પગ પર ભરોસો- (લાઇફ કા ફન્ડા)

21 May, 2020 10:42 PM IST  |  | Heta Bhushan

પગ પર ભરોસો- (લાઇફ કા ફન્ડા)

એક ગરીબ માણસ રસ્તા પર દરરોજ ખેલ કરે. એક જગ્યાથી બીજી જગ્યાએ જાય અને જાત-જાતના, ભાત-ભાતના ખેલ દેખાડીને લોકોનું મનોરંજન કરે. આમ કરવાથી જે થોડા સિક્કા મળે એમાં પોતાનું અને પોતાના પરિવારનું પેટ પાળે. તેના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. મોટો દીકરો કેશવ ૧૨ વર્ષનો અને દીકરી પરી ૬ વર્ષની. પત્ની નાનકડું ઝૂંપડા જેવું ઘર સાચવે અને ખેલ કરનાર દીકરા કેશવ અને દીકરી પરીને લઈને ખેલ કરવા જાય.

પરી નાનકડી પણ એકવડી કાયા અને બહુ ચપળ તથા હોશિયાર. પિતાને ખેલ કરતા જુએ અને જોઈને જ શીખી જાય પછી પિતાને કહે, ‘મને બરાબર શીખવાડો.’
પરી આમ એક પછી એક બધા ખેલ કરતા શીખી ગઈ. મોટા ભાઈ કેશવને ખેલ શીખતા ઘણો સમય લાગે, ઘણા તો ફાવે પણ નહીં. ધીમે-ધીમે સમય પસાર થયો અને લગભગ બે વર્ષમાં આઠ વર્ષની નાનકડી ઢીંગલી જેવી પરી પોતાનું અને પોતાના પરિવારનું પેટ પાળવા માટે ઊંચા-ઊંચા થાંભલા પર ચઢીને ખેલ દેખાડતી. બે થાંભલા વચ્ચે બાંધેલા દોરડા પર તે ડર્યા વિના, અટક્યા વિના સડસડાટ ચાલી જતી અને લોકો આ જોઈને મોઢામાં આંગળાં નાખી જતાં. આ બધા કરતબથી નાનકડી પરીને ઘણી બક્ષિસ અને પૈસા મળતા હોવાથી તેમનો પરિવાર રોજ સાંજે ભરપેટ જમી શકતો.
પરીનો મોટો ભાઈ કેશવ પણ ખેલ કરવા સાથે જતો, પણ ઢોલ કે ડફલી વગાડવા જેવા કામ કરતો. અઘરા કે જીવસટોસટના ખેલ તે કરી શકતો નહીં. અઘરામાં અઘરા ખેલ પરી ફટાફટ શીખી જતી અને એ ખેલ કરીને લોકોની વાહ-વાહ મેળવતી. એક દિવસ રાત્રે દીકરા કેશવે પિતાને પૂછ્યું, ‘પિતાજી, તમે પરીને જ અઘરા ખેલ કરવાની તરકીબ શીખવાડો છો. મને પણ અઘરો ખેલ કરવો છે અને કઈ રીતે આસાનીથી કરી શકાય એ શીખવો.’
પિતાએ કહ્યું, ‘દીકરા, હું તો તમને બન્નેને ખેલ શીખવું છું. એકસરખી રીતે જ શીખવું છું. એવી કોઈ તરકીબ નથી જે હું પરીને શીખવું છું અને તને નથી શીખવતો, પણ મને કારણ ખબર છે કે શું કામ નાનકડી પરી બધા ખેલ કરી શકે છે અને તું નથી કરી શકતો.’
કેશવે પૂછ્યું, ‘શું કારણ છે પિતાજી. મને કહો, હું પણ બધા ખેલ કરી પરિવારને મદદ કરવા ઇચ્છું છું.’
ખેલમાં નિપુણ પિતાએ કહ્યું, ‘દીકરા, પરી
બધા જ ખેલિ કરી શકે છે, કારણ કે તેના દિલમાં ધગશ અને આત્મવિશ્વાસ છે કે તે ખેલ બરાબર કરી શકશે અને તેને તેના પોતાના પગ પર ભરોસો છે કે તેના પગ તેને પડવા દેશે નહીં. તારા મનમાં શંકા જ રહે છે કે તને આવડશે કે નહીં. તારા મનમાં ડર છે કે તું પડી જઈશ તો. આ ડર દૂર કર, જાત પર અને પોતાના પગ પર ભરોસો રાખતા શીખ તો તું પણ બધા ખેલ કરી શકીશ. ઊંચે બાંધેલી દોરી પર ચાલી શકીશ.’
પિતાની વાત કેશવને સમજાઈ ગઈ.

heta bhushan columnists