મુંબઈને ગામડામાંથી મહાનગર બનાવવા તેજુકાયા પરિવારનું અભૂતપૂર્વ યોગદાન

04 June, 2019 10:56 AM IST  |  કચ્છ | વસંત મારુ - કચ્છી કોર્નર

મુંબઈને ગામડામાંથી મહાનગર બનાવવા તેજુકાયા પરિવારનું અભૂતપૂર્વ યોગદાન

તેજુકાયા પાર્ક માટુંગા

કચ્છી કોર્નર 

અંદાજે હજારેક વર્ષ પહેલાં પાટણ (ગુજરાત)ના રાજા ભીમદેવ સોલંકીએ યવનો સામે યુદ્ધ હારી જવાથી વહાણમાં બેસીને મહિકાવી નામના ટાપુ પર આવીને નવું નગર વસાવ્યું. એ મહિકાવી ટાપુ એટલે આજનું માહિમ! આમ પાટણના રાજા ભીમદેવ સોલંકીએ મુંબઈને જન્મ આપ્યો. મહિકાવી ટાપુ પર થોડા આદિવાસી લોકોની વસ્તી હતી. ચારે બાજુ પાણી અને જંગલ વચ્ચે આવેલા ટાપુના સમૂહમાંથી મુંબઈનું સર્જન થયું.

અંદાજે ૨૦૦ વર્ષ પહેલાં નાના-નાના ડુંગરાઓના ઘાટ પર થોડાં કાચાં મકાનોમાં લોકો રહેતા હતા. સમય જતાં એ ડુંગરાઓ ખોદી કાઢવામાં આવ્યા, પણ એ વિસ્તારનું નામ પડ્યું ઘાટકોપર! આમલી એટલે ચિકમંગુના ઝાડ પરથી એક વિસ્તારનું નામ પડ્યું ચિંચપોકલી! અંગ્રેજ ગોરાઓની જ્યાં લશ્કરી છાવણીઓ હતી એ વિસ્તારનું નામ પડ્યુ ગોરેગામ! દક્ષિણ મુંબઈમાં ભરતી વખતે દરિયાનાં પાણી આવતાં અને મજૂરો એમાં પગ ધોતા એટલે એ વિસ્તારનું નામ પડ્યું પાયધુની! આમ આમચી મુંબઈનો મજેદાર ઇતિહાસ છે.

આશરે ૧૫૦ વર્ષ પહેલાં મુંબઈ ગામડા જેવું જ હતું. પરેલ અને વરલી સુધીમાં મુંબઈનો વિસ્તાર પૂરો થઈ જતો. નાગપાડા મુંબઈના કેન્દ્રસ્થાને હતું.

મુંબઈ ટાપુ અંગ્રેજોને દહેજમાં મળ્યું અને ગોરા અંગ્રેજોના હાથ નીચે આવ્યું. ત્યાર બાદ થોડાં વર્ષ પછી કચ્છના લાયજા ગામમાંથી એક તેજસ્વી યુવાન આંખમાં સપનાં ભરી દરિયામાર્ગે મુંબઈ આવ્યો. એ યુવાનનું નામ હતું તેજુ અને તેજુભાઈના પિતાનું નામ હતું કાયાભાઈ. કથાનાયક તેજુકાયાનું આગમન મુંબઈમાં થયું અને આ કચ્છી માડુએ મુંબઈને મહાનગરમાં પલોટવાનું કાર્ય આરંભ્યું.

મુંબઈના આગમન બાદ થોડા સમયમાં જ નાગપાડાના એક પારસી સદગૃહસ્થના માર્ગદર્શન હેઠળ ટ્રામ માટે રસ્તો બનાવવાનો કૉન્ટ્રૅક્ટ મેળવ્યો. એ સમયે ટ્રામને ખેંચવા ઘોડાનો ઉપયોગ થતો અને ટ્રામ પાટા પર નહીં, રસ્તા પર ચાલતી. માત્ર બે જ ચોપડી ભણેલા તેજુબાપાએ ગજબની કોઠાસૂઝ બતાવીને કાર્ય પાર પાડ્યું અને અંગ્રેજોના ગુડલુકમાં આવી ગયા.

એક સમય એવો હતો કે મુંબઈમાં જગ્યા-જગ્યાએ કૂવા હતા. લોકો કૂવામાંથી પાણી ભરીને વાપરતા. મુંબઈની પાંખી વસ્તી હોવાથી કૂવાથી કામ ચાલી જતું, પરંતુ થોડી વસ્તી વધતાં પાણીની ખેંચ પડવા લાગી અને અંગ્રેજોએ તળાવ બાંધવાનું નક્કી કર્યું અને એ તાનસા તળાવ બાંધવા પ્રમુખ ભૂમિકા ભજવી તેજુકાયા ઍન્ડ કંપનીએ! આજે પણ તાનસાનું પાણી મુંબઈગરાને મળી રહ્યું છે. તેજુકાયા પરિવારની શાખ વધવા માંડી. તેજુબાપા સાથે તેમનો દીકરો ખીમજી પણ જોડાયો. ખીમજીભાઈ પણ તેજુબાપા જેવા જ પ્રામાણિક અને ધાર્યાં કામ પાર પાડવાની કુનેહ તેમની પાસે હતી એને પરિણામે તેજુકાયા પરિવારની શાખ વધવા લાગી.

મુંબઈમાં અચાનક પ્લેગનો રોગ ફાટ્યો, માણસો ટપોટપ મરવા લાગ્યા એટલે આવા ચેપી રોગ માટે એક અલગ જ હૉસ્પિટલ બાંધવાનું નક્કી થયું, પણ તાત્કાલિક ધોરણે હૉસ્પિટલ બાંધી કોણ આપે? તરત જ તેજુકાયા ઍન્ડ કંપનીને યાદ કરવામાં આવી અને કસ્તુરબા હૉસ્પિટલ બંધાઈ; જે આજે પણ મલેરિયા, ડેંગી ઉપરાંત સંસર્ગ રોગો માટે એશિયામાં નંબર-વન સરકારી હૉસ્પિટલ તરીકે જાણીતી છે. તેજુબાપા પરિવારે પથ્થરમાંથી બાંધેલી કસ્તુરબા હૉસ્પિટલમાં આજે પણ પ્રવેશો તો લાગે જાણે ફાર્મહાઉસમાં પ્રવેશ્યા હોઈએ! અત્યારે પણ આ હૉસ્પિટલ અડીખમ ઊભી છે.

ગુનેગારોને સજા આપવા અંગ્રેજોને એક અભેદ જેલની જરૂર હતી. પરિણામે તેજુકાયા કંપનીએ આર્થર રોડ જેલનું નિર્માણ કર્યું જ્યાં મોટા-મોટા ગુનેગારોથી માંડી અજમલ કસબ જેવા આતંકવાદીઓએ સજા કાપી છે. આજે પણ એ જેલ અભેદ ગણાય છે. એવી જ એક અહમદનગર પૉલિટિકલ જેલનું નિર્માણ તેમણે કર્યું હતું.

 આર્થર રોડ જેલ 

એક સમય હતો જ્યારે ગંદા પાણી અને વરસાદના પાણીનો નિકાલ કરવા મુંબઈમાં કોઈ વ્યવસ્થા નહોતી. રસ્તા પર વહેતા પાણીને કારણે મચ્છરનો ઉપદ્રવ ખૂબ વધી ગયો હતો એટલે અંગ્રેજ અમલદારોએ આ ગંદા પાણી અને વરસાદના પાણીનો નિકાલ દરિયામાં કરવા માટે જમીન નીચે મસમોટી ટનલ બાંધવાનું નક્કી કર્યું. એ તોતિંગ ટનલો જમીનની અંદર બાંધવાનું અઘરું કામ તેજુકાયા કંપનીએ સફળતાપૂર્વક કર્યું છે અને એ સિસ્ટમ આજે પણ કાર્યરત છે. એશિયાની પહેલી ડ્રેનેજ સિસ્ટમના સર્જક તેજુકાયા પરિવારનું નામ આભમાં આંબવા લાગ્યું.

સવાસો-દોઢસો વર્ષ પહેલાં માલ અને માણસની હેરફેર ગાડામાં કરવામાં આવતી હતી. અંગ્રજો સિવાય કોઈની પાસે મોટરકાર રાખવાના અધિકાર નહોતા. રેલવે પરથી પસાર થવા ટાંગા-ગાડાની સગવડ માટે બ્રિજ બંધાવાનું ચાલુ થયું. દાદરનો ટિળક બ્રિજ, એલ્ફિન્સ્ટન બ્રિજ, મહાલક્ષ્મી બ્રિજ, ભાયખલાના એસ. બ્રિજ જેવા બ્રિજ બાંધવાનું કામ આ કચ્છી કંપનીએ સફળતાપૂર્વક પાર પાડ્યું. એમાંય ભાયખલાનો વાંકડો પુલ બાંધવો એ એક ચૅલેન્જ હતી. આ વાંકોચૂકો બ્રિજ બાંધી સ્થાપત્યનો અદ્ભુત નમૂનો તેજુકાયા કંપનીએ જગતને આપ્યો, કારણ કે એ જમાનામાં બાંધકામની આધુનિક ટેક્નિક શોધાઈ નહોતી. માત્ર અનુભવ, ઇચ્છા અને કોઠાસૂઝથી આ કાર્ય પાર પાડ્યું. ૧૦૦ વર્ષથી વધુ જૂનો આ બ્રિજ આજે પણ અડીખમ ઊભો છે. આ પુલ ગાડીઓ માટે નહીં, બળદગાડીઓ માટે બાંધવામાં આવ્યા હોવા છતાં આજે એના પરથી મોટી મોટી ટ્રકો પણ પસાર થઈ શકે છે!

તેજુબાપાએ અંગ્રેજોનો વિશ્વાસ જીતી લીધો હતો તો તેમના પુત્ર ખીમજીભાઈએ રજવાડાંઓ સાથે સારો ઘરોબો કેળવ્યો હતો. છોટા ઉદેપુરમાં રાજાનો આલાગ્રાન્ડ મહેલ બાંધ્યો તો સૌરાષ્ટ્રના સાતેક ડૅમ બાંધ્યા. ખીમજીભાઈને ઝવેરચંદ મેઘાણી સાથે સારી મિત્રતા હતી. આજની તારીખમાં તેજુકાયા પરિવારની ચોથી પેઢી મુંબઈના વિકાસ માટે કાર્ય કરી રહી છે. તેજુબાપાના પ્રામાણિક અને નિષ્ઠાના મંત્રના પગલે ચાલીને તેમના પૌત્ર પ્રણવભાઈ લાલબાગ, ચિંચપોકલી, માટુંગા ઇત્યાદિ વિસ્તારોમાં અદ્ભુત ટાવરોનું નિર્માણ કરી રહ્યા છે.

લાયન ગેટ, મુંબઈનું પમ્પિંગ સ્ટેશન, ઇરોઝ થિયેટર, દેવલાલી રેલવે સ્ટેશન, ગ્વાલિયર રેલવેલાઇન, નાગપુર સાયન્સ કૉલેજ, દેવલાલીની નિર્મળાબેન ખીમજી તેજુકાયા (જેમાં કમ્પલ્સરી ૭૦ ટકા બાલિકાઓને ઍડ્મિશન આપવાનો નિયમ બનાવ્યો છે), કસ્ટમ હાઉસ, લાયન ગેટ, ઉદ્યોગપતિ તાતાનો બંગલો, જબલપુર, દેહુ, મદ્રાસ, દેવલાલી ઇત્યાદિનાં મિલિટરી ટેનામેન્ટ્સ, નાશિક ટંકસાળ ઇત્યાદિ અનેક જાણીતાં બાંધકામ કરીને મુંબઈ અને દેશના વિકાસમાં તેમણે સિંહફાળો આપ્યો છે.

આ પણ વાંચો : વિશ્વ પ્રસિદ્ધ ગણપતિ લાલબાગચા રાજા શરૂ કરનાર કચ્છી માડુ હતા!

એ જમાનામાં મુંબઈમાં સેલ્ફ કન્ટેઇન ફ્લૅટની પ્રથા શરૂ થઈ નહોતી ત્યારે શ્રીમંતો બંગલામાં અને મધ્યમ વર્ગ તથા મજૂર વર્ગ, મિલ કામદારો ચાલી-સિસ્ટમનાં ઘરોમાં રહેતા. તેજુકાયા પરિવારે લાલબાગ, નાગપાડા, માટુંગા ઇત્યાદિમાં ૧૨૦૦થી વધુ ઘર બાંધી સામાજિક ઉદ્દેશથી મિલમજૂરો અને મધ્યમ વર્ગના લોકોને વિનામૂલ્ય આપી મહિનાનું ભાડું માત્ર ત્રણ રૂપિયા લેવાનું ઠરાવ્યું. તેજુકાયા પરિવારે ધર્મશાળાથી માંડીને કૉલેજો સુધીનાં અનેક બાંધકામો કર્યાનું લિસ્ટ હજી ઘણું લાંબુ છે. આ પરિવારના સામાજિક પ્રદાનની વાતો ફરીથી અલગ લેખમાં કરવાની ઇચ્છા છે. બહુ પ્રસિદ્ધિમાં નહીં આવેલા તેજુકાયા પરિવારના મુંબઈનાં વિકાસકાર્યોને સ્થાન આપીને ‘મિડ-ડે’ તેમને માનવંદના કરે છે.

આવતા મંગળવારે કચ્છી ભાષાને બચાવવા માટે ત્રણેક દાયકાથી સંઘર્ષ કરતી એક સામાજિક સંસ્થાની વાત લખવા વિચારું છું. તો મળીશું મંગળવારે, અસ્તુ. (લેખક અને કચ્છી નાટ્યકાર)

kutch columnists gujarat