સાચી શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો વેપાર? ધર્મના નામે થતાં દબાણો અને એનો સાચો ઉકેલ

12 August, 2026 08:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધાર્મિક આસ્થા અને અંધશ્રદ્ધા વચ્ચેનો તફાવત સમજવાની સાથે ગેરકાયદે ધાર્મિક દબાણો, દાનમાં પારદર્શિતા અને જાહેર જગ્યાના રક્ષણ માટે કડક કાયદાકીય પગલાંની જરૂર છે.

ભગવાનજી રૈયાણી

આજે એક ગંભીર વિચાર મનમાં આવે છે કે આપણે સાચી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી રેખા ક્યારે ભૂલી ગયા? આપણી આસ્થા એટલી અંધ કેમ થઈ ગઈ છે કે ધર્મના નામે ચાલતી અનિયંત્રિત અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે આપણે મૌન સેવી લઈએ છીએ? તાજેતરમાં અયોધ્યાનું રામ મંદિર હોય, મુંબઈનું સિદ્ધિવિનાયક હોય કે બદરીનાથ ધામ હોય - મોટાં ધાર્મિક સ્થળોથી લઈને ગલી-મહોલ્લાની દાનપેટીઓ સુધી થતી ચોરીના બનાવો દર્શાવે છે કે જ્યારે આસ્થા ગેરકાયદે કે અસંગઠિત બની જાય છે ત્યારે ધાર્મિક પવિત્રતાનો નાશ થાય છે અને અસામાજિક પ્રવૃત્તિઓને ઉત્તેજન મળે છે. બીજી તરફ જાહેર રસ્તાઓ કે ફુટપાથ પર માત્ર એક પથ્થર અથવા પ્લાસ્ટિકની મૂર્તિ મૂકી, બે નારિયેળ અને ઘંટડી લટકાવીને ધર્મની દુકાન શરૂ કરી દેવામાં આવે છે. આવાં સ્થળોએ દરરોજ લાખો રૂપિયાનું એવું દાન ભેગું થાય છે જેનો કોઈ લેખિત હિસાબ હોતો નથી કે નથી એના પર ક્યારેય કોઈ ઇન્કમ ટૅક્સ ચૂકવવામાં આવતો. આ પરિસ્થિતિ માત્ર કાળાં નાણાં પૂરતી મર્યાદિત નથી, પરંતુ રસ્તાઓ પરના આવા કબજાઓને કારણે નાગરિકો માટે ચાલવાની જગ્યા બચતી નથી અને ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે.
આ ગંભીર સમસ્યા સામે અવાજ ઉઠાવવા માટે એક સિવિલ એન્જિનિયર અને ‘ફોરમ ફૉર ફાસ્ટ જસ્ટિસ’ના વડા તરીકે હું કાનૂની લડાઈ લડ્યો છું અને કોર્ટે મારી તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો. વોટબૅન્કની રાજનીતિ અને લોકોના તીવ્ર ભાવનાત્મક વિરોધ છતાં કાયદાના અમલ હેઠળ મુંબઈના રસ્તાઓ અને ફુટપાથ પરથી આશરે ૧૧૦૦ જેટલાં ગેરકાયદે ધાર્મિક દબાણો જમીનદોસ્ત કરવામાં આવ્યાં. 
આ જટિલ સમસ્યામાંથી બહાર નીકળવા માટે સમાજ અને શાસન બન્નેએ સાથે મળીને મજબૂત પગલાં ભરવાની જરૂર છે. સૌથી પહેલો અને મોટો ફેરફાર આપણા પોતાના દૃષ્ટિકોણથી શરૂ થવો જોઈએ. નાગરિક તરીકે આપણે આપણી વિવેકબુદ્ધિ વાપરવી પડશે અને ફુટપાથ કે ગેરકાયદે જગ્યાઓ પર ઊભાં કરાયેલાં સ્થળોએ આંધળો વિશ્વાસ મૂકીને નાણાકીય દાન આપવાનું બંધ કરવું પડશે. એની સાથે જ સરકાર અને સ્થાનિક પ્રશાસને જાહેર જમીન પર થતાં કોઈ પણ પ્રકારનાં ધાર્મિક દબાણો સામે કોઈ પણ પક્ષપાત કે વોટબૅન્કની રાજનીતિ વગર કડક વલણ અપનાવીને કાયદાનું પાલન કરાવવું જોઈએ; આ ઉપરાંત ધાર્મિક સંસ્થાઓમાં આવતા દાનનો યોગ્ય હિસાબ, ઑડિટ અને પારદર્શિતા હોવાં અત્યંત જરૂરી છે. નાનાં-મોટાં તમામ શ્રદ્ધાકેન્દ્રો પર CCTV કૅમેરા અને મજબૂત સુરક્ષા-વ્યવસ્થા હોવાં જોઈએ જેથી ધાર્મિક સ્થળો ચોરી કે અસામાજિક તત્ત્વોનો ભોગ ન બને. ધર્મ એ આત્મશાંતિ અને સમાજમાં શિસ્ત લાવવાનું માધ્યમ છે, કાયદો તોડવાનું કે જાહેર જનતાને હેરાન કરવાનું નહીં. આપણે જ્યારે સાચી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો આ તફાવત સમજીશું ત્યારે જ આપણે ધર્મની પવિત્રતા અને સમાજની વ્યવસ્થા બન્નેને સુરક્ષિત રાખી શકીશું.

columnists exclusive gujarati mid day mumbai mumbai news