એક તેરા સાથ હમકો દો જહાં સે પ્યારા હૈ

14 February, 2019 10:50 AM IST  |  | વર્ષા ચિતલિયા

એક તેરા સાથ હમકો દો જહાં સે પ્યારા હૈ

પતિ મિતેન ભાટિયા સાથે પત્ની સુદર્શના મિસ્ત્રી અને પતિ મૌલિક શાહ સાથે પત્ની જાગૃતિ શાહ

પ્રેમ નામના અઢી અક્ષર વિશે લખવાનો દિવસ ફરી આવી ગયો. વૅલેન્ટાઇન્સ ડેની આતુરતાથી રાહ જોતાં યુવાન હૈયાં હિલોળે ચડ્યાં છે. કૅન્ડલ લાઇટ ડિનર માટેનાં તમામ ટેબલો બુક થઈ ગયાં છે. બગીચામાં, દરિયાકિનારે, મૉલ્સ અને થિયેટરોમાં પ્રેમી પંખીડાંઓ જાહેરમાં રોમૅન્સ કરવાના મૂડમાં હશે, પણ શું પરસ્પરની લાગણીને વ્યક્ત કરવા ૧૪મી ફેબ્રુઆરીની રાહ જોવાની જરૂર છે? પ્રેમી કે પ્રેયસીને ગિફ્ટ અથવા કાર્ડ આપવા માત્રથી પ્રેમનો એકરાર થતો હશે? ના, પ્રેમની અનુભૂતિ અને અભિવ્યક્તિ માટે કોઈ ચોક્કસ દિવસની આવશ્યકતા નથી. આજે આપણે એવાં કપલ્સને મળીએ જેમના માટે પ્રેમ એ વેવલાવેડાં નથી, તેમની નજરમાં પ્રેમ એટલે હૂંફ, ભવભવનો સંબંધ, પરભવનું કોઈ ઋણાનુબંધન. તેમના માટે પ્રેમ એટલે પૅશન અને ડેડિકેશન.

કૅન્સરને કારણે પ્રેમ કૅન્સલ ન થાય

મને યાદ છે એ દિવસે મિતેનનો બર્થ-ડે હતો. સવારે અચાનક પેટમાં દુખાવો ઊપડ્યો. નિદાન થયું ઓવેરિયન કૅન્સર. મારા પગ નીચેથી ધરતી ખસી ગઈ. આટલું બોલતાં સુદર્શના સ્પીચલેસ થઈ ગઈ. થોડી વારે આગળ વાત કરતાં કહ્યું, ‘શરૂઆત ફ્રેન્ડશિપથી થઈ હતી. પાંચેક વર્ષ પહેલાં અમારી વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા. તેના ઘરમાં કોઈને વાંધો નહોતો, પરંતુ હું રૂઢિચુસ્ત મહારાષ્ટ્રિયન ફૅમિલીની છું એથી મને ડર હતો કે પેરન્ટ્સ નહીં માને. મિતેનના ઝિંદાદિલ સ્વભાવે તેમને મનાવી લીધા. એપ્રિલ-૨૦૧૬માં અમારાં લગ્ન નક્કી થયાં. લગ્નના છ મહિના પહેલાં મને ઓવેરિયન કૅન્સર છે એવું નિદાન થયું. અચાનક તમામ સપનાં ધરાશાયી થઈ ગયાં. હું ભાંગી પડી. અમારા સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જશે કે લગ્ન નહીં થાય એવું પણ વિચારી ન શકી. મને તેના પર સંપૂર્ણ ભરોસો હતો, પણ મોતનો ડર લાગ્યો. આવા સમયે મિતેન જ નહીં તેની આખી ફૅમિલી મારી પડખે ઊભી રહી. મારાં સાસુએ તો કહી દીધું કે તું મારા ઘરમાં આવવાની નથી, આવી ગઈ છે. તેઓ મારા લાઇફ સપોર્ટ બન્યા. કૅન્સરની ટ્રીટમેન્ટનો એ ભયાનક દોર બે વર્ષ ચાલ્યો. જ્યારે મારા માથાના વાળ ખરી ગયા ત્યારે હું હતાશ થઈ ગઈ હતી. મને મોટિવેટ કરવા મિતેને પણ વાળ ઊતરાવી નાખ્યા. તેણે મારા રોગને એટલી હળવાશથી લીધો જાણે કંઈ થયું જ નથી. અઢી વર્ષ સતત મને હસાવી મારા મનમાં જીવવાની ઉમ્મીદ જગાવી. એનાથી વિશેષ પ્રેમની અભિવ્યક્તિ શું હોઈ શકે.’

મિતેન અને સુદર્શનાનાં લગ્નને હજી બે મહિના પણ નથી થયા. બેશક લગ્ન પહેલાં બન્નેનો સાથ બહુ લાંબો રહ્યો છે. આ પ્રકારનાં કૅન્સરમાં સારવાર બાદ કોઈ તકલીફ નથી આવતી એમ છતાં કૅન્સરનું નામ પડે એટલે વ્યક્તિ હચમચી જાય. આ સંદર્ભે વાત કરતાં મિતેન કહે છે, ‘જ્યારે મને સમાચાર મળ્યા ત્યારે હું શિપ પર હતો. સુદર્શનાને કંઈ થઈ શકે એ વાત મારા માન્યામાં નહોતી આવતી. જે રીતે તેણે કૅન્સર સામે ફાઇટ કરી છે એ જોયા બાદ હું તેને પહેલાં કરતાં પણ વધુ પ્રેમ કરવા લાગ્યો છું. અમારો સાથ ઘડી-બે ઘડીના પ્રેમનો મોહતાજ નથી. સુદર્શનાને ખુશ રાખવા મેં બનતા પ્રયત્નો કર્યા છે અને આગળ પણ કરતો જ રહીશ. અમારો આવનારો સમય શ્રેષ્ઠ જ હશે. આજે સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે દરેક સમસ્યાનો ઉકેલ મળી રહેશે.’ - મિતેન ભાટિયા અને સુદર્શના મેસ્ત્રી, ઘાટકોપર

પ્રેમ પગ સાથે નહીં, વ્યક્તિ સાથે હોય

વૈશાલીને પહેલી વાર જોઈ ત્યારે હૃદય ધબકારો તો ચૂકી ગયું હતું, પણ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે સ્વપ્નમાં જોયેલી કોઈ રાજકુમારી મારા ગળામાં વરમાળા પહેરાવશે. અમે નસીબજોગે મળ્યાં છીએ એમ જણાવતાં વિદ્યાવિહારના દીપેશ સોલંકી કહે છે, ‘મારાં ભાભીના મોઢામાંથી નીકળેલી વાણી ઈશ્વરના દરબારમાં પહોંચી ગઈ અને અમે એક થઈ ગયાં. તેઓ હંમેશાં કહેતાં કે મારી બહેન સાથે તમારી જોડી ખૂબ જામશે. એ વખતે મને મજાક લાગતી, કારણ કે હું પોલિયોગ્રસ્ત છું અને વૈશાલી ફિઝિકલી એકદમ ફિટ, પણ તેને હું પસંદ પડી ગયો. અમારાં લગ્નને ત્રણ વર્ષ થઈ ગયાં. એક મજાની દીકરી પણ છે. આટલા સમયમાં એક વાર પણ મને એવો અહેસાસ નથી થયો કે હું અનફિટ છું. અમારો સંબંધ એટલો મજબૂત છે કે રિસામણાં-મનામણાં માટે કોઈ અવકાશ જ નથી. અમારા માટે તો ૩૬૫ દિવસ વૅલેન્ટાઇન્સ ડે હોય છે.’

પ્રેમ દિલ સાથે કર્યો છે, પગ સાથે નહીં એવો જવાબ આપતાં વૈશાલી કહે છે, ‘જ્યારે દીપેશ પર પસંદગીનો કળશ ઢોળ્યો ત્યારે ઘણા લોકોએ મને કહ્યું હતું કે તું કેટલી બ્યુટિફુલ છે. આમાં શું જોયું? હું એટલું જ કહેતી કે મને શરીર સાથે લગ્ન નથી કરવાં, મને એવો જીવનસાથી જોઈએ જે મને હૃદયથી ચાહતો હોય, મારી નાની-નાની ખુશીનું ધ્યાન રાખતો હોય. એ વખતે બધા મને ગાંડી ગણતા, પરંતુ આજે એ જ લોકો અમારી જોડી જોઈને ઈર્ષા કરે છે. દીપેશ કાયમ કંઈક નવું કરતા જ રહે છે. વૅલેન્ટાઇન્સ ડે હોય, બર્થ-ડે કે પછી કોઈ પણ સામાન્ય દિવસ મને ખુશી આપવાનું બહાનું તેણે શોધવું ન પડે. કોઈક વાર કહે ચાલ બહાર ફરવા જઈએ અને લઈ જાય પિયર. પેરન્ટ્સને મળીને હું કેટલી રાજી થઈ જાઉં છું એ વાતનું પણ જે ધ્યાન રાખે તેના પ્રેમમાં કેટલી સચ્ચાઈ હોય એ શબ્દોમાં વર્ણવી ન શકાય.’ - દીપેશ અને વૈશાલી સોલંકી, વિદ્યાવિહાર

તારો સાથ હોય તો જિંદગી ચાલે નહીં, દોડે 

ભાઈંદરમાં રહેતાં મૌલિક અને જાગૃતિનાં લગ્નને આઠ વર્ષ થઈ ગયાં. બે બાળકો સાથેનો સુંદર પરિવાર છે. આમ તો બન્નેનાં અરેન્જ્ડ મૅરેજ છે, પરંતુ તેમનું કહેવું છે કે લવ-મૅરેજ કરનારા કપલ કરતાં અમારો પ્રેમ એક ચાસણી ચડે એવો છે. જાગૃતિને બન્ને પગમાં પોલિયો છે જ્યારે મૌલિકને સ્પાઇનની નસમાં પાંસળીઓ ઓછી છે. મૌલિક કહે છે, ‘કોણે કહ્યું અમે ડિસેબલ્ડ કપલ છીએ? જ્યાં પ્રેમ હોય છે ત્યાં ડિસેબિલિટી જેવું કશું નથી હોતું. જિંદગી ખામીઓ નહીં ખૂબીઓ સાથે જીવવાની હોય. અમારા સંસારની ગાડી આવી જ ખૂબીઓને કારણે સડસડાટ દોડે છે. પરસ્પરની લાગણીને વ્યક્ત કરવાની જરૂર અમને ક્યારેય નથી પડી. પ્રેમમાં અભિવ્યક્તિ કરતાં અનુભૂતિ મહkવની છે. કંઈક સ્પેશ્યલ કરવાની જરૂર નથી હોતી. મને જાગૃતિ પર ગર્વ છે. શરૂઆતથી જ તેણે ઘરમાં એવું વાતાવરણ બનાવ્યું છે કે અમારાં બાળકોની નજરમાં પણ અમે સામાન્ય પેરન્ટ્સ છીએ.’ 

આ પણ વાંચો : જાએં તો આખિર જાએં કહાં?

હસબન્ડની વાતમાં સૂર પુરાવતાં જાગૃતિ કહે છે, ‘તેમણે મને ક્યારેય આઇ લવ યુ કહ્યું જ નથી તો પણ મને ખબર છે કે તેમના દિલમાં મારા માટે અનહદ લાગણી છે. હું લાકડીના ટેકા વગર ચાલી નથી શકતી એટલે બહાર જવાનું ટાળું છું. હું ના પાડું તો કહે તારા વગર નહીં જાઉં. વ્હીલચૅરમાં બેસાડીને મને લઈ જાય. મારી હાજરી વગર તેઓ એન્જૉય ન કરે. ડિસેબિલિટીને કારણે મારી સુવાવડ પણ તકલીફદાયક રહી હતી. બેડ પર તમામ વસ્તુ હાજર કરી તેમણે મારી જે સેવા કરી છે એ પ્રેમ નથી તો શું છે? તેમણે ક્યારેય શબ્દો દ્વારા પ્રેમ વ્યક્ત નથી કર્યો, પણ એક શબ્દ કાયમ તેમના મોઢા પર હોય, હું છુંને, તું ચિંતા ન કર. આ શબ્દોમાં જ બધું આવી ગયું. જોકે એક વાર વૅલેન્ટાઇન્સ ડેને દિવસે તેમણે મને સોનાનું ગુલાબ આપ્યું હતું.’ - મૌલિક અને જાગૃતિ શાહ, ભાઈંદર

valentines day Varsha Chitaliya columnists