ઊંડા ઊતરીને મેળવી ઊંચી સિદ્ધિ

24 February, 2023 03:05 PM IST  |  Mumbai | Varsha Chitaliya

મહાસાગરનાં ઊછળતાં મોજાંની વચ્ચે ઝંપલાવીને તેમ જ નદીના ઠંડા પાણીમાં તરીને મેડલોનો ઢગલો કરનારી ગોરેગામની ૧૮ વર્ષની હેત્વી શાહે નાની ઉંમરમાં લાંબા અંતરની ઓપન વૉટર સ્પોર્ટ્‍સ માં સૌથી વધુ વખત તરવાનો રેકૉર્ડ બનાવ્યો છે

હેત્વી શાહ

મલેશિયાની પેરહેન્ટિયન આઇલૅન્ડની ૧૬ કિલોમીટર સ્વિમિંગ મૅરથૉનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી પ્રથમ ટીનેજર, પુણે ખાતે કાસરસાઈ ડૅમમાં ૧૦ કિલોમીટર પાવરપીક્સ ચૅમ્પિયનશિપમાં ત્રીજું સ્થાન, રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં આદ્રીથી વેરાવળ સુધીનું ૧૬ માઇલનું અંતર ૭ કલાક ૨૭ મિનિટ અને ૧૧ સેકન્ડમાં તરવું, પશ્ચિમ બંગાળમાં ભાગીરથી નદીમાં ૧૯ કિલોમીટર અને બિહારમાં પટના ખાતે નૅશનલ ગંગા રિવર લૉન્ગ ડિસ્ટન્સ ચૅમ્પિયનશિપમાં ૧૩ કિલોમીટર સ્વિમિંગ સ્પર્ધા સફળતાપૂર્વક પૂરી કરવી, તક્ષશિલા ઓપન વૉટર લૉન્ગ ડિસ્ટન્સ સ્વિમિંગ કૉમ્પિટિશનમાં આઠમું સ્થાન, આ યાદી ઘણી લાંબી છે. દેશભરની નદીઓ, તળાવો અને મહાસાગરમાં લાંબા અંતરની ઓપન વૉટર સ્પોર્ટ્સ કૉમ્પિટિશનમાં નાની ઉંમરમાં સૌથી વધુ વખત તરવા માટે ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવનારી ગોરેગામની ૧૮ વર્ષની હેત્વી શાહે પાણીમાં ઊંડા ઊતરીને ઊંચી સિદ્ધિઓ હાંસલ કરી છે. આ પાણીદાર ટીનેજરે પાણી સાથે પાકી દોસ્તી કઈ રીતે કેળવી એની રોમાંચક વાતો જાણીએ. 

મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે

મુંબઈની નગીનદાસ ખાંડવાલા કૉલેજમાં સેકન્ડ યર બૅચલર્સ ઑફ આર્ટ્સ (એસવાયબીએ)માં અભ્યાસ કરતી હેત્વીએ માત્ર સાત વર્ષની ઉંમરે દરિયાના પાણીમાં ઝંપલાવ્યું હતું. બાળપણમાં કરેલા સાહસ વિશે વાત કરતાં તે કહે છે, ‘એ ઉંમરમાં ઍડ્વેન્ચરસ સ્પોર્ટ્સ કોને કહેવાય એની સમજણ નહોતી. મમ્મીનું કહેવું છે કે પ્રી-મૅચ્યોર્ડ બેબી હોવાના કારણે હું ચાલતાં મોડું શીખી હતી. મારી ઉંમરનાં બીજાં બાળકોને ચાલતાં જોઈને તેઓ મને ડૉક્ટર પાસે લઈ ગયાં. ફિઝિયોથેરપિસ્ટે સ્વિમિંગ શીખવવાની સલાહ આપી. આ તો ગમતું હતું અને વૈદે કહ્યા જેવું થયું. વાસ્તવમાં મારા પપ્પા સ્વિમર છે. તેમણે પણ ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. બાળપણમાં તેઓ મને અંધેરી સ્પોર્ટ્સ ક્લબમાં સ્વિમિંગ શીખવા લઈ ગયા. ઉપાય તરીકે શરૂ થયેલી એક્સરસાઇઝે ઍડ્વેન્ચરસ સ્પોર્ટ્સના દરવાજા ખોલી નાખ્યા. પાણી સાથે પાક્કી દોસ્તી થઈ ગઈ છે એ જોઈને પપ્પાએ મને ૫૦૦ મીટરની કૅટેગરીમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરી. સાત વર્ષની ઉંમરે મહારાષ્ટ્રના માલવણ ખાતે ઓપન વૉટર કૉમ્પિટિશનમાં ભાગ લીધો. અરબી સમુદ્રનાં ઊછળતાં મોજાંની સાથે ૧ કિલોમીટર તરવાની મજા પડી. બસ, ત્યારથી પાછા વળીને જોયું નથી.’ 

આત્મવિશ્વાસથી છલોછલ

સ્વિમિંગ-પૂલની સ્પર્ધા અને ઓપન વૉટર કૉમ્પિટિશનમાં મોટો ફરક છે. નીચે પાણી અને ઉપર આકાશ. એકદમ જોખમી કહી શકાય એવી સ્પર્ધામાં ભાગ લેવા માટે મનોબળ મજબૂત જોઈએ એવી વાત કરતાં હેત્વી કહે છે, ‘ઓપન વૉટરમાં તરવું ખૂબ અઘરું છે. દરિયાનાં ઊછળતાં મોજાંની વચ્ચેથી મારગ કરીને આગળ વધવામાં તમારી શારીરિક અને માનસિક કસોટી થઈ જાય. તમે નથી બોલી શકતા કે નથી સાંભળી શકતા. સૂસવાટા મારતો પવન અને ઠંડું પાણી. જેલી ફિશ અને ક્રૅબ્સ બાઇટ કરે. મલેશિયામાં આયોજિત સ્પર્ધામાં ઘણીબધી જેલી ફિશનો સામનો કરવો પડ્યો હતો. મહાસાગરની જેમ નદીમાં તરવા માટે પણ કૉન્ફિડન્સ જોઈએ. વહેણમાં ફંટાઈ જાઓ ત્યારે ભયભીત થયા વિના આગળ વધતા રહેવું. લાંબી રિવર રેસની અલગ જ મજા છે. ગંગા નદીમાં તરતી વખતે સ્પિરિચ્યુઅલી પણ કનેક્ટ થઈ જઈએ. ગમે એટલી ચૅલેન્જિસ આવે, આજ સુધી ક્યારેય ગિવઅપ નથી કર્યું. પાણીમાં ઝંપલાવ્યા બાદ પૂરું ધ્યાન અંતર પાર કરવા પર હોવું જોઈએ. સ્વિમથૉન ઉપરાંત ટ્રાયથ્લૉનમાં પણ ભાગ લઉં છું. ટ્રાયથ્લૉનમાં પહેલાં તરીને ચોક્કસ અંતર પાર કરવાનું. ત્યાર બાદ ફટાફટ કપડાં પહેરીને સાઇક્લિંગ કરીને આગળ જવાનું અને છેલ્લે રનિંગ કરતાં ફિનિશ લાઇન સુધી પહોંચવાનું હોય.’  

આ પણ વાંચો: એમસીએ અન્ડર 16ની મૅચમાં અમ્પાયરિંગ કરતાં જોવા મળશે ગુજ્જુ ગર્લ

પ્રૅક્ટિસ ઇઝ મસ્ટ

પ્રૅક્ટિસ વિશે વાત કરતાં હેત્વી કહે છે, ‘ઓપન વૉટર સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ કરવા આકરી મહેનત અને તાલીમ જોઈએ. શરૂઆતથી જ અંધેરી સ્પોર્ટ્સ ક્લબના કોચ રાજુ પાલકર સર પાસેથી તરવાની વિવિધ ટેક્નિક્સ અને પૅટર્નની તાલીમ લીધી છે. દરરોજ સવારે એક કલાક પ્રૅક્ટિસ કરું છું. સ્પર્ધા માટે જવાનું હોય ત્યારે વધુ પ્રૅક્ટિસ કરવી પડે. સાંજના સાઇક્લિંગ અને જૉગિંગ તેમ જ સોમવારે પૂલ બંધ હોય ત્યારે કોર એક્સરસાઇઝ કરવાની હોય. પાણીમાં ઝંપલાવતાં પહેલાં અને બહાર નીકળીને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવાથી બૉડી રિલૅક્સ થઈ જાય છે. નૉનસ્ટૉપ પ્રૅક્ટિસમાં રિધમ જળવાઈ રહે એનું ધ્યાન રાખો તો કંઈ મુશ્કેલ નથી.’

હેત્વી ભણવામાં ઍવરેજ છે. સ્કૂલ અને કૉલેજ મૅનેજમેન્ટનો હંમેશાંથી સહકાર રહ્યો હોવાથી સ્ટડી અને સ્પર્ધાઓ વચ્ચે બૅલૅન્સ થઈ જાય છે. અનેક સ્પર્ધામાં તે તેના પપ્પા વિનયભાઈ (જુદી-જુદી કૅટેગરીમાં) સાથે પાર્ટિસિપેટ કરે છે. હેત્વીનાં મમ્મી શીતલબહેને ડાયટની સંપૂર્ણ જવાબદારી ઉપાડી છે. જોકે એકની એક દીકરી પાણીમાં ઝંપલાવે ત્યારે તેમને ભય લાગે, પરંતુ દીકરી તેની મંઝિલ પર પહોંચવા મક્કમ છે તેથી સપોર્ટ કરે છે.

હજી ઘણું તરવાનું છે

હાલમાં જ તેને મહારાજા ઑફ નાગપુર ટ્રસ્ટ દ્વારા રાજરત્ન પુરસ્કાર મળ્યો છે. આ પહેલાં પુણે ખાતે અટલ રાષ્ટ્રીય યુવા પુરસ્કાર અને રમતગમતમાં મહિલા શક્તિ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ૧૭ ઓપન વૉટર સ્વિમથૉન, ૩ ટ્રાયથ્લૉન, ૮ રનિંગ મૅરથૉન, ૧ સાઇક્લોથૉન, ૧ પૂલ સ્વિમથૉન પોડિયમ ફિનિશિંગ સાથે સફળતાપૂર્વક પાર કરનારી હેત્વીનો ગંગા નદી સાથે અતૂટ નાતો છે. જે ઉંમરમાં બાળકને સ્વિમિંગ-પૂલના ત્રણ ફીટના પાણીમાં પણ પપ્પાનો હાથ પકડ્યા વિના ઊતરતાં ભય લાગે એ ઉંમરમાં દરિયાના પાણીમાં ઝંપલાવી ઊંચી સિદ્ધિઓ હાંસલ કરનારી આ ટીનેજરમાં યુવા ભારતની રોલ મૉડલ બનવાના તમામ ગુણો ઠાંસી-ઠાંસીને ભર્યા છે. રાષ્ટ્રીય સ્તરે નામના મેળવનારી હેત્વીને હવે ઇંગ્લિશ ચૅનલ પાર કરી વૈશ્વિક સ્તરે દેશનું અને ગુજરાતીઓનું ગૌરવ વધારવું છે.

columnists Varsha Chitaliya