અકાઉન્ટન્ટમાંથી બન્યાં આર્ટિસ્ટ

28 February, 2023 02:28 PM IST  |  Mumbai | Varsha Chitaliya

મૉનોટોનસ લાઇફથી કંટાળી ગયેલાં બોરીવલીનાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અવનિ ગાંધીએ પેઇન્ટિંગના પૅશનને બ્રશઅપ કરતાં મળી ગઈ નવી દિશા, હવે પેઇન્ટિંગ પાર્ટી ઑર્ગેનાઇઝ કરી તેઓ લોકોને આર્ટ સાથે જોડાયેલા રહેવા પ્રોત્સાહિત કરે છે

અવની ગાંધી

વર્તમાન સમયમાં મોટા ભાગની વ્યક્તિઓ કરીઅર ઓરિએન્ટેડ બની ગઈ છે. નક્કી કરેલા ગોલ્સને અચીવ કરવા તેઓ સતત કામ, કામ ને કામમાં ડૂબેલી રહે છે. થોડાં વર્ષ પહેલાં સુધી બોરીવલીનાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અવનિ ગાંધીની લાઇફ પણ કંઈક આવી જ હેક્ટિક હતી. મૉનોટોનસ થઈ ગયેલી લાઇફથી આખરે તેઓ કંટાળ્યાં અને એ કંટાળો તેમને લઈ ગયો આર્ટની દુનિયામાં. પછી શું થયું એ જાણવા તેમની સાથે મુલાકાત કરીએ.

કારકિર્દીને લાગી બ્રેક

બાળપણથી કળા પ્રત્યે ઝુકાવ હતો અને અભ્યાસમાં પણ ખૂબ હોશિયાર હતી, બે જુદા વિષયમાં ઇન્ટરેસ્ટ અને કાચી ઉંમર તેથી કારકિર્દી શેમાં બનાવવી એ સ્પષ્ટ નહોતું. આ શબ્દો સાથે વાતની શરૂઆત કરતાં ૩૭ વર્ષની અવનિ કહે છે, ‘અમારા પરિવારમાં ઘણાબધા સભ્યો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ હોવાથી સ્વાભાવિકપણે તેમનો પ્રભાવ રહ્યો. આર્ટ મારા ડીએનએમાં હતું તોય બની ગઈ સીએ. ડિગ્રી હાથમાં આવતાં જ હું ઝળહળતી કારકિર્દી બનાવવા નીકળી પડી. ફાર્મા અને એફએમસીજી ઉદ્યોગમાં મૅનેજમેન્ટ અકાઉન્ટિંગ સ્પેસમાં ૧૧ વર્ષની સક્સેસફુલ કરીઅર બનાવી. ૨૦૦૯માં લગ્ન થયા પછી પતિ અને સાસરિયાંઓએ પણ સપોર્ટ કરતાં આગળ ને આગળ વધતી ગઈ. પ્રથમ ગર્ભાવસ્થા બાદ ખૂબ જ ઓછા સમયમાં ફરીથી કામ શરૂ કરી દીધું હતું. ૨૦૧૭માં બીજી વખત પ્રેગ્નન્ટ થઈ ત્યારે મધરહુડને એન્જૉય કરવા એક વર્ષનો બ્રેક લેવાનું આયોજન હતું, પરંતુ હેલ્થ ઇશ્યુના કારણે આ ગાળો ત્રણ વર્ષ લંબાઈ ગયો એમાં લૉકડાઉન આવી ગયું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે કૉર્પોરેટ ઉદ્યોગમાં પાછા જોડાવાની યોજના પર આ રીતે લાગેલો બીજો બ્રેક મારા જીવન અને કારકિર્દીની દિશા બદલી નાખશે.’

દિલની વાત સાંભળી

અકાઉન્ટન્ટમાંથી આર્ટિસ્ટ તરીકેની જર્ની કઈ રીતે આગળ વધી એ વિશે વાત કરતાં તે કહે છે, ‘પૅન્ડેમિક દરમિયાન બે નાનાં બાળકોને બિઝી રાખવાં ચૅલેન્જિંગ હતું. ફન ઍક્ટિવિટી અને ટાઇમપાસ માટે ડ્રોઇંગ કરતાં-કરતાં મારી અંદરનો કલાકાર જાગી ગયો. આર્ટનું નૉલેજ હતું જ, એને બ્રશઅપ કરવાની જરૂર હતી. ઇન્ટરનેટના સહારે જુદી-જુદી ટેક્નિક્સથી પેઇન્ટિંગ્સ બનાવતી ગઈ. કૅન્વસ પેઇન્ટિંગ, ફૅબ્રિક પેઇન્ટિંગ, કૉફી આર્ટ, પેન્સિલ ઍન્ડ પેન ટેક્નિક્સમાં રસ પડવા લાગ્યો. મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને જ આર્ટ પેજ બનાવી પોસ્ટ કરતી ગઈ. ઠાકોરજીની સુંદર પિછવાઈઓએ મને આર્ટિસ્ટ તરીકેની ઓળખ અપાવી. પરિસ્થિતિ થાળે પડ્યા પછી મૂંઝવણનો દોર આવ્યો, કારણ કે ત્યાં સુધીમાં પૅશન સાથે રીકનેક્ટ થઈ ગઈ હતી. મારી કરીઅરને ખરેખર ચાહતી હતી પણ હૃદયમાં શૂન્યતાનો એહસાસ થયો. ટ્રેન પકડીને બીકેસી જવાનું, હેક્ટિક વર્કિંગ અવર્સ સામે ઝઝૂમવાનું અને થાકીને ઘરે આવવાનું. ભાગમભાગ વાળી મૉનોટોનસ લાઇફ જીવવી છે કે ક્રીએટિવ ઍક્ટિવિટી કરવી છે? અંદરથી અવાજ આવ્યો, ‘આ જ સાચો સમય છે તારા જુસ્સાને જગાવવાનો, પૅશન સાથે જોડાયેલા રહેવાનો અને સંતાનો સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરવાનો.’ ઘણી ગડમથલ બાદ મેં દિલની વાત સાંભળી. વાસ્તવમાં લોકોએ મને હંમેશાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે જોઈ હોવાથી મારા આ પગલાને પડકાર્યું હતું. ફૅમિલી અને મિત્રોનો ટેકો મળતાં કંઈક અલગ શરૂ કરવા માટે હિંમત એકઠી કરી શકી.’

પ્રયોગો સફળ થયા

પેઇન્ટિંગ્સ બનાવો ને સેલ કરો, કમર્શિયલ આર્ટિસ્ટની આ વ્યાખ્યા મારા ગળે નથી ઊતરતી. કંઈક હટકે કરવું છે એ ક્લિયર હતું એમ જણાવતાં અવનિ કહે છે, ‘૨૦૨૨માં લાંબા સમય બાદ જોરશોરથી નવરાત્રિનું આયોજન થવાનું હતું. આ તકને ઝડપીને પેઇન્ટિંગમાં નવતર પ્રયોગ કર્યો. ગ્રાઉન્ડમાં ગરબા રમતી વખતે પહેરવામાં આવતાં શૂઝ પર ચિત્રો બનાવ્યાં. ચણિયાચોળી સાથે મૅચ થઈ જાય એ માટે આભલાં પણ ચોંટાડ્યાં. પર્સનલ યુઝ માટે બનાવ્યાં હતાં પણ સુપરહિટ થઈ ગયાં. વાસ્તવમાં મારો હેતુ પેઇન્ટિંગ સેલ કરવાનો નથી, હજી સુધી એકેય આર્ટવર્કનું વેચાણ નથી કર્યું. લોકોને શીખવવામાં અને ચિત્રો દોરવા પ્રોત્સાહિત કરવામાં વધારે રસ હોવાથી ઑનલાઇન ડ્રોઇંગ ક્લાસ લેવાની સાથે નવા પ્રયોગો કર્યા.’

આપણે ત્યાં કિટી પાર્ટી, બર્થ-ડે પાર્ટી, વેડિંગ ઍનિવર્સરીનું સેલિબ્રેશન વગેરે જુદી-જુદી પાર્ટી ઑર્ગેનાઇઝ કરવાનો ટ્રેન્ડ છે. વિદેશમાં આર્ટ પાર્ટી ખાસ્સી લોકપ્રિય છે એવી જાણકારી આપતાં અવનિ કહે છે, ‘આર્ટ પાર્ટીનો કન્સેપ્ટ અટ્રૅક્ટિવ લાગતાં એમાં ઝંપલાવ્યું. દાખલા તરીકે તમારા સંતાનનો જન્મદિવસ છે તો ગેમ્સની સાથે એક કલાકનો સમય પેઇન્ટિંગ પાર્ટી માટે ફાળવો. કાર્ટૂન કૅરૅક્ટર, ઍનિમલ, કાર, આઇસક્રીમ કે કોઈ પણ ચિત્ર દોરતાં શીખવી શકાય. બચ્ચાંપાર્ટીને કલર્સ સાથે રમવાની મજા પડી જશે. ડ્રોઇંગ સાથે બાળકોનો ગ્રુપ ફોટો ક્લિક કરી મમ્મીઓ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરે છે. એક વાર વડીલોને આ પ્રવૃત્તિ કરાવી હતી. તેઓ ખુશ થઈ ગયા. ઇવેન્ટ માટે સાથે મળીને ટી-શર્ટ્સ પેઇન્ટ કરવાનું લોકોને ગમે છે. કોઈ પણ સેલિબ્રેશન અથવા પબ્લિક ઇવેન્ટ સાથે પેઇન્ટિંગની થીમને જોડીને નવું-નવું ઘણું કરી શકાય. પેઇન્ટિંગ પાર્ટી ઑર્ગેનાઇઝ કરવાથી મારું પૅશન પ્રોફેશનમાં પરિવર્તિત થઈ ગયું. હવે કૉર્પોરેટ વર્લ્ડ છોડવાનો વસવસો નથી રહ્યો.’

columnists Varsha Chitaliya