મોટા ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબાર વિશે તેની પત્ની આ લખે છે અને એ પણ એક નહીં, સેંકડો વાર. વિક્ટોરિયા એસ્કોબાર કહે છે, ‘પાબ્લો જેવું વ્યક્તિત્વ અને તેના જેવી દિલેરી મેં લાઇફમાં ક્યારેય કોઈની જોઈ નથી અને કદાચ જોવા મળશે પણ નહીં’

‘મને જો સક્રિય રાજકારણમાં આવવા દેવા માટે અમેરિકી કોર્ટ પરમિશન આપતી હોય તો હું માત્ર એક દિવસમાં કોલંબિયાનું દસ બિલ્યન ડૉલરનું રાષ્ટ્રીય કરજ ચૂકવી દેવા માટે તૈયાર છું...’
‘મને અફસોસ છે કે હું દુનિયાનો સાતમા નંબરનો અબજોપતિ બન્યો છું. અફસોસ એટલા માટે છે કે મારી ઑફિશ્યલ સંપત્તિ કરતાં બેનંબરી સંપત્તિ બારગણી વધારે છે અને એને ‘ફૉર્બ્સ’ મૅગેઝિને કાઉન્ટ નથી કરી.’

‘મારા પર રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે પણ મેં મારી કમાણીના અમુક બિલ્યન ડૉલર રસ્તા પર બેસીને સળગાવ્યા. એનું કારણ એ હતું કે મને ઠંડી લાગતી હતી, મને તાપની જરૂર હતી અને મારી પાસે ડૉલર સિવાય કંઈ નહોતું.’

જો આ વિધાનો વાંચીને તમને અચરજ થયું હોય તો તમારે તમારા એ આશ્ચર્યને કાબૂમાં રાખીને વહેલી તકે ‘મિસિસ એસ્કોબાર : માય લાઇફ વિથ પાબ્લો’ વાંચવી જોઈએ. કોલંબિયન ડ્રગ માફિયા અને વિશ્વના એકમાત્ર સૌથી સક્સેસફુલ ડ્રગ માફિયા તરીકે કુખ્યાત થયેલા પાબ્લો એસ્કોબારના ઉપર વાંચ્યા એ ક્વોટ્સ તેની વાઇફ મારિયા વિક્ટોરિયા હેનાઓએ ‘મિસિસ એસ્કોબાર : માય લાઇફ વિથ પાબ્લો’માં લખ્યા છે અને આવા તો અઢળક કિસ્સાઓ છે જેના વિશે દુનિયાને આ બુક દ્વારા પહેલી વાર ખબર પડી છે. 

પાબ્લો એસ્કોબારનું મોત સરળ નહીં હોય એ વિક્ટોરિયા જાણતી હતી અને એ પછી પણ તે પાબ્લો સાથેની રિલેશનશિપમાં આગળ વધતી રહી અને તેણે પાબ્લો સાથે મૅરેજ પણ કર્યાં. પાબ્લોના સ્વભાવ, તેની કામ કરવાની રીતથી માંડીને તેનામાં રહેલો ફૅમિલી-મૅન કેવો હતો એ બધાની વાત વિક્ટોરિયા હેનાઓએ આ બુકમાં લખી છે. પાબ્લોના મોત પછી વિક્ટોરિયાએ જ તેના સામ્રાજ્યનું સેટલમેન્ટ સંભાળ્યું અને સક્સેસફુલી એ પૂરું કર્યા પછી તે આર્જેન્ટિના જઈને સેટલ થઈ ગઈ. એકસઠ વર્ષની ઉંમરે આજે પણ તેનો દબદબો દુનિયાના સર્વોચ્ચ માફિયાની વાઇફ હોય એ જ સ્તરનો છે. વિક્ટોરિયા માટે આજે પણ કોલંબિયાના એ પૅલેસમાં ચાલીસ બૉડીગાર્ડ તહેનાત રહે છે અને એક ઇન્ટરવ્યુ માટે વિક્યોરિટા પચાસ હજાર ડૉલર ચાર્જ કરે છે. પાબ્લોનું એન્કાઉન્ટર થયું એ સમયે વિક્ટોરિયાના હાથમાં ઑફિશ્યલી ત્રીસ મિલ્યન ડૉલર આવ્યા હતા પણ કોલંબિયન પોલીસનું કહેવું છે કે એ રકમ માત્ર દેખાવની હતી, વિક્ટોરિયાને ઓછામાં ઓછા પચાસ બિલ્યનની સંપત્તિ મળી હશે.

પાબ્લો, એક અદ્ભુત ઇતિહાસ | પાબ્લો એસ્કોબારની લાઇફ ઇતિહાસના કોઈ પણ ઇન્ટરેસ્ટિંગ ચૅપ્ટર કરતાં પણ વધારે રસપ્રદ રહી છે. વિક્ટોરિયાએ પાબ્લોની પર્સનલ વાતો તો ‘મિસિસ એસ્કોબાર : માય લાઇફ વિથ પાબ્લો’માં દર્શાવી જ છે પણ સાથોસાથ પાબ્લોના સ્વભાવ અને તેની ઐયાશીની વાતો પણ તેણે લખી છે. પાબ્લો એસ્કોબારની સૌથી નજીકની જો કોઈ વ્યક્તિ હોય તો એ પોતે જ હતી અને એટલે આ બુકને પાબ્લોની લાઇફની સૌથી ઑથેન્ટિક બુક માનવામાં આવી છે.

‘મિસિસ એસ્કોબાર : માય લાઇફ વિથ પાબ્લો’માં અમેરિકામાં આવેલી પચાસ ડૉલરની નોટની તંગી વિશે પણ તેની વાઇફે લખ્યું છે. મારિયા વિક્ટોરિયા હેનાઓના કહેવા મુજબ, પાબ્લોને પચાસ ડોલરની નોટ કલેક્ટ કરવાનું એવું તે ગાંડપણ ચડ્યું કે તેણે પચાસની નોટ સંઘરવાની શરૂ કરી પણ પાબ્લોની ઇન્કમ એ સ્તર પર હતી કે માત્ર છ જ મહિનામાં રિઝર્વ બૅન્ક ઓફ અમેરિકાએ જેટલી પણ પ્રિન્ટ કરી હતી એ પૈકીની એંસી ટકા પચાસ ડોલરની નોટ પાબ્લોના ઘરમાં આવી ગઈ અને આખા અમેરિકામાં પચાસ ડોલરની તંગી પ્રસરી ગઈ. 
‘મિસિસ એસ્કોબાર: માય લાઇફ વિથ પાબ્લો’માં વિક્ટોરિયા લખે છે, ‘પાબ્લો ઘરમાં તિજોરી નહોતો રાખતો, એ રૂમને તિજોરી બનાવતો. પાબ્લોની હયાતીમાં અમારી અઢાર રૂમની વિલાના તેર રૂમ ડૉલરથી ભરાઈ ગયા હતા અને ડૉલર સતત આવતા રહેતા એટલે એક દિવસ પાબ્લોએ નક્કી કર્યું કે તે ડૉલરની નોટ ચોંટાડી એ કાગળની હોડી બનાવી એમાં નાઇટ-સેઇલિંગ માટે જશે. અમારા કમનસીબે એવી હોડી બની તો ગઈ અને સદનસીબે એ હોડીમાં પાબ્લો બેસે એ પહેલાં જ એ ડૂબી પણ ગઈ.’ 

પાબ્લો અને નેટફ્લિક્સની ‘નાર્કોસ’ | પાબ્લો એસ્કોબારની લાઇફ પરથી નેટફ્લિક્સે ‘નાર્કોસ’ નામની વેબ-સિરીઝ બનાવી હતી. આ વેબ-સિરીઝે ઇન્ડિયામાં નેટફ્લિક્સને પૉપ્યુલર કરવાનું કામ જડબેસલાક રીતે કર્યું. ‘નાર્કોસ’ જોવી એ એક સમયે બૉલીવુડમાં સ્ટેટસ-સિમ્બૉલ ગણાતું. ફિલ્મ પાર્ટીમાં પાબ્લો એસ્કોબાર વિશે વાત કરવી એ જાણે કે જ્ઞાની હોઈએ એવી ઇમ્પ્રેશન ઊભી કરતું. અલબત્ત, ‘નાર્કોસ’માં માત્ર પાબ્લો એસ્કોબારની જર્ની લેવામાં આવી છે અને એ પછી પણ પાબ્લોની લાઇફની અઢળક કન્ટેન્ટ હજી પણ નેટફ્લિક્સ પાસે અકબંધ છે અને નેટફ્લિક્સ ગમે ત્યારે એ સબ્જેક્ટ પર કામ કરશે.

પાબ્લો એસ્કોબારની લાઇફ પરથી ફિલ્મ બનાવવાની ઇચ્છા સંજય દત્તની પણ અઢળક છે, તેણે એ માટે વિક્ટોરિયા એસ્કોબારનો કૉન્ટૅક્ટ પણ કર્યો હતો પણ નૅચરલી એવી મોટી રૉયલ્ટી માગવામાં આવી કે વાત આગળ વધી નહીં. અલબત્ત, સંજય દત્તે સામેથી જ નેટફ્લિક્સને ઑફર કરી છે કે જો ‘નાર્કોસ’ની હિન્દી રીમેક બનતી હોય તો તે કામ કરવા તૈયાર છે.

સ્ટોરી શૉર્ટકટ

‘મિસિસ એસ્કોબાર: માય લાઇફ વિથ પાબ્લો’ અગાઉ ‘પાબ્લો ઍન્ડ મી: માય લાઇફ વિથ પાબ્લો’ના નામે પબ્લિશ્ડ થઈ હતી એ તમારી જાણ ખાતર. બુકમાં વિક્ટોરિયા કેવી રીતે પાબ્લોની લાઇફમાં આવી ત્યાંથી વાત શરૂ થાય છે અને પાબ્લોના દેહાંત પછી પોતે કેવી રીતે ડ્રગ્સ કાર્ટલ સામે પોતાનાં બાળકોને બચાવ્યાં એના વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે. માત્ર તેર વર્ષની ઉંમરે કોલંબિયાના ઊભરતા ડ્રગ માફિયા એવા પાબ્લોની લાઇફમાં આવી અને પંદર વર્ષની ઉંમરે તેણે પાબ્લો સાથે મૅરેજ કરી લીધાં. મૅરેજ કર્યાં ત્યાં સુધી વિક્ટોરિયાને પાબ્લોના કામ અને તેણે ફેલાવેલી દહેશત વિશે વધારે ખબર નહોતી પણ મૅરેજ પછી બધું તેની આંખ સામે આવવા માંડ્યું. એક તબક્કે પાબ્લોએ પોતે જ વિક્ટોરિયાને લાઇફમાંથી નીકળી જવાની સલાહ આપી હતી પણ વિક્ટોરિયાએ એવું કર્યું નહીં અને તે પાબ્લોની લાઇફમાં અકબંધ રહી. વિક્ટોરિયા લખે છે, ‘મને સ્કૂલ જવાની પરમિશન હતી. હું રોજ સ્કૂલ જતી અને બપોરે ઘરે આવીને મારું હોમવર્ક કરી પાબ્લોની રાહ જોતી. પાબ્લોની સૌથી મોટી વાત એ હતી કે તેણે ક્યાંય મારી આઝાદી છીનવી નહોતી. દુનિયાની નજરમાં એ મૉન્સ્ટર છે પણ મારી નજરમાં તે આજે પણ ભગવાનથી સહેજ પણ ઊતરતો નથી.’

columnists Rashmin Shah