પાર્ટનર પણ પગભર જોઈએ

27 February, 2023 01:20 PM IST  |  Mumbai | Varsha Chitaliya

પરણવાલાયક મુરતિયાઓ હવે નોકરિયાત યુવતીને ફર્સ્ટ પ્રેફરન્સ આપતા હોવાનું જાણીતી મૅચમેકિંગ વેબસાઇટ દ્વારા કહેવાયું છે. છોકરી ઓછી આકર્ષક હોય કે એની રસોઈ ઠીકઠાક હોય એમાં યુવાનોને ખાસ વાંધો નથી, પરંતુ આત્મનિર્ભર હોવી જોઈએ એવું તેઓ ઇચ્છે છે

સંકેત હરિયા અને ખુશ્બૂ ગડા, મોહિત પટેલ અને કિંજલ મહેતા, હિનલ દેસાઈ અને ધ્રુવ નાયક

જીવનસંગિનીની પસંદગીના બદલાયેલા માપદંડનાં કારણોની ખણખોદ કરવા નવા પરણેલા યુવાનોને મળીએ

કન્યા જોઈએ છે... સુંદર, સુશિિક્ષત, સુશીલ અને ઘરકામમાં હોશિયાર.

લગ્નવિષયક આવી જાહેરાતો સૌએ વાંચી હશે. થોડાં વર્ષ અગાઉ સુધી આપણા દેશમાં પરણવાલાયક છોકરીમાં આટલા ગુણો હોય તેમ જ છોકરો સારું કમાતો હોય તો જોડી જામી જતી. સમયની સાથે મૅચિંગ પાર્ટનર માટેની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. આર્થિક રીતે સ્વતંત્ર હોય એવી કન્યા આજના મુરતિયાઓની પ્રથમ પસંદગી હોવાનું એક સર્વેમાં જાણવા મળ્યું છે. ઇન્ડિયાઝ મોસ્ટ પૉપ્યુલર મૅચમેકિંગ પ્લૅટફૉર્મ શાદી ડૉટ કૉમ દ્વારા જીવનસાથીમાં કેવા ગુણો હોવા જોઈએ એ વિષય પર રસપ્રદ માહિતી એકત્રિત કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૨માં કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને અમદાવાદથી લઈને આસામ સુધીના ૧.૬ મિલ્યન મુ​રતિયાઓના બાયોડેટાની ચકાસણી કરતાં તારણ નીકળ્યું હતું કે આજના યુવકોને રૂપાળી અને ઘરકામમાં હોશિયાર કન્યાની તુલનામાં આત્મનિર્ભર યુવતી વધુ પસંદ છે. સર્વે દરમિયાન યુવા ભારતની અનોખી તસવીર સામે આવી છે ત્યારે જીવનસંગિનીની પસંદગી માટેના બદલાયેલા માપદંડનાં કારણોની ખણખોદ કરીએ.

ફ્યુચર સિક્યૉર કરવું જરૂરી

ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા દહિસરના ધ્રુવ નાયક અને બૅન્કમાં જૉબ કરતી હિનલ દેસાઈનાં લગ્નને ત્રણ મહિના થયા છે. જીવનસંગિનીની પસંદગી કરતી વખતે શું વિચાર્યું હતું એવા સવાલનો જવાબ આપતાં ધ્રુવ કહે છે, ‘મારો માઇન્ડસેટ ફિફ્ટી-ફિફ્ટી હતો. જૉબ કરતી હોય તો ઠીક છે અને ન કરતી હોય તો પણ વાંધો નહોતો. અમારાં લગ્નને ઝાઝો સમય નથી થયો, પરંતુ સગાઈ એક વર્ષ રહી હતી. સગાઈ અને લગ્ન વચ્ચેના ગાળામાં મને ખયાલ આવ્યો કે ઇન્ડિપેન્ડન્ટ યુવતીઓમાં ગજબનો આત્મવિશ્વાસ હોય છે. આધુનિક વિચારણસરણીના કારણે તેની સાથે અલગ જ લેવલનો કમ્ફર્ટ ઝોન હોય છે. વર્તમાન માહોલમાં મહિલાઓ માટે આવક કરતાં દુનિયાદારીને સમજવી અગત્યનું છે. ઘરની બહાર નીકળશે તો ખ્યાલ આવશે કે દુનિયા ઘણી આગળ નીકળી ગઈ છે. ફૅમિલી નાનું હોવાથી મૅનેજ થઈ જાય છે અને જરૂર પડે ઘરકામ માટે ડોમેસ્ટિક હેલ્પર રાખવાનો ઑપ્શન છે પછી હિનલને બહારની દુનિયાનું એક્સપોઝર મળવું જોઈએ. બીજું એ કે આજે દરેક કપલને લાઇફમાં લક્ઝરી અને ફાઇનૅન્શિયલ સિક્યૉરિટી જોઈએ છે. સેવિંગ તેમ જ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી પણ બન્ને કમાતાં હોય એ સારું કહેવાય. દરેક પુરુષે પોતાની વાઇફને આત્મનિર્ભર રહેવા માટે સપોર્ટ કરવો જોઈએ. બહાર જઈને કામ ન કરવું હોય તો ઘરમાં નાનો-મોટો બિઝનેસ કરવા પ્રોત્સાહિત કરો.’

સાથે-સાથે ગ્રોથ થાય

વર્કિંગ ગર્લ સાથે જ લગ્ન કરવાં એવો આગ્રહ નહોતો રાખ્યો, પરંતુ નોકરી કરતી હોય એવી છોકરીને પ્રેફરન્સ આપવાનું ચોક્કસ વિચાર્યું હતું. આ મહિને લગ્નની ફર્સ્ટ વેડિંગ ઍનિવર્સરી સેલિબ્રેટ કરી ચૂકેલા બોરીવલીમાં રહેતાં જયહિંદ કૉલેજના પ્રોફેસર મોહિત પટેલ આવી વાત કરતાં કહે છે, ‘મૅરેજ એવી રિલેશનશિપ છે જેમાં બે વ્યક્તિનો સાથે-સાથે ગ્રોથ થવો જોઈએ. ઑડિટ ફર્મમાં કામ કરતી મારી વાઇફ કિંજલ મહેતાનો પર્સનલ ગ્રોથ અને કરીઅર ગોલ્સ પણ એટલા જ મહત્ત્ના છે. એજ્યુકેટેડ ગર્લને હાઉસવાઇફ બનાવી દેવાથી તેની લાઇફ મૉનોટોનસ બની જાય. એક પાર્ટનરને બહાર એક્ઝપોઝર મળે અને બીજું ઘરમાં બંધાઈને રહે ત્યારે તેનામાં નેગેટિવ થૉટ્સ ડેવલપ થાય અને લાંબા ગાળે ફ્રસ્ટ્રેટ થઈ જવાય. ફ્ર્સ્ટ્રેશનથી કોઈ ખુશ ન રહી શકે. પુરુષ હોય કે સ્ત્રી, કામકાજ વગર મગજ કાટ ખાઈ જાય. પછી તમે નાની-નાની અને નકામી વાતોમાં રસ લેતાં થઈ જાઓ છો. ડે-ટુ-ડે લાઇફમાં બિઝી રહેવાથી તમારું માઇન્ડ પ્રોડક્ટિવ વર્ક કરવાની દિશામાં વિચારે છે. આર્થિક સ્વતંત્રતાથી સ્ત્રીઓની નિર્ણયશક્તિ પણ ખીલે છે. આવાં અનેક કારણોસર આજનો યુવક વર્કિંગ ગર્લમાં પર્ફેક્ટ લાઇફ પાર્ટનર જુએ છે.’

ચેરી ઑન ધ કેક

સીએસ, એલએલબી ભણેલી ખુશ્બૂ ગડા સાથે દસ મહિના પહેલાં લગ્નગ્રંથિથી જોડાયેલા ચેમ્બુરના સીએ સંકેત હરિયા ઉપરોક્ત સર્વે સાથે સહમત થતાં જણાવે છે, ‘હવે મેલ ડૉમિનેટેડ જમાનો રહ્યો નથી. મારા ઘણાબધા ફ્રેન્ડ્સની વાઇફ વર્કિંગ છે. અમારી થૉટ પ્રોસેસ પ્રમાણે વાઇફની આવકનો આંકડો મહત્ત્વનો નથી, પરંતુ તેનું માઇન્ડ ક્યાંક ચાલતું રહેવું જોઈએ. આઉટસાઇડ વર્લ્ડ સાથે કનેક્ટેડ રહેવાથી તેમ જ જુદા-જુદા લોકોને મળવાથી તેને પોતાની સ્ટ્રેંગ્થ અને વીકનેસની ખબર પડે છે. એક્સપોઝર મળવાથી સ્કિલ ડેવલપ થાય છે. ખુશ્બૂ પોતાના કામની સાથે ​ક્રીએટિવ બિઝનેસ પણ કરે છે. આજની નારી ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી બધાં કામ કરી શકે એટલી સક્ષમ છે. સામાજિક બંધનના કારણે અગાઉ મહિલાઓની લાઇફ ઘણી સ્લો હતી. ઘરખર્ચ માટે આપવામાં આવતી રકમમાં પૂરું કરવામાં તેમની જરૂરિયાતો બાજુ પર રહી જતી. વિકાસશીલ જમાનામાં આવું નથી ચાલવાનું. મારી વાઇફ લક્ઝરી ડિઝર્વ કરે છે. હું તેને બધું આપી શકું પણ સમય લાગે. આત્મનિર્ભર મહિલાઓને લક્ઝરી ભોગવવા માટે રાહ નથી જોવી પડતી. તેની ઇન્કમ ચેરી ઑન ધ કેક જેવી છે. સેવિંગ કરે, ઇન્વેસ્ટ કરે કે લક્ઝરી પ્રોડક્ટ વાપરે. આડકતરી રીતે મેલ પાર્ટનરનું બર્ડન ઓછું કરે છે.’

બીજાં કયાં કારણો?

જીવનસાથીની પસંદગીમાં યુવાનોના બદલાયેલા વલણ વિશે વાત કરતાં સાઇકોથેરપિસ્ટ અને લાઇફ કોચ નીતા શેટ્ટી કહે છે, ‘આજના યુવાનો વર્કિંગ ગર્લ સાથે લગ્ન કરવા માગે છે એનાં જુદાં-જુદાં કારણોમાં મુખ્ય કારણ છે મોંઘવારી. સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગ હાઈ રાખવા બન્નેએ કામ કરવું પડશે. નોકરિયાત મહિલાઓમાં અન્ડરસ્ટૅન્ડિંગ વધારે હોય છે. પોતે પણ કરીઅર ઓરિએન્ટેડ હોવાથી પતિના કરીઅર ગોલ્સ, પ્રોફેશનલ કમિટમેન્ટ્સ અને વર્કિંગ અવર્સને સારી રીતે સમજી શકે છે. એજ્યુકેશનના કારણે કમ્પૅટિબિલિટી બની રહે છે. અન્ય કારણોમાં વાઇફ બહાર વધુ સમય વિતાવે તો ઘરની અંદર સાસુ-વહુ ડ્રામા પર બ્રેક લાગી જાય. આજના યુવકને આ પ્રકારના નૉન્સેન્સ સુલઝાવવામાં સમય નથી વેડફવો. વાઇફ પોતાનામાં વ્યસ્ત રહે તો ઘરેલુ કંકાસ ઓછા થાય. ઘરમાં ગોંધાઈ રહેતી મહિલાઓ શંકાશીલ હોય છે જ્યારે વર્કિંગ વિમેન બ્રૉડ-માઇન્ડેડ હોય છે. હસબન્ડના મોબાઇલ પર અન્ય મહિલાના મેસેજ કે ફોન-કૉલ્સથી તેને આંચકો નથી લાગતો. આજકાલ વિમેન સોલો ટ્રિપ અને ગર્લ્સ ગૅન્ગ પાર્ટી કૉમન થઈ ગઈ છે. આવા ખર્ચાઓ વાઇફ જાતે ઉપાડી લે તો હસબન્ડને રાહત થાય છે. નવું ઘર લેવા માટે હાઉસિંગ લોન મળવી ઈઝી થઈ જાય છે અને ભવિષ્યમાં સંતાનોને સારી સ્કૂલમાં ભણાવી શકાય. વર્કિંગ વિમેન સાથે લગ્ન કરવાની ડિમાન્ડ રાખવી એ બન્ને માટે આવકારદાયક પગલું છે.’

columnists Varsha Chitaliya