B-1 અને B-2 વીઝાના ઇન્ટરવ્યુમાં શું પૂછે છે?

05 November, 2025 10:43 AM IST  |  Mumbai | Dr. Sudhir Shah

B-1 અને B-2 વીઝાના ઇન્ટરવ્યુમાં કૉન્સલર ઑફિસરો સૌપ્રથમ પૂછે છે કે તમે અમેરિકા શા માટે જવા ઇચ્છો છો?

પ્રતીકાત્મક તસવીર

તમે જ્યારે અમેરિકાના નૉન-ઇમિગ્રન્ટ ક્ષેણીના B-1 અને B-2 વીઝાની અરજી કરો છો ત્યારે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાની કલમ 214 (B) હેઠળ કૉન્સલર ઑફિસરોએ ધારી લેવું પડે છે કે તમે બિઝનેસ માટે નહીં, ફરવા માટે નહીં, પણ કાયમ રહેવા માટે અમેરિકા જવા ઇચ્છો છો. આથી તમારે કૉન્સલર ઑફિસરને ખાતરી કરાવી આપવી પડે છે કે તમે અમેરિકા ફક્ત ને ફક્ત બિઝનેસના કાર્ય માટે યા એક પ્રવાસી તરીકે ફરવા જવા ઇચ્છો છો. તમારી પાસે અમેરિકા જવા-આવવાના, રહેવા-ખાવાના અને પરચૂરણ ખર્ચાની પૂરતી જોગવાઈ છે. તમારા દેશમાં તમારા કૌટુંબિક સંબંધો તેમ જ નાણાકીય સંબંધો એટલા ગાઢ છે કે એ સંબંધો જ તમને અમેરિકામાં રહેવા માટે જેટલો સમય આપવામાં આવ્યો હોય એ પૂરો થતાં પાછા તમારા દેશમાં ખેંચી લાવશે.

અમેરિકામાં તમને રહેવા માટેનો જે સમય આપ્યો હોય એનાથી વધુ સમય ત્યાં રહેવાની તમારી ઇચ્છા નથી. તમે ત્યાં ગેરકાયદે નોકરી-ધંધો કરવા કે ભણવા ઇચ્છતા નથી.

B-1 અને B-2 વીઝાના ઇન્ટરવ્યુમાં કૉન્સલર ઑફિસરો સૌપ્રથમ પૂછે છે કે તમે અમેરિકા શા માટે જવા ઇચ્છો છો?

જો તમે કહેશો કે બિઝનેસના કાર્ય માટે તો તમને કહેશે કે શું એ કાર્ય તમે ટેલિફોન દ્વારા, વૉટ્સઍપ દ્વારા, ઈ-મેઇલ દ્વારા કરી ન શકો?

અમેરિકામાં કોને મળશો? શું વાત કરશો? અપૉઇન્ટમેન્ટ લીધી છે? પુરાવાઓ આપો. ફરવાનું કહેશો તો પૂછશે કે ક્યાં ફરશો? એક સ્થળેથી બીજા સ્થળે કેવી રીતે જશો? ક્યાં રહેશો? તમારો ખર્ચો કોણ આપશે? તમારા લાભ માટે કોઈએ ​ઇમિગ્રન્ટ વીઝાની પિટિશન દાખલ કરી છે? અમેરિકા જ શા માટે જવા ઇચ્છો છો? બીજા કોઈ દેશમાં કેમ જતા નથી? આ પહેલાં તમે દેશની બહાર પ્રવાસ કર્યો છે?

બિઝનેસમૅન તરીકે જતા હો તો પૂછશે કે તમારો શું બિઝનેસ છે? અમેરિકા સાથે તમારો શું સંબંધ છે? તમે ત્યાં માલ એક્સપોર્ટ કરો છો કે ઇમ્પોર્ટ કરો છો? ત્યાંના કયા વેપારીને મળવાના છો? તેમમાં નામઠામ આપો. તમે તેમની અપૉઇન્ટમેન્ટ લીધી છે? છેલ્લે તેઓ અચૂક પૂછે છે કે મને એક એવું કારણ આપો જેથી મને ખાતરી થાય કે તમે સ્વદેશ પાછા આવશો?

united states of america columnists gujarati mid day exclusive