સાચો ધર્માત્મા (લાઇફ કા ફન્ડા)

01 March, 2021 11:20 AM IST  |  Mumbai | Heta Bhusha

સાચો ધર્માત્મા (લાઇફ કા ફન્ડા)

એક દિવસ ગુરુજીએ પોતાના પટ્ટશિષ્યની પસંદગી કરવા માટે પોતાના શિષ્યોની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. કોઈ શિષ્યને કઈ ખબર ન હતી અને ગુરુજી આખો દિવસ બધાનું વર્તન જોતા, કામ સોંપતાં, પ્રશ્નો પૂછતા અને નિરીક્ષણ કરતા. અઠવાડિયાના નિરીક્ષણ બાદ ગુરુજીએ ત્રણ શિષ્યની પસંદગી કરી, જેઓ બધી કસોટી પર ખરા ઊતર્યા હતા. હવે આખરી કસોટી બાકી હતી.
ગુરુજીએ ત્રણે શિષ્યને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, ‘મારે નવા આશ્રમની પહેલી ઈંટ સાચા ધર્માત્માના હાથે મુકાવવી છે માટે તમે ત્રણે જુદી-જુદી દિશામાં જાઓ અને તમને જે સાચો ધર્માત્મા મળે તેને શોધી લાવો.’
ત્રણે શિષ્ય ધર્માત્માની શોધમાં નીકળ્યા.
થોડા વખતમાં પહેલો શિષ્ય આવ્યો, તેની સાથે એક શેઠ હતા. શિષ્યએ ગુરુજીને કહ્યું, ‘મારી દૃષ્ટિએ આ શેઠ ખરા ધર્માત્મા છે. તેમને આખા રાજ્યમાં અનેક મંદિર બનાવ્યાં છે. ધર્મ પાછળ પુષ્કળ ધન દાનમાં આપ્યું છે. દરેક તીર્થસ્થાન પર તેમના નામની તખ્તી છે.’
ગુરુજીએ શેઠનું સ્વાગત કર્યું અને તેમનાં કામનાં વખાણ કર્યાં.
બીજો શિષ્ય પોતાની સાથે એક પંડિતને લઈને આવ્યો અને ગુરુજીને કહ્યું, ‘ગુરુજી, આ પંડિતજી વેદપુરાણના મહાજ્ઞાની છે. ચાર ધામયાત્રા પગપાળા કરી છે.’
ગુરુજીએ પંડિતને પ્રણામ કર્યા.
ત્રીજો શિષ્ય આવ્યો, તેની સાથે એક સામાન્ય ગરીબ માણસ હતો. તેનાં કપડાં સાવ મેલાંઘેલાં હતાં. ત્રીજા શિષ્યએ કહ્યું, ‘ગુરુજી, આ માણસ રસ્તા પર રખડતા કૂતરાના પગનો ઘા સાફ કરી રહ્યો હતો.મેં તેને પૂછ્યું, આ કામ કરવાથી તમને શું ફાયદો થશે. તો તેણે ઘા સાફ કરતાં-કરતાં જ જવાબ આપ્યો, આ મૂંગા જીવને થોડી તો રાહત મળશે, એ જ ફાયદો છે. મારા મતે ગુરુજી, આ માણસ સાચો ધર્માત્મા છે.’
પહેલા બે શિષ્ય મૂંછમાં હસવા લાગ્યા. ગુરુજીએ પેલા માણસને પૂછ્યું, ‘ભાઈ, કઈ ધર્મધ્યાન કરે છે? તીર્થયાત્રા કરી છે ખરી?’
પેલા માણસે ભોળાભાવે જવાબ આપ્યો, ‘ના, ધર્મધ્યાન તો બહુ આવડતું નથી. ખેતરમાં કામ હોય એ છોડી તીર્થયાત્રાએ ગયો જ નથી. હા, મારાથી થઈ શકે એટલી બીજાને મદદ કરું છું. ગરીબ ભૂખ્યાને રોજ અનાજ આપું છું. કોઈ બીમારની સેવા કરું છું.
ઘાયલ પશુઓની સારવાર કરું છું. બીજું કંઈ કરતો નથી.’
ગુરુજીએ જવાબ સાંભળી કહ્યું, ‘આ બધું કરવાથી તને શું મળે, એના કરતાં કઈ ધર્મ કર.’
પેલા માણસે કહ્યું, ‘એમ કરવાથી મને આનંદ મળે છે અને અન્યની મદદ કરવી એ જ મારો ધર્મ છે.’
ગુરુજીએ ઊભા થઈ પેલા માણસને પ્રણામ કર્યા અને તેના હાથે નવા આશ્રમની પહેલી ઈંટ મુકાવી અને આ અન્ય માણસમાં ધર્માત્માને જોનાર શિષ્યને પોતાનો પટ્ટશિષ્ય ઘોષિત કર્યો.

heta bhushan columnists