ખરું સમર્પણ (લાઇફ કા ફન્ડા)

11 March, 2021 11:31 AM IST  |  Mumbai | Heta Bhusha

ખરું સમર્પણ (લાઇફ કા ફન્ડા)

ખરું સમર્પણ (લાઇફ કા ફન્ડા)

વિશ્વ વિખ્યાત સાધિકા રાબિયા....તેમનું જીવન તેમણે ભગવાનને સમર્પિત કરી દીધું હતું.ઘણા તેમને અરબી મીરાં તરીકે ઓળખતા જેને પોતાના જીવનની ક્ષણે ક્ષણ સર્વેશ્વરના ચરણોમાં સમર્પિત કરી હતી.
એક દિવસ મહાત્મા હસન બસરાઈ સંત રાબિયાને મળવા આવ્યા.અને તેમને રાબિયાને પૂછ્યું, ‘લોકો તને આટલો પ્રેમ કરે છે અને તારી ખ્યાતી ચારે બાજુ ફેલાયેલી છે તો તને કેવું લાગે છે??’ રાબિયાએ કહ્યું, ‘હું તો માત્ર મારા ઈશ્વરને પ્રેમ કરું છું અને તેને જ ઓળખું છું.અને હું બીજાને શું જાતને પણ ભૂલી ગઈ છું.લોકોનો પ્રેમ પણ મને ઈશ્વરનો પ્રેમ લાગે છે અને માનું છું કે મને પ્રેમ કરતા લોકો ઈશ્વરને પ્રેમ કરે છે અને ખ્યાતીમાં મને કોઈ રસ નથી.’
રાબિયાએ આ જવાબ આપ્યો ત્યારે તેના મુખ પર પરમ શાંતિનો ભાવ અને આંખોમાં ભરપુર પ્રેમ છલકતો હતો. મહાત્મા હસને આ ભાવ નોંધ્યા અને પૂછ્યું, ‘રાબિયા, તમારા મુખ પર અચળ શાંતિ છલકે છે.આટલી શાંતિનું રહસ્ય શું છે ??’ રાબિયા હસ્યા અને બોલ્યા, ‘મારી અંદરની શાંતિ મારા મુખ પર પ્રતિબિંબિત થાય છે.’
મહાત્મા હસને પૂછ્યું, ‘રાબિયા તમારી અંદર આટલી શાંતિ આવે છે કયાંથી ??’ રાબિયાએ કહ્યું, ‘મેં તેમને જે વાત થોડીવાર પહેલા કઈ તે જ મારી મનની શાંતિનું કારણ છે.મેં ક્યારેય ‘મારાપણું’ રાખ્યું નથી. હું મારા ‘હું’ ને ઓળખતી નથી. ‘હું પદના તમામ શસ્ત્રો મેં હેઠા મૂકી દીધા છે.હું જાતને ભૂલી ગઈ છું અને એવી ભૂલી ગઈ છું કે હવે મારે કઈ જ કરવાપણું રહ્યું હોય તેવું મણે લાગતું નથી.મારા મનમાં કોઈ ઈચ્છા નથી.’
મહાત્મા હસન ઉભા થઈને રાબિયાના ચરણે પડી ગયા અને બોલ્યા, ‘તમે મહાન છો રાબિયા આટલું સાચું સમર્પણ મેં ક્યાય જોયું નથી.આજથી હું તમને મારા ગુરુનું સ્થાન આપું છું મને આવી શાંતિ મેળવવાનો માર્ગ દેખાડો.’ રાબિયા ઉભા થઈને મહાત્મા હસનને વંદન કર્યા અને બોલ્યા, ‘હું કોઈની ગુરુ બની શકું તેટલું સામર્થ્ય ધરાવતી નથી.એક જ વાત યાદ રાખો જયારે ‘હું’ ને ભૂલી જશો ત્યારે સાચી શાંતિ મેળવવાના માર્ગે આગળ વધી શકાય છે.જીવન ઈશ્વરની ભક્તિમાં સમર્પિત કર્યું છે તેમ માનવાથી અને બોલવાથી સમર્પણ થતું નથી સાચા સમર્પણમાં જાતને ભૂલવી પડે છે.’
સંત રાબિયાએ મહાત્મા હસનને મનની શાંતિ મેળવવાનો માર્ગ દેખાડ્યો

heta bhushan columnists