KBCમાં આવેલું બાળક તમને પણ મૅનરલેસ લાગ્યું હોય તો આ વાંચી જજો

27 October, 2025 02:11 PM IST  |  Mumbai | Heena Patel

બાળક જે રીતે બોલતું હતું એ જોઈને મને નથી લાગતું કે તેનામાં મૅનર્સ નથી કે તે રૂડ છે. દરેક બાળક આવી રીતે જ વર્તે. કયારેય તમે ટીવી-શોમાં ન ગયા હો, તમારી સામે અમિતાભ બચ્ચન જેવા મહાનુભાવ હોય એવામાં સ્વાભાવિક છે કે બાળક બેચેન થવાનું છે.

KBCમાં આવેલું બાળક અને અમિતાભ બચ્ચન

કોઈ પણ વ્યક્તિના વર્તનને જોઈને સીધા નિષ્કર્ષ પર ઊતરીને ચુકાદો આપી દેવા કરતાં એ વ્યક્તિએ આવું શું કામ કર્યું હશે એ વિચારવાની જરૂર છે. એમાં પણ વાત જ્યારે નાનાં બાળકોના વર્તનને સમજવાની આવે ત્યારે તો વધારે સાવચેત થઈ જવું જોઈએ. ઇશિત ભટ્ટના કેસે આ મુદ્દે સમાજને એક આયનો દેખાડવાનો પ્રયત્ન કર્યો છે

થોડા દિવસો પહેલાં જ ‘કૌન બનેગા કરોડપતિ’માં આવેલા એક બાળક ઇશિત ભટ્ટ અને તેનાં માતા-પિતાને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. કાર્યક્રમ દરમિયાન બાળકની વાત કરવાની શૈલી લોકોને અસભ્ય અને અપમાનજનક લાગી હતી. લોકો બાળકના ઓવરકૉન્ફિડન્સની ટીકા કરી રહ્યા છે. લોકોએ ત્યાં સુધી કહી દીધું કે બાળકનો ઉછેર જ માતા-પિતાએ સરખી રીતે કર્યો નથી; આમાં બાળકની નહીં, માતા-પિતાની ભૂલ છે. ઘણા એક્સપર્ટ એવું કહી રહ્યા છે કે બાળક સિક્સ પૉકેટ સિન્ડ્રૉમથી પીડાઈ રહ્યો છે. ઘરના છ વડીલો એટલે કે મમ્મી-પપ્પા, દાદા-દાદી, નાના-નાની વધુપડતો પ્રેમ, વધુપડતું ધ્યાન અને વધુપડતી સુવિધા સાથે બાળકનો ઉછેર કરે છે ત્યારે તેમનામાં અનુશાસનની કમી આવી જાય છે, તેઓ વધુપડતા આત્મવિશ્વાસુ બની જાય છે. સોશ્યલ મીડિયા પર ટ્રોલિંગ બાદ અમુક એવા પણ લોકો છે જે બાળકના સપોર્ટમાં આવ્યા છે. તેમનું કહેવું છે કે આ રીતે એક નાના બાળકને આ રીતે નિશાન બનાવવું યોગ્ય નથી. દરમિયાન ઇશિત ભટ્ટે સોશ્યલ મીડિયા પર પોતાના વર્તનને લઈને માફી માગી હતી જેમાં તેણે કહ્યું છે, ‘કૌન બનેગા કરોડપતિ’ શો પર મારા વ્યવહારને લઈને હું ઈમાનદારીપૂર્વક માફી માગું છું. મને ખબર છે કે મારી બોલવાની રીતથી અનેક લોકો આહત, નિરાશ અને અપમાનિત અનુભવી રહ્યા છે અને મને ખરેખર એનો અફસોસ છે. એ સમયે હું નર્વસ હતો અને મારું વર્તન ખોટી રીતે સામે આવ્યું. મારો ઉદ્દેશ અસભ્ય રીતે વર્તવાનો નહોતો. હું અમિતાભ બચ્ચન સર અને પૂરી KBC ટીમનું ખૂબ સન્માન કરું છું.’

તેણે આગળ લખ્યું છે, ‘મેં એ મોટો સબક શીખ્યો છે કે આપણાં શબ્દ અને કાર્ય આવા મોટા પ્લૅટફૉર્મ પર આપણી છબિને કઈ રીતે દર્શાવે છે. હું વચન આપું છું કે ભવિષ્યમાં વધુ વિનમ્ર, સન્માનજનક અને વિચારશીલ રહીશ. એ બધા લોકોનો આભાર જેમણે મારું સમર્થન કર્યું અને મને પોતાની ભૂલમાંથી શીખવાની તક આપી.’ જોકે હજીયે આ મુદ્દે સોશ્યલ મીડિયા પર યુઝર્સના મતમતાંતર આવી રહ્યા છે ત્યારે ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ રિદ્ધિ દોશી પટેલ પાસેથી જાણીએ જેઓ નાનાં બાળકો સાથે જ ડીલ કરે છે તથા બાળકોના માનસિક વિકાસ, ભાવનાઓ, વર્તન અને વિચારસરણીને સમજવામાં એક્સપર્ટ છે. તેમના જ શબ્દોમાં વાંચો... 

બાળકને સમજી જુઓ

બાળક જે રીતે બોલતું હતું એ જોઈને મને નથી લાગતું કે તેનામાં મૅનર્સ નથી કે તે રૂડ છે. દરેક બાળક આવી રીતે જ વર્તે. કયારેય તમે ટીવી-શોમાં ન ગયા હો, તમારી સામે અમિતાભ બચ્ચન જેવા મહાનુભાવ હોય એવામાં સ્વાભાવિક છે કે બાળક બેચેન થવાનું છે. તેનું આખું જે વર્તન હતું એમાં ઍન્ગ્ઝાયટી દેખાઈ રહી હતી. મને તો એમાં રૂડનેસ લાગી જ નથી. ઍન્ગ્ઝાયટીમાં ઘણી વાર બાળક ઊંચા અવાજથી બોલે, વચ્ચેથી જ સામેવાળી વ્યક્તિની વાત કાપી નાખે અથવા તો સામેવાળી વ્યક્તિ પર હાવી થવાનો પ્રયત્ન કરે છે. આવું બાળક એટલા માટે નથી કરતું કે તેનામાં મૅનર્સ નથી, પણ એટલે કરે છે કારણ કે તે ચિંતિત, અસુરક્ષિત અથવા ડરેલું હોય છે. ઍન્ગ્ઝાયટીમાં વ્યક્તિ ફક્ત ચૂપ રહે, શાય ફીલ કરે એવું નથી હોતું. બાળકોમાં ઘણી વાર ગુસ્સો, બેચેની અથવા જોરથી બોલવું વગેરે રૂપે પણ ઍન્ગ્ઝાયટી દેખાતી હોય છે. આ તેમની ઍન્ગ્ઝાયટીથી નિપટવાની રીત છે. ચાઇલ્ડ માઇન્ડ ઇન્સ્ટિટ્યૂટની શોધમાં આવું કહેવાયું છે. કેટલાંક રિસર્ચ એવું પણ કહે છે કે જ્યારે બાળક સ્ટ્રેસમાં હોય તો તેની બોલવાની સ્પીડ ફાસ્ટ થઈ જાય છે. KBCમાં આવેલો છોકરો મૅનરલેસ હતો એવું નથી. તે આવ્યો ત્યારે તેણે પ્રણામ કર્યાં હતાં. એટલે આપણે આ બધી વસ્તુ પણ ઑબ્ઝર્વ કરવી જોઈએ. ફક્ત એક જેસ્ચર પર ધ્યાન આપીને તમે એમ ચુકાદો ન આપી શકો કે બાળક રૂડ હતો. આ વસ્તુ માટે માતા-પિતાને દોષી ઠેરવવાનું જરા પણ યોગ્ય નથી. બાળકના વર્તન માટે દર વખતે માતા-પિતાના ઉછેરને જવાબદાર ન ઠેરવી શકાય. તેના પેરન્ટ્સે તેને કેટલું બધું કહ્યું હશે કે તારે શોમાં જવાનું છે, અમિતાભ બચ્ચનને મળવાનું છે, ટીવીમાં તું દેખાઈશ. તો સ્વાભાવિક છે કે બાળક બેચેની ફીલ કરે. એમાં તેનાથી આ રીતે બોલાઈ ગયું તો એમાં કંઈ પેરન્ટ્સનો વાંક નથી. 

અમિતાભ બચ્ચને આપેલો આ બોધપાઠ શીખવા જેવો

હાલમાં જ KBCના એક એપિસોડમાં અમિતાભ બચ્ચને ઓવરકૉન્ફિડન્સને લઈને એક સોનેરી સલાહ આપી હતી. તેમણે ઉદાહરણ સાથે સમજાવતાં કહ્યું હતું, ‘તમે બધાએ બાળપણમાં સાપસીડીની રમત રમી હશે. જ્યારે તમે જીતવાના જ હો ત્યારે એક સાપ આવી જાય છે અને તમે રમતમાં હારી જાઓ છો. એ સાપ રમતને પૂરી રીતે બદલી નાખી શકે છે. વાસ્તવિક જીવનમાં એ સાપ એટલે વધુપડતો આત્મવિશ્વાસ. ઓવરકૉન્ફિડન્સ તમને એક ઝાટકામાં નીચે પાડી શકે છે. દરેક રમત કેટલાક મૂળ સિદ્ધાંતો પર ચાલે છે - જીત, હાર, ઇનામ, ધ્યાન, એકતા અને આત્મવિશ્વાસ. પણ જો આ આત્મવિશ્વાસ અતિમાં બદલાઈ જાય તો તે તમને એક ઝાટકામાં નીચે પાડી શકે છે.’ અમિતાભ બચ્ચને સસલા અને કાચબાની વાર્તાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું, ‘સસલાની જીતવાની પૂરેપૂરી સંભાવના હતી, પણ એના અતિ આત્મવિશ્વાસે એને હારવા પર મજબૂર કરી દીધું. જીવનમાં દરેક પગલું સમજી-વિચારીને ઉઠાવવું જોઈએ. જોખમ લો, પણ અતિ આત્મવિશ્વાસમાં નહીં અને હંમેશાં એક સંતુષ્ટ ખેલાડીની જેમ આત્મવિશ્વાસ સાથે આગળ વધો.’

સમાજની જવાબદારી

સોશ્યલ મીડિયા પર લોકોએ જે હલ્લો મચાવ્યો છે એની કોઈ જરૂર જ નહોતી. આ ટ્રોલિંગ પછીથી બાળક વર્ષો સુધી ટ્રૉમેટાઇઝ રહેવાનું છે. મીડિયાના માધ્યમથી તેનું જે સોશ્યલ સર્કલ છે એમાં બધાને જ ટ્રોલિંગ વિશે ખબર પડશે. તે સ્કૂલમાં જશે તો તેના ફ્રેન્ડ્સ તેને ચીડવશે કે તું તો ટીવી પર બહોત એક્સ્ટ્રા સ્માર્ટ બન રહા થા. કદાચ તે કોઈ એવી સ્કૂલમાં ભણતો હશે જ્યાં ટીચર્સ વધારે સેન્સિ‌ટિવલી નહીં વિચારતા હોય તો તે પણ તેને ટાર્ગેટ કરી શકે. શું બાળક આટલોબધો ટ્રૉમા ડિઝર્વ કરે છે? શા માટે આપણે તેના પ્રત્યે આટલાબધા કઠોર થઈએ છીએ? આપણે તો ઊલટાની તેની પ્રશંસા કરવી જોઈએ. એ લેવલ પર જવાની આપણી કોઈ હેસિયત નથી, પણ આ બાળક ત્યાં સુધી પહોંચ્યું એ જ મોટી વાત કહેવાય. લોકો બાળકનાં માતા-પિતાની ટીકા કરતાં પણ ખચકાતા નથી. આમાં તેનાં માતા-પિતાનો શું વાંક? તે પણ બહાર જશે તો તેમના જાણીતા લોકો તેમને સંભળાવી જશે કે તમે તમારા બાળકને મૅનર્સ પણ શીખવાડી ન શક્યાં; જુઓ, હવે લોકો તમારા બાળક વિશે કેવી-કેવી વાતો કરે છે? સમાજના ભાગરૂપે આપણી જવાબદારી છે કે આપણે લોકોની પ્રગતિમાં તેમનો સાથ આપીએ, નહીં કે તેમને હેઠા પાડવાનો પ્રયત્ન કરીએ. નાની-નાની મિસ્ટેક્સમાં કોઈની આટલી ખરાબ રીતે વગોવણી કરવી યોગ્ય નથી. પરિસ્થિતિને સંભાળવાની આ કોઈ રીત નથી. આપણે એવો સમાજ ઊભો કરવાનો હોય જ્યાં માણસ આ રીતે બહાર આવતાં ડરે નહીં, ટ્રૉમેટાઇઝ ન થાય. 

બચ્ચનસાહેબે કમાલ કરી

લોકોએ અમિતાભ બચ્ચન પાસેથી ખૂબ શીખવા જેવું છે. તેમણે આ આખી વસ્તુને ખૂબ સારી રીતે હૅન્ડલ કરી. તેમણે નાના બાળક સાથે જે રીતે વર્તન કર્યું એ ખૂબ સમજદારીપૂર્વકનું હતું. બાળકને તેમણે જજ કર્યા વગર ફક્ત થોડી સ્પેસ આપી. તેમણે કોઈ ઉતાવળ ન દેખાડી કે ન તેની ટીકા કરી. ફક્ત સમજવાનો પ્રયત્ન કર્યો કે બાળકની અંદર શું ચાલી રહ્યું છે. બાળકો ઘણી વાર વધારે પડતાં લાઉડ કે વધારે પડતાં બોલ્ડ ફક્ત એટલા માટે નથી હોતાં કે એ તેમનો સ્વભાવ છે. ક્યારેક-ક્યારેક તેઓ ડર કે અસહજતાને ઊંચા અવાજની પાછળ છુપાવી દે છે. અમિતાભ બચ્ચનની જેમ આપણે પણ બાળકોની ભાવનાઓને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમનું વર્તન જોઈને સીધું તેમને ખોટા સાબિત કરવાનું ટાળવું જોઈએ. એ માટે તમારે તમારો દૃષ્ટિકોણ બદલવો પડશે. થોડા રોકાઈને જજમેન્ટથી પર જઈને વિચારો, પ્રેમ અને સમજદારી સાથે વાતચીત કરો. બાળકોને તેમની ભાવનાઓ વ્યક્ત કરવાની તક આપો અને તેમને જણાવો કે શાંત રહેવું અથવા સંવેદનશીલ થવું કમજોરી નહીં, પણ સાહસ છે. આપણે બાળકોને સમજવાનો અને સ્વીકાર કરવાનો દૃષ્ટિકોણ અપનાવીશું તો તેમને હીલ થવાનો અને ગ્રો થવાનો મોકો મળશે. એટલે ઇન્ટરનેટ પર જલદીથી નિષ્કર્ષ કાઢતાં પહેલાં થોડી સહાનુભૂતિ અને ધૈર્ય રાખવાં ખૂબ જરૂરી છે. 

kaun banega crorepati mental health amitabh bachchan social media columnists