સરકાર ક્યારે સમજશે વડીલોની તકલીફ?

12 June, 2019 12:30 PM IST  |  | પલ્લવી આચાર્ય - વડીલ વિશ્વ

સરકાર ક્યારે સમજશે વડીલોની તકલીફ?

પ્રતીકાત્મક તસવીર

વડીલ વિશ્વ

અમને યોગ્ય માત્રામાં પેન્શન ક્યારે મળશે?

બોરીવલી-વેસ્ટમાં રહેતા ૮૪ વર્ષના રિટાયર્ડ સિવિલ ઍન્ડ સ્ટ્રક્ચરલ એન્જિનિયર હિંમતલાલ માયરનું દૃઢપણે માનવું છે કે વરિષ્ઠ નાગરિકોના લાભાર્થે સરકારી યોજનાઓ હોવી જ જોઈએ, કારણ કે આજના બદલાયેલા જમાનામાં વરિષ્ઠ નાગરિકે પોતાના નિર્વાહની જવાબદારી ઉપાડવી પડે જ છે, પણ આ વયે મોટા ભાગના લોકો કોઈ કામ કરી શકે એવી હાલતમાં નથી હોતા. પાશ્ચાત્ય સંસ્કૃતિના પગપેસારાને કારણે ભારતમાં હવે પરિવારો વિભક્ત થઈ ગયા અને સંતાનો વડીલોથી વિમુખ થયાં, પણ ત્યાંની સરકારો જેટલી અહીંની સરકાર વડીલોની કાળજી નથી લેતી એથી કેટલાક વડીલોની હાલત કફોડી બની જાય છે.

આખી જિંદગી પરસેવો પાડી સરકારને ટૅક્સ ભર્યા પછી હવે સરકારની જવાબદારી છે કે વડીલો જ્યારે કામ ન કરી શકે ત્યારે તેમને યોગ્ય માત્રામાં પેન્શન આપવાની યોજના સરકાર બનાવે એમ જણાવતાં હિંમતલાલ કહે છે, ‘આજે એવા ઘણા દાખલા છે કે આખી જિંદગી મહેનત કરી છોકરાઓને ઉછેર્યાં, સરકારી ટૅક્સ ઈમાનદારીથી ભર્યા પણ પોતાને માટે કંઈ ન બચાવી શક્યા એથી વૃદ્ધાશ્રમમાં જવાની નોબત આવી. હવે પોતે કામ કરી શકે એમ નથી ત્યારે સંતાનો પણ જો મોઢું ફેરવી લે તો વડીલોને જીવનનિર્વાહમાં તકલીફ પડે છે, એથી જ જૈફ વયે વ્યક્તિને યોગ્ય માત્રામાં પેન્શન મળવું જોઈએ. સરકારી નોકરી કરનારાઓને જે રીતે પૂરતું પેન્શન મળે છે એ રીતે અન્ય લોકોને પણ મળે તો તેઓ ઘડપણને જીવી શકે. સરકારની પેન્શન યોજના છે, પણ એ પૂરતી નથી.’

વડીલોની ફિક્સ ડિપોઝિટ પર વ્યાજના દર વધારો તો સારું

કાંદિવલી-વેસ્ટમાં રહેતાં હાઉસવાઈફ તથા ડાન્સ-ક્લાસ ચલાવતાં ૬૩ વર્ષનાં માલા હાથી એક વાત કબૂલે છે કે પહેલાં કરતાં આજે સિનિયર સિટિઝનો માટે કેટલીક સારી સુવિધાઓ છે, પણ કેટલીક બાબતો ખૂંચે છે. તેઓ કહે છે, ‘રિટાયર્ડ થયા પછી સિનિયર સિટિઝનની કોઈ નિશ્ચિત આવક નથી હોતી, એટલું જ નહીં, આ ઉંમરે તેમને કોઈ કામ મળે એ મોટા ભાગે શક્ય નથી બનતું. આવા સંજોગોમાં પોતે સાચવી રાખેલી મૂડીના વ્યાજ પર જ તેમનું ગુજરાન ચાલતું હોય છે. અગાઉ વ્યાજ ૧૨ ટકા મળતું હતું એ હવે ઘટી ગયું છે અને ૭થી ૮ ટકા થઈ ગયું છે. વ્યાજ ઘટી જવાને કારણે વડીલોની જે આવક આવતી હતી એ ઘટી ગઈ અને એની સામે મોંઘવારી વધવાથી ખર્ચ વધી ગયા છે. હવે આ સંજોગોમાં વડીલોને જીવનનિર્વાહની ચોક્કસ તકલીફ પડે છે. માણસના આયુષ્યનું નક્કી નથી. તે કેટલું જીવશે એ કહી ન શકાય, એમાં દવા અને સારવારના ખર્ચ વધતા જાય છે.’

માલા હાથીને એ બાબતે ખુશી છે કે સિનિયર સિટિઝનને ટ્રાવેલિંગમાં સારું કન્સેશન મળે છે અને સુવિધા પણ મળે છે, પરંતુ આનો ગેરલાભ ઘણી વાર લેભાગુઓ ઉઠાવે છે એવી તેમની ફરિયાદ છે. તેઓ કહે છે, ‘રેલવેમાં સિનિયર સિટિઝન માટે લોઅર બર્થનો ક્વોટા છે. ટ્રેનના ટ્રાવેલિંગમાં હમણાં મને અપર બર્થ મળી. ઉંમર પ્રમાણે મને લોઅર બર્થ મળવી જોઈએ. લોઅર બર્થ જેને અલૉટ થઈ હતી એ યુવાનને મેં ઘણી રિક્વેસ્ટ કરી પણ તે ન માન્યો. મારું કહેવું છે કે લોઅર બર્થનો ક્વોટા સિનિયર સિટિઝન માટે જ છે તો પછી એ બીજા કોઈને તે અલૉટ થવો જ ન જોઈએ. આ બર્થ સિનિયર સિટિઝનો માટે રિઝર્વ્ડ જ હોવી જોઈએ.’

મેડિકલ ફેસિલિટીની સૌથી વધુ જરૂર તો વડીલોને જ પડે છે એ વાત સરકાર ક્યારે સમજશે?

ઘાટકોપર-ઈસ્ટમાં રહેતા આયર્ન ઍન્ડ સ્ટીલના વેપારી ૭૬ વર્ષના પ્રભુલાલ સંઘવી રિટાયર નથી, લોખંડબજારમાં બિઝનેસ કરે છે. તેમનું માનવું છે કે સિનિયર સિટિઝનોને ટૅક્સમાં બેનિફિટ મળવો જોઈએ. યુવાનીમાં ટૅક્સ ભર્યા એ બરાબર છે, પણ હવે સિનિયર સિટિઝન થયા પછી ચોક્કસપણે ટૅક્સમાં રાહત મળે એવું થવું જોઈએ. પ્રભુલાલભાઈ સમાજના એવા વર્ગ માટે ચિંતિત છે જે વડીલો હવે કામ કરી શકે એમ નથી અને ગુજરાન ચલાવવાની પણ તેમને તકલીફ પડે છે. ઉંમર વધવાની સાથે હેલ્થની તકલીફો વધી જાય છે એથી મેડિકલના ખર્ચ પણ વધી જાય છે. એક તરફ ગુજરાન ચલાવવાની પણ તકલીફ હોય ત્યાં આ બધા ખર્ચને કેવી રીતે પહોંચી વળવું એ સમસ્યા છે. વડીલો માટે કેવી યોજના હોવી જોઈએ એ જણાવતાં પ્રભુલાલ કહે છે, ‘સિનિયર સિટિઝન બીમાર થાય તો તેને હૉસ્પિટલમાં ૨૦થી ૨૫ ટકા ડિસ્કાઉન્ટ મળવું જોઈએ. બીજું, જો તેની પાસે મેડિક્લેમ હોય તો તાત્કાલિક એની રકમ મળવી જોઈએ. આ રકમ ઘણી વાર બે-ત્રણ મહિના પછી મળે છે. મેડિક્લેમમાં જે ખાયકી ચાલી રહી છે એ બંધ થવી જોઈએ. ૭૦ વર્ષના વડીલને કોઈ કંપની મેડિક્લેમ ન આપે, પણ એવું તો નથીને કે તે માંદો ન પડે.

મેડિકલ ફેસિલિટીની સૌથી વધુ જરૂર તો વડીલોને જ પડે છે એથી જ સરકારે વડીલોને મેડિક્લેમની ફેસિલિટી આપવી જોઈએ. વધુમાં તેઓ કહે છે, ‘જે લોકોને નોકરી-ધંધો નથી કે રિટાયર છે કે કોઈ ઇન્ક્મ નથી એવા લોકોને સરકાર તરફથી મદદ મળવી જોઈએ. વિદેશોમાં જે રીતે તેમને સામાજિક સન્માન સરકાર તરફથી આપવામાં આવે છે એવું મળવું જોઈએ. કેટલાક સમાજ આર્થિક રીતે નબળા પોતાના જ્ઞાતિજનોને મેડિક્લેમ આપીને મદદ કરે છે, પણ એ જ્ઞાતિજનો પૂરતું જ સીમિત રહે છે એથી જો સરકાર આ લોકોને આ કામ હૅન્ડઓવર કરે તો મહિને ૧૦થી ૧૨ હજાર કમાતા વડીલોને બે-બે લાખના મેડિક્લેમથી મદદ કરી શકાય.

જાહેર સ્થળોએ વડીલો માટે વ્હીલચૅરની વ્યવસ્થા હોવી જોઈએ

વિલે પાર્લે-ઈસ્ટમાં રહેતાં ૬૩ વર્ષનાં જ્યોતિ બાવીશી ઍસ્ટ્રોલૉજર અને વાસ્તુશાસ્રી છે તથા ગવર્નમેન્ટ અપ્રૂવ્ડ જ્વેલરી વૅલ્યુઅર છે. તેમની ઑફિસ છે. જ્યોતિને વિશ્વાસ છે કે આ સરકાર બાળકો અને સ્ત્રીઓ માટે કોઈ પણ પડકારોને ઝીલીને ચોક્કસ કામ કરશે, પણ એક ફરિયાદ છે કે વડીલોએ જે બચત કરી હોય એના પર બૅન્કોમાં તેમને વ્યાજ ઓછું મળે છે. આ મોંઘવારીમાં વડીલો પોતાના ખર્ચને કઈ રીતે પહોંચી વળે એથી સરકાર વ્યાજના દર વધારે અને મોંઘવારી ઓછી કરે.

સિનિયર સિટિઝનો માટે હવે ઘણીબધી વ્યવસ્થા છે, છતાં કેટલીક ખૂટે છે એની વાત કરતાં જ્યોતિ કહે છે, ‘જાહેર સ્થળોએ વડીલો માટે વ્હીલચૅરની વ્યવસ્થા હોવી જોઈએ. ૭૦ વર્ષ વટાવી ચૂકેલા કેટલાક વડીલો રેલવે-પ્લૅટફૉર્મ પર મૂકેલાં એસ્કેલેટરનો ઉપયોગ કરતાં ડરે છે અને એમાં કેટલાક પડી જાય છે. દાદરા તેઓ ચડી નથી શકતા એથી આવા લોકો માટે દરેક પ્લૅટફૉર્મ પર લિફ્ટની વ્યવસ્થા હોય તો તેઓ એકથી બીજા પ્લૅટફૉર્મ પર કોઈની પણ મદદ વિના જઈ શકે. બીજું, કેટલાક વડીલો પર તેમના પૌત્રોની જવાબદારી આવી પડી હોય છે. આજના જમાનામાં શિક્ષણ કેટલું બધું મોંઘુ છે! સિનિયર સિટિઝનો આ ખર્ચ કેવી રીતે ઉપાડી શકે? આવા લોકોના પૌત્રોને સ્કૂલ-ફીમાં ખાસ ડિસ્કાઉન્ટ મળવું જોઈએ. એ ઉપરાંત વડીલોને દવા ફ્રી મળવી જોઈએ, ટ્રાવેલિંગમાં જે ડિસ્કાઉન્ટ મળે છે એ વધવું જોઈએ, ટૅક્સમાં રાહત મેળવી જોઈએ અને મૂડી પરનું વ્યાજ વધુ મળવું જોઈએ. ઍટલીસ્ટ સિનિયર સિટિઝનોને વ્યાજ વધુ મળે એવી વ્યવસ્થા હોવી જોઈએ. ગાર્ડન અને પાર્ક ફ્રી હોવાં જોઈએ. તો તેમનો બોજ ઘટે અને આધ્યાત્મ પર વધુ ધ્યાન આપી શકે.’

હું જ્યારે કામ ન કરી શકું ત્યારે મને જોવાની દેશની ફરજ છે

મુલુંડ-વેસ્ટમાં રહેતા ૬૨ વર્ષના હેમંતભાઈ ટૂ-વ્હીલરના સ્પેરપાર્ટ્સનો બિઝનેસ કરે છે. તેમણે રજૂ કરેલો મુદ્દો વાજબી પણ છે. તેઓ કહે છે, ‘કામધંધો કરીને હું આખી જિંદગી ઇન્ક્મ-ટૅક્સ ભરું છું પણ એમાંથી રિટર્ન તો મને કંઈ આવવાનું નથી. જે લોકો રેગ્યુલર ઇન્ક્મ ટૅક્સ ભરતા હોય એ લોકો જ્યારે કામ ન કરી શકે એમ હોય ત્યારે તેમના પ્રત્યે રાષ્ટ્રની પણ ફરજ બને છે કે તેમને સાચવે, યુરોપિયન દેશોમાં જે રીતે હોય છે એ રીતે. ઍટલીસ્ટ રેગ્યુલર ઇન્ક્મ ટૅક્સ ભરતા લોકોને તેઓ સિનિયર સિટિઝન થાય ત્યારે ઍટલીસ્ટ મેડિકલ સારવારમાં તો કંઈક રાહત મળવી જ જોઈએ.’

હેમંતભાઈ વડીલોની સ્થિતિ આપણે ત્યાં કેવી છે એની વાત કરતાં કહે છે, ‘રિટાયર હોય કે અપંગ હોય કે જે કામ ન કરી શકે એમ હોય ત્યારે રાષ્ટ્રની પણ ફરજ છે તેમને જોવાની. આપણા દેશમાં એવું છે કે જ્યારે આપણે કામ ન કરી શકીએ ત્યારે ટોટલી સંતાનો પર ડિપેન્ડ થઈ જઈએ છીએ. સરકાર આપણા માટે કંઈ નથી કરતી. જેમને સંતાન ન હોય, એકલા હોય તેમને રાખવાની વ્યવસ્થા તો સરકારે કરવી જ જોઈએ. સિનિયર સિટિઝનોને ટ્રેનમાં બુકિંગમાં ડિસ્કાઉન્ટ મળે છે પણ ૩ મહિના પહેલાં પણ બુકિંગ કરવામાં જો હું જરા પણ લેટ થઈ જાઉં તો ટિકિટ રિઝર્વેશન ફુલ થઈ જાય છે. વડીલો માટે ક્વોટા હોવો જોઈએ જેથી આવી સમસ્યા ન થાય.’

સરકારી સ્કીમનો લાભ મળવો જોઈએ

મુલુંડ-વેસ્ટમાં રહેતા ૬૯ વર્ષના પ્રમોદભાઈ હિન્દીસોતાની ફરિયાદ સરકારી સ્કીમોની અમલબજાવણી સામે છે. તેઓ કહે છે, ‘મોદી સરકારે સિનિયર સિટિઝનોને ૫૦૦૦ રૂપિયા મળશે એવું જાહેર કરેલું, એ ક્યાં છે? બીજું, જનધન યોજના અંતર્ગત દરેક વ્યક્તિના ખાતામાં ૧૫ લાખ રૂપિયા આવશે એ ક્યાં છે? સરકારે ઇન્શ્યૉરન્સ યોજના જાહેર કરી એમાં દર વર્ષે આપણા ૩૧૨ રૂપિયા કપાઈ જાય છે, પણ એ ક્યાં જાય છે, શું થાય છે એની કાંઈ ખબર નથી પડતી, કારણ કે ઇન્શ્યૉરન્સની કોઈ સ્લિપ કે પૉલિસી-નંબર કંઈ નથી મળ્યું. બૅન્કવાળાને પૂછીએ તો કહે છે કે ‘પૉલિસી આપીશું,’ પણ હજી સુધી તો અમને એ મળી નથી. કેટલીક વાર બૅન્કમાંથી જવાબ જ નથી મળતો.

પ્રમોદભાઈ તેમના એક મિત્રને સરકારી ગૃહ યોજનામાં કેવી તકલીફ પડી રહી છે એની વાત કરતાં કહે છે, ‘મારા એક મિત્રએ ગૃહનિર્માણ યોજના અંતર્ગત બે લાખ ૬૪ હજારની સબસિડી લીધી છે. હવે એમાં એવું થયું છે કે એ માટે જે ફૉર્મ ભર્યું હતું એની જે સ્લિપ મળી હતી એ બિલ્ડરને બતાવીને કહ્યું કે આ રકમ બાદ કરી આપો. ત્યારે બિલ્ડર કહે છે કે હાલ બે લાખ ૬૪ હજાર રૂપિયા તમે ભરી દો. તમારા અકાઉન્ટમાં આવે ત્યારે જોઈ લઈશું. જો મારો મિત્ર ન ભરે તો એનું પઝેશન અટકી ગયું છે. બિલ્ડરો તો પોતાના સ્લૉટ પ્રમાણે પૈસા લઈ જ લે છે. આમ મારા મિત્રએ પૂરા પૈસા ભર્યા પછી જ પઝેશન મળ્યું. આમ આ બધી વાતો પેપર પર જ છે, થતું કાંઈ નથી. તમે મેડિક્લેમ કરવા માટે કહો અને પૉલિસી જ ન આપો એનો શું મતલબ? ટોકન-નંબર આપ્યો છે એનાથી હૉસ્પિટલો માનવાની છે? ના.’

નૅશનલ પૉલિસી ફૉર સિનિયર સિટિઝન ક્યારે અમલમાં મુકાશે?

૬૫ વર્ષ પછી વડીલોને અને ખાસ કરીને મેડિકલ, ઇકૉનૉમિક, સોશ્યલ અને સાયકોલૉજિકલ પ્રૉબ્લેમ્સ હોય છે. સિનિયર સિટિઝનો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ પેપર પર તો છે, પણ અમલી નથી બની, જેમ કે સેન્ટ્રલ ગવર્નમેન્ટ એ જ્યેષ્ઠ નાગરિકોના મેઇન્ટેનન્સ માટેનો ડ્રાફ્ટ પાર્લમેન્ટમાં તૈયાર છે, પણ એ પાસ નથી થયો. નૅશનલ પૉલિસી ફૉર સિનિયર સિટિઝન ૧૯૯૯થી બની છે, પણ એમાં કોઈ જ ઇમ્પ્લીમેન્ટ નથી થયું. આવી રીતે ઘણી સુવિધા ઇમ્પ્લીમેન્ટેશન માટે રાહ જોઈને પડી છે. મહારાષ્ટ્ર સરકારની પણ સ્ટેટ પૉલિસી ફૉર સિનિયર સિટિઝન ૨૦૧૩થી બની હતી, એ પછી છેક ૨૦૧૮માં એનો જીઆર નીકળ્યો. આ કામમાં પાંચ વર્ષ લાગી ગયાં, એમ સિનિયર સિટિઝનો માટે કામ કરતી સંસ્થાઓનું કહેવું છે.

આ પણ વાંચો : વૃદ્ધાશ્રમ વેલકમ

સિનિયર સિટિઝનો માટેના કાયદા અને પૉલિસીઓ વગેરેને મેઇન્ટેન કરે એવો કોઈ ખાસ વિભાગ સરકારમાં નથી અને એથી એના ઇમ્પ્લીમેન્ટેશનમાં તકલીફ આવે છે. બધી યોજનાઓ કાગળ પર જ રહી જાય છે. લોકોને એનો લાભ નથી મળતો. એટલું જ નહીં, ન્યાય ક્યાં મેળવવા જેવી અનેક ગૂંચવણોમાં તેઓ ફસાઈ જાય છે.

Sejal Ponda columnists