કાળોતરાને દૂધ કોણે પાયું છે?

05 April, 2020 02:36 PM IST  |  Mumbai | Dr Dinkar Joshi

કાળોતરાને દૂધ કોણે પાયું છે?

ખાસ પ્રસંગ માટે સીવડાવેલાં મોંઘાદાટ વસ્ત્રો પરિધાન કરીને તમે વરઘોડામાં સૌથી આગળ ચાલી રહ્યા છો. જાન વરના માંડવેથી કન્યાના માંડવે જઈ રહી છે. અચાનક તમારા ચંપલની પટ્ટી તૂટી જાય છે. હવે ચાલવું અઘરું છે. રસ્તાને એક છેડે બેઠેલા મોચી પર તમારી નજર પડે છે. તમે ન્યાલ થઈ જાઓ છો. દોડીને મોચી પાસે પહોંચી જાઓ છો, મોચી ટેસથી બીડી ફૂંકી રહ્યો છે અને વરઘોડાને રસપૂર્વક જોઈ રહ્યો છે. તેનો રસ વરઘોડો જોવામાં છે, સામે પગ લંબાવીને ઊભેલ ઘરાકમાં નહીં. કહો, આ વખતે તમને કેવું લાગશે?

તમારા શરીરમાં તાવ ભરાયો છે ૧૦૨, ૧૦૩ ડિગ્રી. ઉધરસ આવે છે, છીંકો આવે છે. સામે જ બોર્ડ માર્યું છે - ફલાણા-ફલાણા નર્સિંગ હોમ. તમે વ્યથિત છો, પીડિત છો, અકળાયેલા છો. પેલું બોર્ડ વાંચીને રાહતનો એક શ્વાસ લઈને ત્યાં દોડી જાઓ છો. દરવાજા પાસે જ બીજું બોર્ડ માર્યું છે ‘બહારના દરદીઓને તપાસવામાં આવતા નથી, દવાખાનું બંધ છે’.

પેલા મોચીનો ઇનકાર અને આ ડૉક્ટરનો નકાર, બન્ને પળ શું એકસરખી છે? મોચી કે ડૉક્ટર બે પૈકી એકેય પર તમારો અધિકાર નથી. આમ છતાં, મોચીનો નકાર તમને ગુસ્સે કરશે, ડૉક્ટરનો નકાર તમને હતાશ કરશે. આ બે પળ એકસરખી હોવા છતાં ભિન્ન-ભિન્ન લાગણી શા માટે પ્રેરે છે? મોચી પાસે એક વિશેષ કલા-કારીગરી અને આવડત છે, જે તમારી પાસે નથી અને જેની આ પળે તમને બેહદ જરૂર છે. ડૉક્ટર પાસે પણ આવી જ એક વિશિષ્ટ આવડત છે, જે તમારી પાસે નથી અને જેની તમને આ પળે અનહદ જરૂર છે. ડૉક્ટરનો નકાર તમને હતાશ કરી મૂકે છે, કેમ કે આ હતાશામાં તમારું જીવન અને મરણ બન્ને લટકતા છે એવું એ પળે તમને લાગતું હોય છે (જે ખરેખર હોતું નથી). એટલું જ નહીં, મોચી પારિવારિક જીવન માટે વ્યક્તિગત ધોરણે ત્યાં બેઠો હોય છે. ડૉક્ટરનું હોવું સામાજિક વ્યવસ્થા છે. ડૉક્ટરનું અસ્તિત્વ જ સમાજને કારણે હોય છે. ડૉક્ટર દરદીને તપાસવાની ના પાડે એ કેમ ચાલે? આવો સવાલ તમને થાય છે. ડૉક્ટરને ડૉક્ટર બનાવવા માટે સમાજના લાખો રૂપિયા વપરાયા હશે અને આ લાખોમાં મારા અને તમારા પણ થોડાક હજાર હશે.

કોરોના વાઇરસનું આક્રમણ થયું છે ત્યારથી દેશભરની સરકારી હૉસ્પિટલો ધમધમે છે. ડૉક્ટરો, નર્સો અને તબીબી સ્ટાફ રાત-દિવસ કામ કરે છે. પોલીસ ખાતું, બંબાવાળા, સફાઈ-કામદારો જો કામ કરતાં રોકાઈ જાય તો જે કામ કોવિદ-19થી ન થાય એ કામ આ લોકોના રોકાઈ જવાથી વહેલાસર થઈ જાય! એટલે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સૌનો ઋણસ્વીકાર બાવીસમી તારીખે સાંજે પાંચ વાગ્યે બારી-બાલ્કની-દરવાજામાં ઊભા રહીને તાળીઓ પાડીને કરવાનું કહ્યું અને દેશે આ ફરજ ભાવનાવશ થઈને સ્વીકારી પણ ખરી.

હવે જાણવા મળ્યું છે કે દેશના ખાનગી ડૉક્ટરો પોતાનાં દવાખાનાં બંધ કરીને બેસી ગયા છે. કારણ એવું આપવામાં આવે છે કે વડા પ્રધાને આખા દેશને ઘરમાં જ બંધ રહેવાનું કહ્યું છે. કોરોનાનો ચેપ બહુ ઝડપથી લાગે છે એટલે સૌએ ઘરમાં જ રહેવું એવું કહેવામાં આવ્યું છે. ડૉક્ટરો પણ સામાન્ય માણસ છે એટલે ચેપ કે મૃત્યુનો ભય તો તેમને પણ લાગે. તેમની દલીલ પ્રમાણે ડૉક્ટર જો દવાખાનું ચાલુ રાખે તો જે દરદીઓ સારવાર કે સલાહ માટે આવે એ પૈકી મોટા ભાગના સાચા કેસ ન હોય, પણ માત્ર નજીવા કારણસર શંકાથી દોરાઈને દવાખાને આવે અને કાં તો ચેપના વાહક બને અથવા તો ચેપ ફેલાવે! આમ દવાખાનું ચાલુ રાખવાથી અકારણ જ દર્દનો ફેલાવો વધે છે. આ તર્ક તથ્યવિહોણો નથી અને છતાં પણ સાવ વિશુદ્ધ પણ નથી. જો આ તર્ક દાકતરી વ્યવસાયને આવા કટોકટીના ટાણે વાજબી ઠરાવાય તો પોલીસ ખાતું અને બંબાવાળાને સુધ્ધાં એ જ ન્યાયે તોળવા જોઈએ. કલ્પના કરો કે જો આમ થાય તો શું થાય!

ડૉક્ટરે દરદીને તપાસ્યા પછી લખી આપેલા પ્રિસ્ક્રિપ્શનના કાગળ સામે ક્યારેય ધારીને જોયું છે? ડાબા હાથને મથાળે ડૉક્ટર દવાઓ લખ્યાં પહેલાં બે અક્ષર લખે છે આર અને એક્સ (જોકે ડૉક્ટરે લખેલી દવાના અક્ષરો કેમિસ્ટ સિવાય કોઈ વાંચી શકતું નથી. આ અક્ષરો કૅપિટલ અક્ષરોમાં લખવા અને સાથે જેનેરિક દવાઓનાં નામ પણ લખવા - એવો કાયદો પણ થયો છે, પરંતુ આ કાયદાનો અમલ ડૉક્ટર જેવા સુશિક્ષિત અને સામાન્ય નાગરિકો પણ ભાગ્યે જ કરે છે.) આ આર અને એક્સ ગ્રીક પુરાણ કથાના ઔષધિ વિજ્ઞાનના આદિ પુરુષ RECITEનું સંક્ષિપ્ત નામ છે. દરેક ડૉક્ટર દરદીને દવાનાં નામો સૂચવતાં પહેલાં આ ગ્રીક દેવને નમન કરીને પ્રાર્થના કરે છે - હે દેવ! આ દરદીની સારવાર હવે તને સોપું છું અને તારા કહેવા પ્રમાણે આ દવાઓ આપું છું. હવે તું સંભાળી લેજે.

ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં વૈદક વિદ્યા અથવા ઔષધિ શાસ્ત્રના આદિપુરુષ તરીકે અશ્વિનીકુમારોનું નામ યાદ આવે. અશ્વિનીકુમાર જોડિયા ભાઈઓ છે અને સૂર્યના પુત્રો છે. આ સૂર્યપુત્રો દેવોના વૈદ્યો છે. યજુર્વેદમાં ક્યાંક એવો મંત્ર છે કે અશ્વિનકુમારો અને સરસ્વતીના સંયોગથી ઈન્દ્રનો જન્મ થયો હતો. આ મંત્રનો વાસ્તવિક અર્થ સમજવા માટે આ લખનારે ખાખાખોળા કર્યા ત્યારે એવું સમજાયું હતું કે અશ્વિનીકુમારો શરીર સ્વાસ્થ્યના દેવ છે અને સરસ્વતી બુદ્ધિધન - વિદ્યાની દેવી છે. શરીર સ્વાસ્થ્ય અને વિદ્યાનો સંયોગ થાય તો જ ઈન્દ્ર એટલે કે પરાક્રમ - પૌરુષ પેદા થાય એવું જ માત્ર આમાં ઇંગિત છે. આ સંકેત સંસ્કૃત ભાષાને ગિર્વાણ ગિરા - દેવોની ભાષાને પ્રત્યક્ષ નહીં, પણ પરોક્ષ તરીકે ઓળખાવે છે એ સમજી શકાય એવું છે.

અશ્વિનીકુમારો દેવોના વૈદ્ય ખરા, પણ ભારતીય વૈદક શાસ્ત્રે તો વૈદક વિદ્યાના આદિપુરુષ તરીકે ધન્વંતરીને જ સ્વીકાર્ય છે. દેવો અને દાનવોએ વાસુકિ નાગને નેતરનું દોરડું બનાવીને સમુદ્રને મેરુ પર્વતથી વલોવ્યો ત્યારે જે ૧૪ રત્નો નીકળ્યાં એ પૈકી એક ધન્વંતરી. આ ધન્વંતરી વૈદક વિદ્યાના પ્રથમ પુરુષ-દેવપુરુષ બન્યા. ધન્વંતરીએ સમુદ્ર પાસેથી પ્રાપ્ત કરેલું જ્ઞાન માનવ માત્રના કલ્યાણ માટે સમયાંતરે ચરક અને સુશ્રૂત મારફતે પૃથ્વી પર વહેતું કર્યું.

આજે મહાકાળ કોરોના વાઇરસનું વિકરાળ જડબું ફાડીને આપણી સામે ઊભો છે ત્યારે વૈદક વિદ્યાના આ પરમ પુરુષોને વંદન કરીને તેમની પાસેથી સાંભળીએ - ‘હે પુત્રો, અમે તો તમને જીવન આપ્યું હતું. આ જીવનને આવા બિહામણા મૃત્યુના રૂપમાં પરિવર્તિત તમે અને માત્ર તમે જ કર્યું છે. અમે તમારી સાથે જ છીએ પુત્રો! શરત માત્ર એટલી જ છે કે તમે માણસ - અને માત્ર માણસ બનીને રહો! કોરોના કાળોતરો ખરો, પણ આ કાળોતરાને દૂધ કોણે પાયું છે?’

dinkar joshi weekend guide columnists