સૂર અને સંગીત સાથે પા પા પગલી

26 May, 2023 04:54 PM IST  |  Mumbai | Varsha Chitaliya

પાંચ વર્ષથી નીચેની ઉંમરનાં ભૂલકાંઓ માટે તૈયાર કરવામાં આવેલા મ્યુઝિકલ કોર્સમાં શું છે જાણી લો

અનન્યા શેઠ અને નિશા દોશી-દેઢિયા, સંગીત વિશારદ

આજકાલ ટૉડલર-પેરન્ટ્સ મ્યુઝિકલ પ્લેગ્રુપ જૉઇન કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. બાળકના શારીરિક, ભાવનાત્મક, બૌદ્ધિક અને સામાજિક ઘડતરમાં સંગીતનો પ્રભાવ પડે છે એવું વિજ્ઞાન પણ માને છે ત્યારે પાંચ વર્ષથી નીચેની ઉંમરનાં ભૂલકાંઓ માટે તૈયાર કરવામાં આવેલા મ્યુઝિકલ કોર્સમાં શું છે જાણી લો

ઘોડિયામાં સુવડાવેલા છ મહિનાના બાળકને ગમે એટલા હીંચકા નાખો તોય ન સૂએ પણ માતા હાલરડું ગાય કે તરત સૂઈ જાય છે. પ્લેગ્રુપમાં જતા બાળકને ​રિધમિક સાઉન્ડ સાથે કવિતા શીખવવામાં આવે તો એને જલદી મોઢે થઈ જાય છે. ગીતના શબ્દો ન સમજાતા હોય એ ઉંમરમાં બાળક ધૂન સાંભળીને થિરકવા લાગે છે. તબીબી વિજ્ઞાન કહે છે કે છ મહિનાથી પાંચ વર્ષની ઉંમરનાં બાળકોના શારીરિક, ભાવનાત્મક, બૌદ્ધિક અને સામાજિક ઘડતરમાં મ્યુઝિકનો રોલ ખૂબ જ મહત્ત્વનો છે. આજકાલ કિડ્સ મ્યુઝિકલ બૉન્ડિંગ પ્લેગ્રુપ જૉઇન કરવાનો ક્રેઝ પણ વધ્યો છે ત્યારે બાળકના સર્વાંગી વિકાસમાં સંગીતના પ્રભાવ વિશે વાત કરીએ. 

મ્યુઝિક સાથે મૂવમેન્ટ

ઘાટકોપરમાં આવેલી રિધમ ડિવાઇન માલવ સ્કૂલ ઑફ મ્યુઝિકમાં રિયાઝ વિથ નિ‌શા નામથી ક્લાસ કન્ડક્ટ કરતાં સંગીત વિશારદ નિશા દોશી દેઢિયાએ મ્યુઝિક થેરપિસ્ટ તરીકેના પોતાના અનુભવના આધારે તાજેતરમાં પિક-અ-ડૂડલ પ્રી સ્કૂલમાં ટાઇની ટ્યુન્સ નામથી ભૂલકાંઓ માટે સ્પેશ્યલ ક્લાસ શરૂ કર્યા છે. આ વિશે જાણકારી આપતાં તેઓ કહે છે, ‘વિદેશમાં ટૉડલર મ્યુઝિક ક્લાસ નવી વાત નથી, પરંતુ આપણે ત્યાં હજી શરૂઆત છે. નવ મહિનાના બાળકને આપણે ઘરની અંદર આ ઍપલ છે, દાદી છે, કાકા છે એવું શીખવીએ છીએ. કેટલાક ધાર્મિક શબ્દો બોલીએ ત્યારે તેઓ ઍક્શન કરે છે. રિપીટેટેડ શબ્દોથી બાળકો યુઝ્ડ ટુ થઈ જાય છે. આ વિચારમાંથી નવ મહિનાથી પાંચ વર્ષ સુધીનાં ટાબરિયાંઓ માટે મ્યુઝિક ઍન્ડ મૂવમેન્ટ નામનો કોર્સ લૉન્ચ કર્યો છે. નાનાં બાળકો મારી પાસે મ્યુઝિક શીખવા આવે જ છે પણ બાકાયદા કોર્સ પહેલી જૂનથી સ્ટાર્ટ થશે. હાલમાં ડેમો સેશન થઈ ગયાં છે. પાંચ કલેક્શનમાં છ જોનરને કવર કર્યા છે. અઠવાડિયામાં એક દિવસ ક્લાસ પ્રમાણે એક કલેક્શન શીખવાનો કુલ સમયગાળો ત્રણ મહિનાનો છે. બીટ્સ અને રિધમ બધા કલેક્શનમાં હશે. સૉન્ગ્સ અને રિધમને ભારતીય સંગીત ઉપરાંત આફ્રિકન મ્યુઝિકને સાથે પણ વણી લીધું છે. એજ ગ્રુપને ચાર જુદા બૅચમાં વિભાજિત કરવામાં આવ્યા છે. નવ મહિનાથી દોઢ વર્ષનું બાળક એની મમ્મી અથવા પપ્પા સાથે આવશે. આ એજમાં તેઓ ગાઈ નહીં શકે પણ પેરન્ટ્સને ગાતાં સાંભળશે અને મૂવમેન્ટ કરશે. દોઢથી અઢી વર્ષનું બાળક ગણગણવાનો પ્રયાસ કરશે અને તાળી વગાડી તાલ પુરાવશે. અઢીથી સાડાત્રણ વર્ષ અને એનાથી ઉપર પાંચ વર્ષ સુધીનાં બાળકો સૂર પકડી શકશે. મ્યુઝિક થેરપીના કેટલાક ખ્યાલો, સંગીતનું જ્ઞાન અને સિદ્ધાંતોમાંથી પ્રેરણા લઈને સ્પેસિફિક કન્સેપ્ટ સાથે શરૂ કરવામાં આવેલો આ કોર્સ બાળકના ઓવરઑલ ડેવલપમેન્ટ માટે અગત્યનો છે. સંગીતથી એકાગ્રતા વધે અને ધીરજનો ગુણ વિકસે છે. નાની ઉંમરથી પ્રશિક્ષણ શરૂ કરી દેવાથી બાળકના રિફ્લેક્શન અને રીઍક્શનમાં સંગીતનો પ્રભાવ દેખાય છે. આગળ જઈને ડાન્સ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડવામાં અને ગાવામાં એની રુચિ વધશે. કદાચ આ ફીલ્ડમાં ન જાય તો પણ સંગીત માટે પ્રેમ જાગશે.’

લર્નિંગ ઍન્ડ ઍક્ટિવિટી 

મ્યુઝિકલ કોર્સ વિશે વધુ માહિતી આપતાં કાંદિવલીસ્થિત રૉયલ ટ્રિનિટી સ્કૂલ ઑફ મ્યુઝિકના સંસ્થાપક અને સંગીતકાર ગૌરાંગ મહેતા કહે છે, ‘બૉલીવુડ સૉન્ગના બીટ્સ પર ઑટોમેટિકલી તમારા પગ થિરકવા લાગે, કમ્પોઝિશન કાનમાં પડતાં ગીત ગણગણવા લાગો એ પૉઇન્ટ ઑફ વ્યુથી શીખવું અને મ્યુઝિકની સેન્સ ડેવલપ થવી બે જુદી વાત છે. મ્યુઝિક પ્લેગ્રુપમાં ટૉડલર ઑબ્ઝર્વ કરે છે, શીખવાનું નથી. સવારમાં બાળક ઊઠે ત્યારે ઘરમાં ધીમા અવાજે સંગીતના સૂર રેલાતા હશે તો એ હસતાં-હસતાં ઊઠશે. બે વર્ષનું બાળક રમતું હોય ત્યારે બૅકગ્રાઉન્ડમાં મ્યુઝિક સંભળાય તો એની સાયન્ટિફિક અસર થાય. મ્યુઝિકથી હાઇપરનેસ બૅલૅન્સ થાય છે. નાનાં ભૂલકાંઓ માટે તૈયાર કરવામાં આવેલા કોર્સને એક પ્રકારની મ્યુઝિક થેરપી અથવા સેલ્ફ- ઍક્ટિવિટી કહી શકો. સિસ્ટમૅટિકલી લર્નિંગ પ્રોસેસ સાથે એને સરખાવી ન શકાય. સંગીત શીખવા માટે દરરોજ રિયાઝ કરવો પડે. વિવિધ રાગની સમજણ કેળવવી પડે. રિયાઝ માટે અમે લોકોએ સ્પેશ્યલ ટેક્નિક વિકસાવી છે. મુંબઈની બિઝી અને હેક્ટિક લાઇફમાં ટ્રાવેલ કરતાં-કરતાં કઈ રીતે રિયાઝ કરવો એ શીખવીએ છીએ. મારો આટલાં વર્ષનો અનુભવ કહે છે કે પાંચ વર્ષથી નીચેની ઉંમરનાં બાળકો સિન્ગિંગમાં કો-ઑપ નથી કરી શકતાં. પૅન્ડેમિક પહેલાં અમે પણ પાંચ વર્ષથી નીચેનાં બાળકોને જુદા-જુદા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતાં શીખવતા હતા. ઘણી ખણખોદ અને ઑબ્ઝર્વેશન પછી હવે મિનિમમ એજ પાંચ વર્ષ કરી નાખી છે. અત્યારે ટૉડલર માટેનો ટ્રેન્ડ શરૂ થયો છે પણ અમે પેરન્ટ્સને પૈસા વેડફવાની ના પાડીએ છીએ. અમે તેમને સમજાવીએ છીએ કે મ્યુઝિક ક્લાસ પીપલ માટે છે. ઍક્ટિવિટી બધા માટે હોય. જોકે કેટલાંક બાળકો ગૉડ ગિફ્ટેડ પણ હોય છે. 
નાની ઉંમરે તેમને ક્લાસિસમાં મોકલવાં જ હોય તો કીબોર્ડ, ડ્રમ અથવા ગિટાર જેવાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ શીખવી શકાય. કીબોર્ડ સૌથી ઈઝી છે. ઇન્ટરેસ્ટ પેદા થાય તો આગળની તાલીમ વિશે વિચારવું. ત્યાં સુધી વિવિધ ઍક્ટિવિટી તરીકે જ લેવું.’

સંગીતનો પ્રભાવ

 મ્યુઝિક લર્નિંગ બાળકને માનસિક અને શારીરિક રીતે કાર્યરત રાખે છે.  ગીતોમાં માતાના અવાજને ઓળખવાથી તે ભાવનાશીલ બને છે.  સંગીત કલાત્મક અ​ભિવ્યક્તિનું સૌથી સુંદર માધ્યમ હોવાથી પાયાના શિક્ષણનો ભાગ હોવો જોઈએ. મ્યુઝિક તેને ઇમોશન્સ શૅર કરતાં શીખવે છે.  જુદી-જુદી ભાષા સાથે કનેક્ટ થાય છે. ગુજરાતી-હિન્દી ભાષાનાં બાળગીતો ગાતાં શીખવો સંગીત સાથેના કનેક્શનના કારણે આગળ જતાં સર્જનાત્મક પ્રવૃત્તિમાં તેની રુચિ વધે છે. 

 બાળક ઊઠે ત્યારે ઘરમાં ધીમા અવાજે સંગીતના સૂર રેલાતા હશે તો એ હસતાં-હસતાં ઊઠશે.તે રમતું હોય ત્યારે બૅકગ્રાઉન્ડમાં મ્યુઝિક સંભળાય તો એની સાયન્ટિફિક અસર થાય. આને એક પ્રકારની મ્યુઝિક થેરપી અથવા સેલ્ફ-ઍક્ટિવિટી કહી શકો.  - ગૌરાંગ મહેતા, મ્યુઝિક એક્સપર્ટ

અદબ આવી 

ચાર વર્ષની અનન્યા શેઠ મ્યુઝિક સ્કૂલમાં વોકલ શીખવા જાય છે. આ ઉંમરે તેને પિયાનો વગાડતાં પણ આવડે છે. થોડા સમય પહેલાં ફૅમિલી ફંક્શનમાં આ ઢીંગલીએ લવ યુ જિંદગી સૉન્ગ ગાઈને ઉપસ્થિત મહેમાનોનું દિલ જીતી લીધું હતું. પોણાબે વર્ષની હતી ત્યારથી સંગીત શીખે છે એવી જાણકારી આપતાં અનન્યાનાં મમ્મી નિશા શેઠ કહે છે, ‘અમારા ઘરમાં બધાને સૂર અને આલાપની થોડીઘણી સમજ છે. મારી દીકરી બોલતાં ખૂબ વહેલું શીખી ગઈ હતી. ઘરમાં સંગીત વાગતું હોય ત્યારે ગીત સાંભળીને સૂર પકડવાનો પ્રયાસ કરતી. આવડે એવું ગણગણતાં જોઈને મ્યુઝિક ક્લાસમાં મોકલવાનો વિચાર આવ્યો. વૈષ્ણવ હોવાના નાતે નાનપણથી કીર્તન આવડવાં જોઈએ એવો આગ્રહ પણ હતો. કોવિડ પછી ફર્સ્ટ અનલૉક થતાં જ અર્લી એજમાં ટ્રેઇનિંગ આપી શકે એવા પ્રૉપર ક્લાસ શોધી કાઢ્યા. વોકલ પર ધ્યાન આપવાથી તેનામાં અદબ આવી અને ગુરુ-શિષ્ય પરંપરાની સમજણ વિકસવા લાગી. મ્યુઝિકથી સાયન્ટિફિક ફાયદાઓ પણ થયા છે. બલૂન ફુલાવવાની પ્રૅક્ટિસથી ફેફસાંની કસરત થઈ જાય છે. સૂરને લાંબો ખેંચવાથી બ્રીધિંગ પર સરસ કન્ટ્રોલ આવ્યો છે. 

ટ્યુન સાથે સ્કૂલનો અભ્યાસ જલદી યાદ રહી જાય છે. આ કન્સેપ્ટના કારણે માતૃભાષાના અક્ષરો ક, ખ, ગ, ઘ સાથે કનેક્ટ થઈ. સિન્ગિંગની સાથે પિયાનો અને યુક્યુલેલી (નાની સાઇઝનું ગિટાર) પણ વગાડે છે. પારિવારિક પ્રસંગોમાં લવ યુ ઝિંદગી ઉપરાંત ગુજરાતી ગીત મારી લાડકી પર્ફોર્મ કર્યું છે. અત્યાર સુધીમાં ૧૦ ગીતો આવડી ગયાં છે. જોકે ઇન્સ્ટ્રુમેન્ટ્સ સાથે ઍડ્વાન્સ્ડ કોર્સ શીખવા માટે હજી તેની આંગળીઓ નાની છે. સાત વર્ષની થશે પછી શીખવાની ઝડપ વધશે.’

columnists Varsha Chitaliya