દાદર પુલ પર પાંગરેલી સંસ્થા દ્વારા કચ્છી ભાષા બચાવવાનો ૨૮ વર્ષનો સંઘર્ષ

11 June, 2019 02:23 PM IST  |  | વસંત મારુ - કચ્છી કોર્નર

દાદર પુલ પર પાંગરેલી સંસ્થા દ્વારા કચ્છી ભાષા બચાવવાનો ૨૮ વર્ષનો સંઘર્ષ

કચ્છ યુવક સંઘ દ્વારા યોજાયેલા એક નાટકનું દ્રશ્ય

૩૫ વર્ષ પહેલાં કચ્છના પાંચ યુવાનો દાદર રેલવે બ્રિજ પર અવારનવાર મીટિંગો કરી કચ્છની સમસ્યાઓ પર ચર્ચા કરતા. ચર્ચાનો વિષય હતો કચ્છનો દુષ્કાળ, વટાળ પ્રવૃત્તિને અટકાવવી અને કચ્છી સંસ્કૃતિને ટકાવવી તથા મુંબઈમાં એક એવી સંસ્થા શરૂ કરવી જેના નેજા હેઠળ મુંબઈમાં રહેતી કચ્છની તમામ જ્ઞાતિઓને સાંકળી લેવી.

એ પાંચ યુવાનોમાં એક હતા મધ્ય પ્રદેશના કરેલી શહેરના ઉપમેયર (ઉપસભાપતિ) અને હિન્દીના પ્રખર પત્રકાર જેના પત્રકારત્વથી દાઝીને ઇમર્જન્સી વખતે ઇન્દિરા ગાંધીએ તેમને અઢાર મહિના જેલમાં ગોંધી રાખ્યા એ હતા કોમલ છેડા. એક કચ્છી ગુજરાતી પત્રકાર રાષ્ટ્રવાદથી પ્રેરાઈને મધ્ય પ્રદેશમાં પત્રકાર અને ઉપમેયરની પદવી સુધી પહોંચે એ વાત ગજબની હતી.

તો બીજા યુવાન તલકસી ફરિયાની વાત પણ ગજબની હતી. તલકસીભાઈના પિતા વેરશીભાઈ ભચાઉના પ્રખ્યાત ડૉક્ટર હતા. તલકસીભાઈ નાનાદ્દ હતા ત્યારે ભારત-ચીનનું યુદ્ધ ફાટી નીકળ્યું. દેશદાઝથી ભરપુર તલકસીભાઈ ભારતીય સૈનિકો માટે બૂટપાલીસ કરી, નાટકનું આયોજન કરી ફન્ડ ભેગું કરી ડિફેન્સ ફન્ડમાં મોકલ્યું.

એવા જ ત્રીજા યુવાન હતા ડૉ. પંકજ શાહ, અખંડ ભારતની પરિકલ્પના કરનાર ચાણક્યથી પ્રભાવિત થઈ તેમણે ચાણક્ય સિરિયલનું નિર્માણ કર્યું. તેમની સાથે બીજા બે યુવાનો હતા બિલ્ડર મહેન્દ્ર વોરા અને હોટેલના સંચાલક ઈશ્વર છેડા. આ પાંચે વિચારવંત, પ્રખર રાષ્ટ્રવાદી યુવાનોએ કચ્છ યુવક સંઘની સ્થાપના કરી અને તેમની સાથે જોડાયા ફોટોગ્રાફી ક્ષેત્રે કમાલ કરનાર દીપક દેવજી પટેલ અને હાલમાં ગુજરાતી નાટકો, ફિલ્મો ઇત્યાદિને દુનિયાભરમાં ફેલાવનાર શેમારુના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ હેમંત રવજી કારાણી. આ બધાને સાથ મળ્યો જગદીશ દેઢિયા, કાંતિલાલ કારાણી, રમણિક ગડા, ભરત કારાહત, હરખચંદ સાવલા, નરેશ મોતા, લક્ષ્મીચંદ ચરલા ઇત્યાદિ યુવાનોનો અને શરૂ થઈ કચ્છી ભાષા બચાવવાની અનોખી ઝુંબેશ.

૩૫ વર્ષ પહેલાં મુંબઈનાં ઘરોમાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની ફેશન શરૂ થઈ ચૂકી હતી. પરિણામે ગુજરાતી માધ્યમના અંતની શરૂઆત થઈ. ત્યારે જ આ યુવાનોને સમજાઈ ચૂક્યું કે ગુજરાતી ભાષાને આટલું મોટું નુકસાન થઈ ચૂક્યું છે તો કચ્છી ભાષાની વલે થશે? આમેય કચ્છી ભાષા હવે માત્ર બોલીમાં સચવાઈ છે. એનો પણ અંત આવે તો આપણી ખમીરવંતી સંસ્કૃતિ પણ ધીરે-ધીરે અસ્ત થાય. એટલે કચ્છી ભાષા, કચ્છી કલા, સંસ્કૃતિ અને સંસ્કારો તકી રહે એ માટે કચ્છ યુવક સંઘ દ્વારા કચ્છી નાટકોની ભજવણીનો આરંભ થયો, એ પણ અવિરતપણે આજ સુધી એટલે કે ૨૮ વર્ષ સુધી! કચ્છ જિલ્લો એક નાના રાજ્ય જેટલો મોટો છે. જિલ્લામાં ૯૫૨ ગામો છે. (વર્ષો પહેલાં ૧૪૪૦ ગામ હતાં, પણ પાછળથી ઘણાં ગામો ભાંગીને હાલમાં ૯૫૨ ગામ છે.) કચ્છમાં ૧૨૦ જ્ઞાતિઓનો વસવાટ છે. (પ્રખ્યાત વક્તા એકલવીરની ભાષામાં અઢારે આલમની વસતી.) આ બધાં ગામ અને જ્ઞાતિઓ મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં ફેલાયેલી છે. કચ્છ યુવક સંઘ બધી જ્ઞાતિ અને ગામોના લોકો વર્ષમાં એક વાર નાટક પ્રસંગે મળે. એકબીજાના પરિચયમાં આવે, ભાઈચારો કેળવે અને કચ્છીયતને ઉજાગર કરે એવું ઇચ્છતો હતો. પરિણામે કોલાબાથી કલ્યાણ અને વરલીથી વાશી સુધી વિવિધ જગ્યાએ નાટયપ્રયોગ યોજે છે. નાટકને કારણે મુંબઈમાં કચ્છ સંઘઠીત થઈ રહ્યું છે.

૨૮ વર્ષ પહેલાં ગુજરાતી ભાષામાં ઘણા ડબલ મિનિંગ નાટકો આવતાં અને ખૂબ ચાલતાં, પણ સામાજિક હેતુને ધ્યાનમાં રાખી સમાજ સુધારકની ભૂમિકામાં કચ્છી નાટકોએ અદ્ભુત કાર્ય કર્યું છે. નાટકોથી પ્રભાવિત થઈ ઘણા જૂના રિવાજો, રુઢિઓ ધીરે-ધીરે બદલાઈ છે, પણ આર્થિક સમૃદ્ધિને કારણે ઘણા નવા કુરિવાજો પ્રવેશ્યા છે જેમાં લગ્નોમાં દેખાવડો, છૂટાછેડા, કુળદેવીઓની ભભકાદાર પહેડીયો, વૃદ્ધોની અવહેલના, વ્યસનોની બદીઓ, તૂટતા સંયુક્ત કુટુંબો અને કચ્છી સમાજમાં પ્રગતિનું સૌથી મોટું કારણ છે એકબીજાને ભરોસે ચાલતી અર્થવ્યવસ્થા! પણ હવે એમાં અવિશ્વાસનું વાતાવરણ સર્જા‍તાં ભરોસાની સિસ્ટમ તૂટી ચૂકી છે. ઉપરના સવર્‍ વિષયોની છણાવટ કરતાં નાટકો સર્જી‍ સમાજવ્યવસ્થાના નવસર્જનમાં સંસ્થા નક્કર કાર્ય કરી રહી છે.

હાલમાં મુંબઈગરાઓ પાસે સમયનો સખત અભાવ હોય છે. કોઈ સંસ્થા પોતાના ફંક્શનમાં હજાર માણસને આમંત્રણ આપવું હોય તો સાથે જમણવારનો કાર્યક્રમ પણ રાખવો પડે! પણ કચ્છી નાટકોની લોકપ્રિયતા એટલી મસમોટી છે કે પાસ માટે પડાપડી થતી હોય છે. અષાધી બીજ, કચ્છી નવા વર્ષે શરૂ થતા નવા કચ્છી નાટક માત્ર એકાદ મહિનામાં ૩૦,૦૦૦ પ્રેક્ષકો વિનામૂલ્યે નિહાળે છે. આવી ફાટફાટ થતી મોંઘવારીમાં વિનામૂલ્યે નાટક કઈ રીતે બતાવી શકાય? એ પણ ૨૮-૨૮ વર્ષ સુધી? પણ કચ્છ યુવક સંઘની પહેલેથી નીતિ રહી છે કે સામાન્ય માણસ નાટકથી વંચિત ન રહેવો જોઈએ. આવી ઉદાત ભાવનાને વધાવવા દાતાઓ સ્વયં નાટકને સ્પૉન્સર કરે છે. એમાંય છેલ્લાં ચાર-પાંચ વર્ષથી પ્રિન્સના પીયૂષભાઈ ગાંગજી છેડા સંપૂર્ણ નાટકના નિર્માણ દાતા બની કલાપ્રેમ અને સમાજપ્રેમીની સાબિતી આપી છે.

કચ્છી નાટકો માત્ર મુંબઈ પૂરતાં સીમિત નથી રહ્યાં, પણ કચ્છથી કલકત્તા અને કોલ્હાપુરથી કોચીન જ્યાં-જ્યાં ક્ચ્છીઓ વસતા હોય એ શહેરોમાં યુવાન કલાકારો નાટ્યપ્રયોગ માટે પહોંચી જાય એ પણ કોઈ માનધન લીધા વિના. આ યુવાનો એક આખું વર્ષ પોતાનો સમય કચ્છીકલાને આપી સમાજ સેવાનો ઉમદા હેતુ પાર પાડે છે.

વર્ષભરમાં ૬૦,૦૦૦થી ૭૦,૦૦૦ લોકોને વિનામૂલ્યે નાટક બતાવી, લોકોને સમાજ સાથે જોડવા, કચ્છી ભાષા બોલીને બચાવવા, સામાજિક સુધારા લાવવા અને સામાન્યમાં સામાન્ય લોકોના હૃદય સુધી પહોંચી કચ્છીયતને ઉજાગર કરવાનું પ્રચંડ કાર્ય કચ્છ યુવક સંઘ કરે છે.

‘મિડ-ડેની આ કૉલમ લખનાર હું વસંત મારુ, ચિનાઈ કૉલેજ (અંધેરી)માં વર્ષો પહેલાં લેક્ચરરની નોકરી છોડી કચ્છી રંગભૂમિને કર્મભૂમિ બનાવી. પહેલાં જ વર્ષથી અત્યાર સુધી નાટ્ય દિગ્દર્શક અને નિર્માતા તરીકે કાર્ય કર્યું. મારી સાથે કચ્છી ભાષાના વિદ્વાન કવિ ડૉ. વીસનજી નાગડા રૂપાંતરકાર તરીકે જબ્બર કાર્ય કર્યું. આ ત્રિપુટીની ત્રીજી વ્યક્તિ એટલે અભિનેતા અને સહદિગ્દર્શક વિજય ગાલા. આ ત્રણેની ત્રિપુટીએ કચ્છી ભાષામાં મિશનરી તરીકે કાર્ય કરી આ પ્રવૃત્તિને ઉચ્ચ સ્તરે પહોંચાડી છે, કારણ કે દેશની કોઈ સંસ્થા આ રીતે વર્ષો સુધી પણ ભાષાને બચાવવા, સામાજિક સંગઠન વધારવા સામાજિક સુધારાના હેતુ સાથે સમગ્ર ભારતભરમાં વિનામૂલ્યે નાટ્યકલાનું આયોજન આ રીતે કર્યું નથી.

આ પણ વાંચો : મુંબઈને ગામડામાંથી મહાનગર બનાવવા તેજુકાયા પરિવારનું અભૂતપૂર્વ યોગદાન

નાટ્ય પ્રવૃત્તિને કારણે સંસ્થાનો જબ્બર વિકાસ થયો અને અનેક પ્રવૃત્તિઓ શરૂ થઈ જેમાં મુખ્યત્વે એન્કરવાલા રક્તદાન શિબિરો દ્વારા દોઢ લાખ યુનિટ રક્ત એકઠું કર્યું. કચ્છમાં સંસ્થા ત્રણ મોટી શાળાઓ ચલાવી રહી છે. ઉપરાંત પ્રિન્સ ઑર્ગન ડોનેશન મૂવમેન્ટ, કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા મુંબઈમાં લોકદરબાર ઇત્યાદિ અસંખ્ય કાર્યો સંસ્થાની ૧૬ શાખાઓ દ્વારા થઈ રહ્યું છે. કચ્છના ધરતીકંપ વખતે ‘મિડ-ડે’ સહિત મુંબઈનાં તમામ અખબારોએ ભેગો કરેલો ફાળો કચ્છ યુવક સંઘને આપ્યો એટલે સંસ્થાએ કચ્છના ૧૧ ગામોનું પુનર્નિર્માણ કર્યું. આવી તો કેટલીયે પ્રવૃત્તિ થઈ રહી છે. નાટ્ય પ્રવૃત્તિથી આરંભ કરી સંસ્થા સ્વયં એક આંદોલન બની ગઈ છે. સંસ્થાના હાલના પ્રમુખ લક્ષ્મીચંદ ગાલા, નાટ્ય સંયોજક દિલીપ રંભિયા, ટ્રસ્ટી ધીરજ છેડા અને પરેશ શાહ અત્યંત સક્રિય છે. અસ્તુ.

kutch columnists