01 December, 2024 05:17 PM IST | Mumbai | Dr. Nimit Oza
પ્રતીકાત્મક તસવીર
તબીબીવિજ્ઞાનનાં અઢળક પુસ્તકો વાંચ્યાં પછી પણ ‘Pain-body’ જેવી એક પણ ટર્મ મારા ધ્યાનમાં આવી નહોતી. મેડિકલ સાયન્સમાં આજની તારીખે પણ ‘Pain-body’ જેવો શબ્દ નથી. હા, Body-pain હોઈ શકે પણ Pain-body નહીં. તો આવો એલિયન શબ્દ આવ્યો ક્યાંથી? આ શબ્દ આવ્યો છે વર્લ્ડ સ્પિરિચ્યુઅલ લીડર એકહાર્ટ ટોલ પાસેથી. તેમણે સૌપ્રથમ વાર પુસ્તક ‘ધ પાવર ઑફ નાઓ’માં આ શબ્દ અને ઘટના સમજાવ્યાં અને આજે આ ‘Pain-body’ વિશ્વભરમાં ચર્ચા, રસ અને અભ્યાસનો વિષય બની ગઈ છે. આ એક એવી ઘટના છે જે જાણ્યે-અજાણ્યે આપણા દરેક સાથે સંકળાયેલી છે.
Pain-body એટલે આપણે ભૂતકાળમાં અનુભવેલું એવું ‘ઇમોશનલ પેઇન’, જે હજીયે ક્યાંક આપણી અંદર જીવે છે. જીવનમાં આવેલાં ભાવનાત્મક તોફાનોને કારણે સર્જાયેલી એવી તારાજી, જેની અસર હજી પણ ક્યારેક વર્તાય છે. બગડેલા કે સંઘર્ષમય માનવસંબંધોને કારણે આપણે ભોગવેલી એવી ભાવનાત્મક પીડા, જે આજની તારીખેય આપણા મનમાં ક્યાંક ઘર કરીને વસે છે. ભૂતકાળમાં લાગેલો એવો કોઈ આઘાત, જેમાંથી હજી પણ આપણે સંપૂર્ણપણે મુક્ત નથી થઈ શક્યા. તિરસ્કાર, અસ્વીકાર, અપમાન કે અત્યાચાર. આપણા દરેકના મનમાં વસવાટ કરતી કોઈ જૂની દુભાયેલી લાગણી એટલે Pain-body.
બાળપણથી લઈને અત્યાર સુધીમાં આપણે અનુભવેલા તમામ આઘાત એકત્રિત થઈને Pain-bodyનું નિર્માણ કરે છે. હતાશ કે તદ્દન નાખુશ રહેનારી વ્યક્તિમાં આ પીડા સતત એના સક્રિય સ્વરૂપમાં હોય એવું બની શકે પણ માનસપટ પર સંગ્રહિત થયેલી આ જૂની ઇમોશનલ પીડા મોટા ભાગના લોકોમાં સુષુપ્ત અવસ્થામાં હોય છે. ભૂતકાળમાં લાગેલા આઘાત સાથે સામ્ય ધરાવતી કોઈ પણ નવી ઘટના આપણા જીવનમાં બને છે ત્યારે અચાનક આ ‘Pain-Achhy’ સક્રિય થાય છે. અને એ સમયે આપણા મનમાં ઉદ્ભવતા વિચારો, લાગણીઓ અને અનુભૂતિઓ અત્યંત પીડાદાયક અને વિનાશક હોય છે. મનોચિકિત્સકો જેને ‘પોસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર’ કહે છે એનું અતિસૂક્ષ્મ ઇમોશનલ સ્વરૂપ એટલે Pain-body.
આપણી અંદર પણ આવી કોઈ છૂપી માનસિક પીડા રહેલી છે એ કઈ રીતે ખબર પડે? સાવ સાધારણ લાગતી ઘટના કે અણબનાવ આપણી અંદર જ્યારે તીવ્ર ભાવનાત્મક પ્રતિક્રિયા સર્જે ત્યારે આપણને ખ્યાલ આવી શકે કે આપણી અંદર પણ આવું કંઈક રહેલું છે. જેમ કે એક ખૂબ ગંદા અને પીડાકાયક બ્રેકઅપ પછી માંડ આપણે કોઈ નવી રિલેશનશિપમાં સ્ટેબલ થયા હોઈએ અને એ સમયે આપણું પ્રિયજન કોઈ જેન્યુઇન કારણસર આપણા ફોન ન ઉપાડે તો પણ આપણી અંદર જે બેચેની, ભય અને ગભરાટનું નિર્માણ થાય એ Pain-body છે. ભૂતકાળમાં એક વાર અનુભવેલી પીડા ફરીથી અનુભવવાની શક્યતા અને ડર આપણને Pain-bodyમાં ખેંચી જાય છે. આ બીજું કશું નથી પણ આપણા માનસ પર અંકિત થયેલી નકારાત્મક લાગણીઓની છાપ છે જે અવારનવાર તાજી થયા કરે છે. વર્તમાનમાં થયેલા તણખાને જોઈને, ભૂતકાળમાં લાગેલી કોઈ આગ તમને હજીયે દઝાડતી હોય તો એ Pain-body છે.
એનાથી છુટકારો કઈ રીતે મળે એવા પ્રશ્નનો એકમાત્ર જવાબ છે ‘ધ પાવર ઑફ નાઓ.’ કોઈ પણ આઘાત, નકારાત્મક લાગણી કે પીડાદાયક મનોભાવમાંથી મુક્તિ મેળવવા માટેની ફક્ત બે જ જરૂરિયાતો છે, ઇન્ટેલિજન્સ અને અવેરનેસ. ભૂતકાળની યાતનાઓમાંથી મુક્ત થઈને વર્તમાન ક્ષણને પૂરી સમગ્રતાથી માણી લેવા માટેનાં મુખ્ય બે સાધનો બુદ્ધિમત્તા અને સભાનતા છે.
જે તબક્કેથી આપણે આપણી માનસિક પીડાઓ પ્રત્યે સભાન બનીએ છીએ એ જ ક્ષણથી એ પીડાઓ અદૃશ્ય થવા લાગે છે. આનું કારણ એ છે કે Pain-body સબકૉન્શિયસ સ્તરે કાર્યરત હોય છે. ભૂતકાળમાં થયેલા કડવા અનુભવો, અત્યાચારો અને આઘાતો આપણા સબકૉન્શિયસ માઇન્ડના અંધારામાં રહીને કોઈ આતંકવાદીની જેમ આપણા ભાવવિશ્વ પર છૂપા પ્રહારો કરે છે. એમને હરાવવાનો એકમાત્ર રસ્તો છે આપણી કૉન્શિયસનેસનો પ્રકાશ.
Pain-bodyને મારવા માટે ફક્ત એની પ્રતીતિ જ પર્યાપ્ત છે. આપણી અંદર રહેલી કોઈ પણ માનસિક પીડા વિશે આપણે જ્યારે સભાન બનીએ છીએ એ જ ક્ષણે એ ગાયબ થઈ જાય છે. ભૂતકાળની કોઈ ક્ષણ, પીડા કે લાગણીને પૂરી સભાનતાથી જ્યારે આપણે વર્તમાન ક્ષણથી અલગ પાડીએ છીએ ત્યારે આપણે Pain-body પર વિજય મેળવીએ છીએ.
આ કરવાની એક મારી પદ્ધતિ હું તમારી સાથે શૅર કરું છું. જ્યારે પણ કોઈ પરિસ્થિતિ સતાવે ત્યારે એક કાગળ પર વાસ્તવિક વર્તમાન પરિસ્થિતિ અને ભૂતકાળના કોઈ પ્રસંગથી પ્રેરિત આપણા મનમાં રહેલા કાલ્પનિક ભયનું એક કોષ્ટક બનાવો. ઉદાહરણ તરીકે ‘ત્રણ દિવસથી એનો કોઈ મેસેજ નથી’ અથવા ‘એને તાવ આવે છે’ એ બન્ને વાસ્તવિક વર્તમાન ઘટનાઓ છે. એની સાથે આપણું Pain-body અનુક્રમે ‘એ બ્રેકઅપ કરશે તો?’ અને ‘એને ડેન્ગી હશે તો?’ જેવી ચિંતા કે કાલ્પનિક ભય હોઈ શકે. આવા ડરામણા વિચારો પાછળ આપણા સબકૉન્શિયસ મનમાં રહેલા આઘાતો જવાબદાર છે. પણ જે ક્ષણે આપણે એ ‘Pain-body’ વિશે જાગૃત થઈએ છીએ એ જ ક્ષણે આપણે એનાથી વિમુક્ત થઈને તટસ્થતાપૂર્વક પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ. ભૂતકાળના આઘાત, પીડા કે દુર્ભાગ્ય વર્તમાનમાં કૅરી-ફૉર્વર્ડ નથી થતાં એ સમજણ એટલે Pain—bodyમાંથી છુટકારો.