ઇન આંખોં કી મસ્તી કે

06 January, 2023 06:00 PM IST  |  Mumbai | Varsha Chitaliya

આંખોની ભાષાને પીંછીથી વાચા આપનારી બોરીવલીની જુહી પટેલના દરેક પેઇન્ટિંગમાં તમને કોઈ વાર્તા વાંચવા મળશે. ચિત્રમાં આંખોને એન્હૅન્સ કરી આ ગર્લે વિમેન એમ્પાવરમેન્ટ, સમાધિમાં લીન મહાદેવજી અને રાધાકૃષ્ણના પ્રેમનું સુંદર વર્ણન કર્યું છે

જુહી પટેલ

ગાલિબથી ગુલઝાર સુધીના દરેક યુગમાં કવિઓએ આંખોની ખૂબસૂરતી પર અઢળક કવિતાઓ લખી છે. પરંપરાગત ભારતીય નૃત્યોમાં આંખોના હાવભાવને શ્રેષ્ઠ અદાકારી માનવામાં આવે છે. કહેવાય છે કે માનવ શરીરમાં આંખો સૌથી બોલકી હોય છે. આપણાં ઇમોશન્સને વ્યક્ત કરવા માટેનો સૌથી સુંદર જરિયો આંખો હોવાનું સાયન્સે પણ સ્વીકાર્યું છે. આવી પ્રભાવશાળી આંખોને ચિત્રકારોએ પણ એટલી જ સુંદરતાથી પ્રસ્તુત કરી છે. પીંછી વડે આંખોની ભાષાને રજૂ કરનારી આવી જ એક આર્ટિસ્ટ છે બોરીવલીની ૨૪ વર્ષની જુહી પટેલ. પેઇન્ટિંગ્સના માધ્યમથી નયનોનાં કામણ પાથરવાની પ્રેરણા આ યંગ ગર્લને ક્યાંથી મળી જાણીએ.

એક્સપ્રેસિવ આઇ

વેરી યંગ એજથી ચિત્રો દોરવાનું ગમતું જ હતું. સ્કૂલ લાઇફમાં જિસસ ક્રાઇસ્ટના ચિત્રમાં દોરેલી આંખોના લીધે શિક્ષકો અને ક્લાસમેટ્સનું અપ્રિશિએશન મળતાં મોટિવેટ થઈ હતી. આપણી આંખો બહુ એક્સપ્રેસિવ છે તેથી રિયલ લાઇફમાં પણ લોકોની આંખોમાં ડોકાઈને એના મનના ભાવ જાણવાની ઉત્સુકતા હોય. જોકે હાયર સ્ટડીઝ અને કરીઅર ગોલ્સના લીધે ચિત્રો દોરવાનો સમય મળતો નહોતો. પૅન્ડેમિકમાં લાંબા બ્રેક બાદ રંગો અને પીંછી વડે ઇમોશન્સને રજૂ કરવાની તક મળી. આવી વાત કરતાં જુહી પટેલ કહે છે, ‘મારું માનવું છે કે બે વ્યક્તિ વચ્ચેના સંવાદમાં આંખોની ભૂમિકા ઘણી અગત્યની છે. પ્રેમ, ગુસ્સો, દયા, વેદના બધું જ આંખથી વ્યક્ત કરી શકાય. કોરોનાકાળમાં વિવિધ પ્રકારની લાઇન્સ ડ્રો કરી આંખો દોરવાનું શરૂ કર્યું. આઇમાં મને જે ડીપનેસ દેખાય છે એને બહાર લાવવી હતી. અનસીન ફીચર્સને ડ્રો કરવાં અઘરું છે તેથી શરૂઆતમાં પર્ફેક્શન નહોતું, પરંતુ ઇમ્પર્ફેક્શનમાં પણ કોઈ ભાવ છુપાયેલા હોય એવું પ્રતીત થતાં કોશિશ જારી રાખી. વાસ્તવમાં મને આઇબ્રો ડ્રો કરતાં નહોતી આવડતી. કીકી, પાંપણ અને આઇબ્રો એમ બધું જ પર્ફેક્ટ પ્રપોર્શનમાં બની રહ્યું છે એવો સંતોષ થયા બાદ આખું ચિત્ર બનાવ્યું. હું સેલ્ફ-લર્નર છું અને દરેક પેઇન્ટિંગમાં સૌથી પહેલાં આંખો દોરું, એ ગમે પછી આગળની લાઇન્સ બનાવું.’

પાવર ઑફ આઇ

આપણે ત્યાં સ્ત્રીને શક્તિ સ્વરૂપ માનવામાં આવે છે. પેઇન્ટિંગ્સમાં વિમેન એમ્પાવરમેન્ટને હાઇલાઇટ કરવા આંખોને એન્હૅન્સ કરી છે એમ જણાવતાં તે કહે છે, ‘કોઈ પણ વ્યક્તિનાં ઇમોશન્સ સાથે કનેક્ટ થવા માટે આંખોની ભાષાને સમજવી પડે. મારાં પેઇન્ટિંગ્સની ખાસિયત આંખો હોવાથી સ્કેચ બનાવવામાં વધુ રસ છે. સ્ત્રીઓની આંખો બોલકી હોય છે. એની અંદર અનેક રહસ્યો છુપાયેલાં છે. સ્ત્રીનું વ્યક્તિત્વ ગૌરવશાળી અને શક્તિશાળી છે, ભવિષ્યનો એને ભય નથી એવો મેસેજ આપતું પેઇન્ટિંગ ઘણા લોકોએ પસંદ કર્યું હતું. ખુલ્લી આંખોની ભાષા જુદી હોય છે અને બંધ આંખોની જુદી. વિમેનની એલિગન્ટ આ​ઇ મને અટ્રૅક્ટ કરે છે. આંખનાં ઇમોશન્સ સાથે ચહેરાના હાવભાવ મૅચ થાય ત્યારે ક્મ્પ્લીટ પેઇન્ટિંગ બને. હાવભાવ બતાવવા જુદા-જુદા આકારની આંખો દોરી રંગો વડે એને પાવરફુલ બનાવી છે. ડિજિટલ ઇલસ્ટ્રેશન્સમાં પણ આઇને હાઇલાઇટ કરી છે.’

અભિવ્યક્તિની ભાષા

માઇથોલૉજિકલ પેઇન્ટિંગ્સમાં મારો ભાવ પ્રગટ થાય એવો પ્રયત્ન કરતી રહું છું એવી જાણકારી આપતાં જુહી કહે છે, ‘માઇથોલૉજિકલ સ્ટોરીને આંખના માધ્યમથી કૅન્વસમાં રજૂ કરવાનું ખૂબ ગમે. એક પેઇન્ટિંગમાં કૃષ્ણનાં નેત્રોમાં રાધાજીનો ગ્રીન સ્કિન-ટોન પૂર્યો છે. ​પેઇન્ટિંગ્સમાં બન્નેની આંખોના તેજને ફોકસમાં રાખ્યું છે, બાકીનું ચિત્ર ડલ છે. રાધા-કૃષ્ણના પ્રેમને વ્યક્ત કરતું આ પેઇન્ટિંગ મારા દિલની ખૂબ નજીક છે. મહાદેવજી સમાધિમાં લીન હોય એવો ભાવ દર્શાવવા નેત્રોને બંધ રાખ્યાં છે અને ક્રોધિત ચહેરો બતાવવા આંખોને ખુલ્લી રાખી છે. ગૌતમ બુદ્ધનું પેઇન્ટિંગ પીસફુલ મુદ્રામાં છે. આ સિવાય પણ ઘણાંબધાં માઇથોલૉ​જિકલ પેઇન્ટિંગ્સ બનાવ્યાં છે. વૉટર કલર, ઍક્રિલિક, ઑઇલ પેઇન્ટ વગેરે ફૉર્મ યુઝ કરીને અઢળક ચિત્રો બનાવ્યાં છે. કૅન્વસ ઉપરાંત ફૅબ્રિક પેઇન્ટિંગ કર્યાં છે. ઑઇલ પેઇન્ટ મારું મનગમતું ફૉર્મ છે.’

માસ મીડિયાની ડિગ્રી ધરાવતી જુહી પોતાના પૅશન સાથે કનેક્ટેડ રહેવા માગે છે. ઇન્સ્ટા પેજ રંગ દે બાય જુહી પટેલ પર સમયાંતરે સ્ટોરી સાથે પોતાનું આર્ટવર્ક પોસ્ટ કરતી રહે છે. આર્ટની સમજને એક લેવલ આગળ લઈ જવા તેમ જ એમાંથી એક્સ્ટ્રા ઇન્કમ ઊભી કરવા તેણે ગ્રાફિક ડિઝા​ઇનિંગનો કોર્સ કરી લીધો. બીએમસી દ્વારા બોરીવલી વેસ્ટમાં મૂકવામાં આવેલા ડિસ્પ્લેને પેઇન્ટ કરવામાં પણ આ યંગ ગર્લે યોગદાન આપ્યું છે. જુદા-જુદા આર્ટ ફૉર્મમાં હાથ અજમાવ્યા બાદ હવે તે લોકોના ઘરોમાં વૉલ પેઇન્ટિંગ કરી આપે છે. ડિજિટલ ઇલસ્ટ્રેશનમાં ઇનોવેશન્સ ઍડ કરી તેણે વિવિધ પ્રકારનાં ઇન્વિટેશન કાર્ડના ઑર્ડર લેવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ૧૫ જેટલાં પેઇન્ટિંગ્સને સેલ કર્યા પછી હાલમાં તેની પાસે ૨૫થી વધુ પેઇન્ટિંગ્સનું કલેક્શન છે. જુહીનું ડ્રીમ છે કે એક દિવસ તેના બનાવેલાં પેઇ​ન્ટિંગ્સનું એક્ઝિબિશન થાય અને કલાના કદરદાનોની વાહવાહી મળે.

માઇથોલૉજિકલ ચિત્રોમાં મારો ભાવ પ્રગટ કરવાનો પ્રયત્ન કરું છું. રાધાકૃષ્ણના પ્રેમને દર્શાવવા પેઇન્ટિંગમાં કૃષ્ણનાં નેત્રોમાં રાધાજીનો ઑરેન્જ કલર પૂર્યો છે તો સમાધિમાં લીન મહાદેવજીના ચિત્રમાં આંખો બંધ રાખી છે. - જુહી પટેલ

columnists Varsha Chitaliya