બજેટમાં મધ્યમ વર્ગને અપાયેલી કરવેરાની રાહતનો તમે કઈ રીતે ઉપયોગ કરશો?

09 February, 2025 07:07 PM IST  |  Mumbai | Priyanka Acharya

આવતા નાણાકીય વર્ષના બજેટમાં મધ્યમ વર્ગને મહત્ત્વ અપાયું છે. ૧૨.૭૫ લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્તિ મળી હોવાથી સ્વાભાવિક છે કે લોકો પાસે વધુ પૈસા બચશે

પ્રતીકાત્મક તસવીર

આવતા નાણાકીય વર્ષના બજેટમાં મધ્યમ વર્ગને મહત્ત્વ અપાયું છે. ૧૨.૭૫ લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્તિ મળી હોવાથી સ્વાભાવિક છે કે લોકો પાસે વધુ પૈસા બચશે. આ સ્થિતિમાં લોકોને પહેલો વિચાર એ આવશે કે બચેલા પૈસાથી આપણે ભવિષ્ય માટે રોકાણ કરીશું કે હાલની જીવનશૈલીને સુધારવા માટે ખર્ચ કરીશું?

અત્યાર સુધી મોટા ભાગના મધ્યમ વર્ગના પરિવારોમાં કરવેરા બચાવવા માટે જ રોકાણ થતું આવ્યું છે. હવે સારાએવા પ્રમાણમાં આવક કરમુક્ત થઈ ગઈ છે તો શું PPF, વીમા પૉલિસી, ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કીમ, નૅશનલ પેન્શન સ્કીમ વગેરેમાં રોકાણ બંધ કરીને બીજી રીતે સંપત્તિસર્જન કરવું? ચાલો, લોકોની સામે આવી પડેલા અમુક પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયાસ કરીએઃ

1) નાણાકીય સુરક્ષાને અવગણતા નહીં : આરોગ્ય વીમોઃ કંપનીએ આપેલા આરોગ્ય વીમા પર નિર્ભર રહેતા હો અથવા તો ઓછો ખર્ચ થાય એ દૃષ્ટિએ અપૂરતી રકમની પૉલિસી લીધી હોય તો સમગ્ર પરિવારનું પૂરતા પ્રમાણમાં રક્ષણ થાય એવી સર્વાંગી પૉલિસી કઢાવી લેજો.

અત્યાર સુધી ઇમર્જન્સી ફન્ડ રાખ્યું ન હોય અથવા ઓછું રાખ્યું હોય તો હવે ઓછામાં ઓછા ૬થી ૧૨ મહિનાનો ઘરખર્ચ નીકળી શકે એટલું ફન્ડ અલાયદું રાખજો.

કરવેરાનો બોજ સારા પ્રમાણમાં ઊતરી ગયો છે તો પછી કરજનો બોજ શું કામ વધારે રાખવો? જે કરજ પર વધારે ટકા વ્યાજ ચૂકવવું પડતું હોય એને પહેલાં ઉતારી દેજો.

2) સંપત્તિસર્જન માટે રોકાણ : SIPની રકમ વધારી દેજો. અત્યાર સુધી રોકાણના કોઈ સાધનમાં રોકાણ કરવાનું શક્ય બન્યું ન હોય તો હવે એમાં રોકાણ કરવા વિશે વિચાર કરજો.

ઇન્ડેક્સ ફન્ડ, ગોલ્ડ ETF, હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફન્ડ, સોનું-ચાંદી, પ્રૉપર્ટી, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ જેવા વિકલ્પોમાંથી જે બાકી રહી ગયું હોય એમાં રોકાણ કરજો. આ રીતે ડાઇવર્સિફિકેશન થઈ જશે.

3) જીવનશૈલી સુધારવાનું ચૂકતા નહીં : બચેલાં નાણાંનો ઉપયોગ પૂરેપૂરો લાંબા ગાળા માટે કરીને હાલની ઇચ્છાઓને મારી નાખવાનું પણ બરોબર નથી. ક્યાંય ફરવા જવાની ઇચ્છા પૂરી થઈ ન હોય, કોઈ ઘરવખરીની ખરીદી કરવાનું બાકી રહી ગયું હોય, ઘરમાં કોઈ જરૂરી સુવિધા કરાવવાની હોય તો એની પાછળ પણ ખર્ચ કરી શકાય.

પોતાના કે સંતાનોના કૌશલ્ય વિકાસ માટે પણ ખર્ચ કરવાની તક હવે ઊભી થઈ ગઈ છે એવું તમે કહી શકો. આથી કોઈ ઑનલાઇન કોર્સમાં નામ નોંધાવી શકાય.

ટૂંકમાં આ બજેટમાં મધ્યમ વર્ગને આપવામાં આવેલી રાહતનો તમામ પરિવારોએ પોતપોતાની આવશ્યકતા મુજબ અને ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લાભ લેવો. જીવનશૈલી સુધારવા પાછળનો ખર્ચ અને લાંબા ગાળે સંપત્તિસર્જન કરવા માટેનું રોકાણ એ બન્ને વચ્ચે સંતુલન જાળવજો. અને હા, આ બાબતે પરિવારમાં ચર્ચા કરવા માટે પણ એક સારી તક પ્રાપ્ત થઈ છે. પરિવારની પ્રાથમિકતાઓ સાથે મળીને નક્કી કરજો અને કૌટુંબિક જીવનને બહેતર બનાવજો.

union budget columnists mutual fund investment indian economy gujarati mid-day mumbai