05 October, 2025 12:42 PM IST | Mumbai | Aashutosh Desai
પ્રતિકાત્મક તસવીર
એક કન્સલ્ટિંગ કંપનીએ લગાવેલા અંદાજ મુજબ અમેરિકાની સરકારના શટડાઉનથી અઠવાડિયે ૭ બિલ્યન ડૉલરનું એટલે કે રોજનું ૧ બિલ્યન ડૉલરનું નુકસાન થશે. અમેરિકામાં ૧૩મી વાર અને ડોનલ્ડ ટ્રમ્પના રાજમાં બીજી વાર અમેરિકન સરકાર ઠપ્પ થઈ ગઈ છે ત્યારે જાણીએ શું છે આ શટડાઉન અને એની અસરો શું થઈ શકે એમ છે
અમેરિકન સરકારના કામકાજી કૅલેન્ડર પ્રમાણે ફેડરલ ગવર્નમેન્ટનું નવું નાણાકીય વર્ષ પહેલી ઑક્ટોબરથી શરૂ થાય છે. અર્થાત્ પહેલી ઑક્ટોબરથી ૩૦ સપ્ટેમ્બર એ અમેરિકન સરકારનું નાણાકીય વર્ષ છે. હવે પ્રક્રિયા કંઈક એવી છે કે જો સરકારે આ નવા નાણાકીય વર્ષ માટે બધાં ખાતાંઓ અને બધી એજન્સીઓ સુપેરે ચલાવવાં હોય અર્થાત્ કાર્યરત રાખવાં હોય તો એ માટે જે નાણાંની જરૂર પડે છે એ અંગેનું જરૂરી ફન્ડ બિલ કૉન્ગ્રેસમાં એટલે કે અમેરિકાની સંસદમાં પાસ કરાવવું પડે છે અને એ પણ ૩૦ સપ્ટેમ્બર પહેલાં એટલે કે નવું નાણાકીય વર્ષ શરૂ થાય એ પહેલાં. હવે હાલની સરકારના આ શૉર્ટ ટર્મ નેસેસરી ફન્ડિંગ બિલ માટે કૉન્ગ્રેસ સહમત નથી. એ કઈ રીતે?
શૉર્ટ ટર્મ નેસેસરી ફન્ડિંગ બિલ
તો અમેરિકાની સરકારમાં રિપબ્લિકન્સ દ્વારા ટૂંકા સમયગાળાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું જેને અમેરિકા ‘શૉર્ટ ટર્મ નેસેસરી ફન્ડિંગ બિલ’ તરીકે ઓળખે છે. જો આ બિલ સંસદભવનમાં પાસ થઈ જાય તો સરકારી કામકાજો માટે સરકાર ૨૧ નવેમ્બર સુધી ફન્ડ રેઇઝ કરી શકે. વાત કંઈક એવી છે કે ડોનલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકન્સ સંસદમાં મૅજોરિટી તો ધરાવે છે, પરંતુ બન્ને સદનોમાં નહીં. આ વાતને આપણે ભારતીય ઢાંચા અનુસાર સમજવાનો પ્રયત્ન કરીએ. ભારતમાં કોઈ પણ બિલને કાયદો બનવા માટે બે સદનમાંથી - લોકસભા અને રાજ્યસભામાંથી પસાર કરાવવું પડે. જ્યારે આ બન્ને હાઉસિસમાં એ પાસ થઈ જાય ત્યાર બાદ રાષ્ટ્રપતિ સામે એને રજૂ કરવામાં આવે અને રાષ્ટ્રપતિની સહી થાય પછી જ એ કાયદો બની શકે. બરાબર?
આ રીતે અમેરિકામાં પણ બે હાઉસિસ હોય છે જેમને કૉન્ગ્રેસ કહેવામાં આવે છે. એક સેનેટ જે ઉપલું સદન છે એ છે આપણે ત્યાંની રાજ્યસભા સમાન અને બીજું હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ (HOR) એટલે કે આપણા દેશની લોકસભા સમાન. આ બન્ને સદનોમાં સભ્યોની સંખ્યા પણ અલગ-અલગ હોય છે. સેનેટ દરેક સ્ટેટમાંથી બે સભ્યો દ્વારા અર્થાત્ ૧૦૦ સભ્યોનું બનતું હોય છે અને બીજું HOR હોય છે ૪૩૫ સભ્યોનું.
હવે સેનેટમાં જે ૧૦૦ સભ્યોનું હાઉસ છે એમાં ટ્રમ્પની સરકાર મૅજોરિટી ધરાવતી નથી. કોઈ પણ બિલને પસાર કરાવવા માટે સુપર મૅજોરિટીની જરૂર પડે છે અર્થાત્ ૧૦૦ સભ્યોમાંથી કમસે કમ ૬૦ વોટ મળવા જરૂરી છે. એનો સીધો અર્થ એ થયો કે બિલ પાસ કરાવવા માટે ટ્રમ્પ સરકારને ડેમોક્રૅટિક પાર્ટીના સપોર્ટની જરૂર છે. હવે ધારો કે સેનેટમાં જો વર્તમાન સરકારને ૬૦ કે તેથી વધુ વોટ મળી જાય તો ટેમ્પરરી સ્પેન્ડિંગ બિલને અપ્રૂવલ મળી શકે, પરંતુ વર્તમાન સરકાર પાસે સેનેટમાં મૅજોરિટી નથી અને માત્ર ૫૩ સીટ અથવા ૫૩ વોટ જ છે. અર્થાત્ અપ્રૂવલની ૬૦ની મર્યાદાથી ૭ વોટ ઓછા. એને કારણે સરકાર સેનેટમાં આ બિલ પાસ કરાવી શકે એવી પરિસ્થિતિમાં નહોતી અને નથી.
અમેરિકન વ્યવસ્થા પ્રમાણે નિર્ધારિત સમયસીમાની અંદર (૩૦ સપ્ટેમ્બર) સત્તારૂઢ સરકારે આ ટેમ્પરરી સ્પેન્ડિંગ બિલ પાસ કરાવી લેવાનું હોય છે જેથી સરકારી કામો, બધાં ખાતાંઓ, બધી યોજનાઓ અને સરકારી કામકાજો કોઈ પણ આડખીલી વિના ચાલુ રહી શકે. જોકે આ વર્ષે ૩૦ સપ્ટેમ્બરની એ નિર્ધારિત સમયસીમા પૂરી થાય એના એક કલાક પહેલાં જ સેનેટ દ્વારા બિલ રિજેક્ટ કરી નાખવામાં આવ્યું. સરકાર દ્વારા પ્રયત્નો ખૂબ થયા કે તેની ફેવરમાં ૬૦ વોટ મળી જાય અને બિલ પાસ થઈ જાય. આ માટે બે-બે વાર વોટિંગ પણ થયું. એક વાર સરકારના પક્ષમાં ૪૭ વોટ પડ્યા અને બીજી વાર સરકારને પંચાવન વોટ મળ્યા. અર્થાત્ વોટ વધ્યા ખરા, પણ મૅજોરિટી જેટલા નહીં અને બિલ અટવાઈ પડ્યું જેથી અમેરિકન સરકારમાં હાલ શટડાઉન લાગી ચૂક્યું છે.
શા માટે બિલ પસાર ન થયું?
પક્ષ અને પ્રતિપક્ષ બન્ને વોટિંગ કરે એ તો સ્વાભાવિક રીતે જ જરૂરી હોય છે, પણ દેશનું સંચાલન કરવા માટે જરૂરી ગણાતા એવા આ બિલને પાસ થવું જરૂરી છે. સરકાર ભલે ગમે એ પક્ષની હોય, સરકાર કામ કરે અને સામાન્ય કર્મચારીઓ અને દેશની પ્રજાને બંધનાં પરિણામો ન ભોગવવાં પડે એ માટે પણ આ બિલ પસાર થવું જરૂરી તો છે જ. તો પછી ટ્રમ્પ સરકારનું આ એસેન્શિયલ ગણાતું બિલ પાસ કેમ નથી થઈ રહ્યું?
આ માટે સાવ સામાન્ય ભાષામાં કહીએ તો કંઈક એમ સમજાવી શકાય કે જે રીતે ભારતમાં દરેક નાણાકીય વર્ષ માટે નાણાવિભાગના પ્રધાન બજેટ જાહેર કરે છે એ જ રીતે અમેરિકામાં શૉર્ટ ટર્મ એસેન્શિયલ એક્સપેન્સ બિલ તરીકે આ બિલ રજૂ થતું હોય છે. એમાં સરકાર કયા ખાતા કે કઈ એજન્સી પાછળ કેટલો ખર્ચ કરશે એનો પૂરેપૂરો અંદાજ કે બ્યુરો આપવામાં આવ્યો હોય છે. હવે રિપબ્લિકન પાર્ટીનું આ બિલ ડેમોક્રૅટિક પાર્ટીના સેનેટર પસાર નથી થવા દઈ રહ્યા, કારણ કે તેમનું કહેવું છે કે સ્વાસ્થ્ય ક્ષેત્રે થતા ખર્ચમાં સરકાર બહુ મોટો કાપ મૂકી રહી છે અને એ તેમને મંજૂર નથી.
શા માટે શટડાઉન?
૧૮૮૪માં અમેરિકામાં તત્કાલીન સરકાર દ્વારા એક કાયદો બનાવવામાં આવ્યો હતો જેનું નામ છે ઍન્ટિ-ડેફિશ્યન્સી ઍક્ટ. આ કાયદામાં અમેન્ડમેન્ટ તરીકે ૧૯૫૦માં એક સુધારો કરવામાં આવ્યો. આ સુધારામાં કહેવામાં આવ્યું કે ફેડરલ એજન્સીઓ સત્તાપક્ષ અને પ્રતિપક્ષની અનુમતિ વિના કોઈ પણ પ્રકારનો નાણાકીય ખર્ચ કે નાણાકીય જવાબદારીઓ ઊભી કરી શકશે નહીં. અર્થાત્, સરકારે એની બારેય ફેડરલ એજન્સી માટે બારેબાર અપ્રૂવલ્સ લેવાં પડશે. હવે ધારો કે સત્તારૂઢ સરકાર એ અપ્રૂવલ્સ નહીં મેળવી શકી અથવા બારમાંથી જેટલી એજન્સી કે ખાતાનાં અપ્રૂવલ્સ નહીં મેળવી શકી એ ખાતું કે એજન્સી શટડાઉનમાં જતાં રહે છે, જેને પાર્શિયલ શટડાઉન તરીકે ઓળખવામાં આવે છે.
શટડાઉન દરમ્યાન શું?
સૌથી પહેલી અને મહત્ત્વની વાત. જે ખાતું કે એજન્સી અપ્રૂવલ ન મેળવી શકે અને શટડાઉનમાં જાય એના હજારો-લાખો કર્મચારીઓને પગાર વિનાની લાંબી છુટ્ટીઓ પર ચાલી જવાની ફરજ પડે. શા માટે? કારણ કે સરકાર પાસે જે-તે ખાતા પર ખર્ચ કરવાનું અપ્રૂવલ નથી. અપ્રૂવલ નથી અર્થાત્ પૈસા નથી અને પૈસા નથી અર્થાત્ પગાર નથી. તો જે-તે કર્મચારીના ઘરમાં અનિશ્ચિત કાળ સુધી પગાર આવતો બંધ થઈ જશે અને તેને આર્થિક મુશ્કેલીમાંથી પસાર થવું પડશે. ધારો કે કોઈ મહત્ત્વની એજન્સી કે ખાતું છે તો એણે કામનો પગાર મેળવ્યા વિના પોતાની ફરજ બજાવવી પડે. જોકે એસેન્શિયલ સર્વિસિસ જેવી કે સોશ્યલ સિક્યૉરિટી, મિલિટરી ડ્યુટીઝ, ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ, ઍર ટ્રાફિક કન્ટ્રોલ જેવી એજન્સી કે ખાતાંઓનાં કામ અટકતાં નથી, તેઓ કાર્યરત રહે છે. આ સિવાયની બીજી સર્વિસિસ ક્યાં તો બંધ રહે અથવા વિલંબથી ચાલે અથવા ક્યારેક ચાલે, ક્યારેક બંધ રહે એ રીતની અસમંજસમાં કાર્યરત રહે.
અમેરિકા પર અસર થશે?
અમેરિકાનું અર્થતંત્ર ખૂબ મોટું છે. આથી શક્ય છે કે કદાચ આવા શટડાઉનની આર્થિક અસરો તરત સપાટી પર ન દેખાય, પરંતુ સરકારની વિશ્વનીયતાથી લઈને આર્થિક ગ્રોથ અને આર્થિક ઉત્પાદન તથા બજારોમાં એની માઠી અસર થતી જ હોય છે. જેમ કે અમેરિકાના રાજકારણ અને અર્થતંત્રને ખૂબ સારી રીતે સમજતા તજજ્ઞોનું કહેવું છે કે જેટલું લાંબું શટડાઉન એટલી સરકારની શાખ પર વધુ માઠી અસર. આ વખતના શટડાઉન વિશે તેમનું માનવું છે કે ૨૦૧૮ના ટ્રમ્પના શાસન દરમ્યાન જે ૩૪ દિવસનું શટડાઉન આવ્યું હતું એના કરતાં વધુ લાંબું શટડાઉન આ વખતે હશે. આંતરિક અસંતોષ વધી શકે છે એમાં કોઈ શક નથી. આ પરિસ્થિતિ આંતરિક વિગ્રહને પણ જન્મ આપી જ શકે એ વાત પણ નકારી શકાય એમ નથી. ટ્રમ્પ પ્રત્યેનો અણગમો કે અસંતોષ સંસદે આ બિલ પસાર ન થવા દઈને દેખાડી દીધો છે એમ કહીએ તો ખોટું નથી. એટલું જ નહીં, અર્થતંત્રના જાણકારોનું કંઈક એવું મંતવ્ય છે કે આ પ્રકારના શટડાઉનને કારણે અઠવાડિક ઇકૉનૉમિક ગ્રોથમાં ૦.૧ ટકાથી લઈને ૦.૩ ટકા સુધીની અસર આવી શકે છે. આખા વિશ્વ પર પોતે લીડર હોવાની ધાક જમાવવાનો પ્રયત્ન કરતા અમેરિકન રાષ્ટ્રપતિની હાલત હમણાં બકરી ડબ્બામાં ફસાઈ ગઈ હોવા જેવી થઈ ગઈ છે. વિશ્વને સંભાળી લેવાની બડાશ મારતા એક લીડર પોતાના દેશના જ રાજકારણ અને રાજકારણીઓને સંભાળવામાં નિષ્ફળ રહ્યા છે એ દેખાઈ રહ્યું છે. આ પરિસ્થિતિ હજી કેટલા દિવસ ચાલશે એ તો ખબર નથી, પણ એટલું જરૂર કહી શકાય કે જેમ-જેમ દિવસો લંબાતા જશે એમ-એમ અસંતોષ અને વિદ્રોહની લાગણી વધુ પ્રબળ બનતી જશે જે અવ્યવસ્થા ફેલાવવા સુધીની પરિસ્થિતિનું સર્જન કરી શકવા માટે સક્ષમ છે.
આ પહેલાં શટડાઉન?
૨૦૧૮માં ડોનલ્ડ ટ્રમ્પની સરકાર ચૂંટાઈ આવી હતી ત્યારે ૩૪ દિવસનું શટડાઉન રહ્યું હતું. એ સમયે અંદાજે ૮ લાખ જેટલા ફેડરલ ગવર્નમેન્ટના કર્મચારીઓને એની અસર થઈ હતી. એ પહેલાં ૨૦૧૩માં પણ અમેરિકન સરકારે શટડાઉનનો સામનો કર્યો હતો, પરંતુ એ સમયે માત્ર ૧૬ દિવસનું શટડાઉન રહ્યું હતું જ્યારે નવા નાણાકીય વર્ષના બજેટ સાથે સંસદભવનમાં સહમતી નહોતી બની.