આઇ લવ યુ! આઇ હેટ યુ! આઇ બ્રેક-અપ વિથ યુ!

14 February, 2019 12:03 PM IST  |  | જયેશ ચિતલિયા

આઇ લવ યુ! આઇ હેટ યુ! આઇ બ્રેક-અપ વિથ યુ!

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

નવી જનરેશન બ્રેક-અપ શબ્દને થોડા ગમ, ઝ્યાદા ખુશી સાથે સ્વીકારવા લાગી છે. શરૂમાં દુ:ખ અને નિરાશા જન્માવતા આ શબ્દ કે ઘટના વાસ્તવમાં ખુશીની અને નિખાલસતાની વાત ગણાવી જોઈએ. સંબંધોના સત્યની વાત તરીકે પણ એને સ્વીકારવી જોઈએ. ઇન શૉર્ટ, વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકિન, ઉસે એક ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા

આપણને બેઉને સાથે જીવવાનું કે રહેવાનું નથી ફાવતું? આગળ જતાં પણ આપણને નહીં ફાવે એવું બન્નેને કે કોઈ એકને પણ લાગે છે? તો બહેતર છે કે આપણે આપણા સંબંધોને (જબરદસ્તી નહીં) સાચવવાનો ગંભીર પ્રયાસ કરીએ અથવા બ્રેક કરી નાખીએ. યસ, જરા કઠિન, કૉમ્પ્લેકસ અને આઘાતજનક લાગે એવી આ બાબત ધીમે-ધીમે સ્વીકાર્ય અને સહજ બની રહી છે.

વર્ષો પહેલાં સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણની એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું ‘લવ આજ કલ’. એમાં બે પ્રેમી કહો કે બે મિત્ર કહો, તેમને જીવનના એક તબક્કે એવું લાગે છે કે જીવનભર એકબીજા સાથે મેળ નહીં પડે, કારણ કે બન્નેની વિચારધારા અને જીવન પ્રત્યેના અભિગમ જુદા છે, ક્યાંક તો દિશા પણ સાવ ભિન્ન છે એટલે તેઓ બ્રેક-અપ કરવાનું નક્કી કરે છે એટલું જ નહીં, એ માટે ખાસ બ્રેક-અપ પાર્ટી પણ રાખે છે. જો મૅરેજ કે એન્ગેજમેન્ટની પાર્ટી થતી હોય તો છૂટા પડવાની પાર્ટી શા માટે નહીં? એવા ખુલ્લા મનના આ બન્ને જણ એકબીજાથી છૂટા પડવાની પાર્ટી યોજીને છૂટા પણ થઈ જાય છે, પરંતુ પછી ફિલ્મમાં શું થાય છે એની ચર્ચા આપણે કરવી નથી. જો ચાન્સ મળે તો આ ફિલ્મ જોઈ લેશો.

પ્રેમ થવાની અને જવાની ઝડપ

ખેર, હવેના સમયમાં જેટલો પ્રેમ ઉર્ફે લવ ઝડપથી આવે છે એટલો ઝડપથી ચાલ્યો પણ જાય છે, કારણ કે સમજણ કે પરિપક્વતાના અભાવ સાથે આ લવની શરૂઆત થઈ હોય છે, પરંતુ હવે દિલ તૂટે કે છૂટા પડવાની નોબત આવે તો બન્ને જણમાંથી કોઈ લાંબો સમય દુ:ખી કે નિરાશ રહેતું નથી. હા, વળી કોઈ અતિ સંવેદનશીલ હોય તો વાત જુદી છે. તે ડિપ્રેશનમાં પણ જઈ શકે છે અને આત્મહત્યા સુધી પણ પહોંચી જાય છે. જોકે હવે આજની પેઢી કદાચ વધુ પરિપક્વ અથવા સ્પક્ટ શબ્દોમાં કહીએ તો પ્રૅક્ટિકલ બની રહી છે. તૂ નહીં તો ઔર સહી એ તેમનો ફન્ડા બની ગયો છે.

પ્રેમ ગણતરીબાજ બની રહ્યો છે?

‘દિલ તોડને વાલે તુઝે દિલ ઢૂંઢ રહા હૈ...’; ‘હમ તુમસે મોહબ્બત કરકે સનમ...’; દિલ કા ખિલૌના હાય ટૂટ ગયા...’; ‘સૌ બાર જનમ લેંગે, સો બાર ફના હોંગે, ઐ જાન-એ-વફા ફિર ભી હમતુમ ના જુદા હોંગે...’; ‘ઓ મેરે સનમ, ઓ મેરે સનમ, દો જીસ્મ મગર એક જાન હૈ હમ, એક દિલ કે દો અરમાન હૈ હમ...’; ‘હમ તુમસે જુદા હોકર, મર જાએંગે રો-રો કર...’ આ ગીતોનો જ નહીં, આ પ્રકારની લાગણીઓનો જમાનો પૂરો થઈ ગયો. અમે એમ નથી કહેવા માગતા કે એ જમાનો જ સાચો અને યોગ્ય હતો, પરંતુ પ્રેમ હવે કામચલાઉ અને વધુ ને વધુ મતલબી, ગણતરીબાજ થતો જાય છે. જોકે પ્રેમ હવે ખૂલતો, ખીલતો અને ખુલ્લંખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો જેવો પણ થતો જાય છે. દરેક વૅલેન્ટાઇન્સ ડેના દિવસે એ જ ગર્લફ્રેન્ડ કે એ જ બૉયફ્રેન્ડ હોય એવું ન પણ બને. લવની લાઇફ ટૂંકી થતી જાય છે. ખેર, સમય સાથે બધું જ બદલાય તો પ્રેમ અને એની અભિવ્યક્તિ કેમ ન બદલાય? સાલો જમાનો જ ફાસ્ટ ફૂડનો છે. બધાને બધું જ જલદી કરી લેવું છે. આઇ લવ યુ કે હું તને ચાહું છું એટલું બોલતાં અગાઉ વર્ષો લાગી જતાં હતાં અને ઘણી વાર તો બીજા મિત્ર મારફત કહેવું પડતું હતું યા લખીને કહેવું પડતું હતું. એ આજે એકઝાટકે અથવા અમુક દિવસોમાં જ કહી દેવાય છે. આટલી કે પછી આવી જ ઝડપથી આઇ હેટ યુ અને હું તને નફરત કરું છું પણ થઈ જાય છે. સ્ટેટસ સિંગલ કે ડબલમાં વારંવાર બદલાયા કરે છે.

જોકે અજુગતી લાગતી આ વાત સારી છે. આવા સંબંધ ખેંચાયા કરે એના કરતાં એમાં બ્રેક-અપ થઈ જાય એ જ સારું ન ગણાય? કારણ કે અગાઉની પેઢી ખેંચાતી-ખેંચાતી વર્ષો કાઢી નાખે છે જેમાં સંભવ છે કે કોઈ એક યા બન્ને જણ એકબીજાને સહન કરતા હોય અથવા ભીતરની લાગણી કે સ્નેહ વિના સંબંધને ઢસડતા હોય. જોકે આવું સ્ટેટમેન્ટ બધા જ માટે યા જનરલ સ્વરૂપે કહી શકાય નહીં. એ સંબંધમાં એકાત્મતાનો ભાવ પણ હતો. પરસ્પર લાગણી અને સમજણ પણ હતી. આજે પણ આવાં અનેક યુગલો જોવા મળે છે. જ્યારે કે એવાં કપલ્સ પણ ઘણા હોય છે જે માત્ર સમાજના ભયથી બાળકોના કારણે બધું જ ચલાવી યા નિભાવી લે છે. જાણે કે પેલી

‘ખિચડી’ સિરિયલના સંવાદની જેમ કિસી કો કુછ પતા નહીં ચલેગા!

સ્વતંત્રતાના નામે ભરપૂર સ્વચ્છંદતા

તાજેતરમાં જ એક યુવાન સાથે વાત થઈ જેની લગ્નની ઉંમર પસાર થઈ ગઈ છે, પરંતુ તેની છોકરીઓ સાથે મીટિંગ ચાલી રહી છે. ક્યાંક યુવાનને તો ક્યાંક યુવતીને જામતું નથી. તેનું ફ્રેન્ડસર્કલ ઘણું મોટું છે જેમાં સંખ્યાબંધ યુવાનો અને યુવતીઓ પણ છે. તેને મેં પૂછ્યું કે આમાંથી કોઈ સાથે લવ થયો નહીં? ત્યારે તેણે જે જવાબ આપ્યો એ આજની જનરેશન અને તેમનાં માતા-પિતા માટે પણ ચિંતાનો વિષય છે. તેણે કહ્યું, ‘જે યુવતીઓ સાથે ફરું છું તે દેખાવે સારી છે, એજ્યુકેટેડ છે, જૉબ કરે છે યા કરવા માગે છે. આ બધી વાતો સારી છે, પરંતુ તેમની લાઇફસ્ટાઇલ અને અપેક્ષા સાંભળું કે ઍટિટ્યુડ જોઉં છું ત્યારે તેમને જીવનસાથી બનાવવાનો વિચાર જ આવી શકતો નથી. મને સ્પસ્ટ સમજાય છે કે કોઈ મારાં માતા-પિતા સાથે ઍડ્જસ્ટ નહીં થાય. તેમના વિચારોમાં સ્વતંત્રતાના નામે ભરપૂર સ્વચ્છંદતા ભરેલી છે. તેમની મહત્વાકાંક્ષા બહુ છે અને એ પણ ઊંચી-ઊંચી જ છે. તેમની દૃષ્ટિએ ઘરમાં સારા મૉડલની કાર તો હોવી જ જોઈએ, ફ્લૅટ તો સારા લોકેશનમાં અને મોટો અથવા અલગ જ હોવો જોઈએ, દર વર્ષે ફૉરેન ટ્રિપ કરવી જોઈએ. શોખ હોવા, મહત્વાકાંક્ષા હોવી ખોટું નથી; પરંતુ આ જ તેમની પ્રાથમિકતા હોય તો કેટલું અને કેવું ચાલી શકે? જો આવી યુવતી સાથે હું પ્રેમ કરવા તરફ આગળ વધું તો પણ બહુ જલદી બ્રેક-અપનો જ વારો આવી જાય.’

આ પણ વાંચો : પ્રેમની આ જ તો શરૂઆત છે

માત્ર યુવતી માટે જ આ વાત નથી અને હા, બધી જ યુવતીઓ આવી હોય એવું પણ કહી શકાય નહીં. યુવાન માટે પણ યુવતીઓના વિચાર કંઈક જુદા જ જોવા મળે છે. યુવતીઓને આજના બેફામ કે બેજવાબદાર યુવાનો ચાલતા નથી, પછી ભલે તે સંપત્તિવાન પરિવારના હોય. તો વળી ઘણી યુવતીઓને સંયુક્ત પરિવારમાં પહેલેથી રહેવું જ નથી, પોતાની સ્પેસ જોઈએ છે અને વડીલોના વ્યવહારોમાં પડવું નથી. આમ બન્નેની દૃષ્ટિ અને અભિગમ સતત પરિવર્તન પામી રહ્યા છે. ટેક્નૉલૉજીની જેમ આ લોકોના સ્વભાવ સતત બદલાયા અને વૉલેટાઇલ થયા કરે છે. આવા સંબંધ બંધાય અને બન્ને વ્યક્તિ તેમ જ બન્ને પરિવારને દુ:ખી કરે એ કરતાં તેમની વચ્ચે બ્રેક-અપ થઈ જાય એ જ બહેતર ગણાય. ઇન શૉર્ટ, નજીકના ભવિષ્યમાં ડિવૉર્સ કરાવતા વકીલોના ધંધામાં તેજી આવવાની છે. સાઇકોલૉજિસ્ટ અને સાઇકિયાટ્રિસ્ટની કમાણી વધવાની છે. સમાજ એક ભયંકર દિશા તરફ જઈ રહ્યો છે.

valentines day columnists