લાઇફ કા ફન્ડા;સાચું જ્ઞાન

25 September, 2020 12:22 PM IST  |  Mumbai | Heta Bhushan

લાઇફ કા ફન્ડા;સાચું જ્ઞાન

એક બ્રાહ્મણના ત્રણ દીકરા હતા. બ્રાહ્મણે ત્રણે દીકરાઓને આશ્રમમાં શાસ્ત્રોના જ્ઞાન માટે મોકલ્યા. થોડા વખતમાં મોટો દીકરો થોડુંઘણું શીખીને પાછો આવી ગયો અને તેણે ઇમાનદારી દાખવી પિતાને કહી દીધું કે પિતાજી મને આ શાસ્ત્રોના અઘરાં વચનો અને અર્થઘટનો સમજાતા નથી અને યાદ નથી રહેતા, હું આગળ અભ્યાસ નહીં કરી શકું. પિતા થોડા દુખી થયા. માતાએ કહ્યું, ‘કઈ વાંધો નહીં, તું તારા પિતા કહે તેમ તેમના કામમાં સાથે રહેજે.’
બે નાના દીકરા આશ્રમમાં શાસ્ત્રોનો અભ્યાસ કરતા રહ્યા અને મોટો દીકરો પિતાને સાથ આપતો, તેમના કામમાં જોડે જતો અને બધી તૈયારીઓ કરતો. માતાને ઘરકામમાં મદદ કરતો. ઘરે માતા પિતાની સેવા કરતો. આમ સમય પસાર થતો હતો. વર્ષો વીત્યાં. વચલો દીકરો ચાર વેદોનું જ્ઞાન મેળવી ઘરે આવ્યો. તેના મોઢે વેદની ઋચાઓ સાંભળી પિતાની છાતી ગજ ગજ ફૂલી. તેઓ બોલ્યા, ‘વાહ દીકરા તે મારી ઇચ્છા પૂરી કરી, હવે તું કર્મકાંડ અને પૂજાવિધિના કામમાં મારી સાથે આવજે.’ દીકરો બોલ્યો, ‘ના, પિતાજી મારે કંઈ અહીં ગામમાં કર્મકાંડી બ્રાહ્મણ નથી બનવું, મારે તો નગરોમાં જઈને રાજાના દરબારમાં જ્ઞાની પંડિતનું સ્થાન મેળવવું છે. તમને મદદ કરવા મોટાભાઈ છે ને...’ અને તે
ચાલ્યો ગયો.
સૌથી નાનો દીકરો તો ચાર વેદ સાથે ઉપનિષદ અને પુરાણોનો જ્ઞાતા બન્યો. તે એટલો પારંગત થયો કે તેના ગુરુજી તેને પોતાની સાથે બધે શાસ્ત્રાર્થ માટે લઈ જવા લાગ્યા. નાનો દીકરો જ્ઞાની પંડિત થઈ પ્રખ્યાત થયો. તેની ખ્યાતિ બ્રાહ્મણ સુધી પહોંચી, પણ નાનો દીકરો પોતે તો ઘરે આવ્યો નહીં. તે ખૂબ જ આગળ વધી ગયો એટલે તેની પાસે ગામડે આવવાનો સમય જ નહોતો. તેની શાસ્ત્રાર્થમાં જીતની ખબર આવતી અને માતા-પિતા ખુશ થતાં. મોટો દીકરો માતા –પિતાની સેવા કરતો હતો. વખત જતા બ્રાહ્મણ વૃદ્ધ થતાં હવે મોટો દીકરો જ તેમના કામ પણ સંભાળતો હતો અને તેમની સેવા પણ કરતો હતો.
એક દિવસ પાડોશીએ બ્રાહ્મણને કહ્યું, ‘તમારા બે નાના દીકરાઓએ વેદ અને ઉપનિષદનો અભ્યાસ કરી ઘણું જ્ઞાન મેળવ્યું અને તમારું નામ ચારે દિશામાં રોશન કર્યું. જીવન સાર્થક કર્યું, પરંતુ બસ આ તમારો મોટો દીકરો થોડો પાછો પડ્યો.’ બ્રાહ્મણે આંખમાં આંસુ સાથે કહ્યું, ‘ભાઈ પહેલાં મને પણ એમ જ લાગતું હતું...પણ મારી ભૂલ હતી. ભલે મારો મોટો દીકરો વેદ અને પુરાણોનો જ્ઞાતા નથી પણ તે સમજદારી...જવાબદારી...વફાદારી...ઇમાનદારી-આ ચાર જીવનના મહત્ત્વના વેદને બરાબર સમજે છે ને એથી વધુ નિભાવે છે. આ ચાર વેદનો મર્મ જાણનાર અને નિભાવનારનું જીવન સૌથી વધુ સાર્થક છે.’

heta bhushan columnists